India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 30

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૩૦: ટીપુનું મૃત્યુ

ટીપુ ધીમે ધીમે પોતાના પ્રદેશો પરથી કબજો ખોતો જતો હતો.  નીચે બે નક્શા સરખામણી માટે આપ્યા છે. એક બાજુથી ઈસ્ટ ઇંડિયા કંપની અને બીજી બાજુ કંપનીના સાથમાં મરાઠા સામ્રાજ્ય અને નિઝામ – આમ ટીપુ પર ત્રણ જાતનું દબાણ હતું. ફ્રેંચ કંપની એને સાથ આપતી હતી પણ  એનાં હિતો ટીપુની યોજનાઓ સાથે સંપૂર્ણ મેળમાં નહોતાં. ફ્રેંચ કોઈના મિત્ર નહોતા, પણ અંગ્રેજો સામે એમને સૌની મદદ જોઈતી હતી.

જનરલ હૅરિસ ૨૧,૦૦૦ની ફોજ લઈને ૧૭૯૯ની ૧૪મી ફેબ્રુઆરીએ વેલ્લોર પાસે પહોંચી ગયો. તે સાથે જ કર્નલ વૅલેસ્લીનું ૧૬,૦૦૦નું સૈન્ય ૨૦મીએ એની સાથે જોડાયું. મુંબઈ પ્રેસીડેંસીએ ૬,૨૦૦નું દળ જનરલ સ્ટૂઅર્ટની આગેવાની હેઠળ મોકલ્યું. સેરિંગપટમ પર દક્ષિણેથી હુમલો કરવા માટે કર્નલ રીડ અને બ્રાઉન ત્રિચિનાપલ્લીમાં તૈયાર હતા. પાંચમી માર્ચે હૅરિસ બેંગલોર પહોંચ્યો. ટીપુએ વૅલેસ્લી સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો પણ વૅલેસ્લી તૈયાર ન થયો. કંપનીએ ચારે બાજુથી દળકટક મોકલ્યું છે એ જાણીને ટીપુએ મુકાબલાની તૈયારી કરી. એણે હૅરિસની પાછળ પોતાના બે સરદારોને મોકલ્યા અને પોતે ૧૨,૦૦૦ની ફોજ લઈને સ્ટુઅર્ટની સામે ગયો. મડ્ડૂર ગામ પાસે એણે પડાવ નાખ્યો. પણ સ્ટુઅરટને સેરિંગપટમમાંથી જ બાતમી મળી ગઈ હતી કેટીઉ એને પેરિયાપટમ પાસે આંતરશે. જો કે. બન્ને સૈન્યો વચ્ચે છમકલાં થયાં પરંતુ ટીપુ સેરિંગપટમ પાછો ચાલ્યો ગયો. આ બાજુ હૅરિસની સામે ગયેલા સરદારો પૂર્ણય્યા અને સૈયદ સાહેબ અંગ્રેજો સાથે મળી ગયા હતા એટલે એમણે હૅરિસના માર્ગમાં અડચણ ન નાખી.

ટીપુએ આ પહેલાંનાં યુદ્ધોમાં અંગ્રેજ ફોજને ખાધખોરાકીનો સામાન ન મળે એવું પહેલાંથી જ કરી દીધું હતું પણ આ ચોથી લડાઈમાં એને અધીન સરદારોએ એવું કંઈ જ ન કર્યું. બીજી બાજુ, અંગ્રેજોના લાવલશ્કર, ઘોડા, માલ ઊંચકવા માટેના બળદો, લડાઈમાં ભાગ ન લેનારા નોકરચાકરો વગેરે માટે તો જેટલું મળે તે ઓછું પડતું હતું. જે કંઈ માલસામાન હતો તે ખૂટતો જતો હતો. હૅરિસ માટે આ મોટી સમસ્યા હતી. એટલે ગઢ પર હુમલો કરીને લડાઈનો જલદી અંત લાવવાનું જરૂરી હતું.

મે મહિનાની ત્રીજી તારીખની રાતે એમણે કિલ્લામાં એક ગાબડું જોયું. ગઢની આ બાજુની રખેવાળી ટીપુએ મીર સાદિકને સોંપી હતી. પણ એ અંગ્રેજો સાથે ભળી ગયો હતો. એને હૅરિસને બીજા દિવસે બપોરે ઘૂસવાની સલાહ આપી. બરાબર એ સમય આવ્યો ત્યારે એ પોતાની ટુકડીને પગાર ચુકવવાના બહાને બીજે લઈ ગયો. તે પછી ટીપુના દ્રોહીઓએ સફેદ કપડું ફરકાવીને સંકેત આપતાં સૈનિકો ખાઈમાંથી કૂદીને કિલ્લામાં ધસી ગયા. એમનો મુકાબલો તો થયો પણ મોટા ભાગે મોકળું મેદાન જ મળ્યું.

ટીપુને આ ગાબડાની ખબર પડતાં એ તરત એ દિશામાં રવાના થઈ ગયો. એની પાસે ઘોડો નહોત્તો અને એ સામાન્ય સૈનિક જેમ જ તલવાર લઈને નીકળી પડ્યો. પણ એ કિલ્લાના પાણીનાકા પાસે લશ્કર બહુ હતાશ થઈ ગયું છે તે સમાચાર મળતાં ઘોડા પર બેસીને ત્યાં પહોંચ્યો. અહીં એણે સરદારને નાકું ખોલી નાખવા હુકમ કર્યો પણ એણે દાદ ન દીધો. ટીપુ ઘાયલ થઈ ગયો હતો અને નાકું વટાવવાની કોશિશમાં એના પર ત્રીજો હુમલો થયો. એનો ઘોડો ત્યાં ને ત્યાં મરી ગયો. ટીપુના અંગરક્ષકો એને પાલખીમાં લઈ જવાની કોશિશમાં લાગ્યા પણ ચારે બાજુ  ઠેકઠેકાણે લાશોનો ગંજ ખડકાયો હતો એટલે લઈ જવાય તેમ નહોતું. એના સાથી રઝા ખાને એને સલાહ આપી કે ટીપુ પોતાની ઓળખ જાહેર કરી દે. પણ ટીપુએ ન માન્યું. એ જો પોતાનું નામ છતું કરે તો અંગ્રેજો એને જીવતો કેદ પકડી લે તેમ હતા! ટીપુએ  સામાન્ય સૈનિક જેમ મરવાનું પસંદ કર્યું. એ જ વખતે કેટલાક સૈનિકો આવ્યા અને એમાંથી એક જણે ટીપુના લમણામાં ગોળી મારી દીધી. ટીપુ લોથ બનીને ઢળી પડ્યો.

અંગ્રેજોને ખબર નહોતી કે ટીપુ મરાયો છે એટલે કિલ્લો ફતેહ કર્યા પછી એમણે ટીપુની શોધખોળ આદરી. મહેલમાંથી શાહજાદાઓને કેદ કર્યા અને પછી પાણીનાકા પાસે પહોંચ્યા. ત્યાં રઝા ખાન ઘાયલ પડ્યો હતો. એણે ટીપુની લાશ તરફ આંગળી ચીંધી.

બીજા દિવસે એને અંગ્રેજ સૈન્યે સલામી આપી અને લાલ બાગમાં હૈદર અલીની કબર પાસે દફનાવી દેવાયો. એ રાતે અંગ્રેજ ફોજે શહેરમાં ઘરેઘર છાપા માર્યા અને એટલું ધન લૂંટ્યું કે  ઉપાડી શકે તે નહોતા અને ઘણું તો એમ ને એમ ફેંકી દીધું! ટીપુની તલવાર હૅરિસે બેયર્ડને ભેટ આપી.

સેરિંગપટમના પતન સાથે મૈસૂર રાજ્ય અંગ્રેજોના હાથમાં આવી ગયું હજી અમુક જગ્યાએ અંગ્રેજો પહોંચ્યા નહોતા, પણ હવે ટીપુના મૃત્યુ પછી અંગ્રેજોનો સામનો કરવાની કોઈની તૈયારી નહોતી. પરંતુ વૅલેસ્લીએ પોતાની સત્તાની જાહેરાત કરવાનું ટાળ્યું કારણ કે એમ કરે તો અંગ્રેજોનો સાથી નિઝામ પાડોશી દાવે વધારે સબળ બની જાય, જે એમના બીજા સાથી મરાઠાઓને પસંદ આવે તેમ નહોતું. આથી એણે પરંપરાગત વોડેયાર રાજપરિવારમાંથી એકને રાજગાદી સોંપી પણ એને અંગ્રેજોને અધીન રહેવાનું હતું. મૈસૂર રાજ્યનો મોટો ભાગ કંપની અને નિઝામ વચ્ચે વહેંચાઈ ગયો અને થોડો પ્રદેશ મરાઠાઓને ફાળે પણ આવ્યો.

હવે હિંદુસ્તાનની ભૂમિ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો હતો.

()()()

હવે આપણે પાદટીપ તરીકે ઈસ્ટ ઇંડિયા કંપની અને શીખો વચ્ચે થયેલાં બે યુદ્ધની પણ નોંધ લઈ લઈએ. મહારાજા રણજીતસિંઘે ૧૮૦૧માં પોતાને પંજાબના મહારાજા જાહેર કર્યા પણ એમનો મુખ્ય સંઘર્ષ અફઘાનો સાથે રહ્યો. પંજાબની સરહદે કંપની સાથે એમણે સાવચેતીભરી મિત્રતાના સંબંધ રાખ્યા. સતલજની પેલે પાર અમુક પ્રદેશ પણ એમણે અંગ્રેજોને સોંપી દીધો હતો. પરંતુ એમની પાછળ દીવા તળે અંધારું હતું ૧૮૪૫-૪૬માં અંગ્રેજો અને શીખો વચ્ચે પહેલી લડાઈ થઈ, તેમાં અંગ્રેજો જીત્યા. ફરી ૧૮૪૮માં બન્ને લશ્કરો ટકરાયાં ત્યારે કંપનીએ આખું રાજ્ય જ પોતાને હસ્તક કરી લીધું. શીખોને પોતાના સૈન્યમાં સ્થાન આપ્યું અને ૧૮૫૭ના બળવા વખતે વિદ્રોહીઓ સામે અંગ્રેજોએ એમનો ઉપયોગ કર્યો.

0-0-0

સંદર્ભઃ

(૧) History of Tipu Sultan, by Mohibbul Hasan Khan, 1951 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(૨) વિકીપીડિયા

xxxxxxxx

આવતા અઠવાડિયે આ પહેલા ભાગની સમીક્ષા સાથે સમાપન કરીશું અને ઑક્ટોબરના પહેલા ગુરુવારથી બીજો ભાગ શરૂ કરીશું જેમાં અંગ્રેજી સત્તા સામે ફેંકાયેલા પડકારો વિશે વાત કરીશું.

%d bloggers like this: