India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 28

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨: કર્ણાટકની લડાઈઓ

બંગાળ તો અંગેજોના હાથમાં ગયું પણ બંગાળ કંઈ આખું હિંદુસ્તાન નહોતું. હજી ઘણું બાકી હતું. દક્ષિણ પર હજી એમનું એકચક્રી રાજ સ્થપાયું નહોતું. હજી આપણે એ નથી ભૂલવાનું કે એમનો મુખ્ય હેતુ તો વેપારનો જ રહ્યો હતો અને એના માટે હવે એ દેશી રાજાઓના સંઘર્ષોમાં વચ્ચે પડતાં પણ અચકાતા નહોતા. આમાં એમને લાભ એ હતો કે બેમાંથી એક પક્ષ નબળો પડે તો પછી બીજો પક્ષ એકલો રહી જાય અને એની સામે ટક્કર લેવાની રહે.

કર્ણાટકમાં ખરેખર તો ચાર પક્ષો હતાઃ અંગ્રેજો, ફ્રેંચ, મરાઠા અને ટીપુ સુલતાન. ફ્રેંચ કંપની અંગ્રેજ કંપની કરતાં જુદી રીતે વિચારતી હતી. એનો દૃષ્ટિકોણ એ હતો કે એમના સૌથી મોટા હરીફ અંગ્રેજો હતા અને એમને હરાવવા માટે બીજા બધા દેશી શાસકોને એક કરવાની જરૂર હતી. જો કે અંગ્રેજો જેની સાથે હોય તેની સાથે જવાનો એમની સામે પ્રશ્ન જ નહોતો. દક્ષિણમાં ચાર પક્ષો હોવા ઉપરાંત નિઝામ પણ હતો. આ પ્રદેશમાં મુખ્ય લડાઈ મરાઠાઓ અને ટીપુ વચ્ચે અને ટીપુથી પહેલાં એના પિતા હૈદર અલી સાથે હતી. હૈદર અલી પણ અંગ્રેજોને સૌથી મોટા દુશ્મન માનતો હતો. આમ ફ્રેંચ કંપની લગભગ છેવટ સુધી હૈદર અલી સાથે અને એના મૃત્યુ પછી ટીપુ સાથે રહી, કારણ કે અંગ્રેજો મરાઠાઓ સાથે હતા. જો કે આ બધાં સમીકરણો હંમેશાં એકસરખાં નહોતાં રહેતાં. અંદરોઅંદર ખેંચતાણ પણ ચાલતી. એવું નથી કે ટીપુ અને ફ્રેંચ કંપનીના સંબંધોમાં પણ કંઈ અવિશ્વાસ નહોતો. એવું જ અંગ્રેજો અને મરાઠાઓનું હતું. એ તો ટીપુ વિરુદ્ધ એકબીજાનો ઉપયોગ કરતા હતા.

હૈદર અલી અને ટીપુ સુલતાન

પરંતુ દેશી-વિદેશી સંબંધોની આ ગૂંચ ઉકેલતાં પહેલાં ભારતીય ઇતિહાસનાં બે વિશિષ્ટ પાત્રો હૈદર અલી અને એના પુત્ર ટીપુ વિશે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે કોઈ પણ વિદેશી આક્રમણખોર હિંદુસ્તાનમાં ઉત્તરપશ્ચિમમાંથી, એટલે કે અફઘાનિસ્તાન અને પંજાબના માર્ગે, આવ્યા પણ ઇસ્લામની શરૂઆતના કાળમાં જ વેપારી આરબો દરિયા માર્ગે સૌ પહેલાં દક્ષિણ ભારતમાં વેપાર માટે પહોંચ્યા. હૈદરના પૂર્વજ પણ મક્કાના કુરૈશ પરિવારના હતા અને દક્ષિણ ભારત પહોંચ્યા. આનાથી વધારે કંઈ માહિતી નથી મળતી.

એમનો કોઈ પૂર્વજ શાહ વલી મહંમદ લગભગ સોળમી સદીના અંતમાં દિલ્હીથી ગુલબર્ગા આવીને વસ્યો. એ ધાર્મિક માણસ હતો અને એક દરગાહમાં વસ્યો. આદિલશાહે એને વેતન આપવાનું શરૂ કર્યું.  એના મૃત્યુ પછી એના દીકરા મહંમદ અલીએ પણ દરગાહની સેવાચાકરી કરી પણ  એના ચાર દીકરાઓએ લશ્કરની નોકરી પસંદ કરી. આમાંથી એક ફત મહંમદને ઘેર ૧૭૨૧માં હૈદર અલીનો જન્મ થયો. એનો એક મોટો ભાઈ શાહબાઝ પણ હતો. ફત મહંમદ મરી ગયો ત્યારે દેવું છોડીને ગયો હતો. લેણદારે કરજ વસૂલ કરવા માટે આઠ વર્ષના શાહબાઝ અને પાંચ વર્ષના હૈદર પર દમન ગુજાર્યું અને એમની બધી મિલકત પડાવી લીધી. ફત મહંમદનો ભત્રીજો હૈદર સાહેબ મૈસૂરના રાજાના એક અધિકારી દેવરાજના તાબામાં કામ કરતો હતો. એણે કુટુંબને છોડાવ્યું. કુટુંબ ત્યાંથી સેરિગપટમમાં હૈદર સાહેબને આશરે સ્થાયી થયું.

હૈદર સાહેબના અવસાન પછી શાહબાઝને કમાંડર બનાવવામાં આવ્યો. હૈદર અલી એની નીચે કામ કરતો હતો પણ ૧૭૪૯માં એને મૈસુરની ફોજ સાથે હૈદરાબાદમાં નિઝામ આસિફ જાહના પુત્ર નાસિર જંગ અને એના ભત્રીજા વચ્ચે સાઠમારી ચાલતી હતી. મૈસૂરે હૈદર અલીને નાસિર જંગની મદદે મોકલ્યો. જીત તો મળી પણ કડપ્પાના પઠાણ નવાબે નાસિર જંગને દગાથી મરાવી નાખ્યો. આ અંધાધૂંધીમાં ફ્રેંચ કંપનીએ ખજાના પર કબ્જો કરી લીધો પણ હૈદર અલીના હાથમાં પણ એનો અમુક ભાગ આવ્યો. એમાંથી એણે પોતાની ફોજ વધારી અને ભાગેડૂ ફ્રેંચ સૈનિકોની મદદથી પશ્ચિમી ઢબની તાલીમ આપવાનું શરૂ કર્યું. આમ. હિંદુસ્તાનમાં શિસ્તબદ્ધ સેનાની શરૂઆત હૈદર અલીએ કરી.

દરમિયાન, કર્ણાટકની નવાબીના હક માટે મહંમદ અલી અને ચંદાસાહેબ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. આમાં ફ્રેંચ કંપની ચંદાસાહેબની સાથે રહી. આથી મહંમદ અલીએ મૈસૂરની મદદ માગી અને એની કિંમત તરીકે ત્રિચિનાપલ્લી મૈસૂરને હવાલે કરવાનું વચન આપ્યું. ઈસ્ટ ઇંડિયા કંપની પણ મહંમદ અલીની સાથે હતી.  ચંદાસાહેબ માર્યો ગયો અને મહંમદ અલી જીત્યો પણ ત્રિચિનાપલ્લી આપવાની વાત જ બાજુએ રહી ગઈ. આ લડાઈમાં હૈદર અલી છેક સુધી રહ્યો અને એણે અંગ્રેજ અને ફ્રેંચ કંપનીઓના લશ્કરોની કુશળતા જોઈ. મૈસૂરના રાજાએ એની વીરતા જોઈને એને ડીંડીગળનો ‘ફોજદાર’ બનાવી દીધો. બીજી બાજુ મૈસૂરનું અર્થતંત્ર લડાઈઓને કારણે પડી ભાંગવા લાગ્યું હતું. સૈનિકોના પગાર પણ ચુકવાયા નહોતા. વોડેયર વંશનો રાજા તો બે ભાઈઓ – દેવરાજ અને નંજરાજ – ના હાથનું રમકડું હતો. આથી સૈનિકોએ નંજરાજના ઘરે, ધામા નાખ્યા અને એનાં અનાજપાણી રોકી દીધાં. આ સમાચાર મળતાં હૈદર અલી સેરિંગપટમથી મૈસૂર આવ્યો. આ અસંતોષ ઊભો થવાનું કારણ તો એ હતું કે દેવરાજ અને નંજરાજ વચ્ચે વિખવાદ થઈ ગયો હતો. હૈદર અલીએ બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું, રાજાને રક્ષણની બાંયધરી આપી અને સૈનિકોના ચડત પગાર ચૂકવી આપ્યા. આના પછી એની પ્રતિષ્ઠા વધી ગઈ અને ૧૭૫૮માં મરાઠાઓએ મૈસૂર પર હુમલો કર્યો ત્યારે એને મૈસૂરનો સરસેનાપતિ બનાવી દેવાયો. આમાં હૈદર અલી જીત્યો. તે પછી નંજરાજ હવે બહુ નબળો પડી જતાં એ નિવૃત્ત થઈ ગયો અને હૈદર એની જગ્યાએ સહેલાઈથી ગોઠવાઈ ગયો. ૧૭૬૧ સુધીમાં એ મૈસૂરનો વાસ્તવિક અર્થમાં શાસક બની ગયો અને એની સામે કોઈ હરીફ બચ્યો નહોતો.

ટીપુ સુલતાન

પરંતુ સેરિંગપટમમાં દીવાન ખંડેરાવે બળવો કરતાં હૈદરને ભાગવું પડ્યું. એ વખતે ટીપુ સુલતાન દસેક વર્ષંનો હતો. ‘સુલતાન’ એનો ખિતાબ નથી, આર્કોટના ટીપુ મસ્તાન ઓલિયાના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું હતું. ‘પાદશાહ’ બિરુદ તો એણે છેક ૧૭૮૭માં ધારણ કર્યું. ટીપુનું આખું જીવન એટલે દક્ષિણમાં અંગ્રેજો સામેના સંઘર્ષનો ઇતિહાસ. જે આપણે હવે પછીના પ્રકરણોમાં જોઈશું.

0-0-૦

સંદર્ભઃ History of Tipu Sultan, by Mohibbul Hasan Khan, 1951 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: