India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 29

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૯: ટીપુ, ફ્રેંચ અને બ્રિટિશ કંપનીઓ

હૈદર અલી અને એના પુત્ર ટીપુ સુલતાનનો સૂર્ય કર્ણાટકમાં આકાશમાં ચડીને મધ્યાહ્ને પહોંચ્યો એ સમય અને બંગાળ પર અંગ્રેજોએ કબજો કર્યો તે સમય લગભગ એક જ છે, એ કદાચ સંયોગ છે, પણ વ્યૂહાત્મક કારણોસર ટીપુએ એક-બે વાર અંગ્રેજો સાથે સંધિ કરી તે સિવાય અંગ્રેજોને સૌથી મોટી દુશ્મન તાકાત તરીકે જોવાની એની દૃષ્ટિને માત્ર સંયોગ ન કહી શકાય. એ એની દીર્ઘદૃષ્ટિ હતી. હૈદર અલીએ ૧૭૬૬માં કેરળના મલબાર પ્રદેશને જીતી લીધો ત્યારે ૧૫ વર્ષના ટીપુને પણ એ સાથે લઈ ગયો હતો. આ લડાઈમાં ટીપુએ સક્રિય ભાગ લીધો અને જબ્બર સાહસ દેખાડ્યું.

પહેલું અંગ્રેજમૈસૂર યુદ્ધ

૧૭૬૭માં હૈદર અલી અને ઈસ્ટ ઇંડિયા કંપની વચ્ચે પહેલી સીધી લડાઈ ફાટી નીકળી. નિઝામ અને મરાઠા અંગ્રેજો સાથે હતા અને ફ્રેંચ કંપનીએ હૈદર અલીને ટેકો આપ્યો. હૈદર અલીએ ટીપુને નિઝામ પાસે મોકલીને એની સાથે સંધિ કરી લીધી અને અંગ્રેજોને એકલા પાડી દીધા. ટીપુ સેરિંગપટમ પાછો આવ્યો ત્યારે હૈદર અલીએ એનું સન્માન કર્યું અને એને ફોજનો કમાંડર બનાવ્યો. તે પછી તિરુવનમલૈ, તિરુપ્પુર અને બીજા કેટલાયે મોરચે ટીપુ બાપની સાથે જ રહ્યો. પરંતુ મેંગલોરમાં અંગ્રેજોના કિલ્લાને ઘેરતી વખતે ટીપુ એકલો જ ફોજ લઈને ગયો હતો. અહીં અંગ્રેજોને નામોશીભરી હાર ખમવી પડી. બીજી બાજુથી હૈદર અલીએ પણ આખા મલબારમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા.

૧૯૬૯માં મરાઠા-મૈસૂર યુદ્ધ

અંગ્રેજો સાથેની સીધી લડાઈ બે વર્ષ ચાલી અને પૂરી થતાં જ ૧૯૬૯માં મરાઠાઓએ મૈસૂર પર હુમલો કર્યો. હૈદર અલી ઘમસાણ યુદ્ધ કરવા નહોતો માગતો, માત્ર શત્રુ ત્રાસીને પાછો જાય તે એના માટે ઘણું હતું. એટલે એણે ટીપુને મોકલીને મરાઠા સૈન્યના માર્ગમાં આવતાં ગામોના પાકનો નાશ કરાવ્યો. કુવાઓમાં ઝેર નંખાવ્યું અને પુલો તોડી પડાવ્યા. આમ છતાં, ૧૭૭૧ના માર્ચમાં મેલૂકોટે પાસેની લડાઈમાં મરાઠાઓએ હૈદરને સખત હાર આપી.

મૈસૂરના ઘણા મોટા સરદારો કેદ પકડાયા કે માર્યા ગયા પણ ટીપુ સાધુના વેશમાં ભાગી છૂટ્યો હતો. બીજી બાજુ મરાઠાઓને વિજયનો કેફ ચડ્યો એમણે તરત સેરિંગપટમ પહોંચવું જોઈતું હતું પણ દસ દિવસ લગાડ્યા અને માર્ગમાં મન ભરીને લૂંટફાટ મચાવી. છેવટે એ સેરિંગપટમ પહોંચ્યા ત્યારે ટીપુ ત્યાં પહોંચી ગયો હતો અને સખત કિલ્લેબંધી કરી લીધી હતી.  મરાઠા સરદાર ત્ર્યંબકરાવ ૩૩ દિવસ ઘેરો ઘાલ્યા પછી પાછો વળી ગયો.

બીજું અંગ્રેજ મૈસૂર યુદ્ધ

૧૭૮૦માં હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે ફરી યુદ્ધ થયું, પરંતુ આમાં બન્ને પક્ષોએ ગંભીર ભૂલો કરી અને જીતવાના અવસર ખોઈ દીધા. હૈદર અલીની ૯૦,૦૦૦ની ફોજ આખા કર્ણાટકમાં છવાઈ ગઈ. એણે પોતાના બીજા દીકરા કરીમને પોર્તો નોવો (હવે એનું નામ પારંગીપેટ્ટઈ છે. એ તમિળનાડુના કડળૂરુ જિલ્લાનું એક નાનું ગામ છે)પર હુમલો કરવા મોકલ્યો અને પોતે ટીપુ સાથે આર્કોટ પર ફતેહ મેળવવા નીકળ્યો.  હૈદરે કર્ણાટક પર હુમલો કર્યાના સમાચાર મળતાં મદ્રાસ પ્રેસીડેંસીએ હેક્ટર મનરોની સરદારી નીચે કાંજીવરમ (હવે કાંચી પુરમ) પાસે ફોજ એકઠી કરી. આ ફોજ સાથે ગુંતૂરથી કૅપ્ટન બેલી (Baillie)ની ફોજે જોડાવાનું હતું. હૈદરે બેલીને આંતરવા માટે દસ હજાર સૈનિકો અને ૧૮ તોપો સાથે ટીપુને મોકલ્યો અને પોતે આર્કોટનો ઘેરો ઉઠાવી લઈને કાંચીપુરમ તરફ નીકળ્યો.

બેલી રસ્તામાં કોટાલાઇયાર નદી પાસે રોકાયો. નદી એ વખતે સૂકી હતી અને એ પાર કરી શક્યો હોત પણ બીજા દિવસે તો એમાં પૂર ચડ્યાં આથી એને દસ દિવસ રોકાઈ જવું પડ્યું.  છેવટે પૂર ઓસરતાં એને નદી પાર કરી પણ કાંચીપુરમથી ૨૫ કિલોમીટર દૂર હતો ત્યારે ટીપુએ એના પર હુમલો કરી દીધો. બેલીની ફોજની બહુ ખુવારી થઈ પણ એ ઊંચી જગ્યાએ હતો એટલે ટીપુને પણ ભારે નુકસાન થયું. બેલીએ મનરોને જલદી આવવા લખ્યું તો બીજી બાજુ ટીપુએ પણ હૈદર અલીને સંદેશ મોકલીને વધારે કુમક માગી. મનરો તો તરત ન આવ્યો પણ ટીપુએ એ જ રાતે હુમલો કરી દીધો. અંગ્રેજ ફોજમાં હિંદી સૈનિકોને મોખરે રાખતા એટલે એમની ભારે ખુવારી થતી હતી. એ ભાગી છૂટ્યા. તે પછી બેલીએ યુરોપિયન સૈનિકોએ એકઠા કરીને આગળ વધવાની કોશિશ કરી પણ એ ફાવ્યો નહીં અને ટીપુને શરણે થઈ ગયો.

આ બાજુ હૈદર અલીએ પણ ઢીલું મૂક્યું. બેલીની ફોજના કરુણ રકાસ પછી એણે કાંચીપુરમમાં મનરોની ફોજ પર તરત હુમલો કર્યો હોત તો છેક મદ્રાસ સુધી એને માર્ગમાં આંતરનાર કોઈ નહોતું. પણ એ ઇતિહાસની મહત્ત્વની ઘડી ચૂકી ગયો. એણે આખી ફોજને બદલે થોડા સૈનિકો સાથે ટીપુને મનરોની પાછળ મૂક્યો. મનરો ચેંગલપટુ (મદ્રાસથી ૪૦ કિલોમીટર) સુધી પહોંચી ગયો. અહીં એને જનરલ કોસ્બીની ફોજની મદદ મળી અને એ બીજા બેત્રણ દિવસમાં મદ્રાસની નજીક પહોંચી ગયો. આમ બીજું અંગ્રેજ-મૈસૂર યુદ્ધ હારજીતના નિર્ણય વિના જ પૂરું થઈ ગયું.

ત્રીજું અંગ્રેજમૈસૂર યુદ્ધ

૧૭૮૨ના ડિસેંબરની સાતમીએ હૈદર અલીનું અવસાન થઈ ગયું. મસાની તકલીફ એના માટે જીવલેણ નીવડી. ટીપુના ભાઈને ગાદી સોંપવાનો નિરર્થક પ્રયાસ થયો પણ ટીપુ સત્તા સંભાળે તેમાં બહુ ગંભીર સમસ્યા ન આવી. ૧૭૮૨થી ૧૭૯૦ દરમિયાન પણ ટીપુ અને અંગ્રેજો વચ્ચે ઉંદરબિલાડીનો ખેલ ચાલતો રહ્યો. પરંતુ ૧૭૯૦થી બન્ને વચ્ચે વર્ચસ્વની લડાઈ ફરી શરૂ થઈ. ઈસ્ટ ઇંડિયા કંપનીએ મલબાર ટીપુના હાથમાંથી આંચકી લીધું અને કૉર્નવૉલિસના લશ્કરે બેંગલોર કબજે કરી લીધું. એનું લક્ષ્ય સેરિંગપટમ હતું. આરાકેરે ગામ પાસે ટીપુએ એનો મુકાબલો કર્યો પણ કૉર્નવૉલિસે ચારે બાજુથી હુમલા કરતાં ટીપુને પાછા સેરિંપટમના કિલ્લા તરફ ભાગવું પડ્યું. અંગ્રેજ ફોજ પણ એક જ અઠવાડિયામાં ઘેરો ઉઠાવીને ચાલી ગઈ. ત્રીજું યુદ્ધ ટીપુનાં વળતાં પાણીનો સંકેત આપતું હતું. સાત વર્ષે ૧૭૯૯માં બન્ને વચ્ચે ચોથું યુદ્ધ થયું. જે અંગ્રેજ સત્તા માટે નિર્ણાયક નીવડ્યું. ટીપુનો અંત આવ્યો અને દક્ષિણ ભારતમાં પર કંપનીનું રાજ સ્થપાયું. એની વાત હવે પછી.

 0-0-૦

સંદર્ભઃ

(૧) History of Tipu Sultan, by Mohibbul Hasan Khan, 1951 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(૨) વિકીપીડિયા

%d bloggers like this: