India: Slavery and struggle for freedom :: Part 2 :: Struggle for Freedom : Chapter 2

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ: બંગાળમાં વિરોધના સૂર્

સંન્યાસી વિદ્રોહ ()

છિઆત્તેતોરેર મોનોન્તર’ (એટલે કે બંગાળના કૅલેંડર પ્રમાણે ૧૧૭૬નો દુકાળ) એવો ભયંકર હતો કે વૉરેન હેસ્ટિંગ્સના ૧૭૭૨ના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછી ત્રીજા ભાગની વસ્તીને ભૂખ ભરખી ગઈ. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે મુક્ત બજારના અખતરા બ્રિટને હિન્દુસ્તાન અને આયર્લૅંડ જેવાં પોતાનાં સંસ્થાનોમાં કર્યા, પરિણામે દુકાળ પડ્યો. એક બાજુથી ખાવાના સાંસા હતા, બીજી બાજુથી મહેસૂલ વધી ગયું હતું. ધનવાન જમીનદારોએ મહેસૂલ ચુકવવાનું થતું. ઘટતી આવકમાં ઉમેરો કરવા માટે એમણે ગરીબો પર સિતમો ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

મજનુ શાહ

૧૭૭૧માં બિહારના પૂર્ણિયા જિલ્લામાં શાહ મદારના પંથ (જે મદારી’ નામે ઓળખાતા હતા) ફકીરોએ મજનુ શાહની આગેવાની હેઠળ બંગાળમાં પ્રવેશ કર્યો. આ એમનો બીજો પ્રયાસ હતો. આ પહેલાં જમીનદારોએ ફકીરોને ટેકો આપ્યો હતો. આ વખતે અઢી હજાર ફકીરો હતા. જો કે કંપનીને એમને હરાવવામાં બહુ તકલીફ ન પડી અને બધા વેરવીખેર થઈ ગયા. એકલદોકલને શોધવાનું પણ શક્ય નહોતું. આમ એ બધા બંગાળના ખૂણેખૂણે પહોંચી ગયા.

અંગ્રેજોના દસ્તાવેજો પ્રમાણે મજનુ શાહ પોતે ઘોડે ાડીને પૂર્ણિયા તરફ ભાગી ગયો પણ હજી એ ત્યાં જ ધામો નાખીને બેઠો હતો. એટલે કંપનીની નજરે હજી ખતરો ટળ્યો નહોતો.. બીજી બાજુ એ જ અરસામાં અવધ બાજુએથી જમના નદી પાર કરીને ચાર હજાર નાગા સાધુઓ બંગાળમાં પ્રવેશ્યા. જો કે કંપનીના જનરલ બાર્કરે અવધના નવાબ સુજાઉદ્દૌલાને લખ્યું હતું કે છ-સાત હજાર સાધુઓ બંગાળ તરફ આવે છે. આનો જવાબ સાધુઓએ એવો આપ્યો કે એમને ગંગા પાર કરવાનો પરવાનો મળેલો છે. જો કે કોઈ દસ્તાવેજમાં આ નાગા બાવા બંગાળમાં આવ્યા કે નહીં તેનો ઉલ્લેખ નથી. આમ પણ સાધુઓ કે ફકીરો દ્વારા ૧૭૭૧માં ચોમાસા દરમિયાન વસુલાતનું પ્રમાણ ઘટ્યું હોવાનું જણાય છે. પરંતુ ચોમાસું ઊતરતાં ફરી સંન્યાસીઓની અવરજવર વધી ગઈ.

દુકાળ પછી

આમ છતાં આપણે કહી શકીએ કે દુકાળ દરમિયાન અને તે પછી કંપનીની મહેસૂલ નીતિએ માનવ મૃત્યુ અને સંન્યાસી-ફકીરોના હુમલાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો અને એમાં લોકોનું સમર્થન પણ મળ્યું. પરંતુ આપણે દુકાળ પહેલાંના હુમલાઓ પર ફરી નજર નાખીએ તો એમાં રાજકીય તત્ત્વ ઓછું હતું. એક કિસ્સામાં તો ૧૭૬૦માં મરાઠા સૈન્યના સૈનિક નાગા સાધુઓએ બર્દવાન (હવે બર્ધમાન) અને કિશનગઢ જિલ્લાઓમાં ફરજિયાત પોતાનો લાગો વસૂલ કર્યો.

તે પછી ૧૭૬૩માં વૉરેન હેસ્ટિંસના રિપોર્ટ પ્રમાણે બાકરગંજમાં ફકીરો ફેલાઈ ગયા. આપણે જોયું તેમ એમણે ઢાકામાં કંપનીની ફૅક્ટરી પર પણ કબજો કરી લીધો. એ જ વર્ષે રામપુરની ફૅક્ટરીમાં સંન્યાસીઓએ લૂંટફાટ કરી. ૧૭૬૭માં નાગા સાધુઓએ સારન જિલ્લામાં કંપનીના સિપાઇઓને હરાવ. ૧૭૬૮માં એક જમીનદારે નાગા સાધુઓને પોતાનાં આર્થિક હિતો માટે નોકરીમાં લીધા.

પરંતુ ૧૭૭૦ આવતાં હુમલાઓનું પ્રમાણ વધવા લાગ્યું હતું. જો કે ક્યારેક અફવાઓ પણ હોવાનું જણાયું છે. મજનુ શાહ વિશે તો આપણે વાંચ્યું અને હજી પણ એનું નામ આવતું રહેશે. ફકીરો અને સંન્યાસીઓ હવે સીધા જ બ્રિટિશ કંપની સામે પોતાનાં સદીઓ જૂનાં હિતો અને લાભોના બચાવ માટે લડતા થઈ ગયા હતા.

૧૭૭૩માં હેસ્ટિંગ્સ જિલ્લાઓના કલેક્ટરો માટે હુકમ બહાર પાડ્યો કે ‘senassies’ (સંન્યાસીઓ) તરીકે ઓળખાતા લોકોને શસ્ત્રો સાથે એમના જિલ્લામાંથી નીકળવા ન દેવા. શસ્ત્ર સાથે જાનાર વ્યક્તિને રાજ્યની દુશ્મન ગણવામાં આવશે. (અંગ્રેજી દસ્તાવેજોમાંસંન્યાસીઅનેફકીર’, બન્નેને માત્રસંન્યાસીના નામે ઓળખવામાં આવે છે).

ખરું જોતાં, આ હુકમ અવિચારી અને વધારેપડતો આકરો હતો કેમ કે સામાન્ય સલામતી તો હતી જ નહીં અને રાજ્યનો પૂરો અંકુશ નહોતો. આથી કોઈ પણ વેપારી મોટી રકમ લઈને નીકળતો ત્યારે લુંટાઈ જવાનો ભય તો રહેતો જ, એટલે એ શસ્ત્રધારી ટુકડીને સાથે રાખતો. કલેક્ટરો આ વાત બરાબર સમજી શકતા હતા. અંતે, મદ્રાસમાં ફોર્ટ વિલિયમમાં કંપનીની કાઉંસિલે આ હુકમમાં જરૂરી ફેરફાર કર્યો અને સંન્યાસીઓ, વૈરાગીઓ અને ફકીરો પૂરતો આ કાયદો મર્યાદિત રાખ્યો. હેસ્ટિંગ્સને શંકા હતી કે જમીનદારો સંન્યાસીઓને મદદ કરે છે, એટલે એણે જમીનદારો બધી બાતમી આપે તે પણ ફરજિયાત બનાવ્યું. ઉત્તરમાં ભૂતાનના રાજા સાથે પણ એને સમજૂતી કરી કે એ સંન્યાસીઓને આવવા ન દે અને કાઢી મૂકે. રાજા પોતે જો એ ન કરી શકે તો અંગ્રેજ રેસિડંટને જાણ કરે. હેસ્ટિંગ્સે લશ્કરી ટુકડીઓને પણ તૈયાર રાખી પણ અઢારમી સદીના અંત સુધીમાં તો અંગ્રેજ સત્તાને સફળતા ન મળી. આનું મોટું કારણ એ કે સામાન્ય લોકો કંપની સરકારને પણ બીજાનો હક પચાવી પાડનારી લુંટારુ ટોળકી જ ગણતી હતી.

કંપનીએ દરેક જિલ્લામાં ખજાનાના રક્ષણ માટે સિપાઈઓની ટુકડીઓ રાખી હતી. એમને પણ ગામડાંના સામાન્ય લોકોને અને જમીનદારોને સંન્યાસીઓથી બચાવવાની જવાબદારી સોંપી. આની અસર એ થઈ કે આ સિપાઈઓ પોતે જ બ્લૅકમેઇલર બની ગયા.

પરંતુ મજનુ શાહને આવા કોઈ ઉપાયોની પરવા નહોતી. એ ફરી ૧૭૭૩માં સાતસો ફકીરો સાથે બંગાળમાં આવ્યો. એક જમીનદાર પાસેથી એને પંદરસો રૂપિયા વસૂલ કરવાના હતા. મજનુ શાહે કલેક્ટરને આ રકમ વસૂલ કરવામાં મદદ કરવા લખ્યું. જમીનદાર તો ભાગી છૂટ્યો હતો. ફકીરોએ એને શોધીને પકડી પાડ્યો. એને જેમ તેમ કરીને હજારેક રૂપિયા એકઠા કરી લીધા હતા તે તો ચૂકવી દીધા, બાકીની રકમ ફકીરોએ એની સંપત્તિ લૂંટીને વસૂલ કરી.

પરંતુ અહીં સંન્યાસીઓ અને ફકીરો એક થઈ ગયા. પરંતુ કંપનીની ફોજની શિસ્ત સામે એમની એકતા ટકી નહીં અને પરાસ્ત થયા. એમના ધાર્મિક રીતરિવાજો પણ આડે આવતા હતા. આમ તો એમના વચ્ચે આભજમીનનું અંતર હતું પરંતુ, આ નિષ્ફળતા છતાં કંપની પૂરું મહેસૂલ વસૂળ ન કરી શકી અને મોટી ખાધ રહી ગઈ.

સંન્યાસીઓ અને ફકીરો માત્ર પોતાના લાભ માટે જ લડતા હતા એમ કહેવું પૂરતું નથી. ખરેખર તો બંગાળની પાયમાલીનાં મૂળ કંપનીની હકુમતમાં છે, એ વાત એ સ્પષ્ટપણે સમજી શકતા હતા. બીજી બાજુ, કંપનીને લાભ થાય એવી બીજી એક ઘટના બની. ૧૭૭૩માં અવધ અને રોહિલાઓ વચ્ચેની લડાઈમાં રોહિલા હાર્યા અને એમનો પ્રદેશ અવધના કબજામાં આઅવી ગયો. અવધ સાથે તો કંપનીના સંબંધો સારા જ હતા એટલે સાધુઓને રોકવામાં હવે અવધની પણ મદદ મળતી થઈ. આ ઉપરાંત, મરાઠાઓમાં પણ અંદરોઅંદર ફૂટ પડી ગઈ હતી. આમ કંપની માટે અનુકૂળ સંયોગો ઊભા થતા જતા હતા.

આમ છતાં મજનુ શાહ ૧૭૭૬માં ફરી આવ્યો. આ વખતે એણે મહાસ્થાન ગઢની મસ્જિદ પર કબજો કરી લીધો અને ઊઘરાણી શરૂ કરી દીધી. પણ એ ઘણો વખત ન રહ્યો. અંગ્રેજોએ નિરાંતનો શ્વાસ લીધો, પણ મજનુ શાહ એ વખતે તો માત્ર તેલ અને તેલની ધાર જોવા આવ્યો હતો. ત્રણ મહિને એ ફરી ફકીરોની બહુ મોટી જમાત સાથે આવ્યો. આ વખતે રાજપૂત સૈનિકો પણ ફકીરો સાથે જોડાયા! રાજપૂતોને સાથે લઈને મજનુ શાહે કંપનીની સત્તા વિરુદ્ધ વ્યાપક અસંતોષને વાચા આપી અને પોતાના રાજકીય ઉદ્દેશ્યનો સંકેત આપ્યો. એને પરાજિત કરવા માટે કંપનીએ હજી ધીરજ રાખવાની હતી.

પરંતુ સંન્યાસીઓ શું કરતા હતા? આ જાણવા માટે આપણે પાંચ વર્ષ પાછળ અને કૂચબિહારમાં જવું પડશે. કંપની સામેના આ જનઆંદોલનમાં રાજાઓ અને જમીનદારો કે જાગીરદારો પણ હતા, પરંતુ હવે સામાન્ય માણસે મોરચો સંભાળ્યો હતો. મોટા માણસો એમના ભરોસે હતા.


સંદર્ભઃ The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ) અને વિકીપીડિયા.

%d bloggers like this: