ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ
પ્રકરણ ૩: બંગાળમાં વિરોધના સૂર (૩)
સંન્યાસી વિદ્રોહ (૩)
આપણે સંન્યાસીઓની ભૂમિકા સમજવા માટે અઢારમી સદીના કૂચબિહારમાં આવ્યા છીએ. કૂચબિહારનું રાજ્ય એ વખતે બંગાળનો ભાગ નહોતું.
૧૭૬૫માં કૂચબિહારના સગીર વયના રાજા દેવેન્દ્ર નારાયણનું એક સંન્યાસી રામાનંદ ગોસાઈંની ઉશ્કેરણીથી કોઈએ ખૂન કરી નાખ્યું રાજ્ય નધણિયાતું હતું એટલે રાજ્યના નઝીર દેબ (એટલે કે સેનાપતિ) અને દીવાન દેબ (એટલે કે મુખ્ય દીવાન) વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થઈ ગયો. દીવાન દેબની ઇચ્છા પોતાના ત્રીજા નંબરના ભાઈને ગાદીએ બેસાડીને સત્તા પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપવાની હતી. એણે આના માટે ભૂતાનની સાથે સમજૂતી કરી. એ અરસામાં ઘણા સંન્યાસીઓ નજીકના બ્રિટિશ પ્રદેશોમાં – અને ખાસ કરીને નજીકના મૈમનસિંગ, આસામના ગ્વાલપાડા અને ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાઓમાં ઠરીઠામ થયા હતા. દીવાન અને ભૂતાનના રાજાએ સંન્યાસીઓને પણ પોતાની સેનામાં લઈ લીધા. આ સંન્યાસીઓ પહેલાં બક્સરની લડાઈમાં મીર કાસિમ તરફથી કંપનીના સૈન્યો સામે લડ્યા હતા. કેટલાય એ પહેલાં મરાઠાઓ સાથે પણ હતા. એ ભાડૂતી સૈનિકો હતા એટલે જે પૈસા આપે તેના તરફથી લડતા હતા. બહાદુર તો હતા જ.
નઝીર દેબને આ ચાલની જાણ થઈ ગઈ અને એ અંગ્રેજોને લઈ આવ્યો. આમ પહેલા પ્રયાસમાં તો દીવાનને સફળતા ન મળી પણ અંતે એ સફળ થયો અને એનો ત્રીજો ભાઈ ધારેન્દ્ર નારાયણ રાજા બની ગયો.
૧૭૬૯માં ખગેન્દ્ર નારાયણ નવો નઝીર દેબ બન્યો ત્યારે દીવાન દેબનું સંપૂર્ણ વર્ચસ્વ હતું. એણે દીવાન દેબની જ હત્યા કરાવી દીધી. ભૂતાનને આ ન ગમ્યું. એમના માણસની હત્યા થઈ ગઈ હતી. હવે મહારાજાનો ભાઈ દીવાન બન્યો હતો પણ ભૂતાને મહારાજા અને દીવાન દેબને કેદ પકડી લીધા. ખગેન્દ્ર પણ ભાગી છૂટ્યો. પરંતુ ભૂતાનના ટેકાથી બનેલા નવા રાજાનું પણ અવસાન થઈ ગયું. તે પછી ખગેન્દ્રે નવો રાજા નીમ્યો. ભૂતાને પણ પોતાના તરફથી બીજો એક રાજા નીમી દીધો.
હવે બન્ને રાજાઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. પરંતુ ખગેન્દ્ર રંગપુર પહોંચ્યો ને અંગ્રેજ કલેક્ટર પર્લિંગની મદદ માગી. પર્લિંગે મદદ કરવાની શરત રૂપે બિહારને બ્રિટિશ સરકારનું ખંડિયું રાજ્ય બનાવી દીધું. હવે અંગ્રેજોએ ભૂતાનના રાજા સાથે પણ સમજૂતી કરી અને એને કૂચ બિહારમાં માથું મારતાં રોકી દીધો.
બન્ને દાવેદારોની સેનામાં સંન્યાસીઓ હતા. અંગ્રેજોએ એમાંથી ખગેન્દ્રના સૈનિક સાધુઓને તો બરતરફ કર્યા પણ જે સાધુઓ પહેલાં દીવાનની સેનામાં હતા એમને મોતને ઘાટે ઉતારી દીધા. પરંતુ રાજા તો જોઈએ જ. એટલે અંગ્રેજોએ કેદમાંથી ધારેન્દ્રને છોડ્યો અને ફરી રાજા બનાવી દીધો. આમ ખગેન્દ્ર ફરી સત્તા વગરનો થઈ ગયો. હવે ખરી સત્તા તો અંગ્રેજોની હતી.
ખગેન્દ્ર ભાગી છૂટ્યો અને આજના ઉત્તર પ્રદેશના વિસ્તારનાં જંગલોમાં ભરાઈ ગયો. અહીં ૧૭૮૭માં એણે બે મહંતો ગણેશ ગિરિ અને હરિ ગિરિની મદદથી કૂચ બિહાર પર આક્રમણ કરવાની તૈયારી કરી પણ કંપનીને આ સમાચાર મળી ગયા હતા એટલે ખગેન્દ્ર મહાત થયો. ખગેન્દ્ર નારાયણની સેનામાંથી પણ સાધુ છૂટા પડ્યા અને સામાન્ય લોકોની સાથે જઈને વસતા થઈ ગયા.
અંગ્રેજોએ જમીનદારોને એમના પ્રદેશના રક્ષણની જવાબદારી સોંપી હતી. જમીનદારોએ પોતાના સંત્રીઓ નીમ્યા હતા જે ‘બરકંદાજ’ કે ‘પાઇક’ તરીકે ઓળખાતા. આ બરકંદાજો મૂળ તો સાધુઓ જ હતા. અંગ્રેજો સામે ચડેલા સંન્યાસીઓ અને ફકીરો માટે તો એમને પોતાના જ ગણતા અને બરકંદાજોની સહાનુભૂતિ પણ સંન્યાસીઓ અને ફકીરો સાથે હતી.
બંગાળ અને બિહારમાં બુદ્ધના સમયથી સાધુઓ એક જ સ્થાને રહેતા હોય તે સામાન્ય વાત હતી. શૈવ અને વૈષ્ણવ, બન્ને સંપ્રદાયોના નાગા સાધુઓ અને ફકીરો પણ સ્થાયી થયા હતા. જોવાની વાત એ છે કે આ સાધુઓ ગરીબ નહોતા. જમીનદારો પણ એમની પાસેથી ઉધાર લેતા. ઉધાર પાછી ન ચૂકવે તો સંન્યાસીઓ એની સાથે મારપીટ પણ કરતા અને દેવાના બદલામાં જમીન પણ લઈ લેતા. આમ એક બાજુથી અંગ્રેજ કંપનીની મહેસૂલ પ્રથાથી ગરીબ ખેડૂતો દુઃખી હતા તો બીજી બાજુથી જમીનદારો આ મહંતોથી દુઃખી હતા. જો કે એમણે તો પોતાનો રસ્તો શોધી લીધો. ખેડૂતો પાસેથી વસૂલ કરેલું મહેસૂલ ન ચુકવવું હોય ત્યારે એ કંપનીને લખી નાખતા કે સંન્યાસીઓ રંઝાડતા હોવાથી મહેસૂલ વસૂલ નથી થઈ શક્યું. આમ કંપનીની નજરે સંન્યાસીઓ (અને ફકીરોય ખરા, પરંતુ કંપનીના દસ્તાવેજોમાં બન્ને માટે એક જ શબ્દ ‘સંન્યાસી’ વાપરવામાં આવે છે) એમના મોટા શત્રુ હતા. એ સંન્યાસીઓને ભટકતા લુંટારા ગણાવતા.
૧૭૭૪માં હેસ્ટિંગ્સે સાધુઓ અને ફકીરોને બંગાળમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો. પરંતુ એ તો બધે ઠેકાણે હતા અને કંપની શું કરવા માગે છે તેની બાતમી પણ એમને મળી જતી.
પરંતુ સાધુઓ અને ફકીરોના વિદ્રોહમાં બે નામ બહુ જાણીતાં છેઃ ભવાની પાઠક અને દેવી ચૌધરાણી. ભવાની પાઠક અને મજનુ શાહ વચ્ચે દોસ્તી હતી અને બન્ને એકબીજાને મદદ પણ કરતા. શરૂઆતથી જ એ સંન્યાસીઓને સંગઠિત કરવામાં લાગ્યો હતો અને ખેડૂતો અને બીજા લોકોને એણે જ અંગ્રેજો સામે લડવા પ્રેર્યા. ૧૭૮૭માં એણે અંગ્રેજ વેપારીઓનું એક જહાજ લૂંટ્યું. વેપારીઓએ કલેક્ટર વિલિયમ્સને ફરિયાદ કરી. તે પછી થયેલી એક ઝપાઝપીમાં એ માર્યો ગયો.
દેવી ચૌધરાણી પણ ભવાની પાઠકથી પ્રેરાઈને વિદ્રોહમાં સામેલ થઈ. એ પોતાના ઘરમાં રહેવાને બદલે એક હોડીમાં રહેતી. કંપનીના દસ્તાવેજોમાં એના માટે ડાકુ શબ્દ વાપરેલો છે. એનો અર્થ એ કે કંપની સરકાર માટે એ પણ મોટી શત્રુ હતી. બંકિમ ચન્દ્ર ચેટરજીએ એમની એક નવલકથા ‘દેવી ચૌધરાણી’માં આ વિદ્રોહી મહિલાનાં પરાક્રમો ગૂંથી લીધાં છે.
સંન્યાસીઓ અને ફકીરો છૂટથી ફરતા પણ મહેસૂલની નવી પદ્ધતિએ જમીનદારો પેદા કર્યા. આને કારણે સંન્યાસીઓ, ફકીરો અને સામાન્ય માણસોનું જીવન કપરું થઈ ગયું હતું.
કંપનીએ મહેસૂલ જેવી વ્યવસ્થા વણકરો અને બીજા નાનાંમોટાં કામ કરનારાઓ માટે પણ કરી હતી. વણકરો પેઢી-દર-પેઢી ચાલી આવતી પરંપરા પ્રમાણે કામ કરતા હતા પણ હવે એમનો માલ માત્ર ઈસ્ટ ઇંડિયા કંપનીને જ વેચવાની ફરજ પાડવામાં આવતી. માલ વેચવાની ના પાડે તો એમને જેલમાં ધકેલી દેતા અને માલ આપવામાં વિલંબ થાય તો કોરડા મારતા. અંતે, શાંતિથી જીવન ગાળનારા આ કારીગરોને પણ મુક્તિનો માર્ગ સંન્યાસીઓના વિદ્રોહમાં જ દેખાયો. કેટલાયે વણકરોએ સ્વતંત્ર રીતે અંગ્રેજોને લડત આપી અને પ્રાણોની આહુતિ આપી.
અંગ્રેજો અને જમીનદારો સામે સંન્યાસીઓ ઊભા થયા એટલું જ નહીં પણ સામાન્ય લોકોને પણ ઊભા કર્યા. એમના વિદ્રોહે સીધી રીતે નહીં તો આડકતરી રીતે ઘણી જગ્યાએ વિદ્રોહને જન્મ આપ્યો. ૧૭૫૭માં પ્લાસીમાં જીત્યા પછી અંગ્રેજો સુખે બેસી ન શક્યા. ૧૭૬૫માં એમણે દીવાની સંભાળી તે પછી ૩૫-૪૦ વર્ષ સુધી એમને સતત અજંપાનો સામનો કરવો પડ્યો અને છેક ઈ.સ. ૧૮૦૦માં બધા વિદ્રોહને એ દબાવી શક્યા. બંગાળમાં આવા બીજા વિદ્રોહોમાં ‘ચુઆડનો વિદ્રોહ’ ખાસ નોંધ માગી લે તેવો છે. હવે પછીના પ્રકરણમાં આપણે ચુઆડ અને બીજા વિદ્રોહ વિશે વાત કરશું.
આપણે યાદ રાખવાનું છે કે આ બધી વિદ્રોહી ઘટનાઓમાં રાજાઓ પણ જોડાયા પરંતુ રાજા તો એક બિરુદ હતું, વાસ્તવમાં એ અમુક ગામોના જાગીરદાર જ હતા અને એમનું મહત્ત્વ આનાથી વધારે નહોતું. મુખ્ય ભૂમિકા સામાન્ય માણસની રહી. ખરું જોતાં આ ગરીબ ભૂખી પ્રજાના વિદ્રોહ હતા.
000
સંદર્ભઃ The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ)