India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 4

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૪:  બંગાળમાં વિરોધના સૂર ()

ચુઆડ વિદ્રોહ

બંગાળમાં સંન્યાસી વિદ્રોહના સમયમાં જ, પણ એનાથી અલગ બીજો એક વિદ્રોહ પણ શરૂ થઈ ગયો હતો. એ ચુઆડ વિદ્રોહ (Chuar Rebellion) તરીકે ઓળખાય છે. ‘ચુઆડ’ શબ્દ અંગ્રેજી દસ્તાવેજોમાં વપરાયેલો છે અને બંગાળીમાં એનો અર્થ ‘જંગલી’, ‘અસભ્ય’ એવો થાય છે. અફસોસની વાત છે કે અંગ્રેજો તો એને જંગલી માણસોના વિદ્રોહ તરીકે ઓળખાવે પણ સ્વતંત્ર ભારતમાં પણ એને જંગલવાસી આદિવાસીઓના વિદ્રોહ તરીકે માન્યતા નથી મળી. ખરેખર તો, એ જંગલ મહાલના આદિવાસીઓનો વિદ્રોહ હતો. આમ જૂઓ તો એના વિશે ખાસ કોઈ માહિતી જ નથી મળતી. આજે પણ એ મુખ્યત્વે માછીમારો અને કેવટોનો પ્રદેશ છે. કદાચ એ જ કારણે બંગાળીમાં ભદ્રલોક ઇતિહાસકારોએ પણ આ વિદ્રોહને અંગ્રેજ સત્તા વિરુદ્ધ સામાન્ય જનના આક્રોશ તરીકે આલેખવાનું જરૂરી નથી માન્યું. અન્ય ભાષાઓમાં એ વિદ્રોહની ચર્ચા થઈ છે કે કેમ તે ખબર નથી પણ સંભવતઃ ગુજરાતીમાં આપણે પહેલી વાર જ એની ચર્ચા કરીએ છીએ. આ શ્રેણીના બીજા ભાગનો ઉદ્દેશ પણ એ જ દેખાડવાનો છે કે રાજામહારાજાઓ તાબે થઈ ગયા હતા પણ સામાન્ય માણસ તાબે નહોતો થયો. એ મરવા-મારવા તૈયાર હતો; એ જ બીજ વિકસતું રહ્યું અને ૧૮૫૭માં અને તે પછી પણ ફાલતું રહ્યું. પ્લાસી પછી શૂન્યાવકાશ નહોતો સર્જાયો.

ઉપર પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષે પશ્ચિમી મેદિની પુર જિલ્લામાંથી અલગ પાડીને બનાવેલા ઝારગ્રામ જિલ્લા અને એના જંગલ મહાલ વિસ્તારના નક્શા છે. આ જિલ્લામાં ‘સહારા’ જાતિના આદિવાસીઓ રહે છે, જેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ‘સવારા’ તરીકે જોવા મળે છે. ઝારગ્રામ જિલ્લો આ બળવાનું કેન્દ્ર હતો. જિલ્લો આજે પણ પ્રાકૃતિક વન સંપદાથી સમૃદ્ધ છે. મિદનાપુર જિલ્લો પહેલાં ચાર સદી સુધી ઓડિયા રાજાઓ પાસે હતો. તે પછી મોગલકાળમાં પણ એ ઓડિશાનો જ ભાગ રહ્યો પણ મોગલ બાદશાહ શાહજાહાંએ એને બંગાળમાં જોડીને પોતાના શાહજાદા શૂજા હસ્તક મૂક્યો.

અંગ્રેજોએ પોતાની આણ બંગાળમાં સ્થાપી તે પછી પણ મરાઠાઓ એમને વીસ વર્ષ સુધી રંઝાડતા રહ્યા હતા. પાસેના મયુરભંજનો રાજા પણ મિદનાપુરમાં મહેસૂલ વસૂલ કરતો. ૧૭૮૩ના એક રિપોર્ટ પ્રમાણે એ બીજાઓને પણ અંગ્રેજી સત્તા વિરુદ્ધ ભડકાવતો હતો. હવે જમીનદારો પણ એમની સાથે ભળવા લાગ્યા હતાઽઅમ પણ જમીનદારો કોઈની પરવા નહોતા કરતા. એક બાજુથી સંન્યાસીઓનાં ધાડાં અંગ્રેજોને થકવતાં હતાં ત્યાં જ આ નવો ફણગો ફૂટ્યો હતો.

અંગ્રેજોએ તો મોટા જમીનદારોને કાબૂમાં કરી લીધા પણ હવે ચુઆડોનો સામનો કરવાનું બહુ મુશ્કેલ બનતું જતું હતું. પાઇક અને ચુઆડ જંગલ મહાલમાં જ વસતા.. બ્રિટિશ સરકારે જંગલની સંપત્તિ પર પણ પોતાનો અધિકાર સ્થાપ્યો હતો.

૧૭૬૯ના ડિસેંબરમાં ચુઆડોએ હુમલા શરૂ કર્યા પણ મિદનાપુર જિલ્લામાં એમને કંઈ ન કર્યું. પરંતુ જ્યાં પણ ચુઆડો કંઈ કરે ત્યાં અંગ્રેજોએ સેનાની ટુકડીઓ મોકલવી પડતી હતી. કેટલાયે સૈનિકો ચુઆડોના તીરકામઠાંથી માર્યા ગયા અને કેટલાય જંગલથી ટેવાયેલા ન હોવાથી બીમારીમાં જાનથી હાથ ધોઈ બેઠા.

૧૭૯૮ના ઍપ્રિલમાં ચુઆડોએ ખુલ્લો બળવો પોકાર્યો અને જિલ્લાના કેન્દ્ર ભાગ પર જ હુમલો કર્યો અને બે ગામ સળગાવી દીધાં. બીજા જ મહિને ચુઆડોએ બાંકુરા જિલ્લામાં આક્રમણ કર્યું જુલાઈમાં ૪૦૦ ચુઆડોએ ચન્દ્રકોણા થાણા પર છાપો માર્યો. તે પછી કાશીજોડા, તામલૂક, તારકુવા-ચુઆડ વગેરે ઘણા જિલ્લાઓમાં હુમલા કર્યા અને તારાજી વેરી. મિદનાપુરને પણ ખેદાનમેદાન કરી નાખ્યું. ડિસેંબરમાં એમણે છ ગામો પર કબજો કરી લીધો.

મિદનાપુર પાસે બહાદુરપુર,સાલબની અને કરણગઢમાં એમનાં મૂળ થાણાં હતાં. કરણગઢમાં મિદનાપુરની રાણી રહેતી હતી અને એની જમીનદારી પર ‘ખાસ’ નામની બ્રિટિશ નિયંત્રણ હતું. આઅ ત્રણ સ્થળોએથે એ જુદી જુદી જગ્યાએ હુમલા કરતા અને લૂંટનો માલ વહેંચી લેતા. ૧૭૯૯ના ફેબ્રુઆરી સુધીમાંતો મિદનાપુરના ઘણા પ્રદેશો પર ચુઆડોની આણ હતી. જિલ્લાના કલેક્તર પાસે માત્ર ૨૭ ચોકિયાતો રહી ગયા હતા, માર્ચમાં એમણે આનંદપુર પર હુમલો કર્યો અને બે સિપાઇઓને અને બીજા કેટલાક નાઅગરિકોને મારી નાખ્યા અંગ્રેજોના બધા ગાર્ડ જીવ મુઠ્ઠીમાં લઈને નાસી છૂટ્યા.

એમની એક મોટી નબળાઈ એ હતી કે એમની યોજનાઓની એ ખુલ્લી રીતે જાહેરાત કરતા. કોઈ ગામ બાળવાનું હોય તો ગામવાસીઓને અગાઉથી ખબર હોય કે આવતીકાલે ચુઆડો ત્રાટકવાના છે. આનો લાભ અંગ્રેજોને મળ્યો અને કંઈ થવાનું હોય ત્યાં સૈનિકો પહેલાં જ પહોંચી જતા.

આ નબળાઈ એમને આડે આવી અને અંતે અંગ્રેજોએ ૧૭૯૯ની છઠ્ઠી ઍપ્રિલે ઐસગઢ અને કરણગઢ પર ફતેહ હાંસલ કરી. કરણગઢની રાણીને કેદી તરીકે મિદનાપુર લઈ આવ્યા. તે પછી જૂન માહિનાથી કંપનીનો હાથ ઉપર રહેવા લાગ્યો. જો કે ચુઆડોએ થોડા મહિના મચક ન આપી.

આ બળવાનું મૂળ કારણ જિલ્લાનો કલેક્ટર બરાબર સમજ્યો. એને ૨૫મી મે ૧૭૯૯ના એક રિપોર્ટમાં બોર્ડને જાણ કરી છે તે પ્રમાણે પાઇક જાતિ અને એના સરદારોની જમીનો પર ફરી મહેસૂલ શરૂ થયું તે એનું મૂળ કારણ હતું. છેક તેરમી સદીથી એ જમીન ખેડતા આવ્યા હતા. પરંતુ કશાયે અપારાધ વિના જમીણ પરના એમના હક છીનવી લેવાયા તેની સામે ભારે અસંતોષ હતો. એમને પોલીસ રાખવાનો ચાર્જ પણ ચુકવવો પડતો. એના માટે એ કોર્ટમાં જાય, પરંતુ બ્રિટિશ કોર્ટમાં એમને બહુ આશા નહોતી એટલે જ એમણે શસ્ત્રો ઉપાડ્યાં.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં પણ ચુઆડોએ નમતું નહોતું આપ્યું. ૧૮૧૬ સુધી કલકત્તાથી માત્ર ૮૦ માઇલ દૂર બાગડીમાં ચુઆડો અંગેજ સત્તા હોય જ નહીં એમ વર્તતા રહ્યા. સરકારે કબૂલ કર્યું કે પાકી પોલીસ વ્યવસ્થા કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે!

બંગાળમાં આ સૌથી પહેલો વ્યાપક વિદ્રોહ હતો અને એનો દોર જંગલોમાં વસતા આદિવાસીઓના હાથમાં હતો. એમણે અંગ્રેજ સરકારને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.

૧૭૭૪ અને ૧૭૮૪ના કાયદા

દરમિયાન હવે બ્રિટન સરકાર હિન્દુસ્તાનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પ્રવૃત્તિઓ પ્રત્યે વધારે ચિંતાની નજરે જોવા લાગી હતી. બંગાળમાં કંપનીનું રાજ હતું જ. આ રાજકીય સત્તાથી જ ખરેખર તો બ્રિટિશ સરકાર ચેતી ગઈ હતી. એટલે કંપનીનો પંજો વધુ ફેલાય તે પહેલાં બ્રિટનની સંસદે ૧૭૭૪માં એક કાયદો કરીને કંપનીની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની વ્યવસ્થા કરી. જો કે બધી સત્તા કંપનીના હાથમાં રહી પરંતુ બ્રિટન સરકાર હવે એની પાસેથી જવાબ માગી શકતી હતી.

તે પછી ૧૭૮૪માં સરકારે નવો ‘ઇંડિયા ઍક્ટ’ બનાવ્યો એ વખતે વડો પ્રધાન નાનો વિલિયમ પિટ (William Pitt the Younger) હતો એટલે આ કાયદો ‘પિટના કાયદા’ તરીકે પણ ઓળખાય છે. એણે ‘દ્વિમુખી રાજપદ્ધતિ’ દાખલ કરી. હવે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં વેપારને લગતી બાબતો અને વહીવટી સત્તાઓ રહી; રાજકીય સત્તા બ્રિટન સરકારે ત્રણ ડાયરેક્ટરોની ખાનગી કમિટીને સોંપી દીધી. આમ કંપનીનું સ્થાન બ્રિટિશ સરકારે લેવાનું શરૂ કરી દીધું. વિદેશ પ્રધાન અને નાણાપ્રધાનને પણ એમાં સામેલ કરાયા. મદ્રાસ અને મુંબઈના ગવર્નરોની સ્વાયત્ત સત્તાઓ પર કાપ મુકાયો અને એમના ગવર્નર જનરલ નિમાયો.

બંગાળમાં હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ હતો જ, ને એણે આ સત્તાઓ ભોગવી પણ ખરી. પરંતુ એના રાજકીય કાવાદાવા અને રુશ્વતખોરીને કારણે ૧૭૮૫માં એને પાછો બોલાવી લેવાયો.એની સામે સાત વર્ષ કેસ ચાલ્યો. ૧૭૮૬માં એક પૂરક બિલ પસાર કરીને લૉર્ડ કૉર્નવૉલિસને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આમ કૉર્નવૉલિસ ખરા અર્થમાં ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો.

૦૦૦૦

સંદર્ભઃ

૧. Bengal District Gazeteers, (MIdnapore) 1911 by L. S. S. O’Malley (ICS) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. https://www.britannica.com/biography/William-Pitt-the-Younger#ref242494

૩. http://www.jhargram.org/

૪. http://www.indhistory.com/pitts-act.html

૦૦૦૦

%d bloggers like this: