India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 1

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૨: આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : બંગાળમાં  વિરોધના સૂર્

સંન્યાસી વિદ્રોહ ()

૧૮મી સદીનો ઉત્તરાર્ધ એક યુગનો અંત હતો અને બીજા યુગનો પ્રારંભ હતો. મોગલો, મરાઠાઓ, નિઝામ, ટીપુ, અવધ વગેર અનેક સ્વાધીન રાજ્યોનો અંત આવ્યો અને બ્રિટિશ યુગ શરૂ થયો.

૧૭૫૭માં પ્લાસીના વિજય પછી કંપનીને દીવાની મળી અને એણે ૧૭૬૭ સુધીમાં મહેસૂલની આખી વ્યવસ્થા બદલી નાખી. મોગલકાળમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા અને દીવાન એમના પર દેખરેખ રાખતો. કંપની દીવાન બની તે પછી એણે વધારે સખતાઇથી કામ લેવા માંડ્યું કારણ કે દીવાનને પણ મહેસૂલનો ભાગ મળતો. કંપનીએ જે જમીનદાર પુરું મહેસૂલ વસૂલ ન કરી શકે તેની જમીનો ઝુંટવી લેવામો કાયદો બનાવી દીધો. આથી જમીનદારો યેનકેન પ્રકારેણ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા થઈ ગયા. પહેલાં ખેડૂત જે અનાજ ઉગાડતો તેનો એક ભાગ રાજ્યને આપતો પણ કંપનીએ રોકડ રકમમાં વસુલાત કરવાનો ચીલો પાડ્યો. ખેડૂતો પાસે રોકડા તો હોય જ નહીં. આપણું અર્થતંત્ર ગાઅમની અંદર સ્વાવલંબી હતું એટલે રોકડ વિના કામ ચાલતું. હવે ખેડૂતોને પોતાનો માલ વેચવાની ફરજ પડતી હતી.

આને કારણે ૧૭૫૭થી ૧૭૬૫નાં વર્ષો ભારે અંધાધૂંધીનાં રહ્યાં. કોણ જમીન મહેસૂલ વાસૂલ કરશે અને કંપની એની શું વ્યવસ્થા કરશે તે સ્પષ્ટ નહોતું અને કંપનીનું લક્ષ્ય જેમ બને તેમ વધારે ધન લૂંટવાનું રહ્યું. ખેડૂતો માટે તો આ દિવસો યાતનાના હતા.

૧૭૬૯માં જ વરસાદ ખેંચાઈ ગયો. કંપનીએ પોતાના સૈનિકો માટે બ્રિટિશ વેપારીઓ મારફતે ગામોમાંથી બધું અનાજ ખરીદી લીધું. તે પછી બીજા વર્ષે ૧૭૭૦માં ફરી આકાશ કોરુંધાકોર રહ્યું અને બંગાળ સખત દુકાળની પકડમાં ઝકડાયું. હવે વેપારીઓ બહુ ઊંચા ભાવે અનાજ વેચવા લાગ્યા પણ ખેડૂતો પાસે પોતે જ વેચેલું અનાજ ફરી ખરીદવાના પૈસા નહોતા. ગામડાંઓમાં અનાજનો દાણો નહોતો. ખેતરો ઊભાં ઊભાં સુકાઈ ગયાં હતાં. આમ છતાં કંપની મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી.

એક પરંપરા પ્રમાણે જ સંન્યાસીઓ અને ફકીરો આખું વર્ષ યાત્રા કરતા રહેતા. જે ગામેથી એ પસાર થાય ત્યાંથી એમને ખાધાખોરાકીનો સામાન મળી રહેતો. ખાસ કરીને આદિ શંકરાચાર્યે બનાવેલા દશનામી સાધુ અને નાગા સાધુઓ આમાં મુખ્ય હતા. આમાં ખાસ કરીને ‘ગિરિ’ અને ‘પુરી’ સંપ્રદાયના સાધુઓ લડાયક હતા. વૈરાગીઓ કે બીજા સંપ્રદાયોના સાધુઓ મોટા ભાગે શાંત્તિ પ્રિય હતા પણ નાગા બાવાઓ હથિયાર વિના ચાલતા નહીં. નવાબ કાસિમ ખાન અને હોલકર અને સિંધિયાએ તો એમને પોતાનાં લશ્કરમાં સામેલ કર્યા હતા કારણ કે એ ખૂંખાર મનાતા, મરવાથી ન ડરતા અને ઝનૂનથી લડતા. એમની પાસે વારતિથિ બહુ પાકેપાયે રહેતાં એટલે દેશમાં ક્યાંય પણ કોઈ પર્વ અથવા કુંભ હોય ત્યાં ઊજવણીને ટાંકણે જ પહોંચી જતા – વર્ષમાં હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર, આસામમાં બ્રહ્મપુત્રમાં સ્નાન, કુંહ મેળા વગેરેમાં એ પહોંચી જતા. આજે પણ આ પ્રથા ચાલુ જ છે. જૂની વ્યવસ્થામાં પ્રજાના જીવનમાં આ વાત એવી વણાઈ ગઈ હતી કે કોઈને ખ્યાલ પણ ન આવતો.

કંપનીએ જ્યારે મહેસૂલની રોકડ વસુલાત શરૂ કરી ત્યાર્રે સંન્યાસીઓને અને ફકીરોને ગામમાંથી અનાજ મેળવવામાં મુશ્કેલી પડવા માંડી આથી એ લૂંટફાટે પણ ચડ્યા. અંગ્રેજોના દસ્તાવેજોમાં સંન્યાસીઓ અને ફકીરોને એક જ અર્થમાં ‘સંન્યાસી’ તરીકે લેવામાં આવ્યા છે અને એમને રખડુ, બેકાર, અને લુંટારા ટોળકીઓ તરીકે ઓળખાવવામાં આવે છે, પણ એ ખરેખર સીધાસાદા સંન્યાસીઓ અને ફકીરો હતા. પરંતુ આર્થિક વ્યવસ્થા બદલાતાં ખેડૂતોના જીવન પર અસર પડી અને સાધુઓનું જીવન ખેડૂતો સાથે સીધું સંકળાયેલું હતું. બ્રિટિશ હકુમત આવતાં એમણે ઘોડેસવાર દળ વીખેરી નાખ્યું આ કારણે હજારો ઘોડેસવાર સૈનિકો કામધંધા વિનાના થઈ ગયા અને એ પણ સાધુઓની જમાતમાં જોડાઈ ગયા હતા. એ ખરેખરા સાધુ નહોતા પણ આ રીતે એમનું ગુજરાન ચાલવા માંડ્યું હતું.

મોગલોએ તો કેટલાય પીરોને ‘સનદ’ એટલે કે કર ઉઘરાવવાનો અધિકાર પણ આપ્યો હતો. પીરો જો કે પોતાનું મનધાર્યું કરતા અને અધિકારથી પણ વધારે વસુલાત કરી લેતા. ક્યારેક સંન્યાસીઓ સાથે એમની અથડામણ થતી ત્યારે હકુમત એમની સામે કંઈ પગલાં ન લેતી. આમ સંન્યાસીઓમાં ફકીરો સામે રોષ પણ હતો. આમ છતાં, હવે આખી જૂની વ્યવસ્થા કડડભૂસ થઈને તૂટી પડી હતી અને સંન્યાસી હોય કે ફકીર, એમણે કંપનીએ ઘડેલા નિયમો માનવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. સંન્યાસીઓ આ સાંખી લેવા તૈયાર નહોતા.

૧૭૭૦ના દુકાળ પહેલાં અને પછી મોટી સંખ્યામાં સંન્યાસીઓ બંગાળમાં આવી પહોંચ્યા. દુકાળ પછી ખેડૂતો પાસે પણ બીજ ખરીદવા માટે તો શું એક ટંક ખાવા માટે ધાન ખરીદવાના પણ પૈસા નહોતા. એટલે ખેડૂતો પણ સંન્યાસીઓ સાથે જોડાઈ ગયા. નાગાંપૂગાં, ચીંથરેહાલ, ભૂખના માર્યા સામાન્ય લોકો લૂંટે નહીં તો એમના પાસે જીવવાનું બીજું સાધન નહોતું.

પણ આ માત્ર દુકાળની જ વાત નથી એનાથી પહેલાં ૧૭૬૩માં ફકીરોના એક જૂથે ઢાકામાં કંપનીની ફૅક્તરીનો કબજો લઈ લીધો હતો. એજ વર્ષે રાજશાહી જિલ્લામાં કંપનીની ફૅક્ટરીને સંન્યાસીઓએ લૂંટી લીધી હતી. ૧૭૬૭માં સારંગ જિલ્લામાં પાંચ હજાર સાધુઓ પહોંચી ગયા. ત્યાંના હાકેમે એમની સામે સૈનિકો મોકલ્યા પણ સાધુ ડર્યા નહીં. સૈનિકોએ ગોળીબાર કર્યા અને અંતે જેવા એ મોળા પડ્યા તેવા જ સધુઓ ત્રાટક્યા અને એંસીને મોતને ઘાટે ઉતારી દીધા. તે પછી આખી ફોજ ભાગી છૂટી. ૧૭૬૯ સુધી તો સાધુઓ જ્યાં અંગ્રેજોની ફોજ મળી ત્યાં એમનો દૃઢતાથી મુકાબલો કરતા રહ્યા અને જીતીને જ ઠંડા પડતા..

આ અજંપો માત્ર્ર બંગાળ પૂરતો મર્યાદિત નહોતો, બિહાર અને અવધમાં પણ એજ હાલત હતી ૧૭૬૯-૭૦ સુધીમાં કંપની સાધુ કે ફકીરોના હુમલાથી સાવધાન થઈ ગઈ હતી અને એણે બંગાળ અને બિહારમાં દરેક જિલ્લામાં ‘સુપરવાઇઝરો’ નીમી દીધા. બિહારમાં કોસી નદીના સુપરવાઐઝરને સમાચાર મળ્યા કે ૩૦૦ ફકીરોનું જૂથ કોસી તરફ આવે છે. એટલે સુપરવાઇઝરે કૅપ્તન સિંક્લેરની આગેવાની હેઠળ લશ્કરી ટુકડી મોકલી. ફકીરો પાસે ભાલા-તલવાર હતાં. ફકીરોએ શાંતિથી વાત કરી. કૅપ્ટન સિંક્લેરની વાત માનીને એમણે પોતાનાં હથિયારો સોંપી દીધાં. સિંક્લેરે થોડા ફકીરોને બાન તરીકે રોકી લીધા. ફકીરોએ આગળ વધીને પોતાના પાંચ હજાર અનુયાયીઓને એકઠા કરી લીધા. આની જાણ થતાં રંગપુર, દિનાજપુર વગેરે સ્થળેથી ટુકડીઓ મોકલાઈ પણ ફકીરોની ફોજ સામે એમનું ગજું નહોતું.. અંતે એક આખી બટાલિયન મોકલવી પડી, પણ એ પહોંચે તે પહેલાં તો ફકીરો જાણે પોતાનો લાગો વસૂલ કરીને જાણે હવામાં ઓગળી ગયા!

સંન્યાસીઓ અને ફકીરો ઈસ્ટ ઇંડિયા કંપની માટે માથાનો દુખાવો બની ગયા હતા કારણ કે એમને લોકોનો પણ ટેકો મળતો હતો. જોવાનું એ છે કે હવે એકમાત્ર સત્તા તો કંપનીના હાથમાં હતી. એટલે બધા રોષનું નિશાન પણ કંપની જ બને એ સ્વાભાવિક હતું. આ સામાન્ય લોકો હતા, એમને રાજપાટ નહોતાં જોઈતાં, બે વખત ખાવાનું મળી જાય તો એ શાંત રહેત પણ ઈસ્ટ ઇંડિયા કંપનીનું પેટ તો ભરાય તેમ જ નહોતું!


આપણે સંન્યાસી વિદ્રોહ વિશે આગળ પણ ચર્ચા કરશું.


સંદર્ભઃ

The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

%d bloggers like this: