India: Slavery and struggle for freedom : Part 1: Slavery – Chapter 27

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૭: બંગાળમાં કંપનીની લૂંટ ઔદ્યોગિક

ક્રાન્તિની મદદે

પ્લાસીનું યુદ્ધ આમ માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, દુનિયાના ઇતિહાસમાં પણ મહત્ત્વનું છે. બ્રિટિશ સામ્રાજ્યવાદની શરૂઆત પ્લાસીથી જ થઈ. બ્રિટિશ વિસ્તારવાદ માટે ધનની જરૂર હતી તે બંગાળે પૂરું પાડ્યું.મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૬૫માં ઈસ્ટ ઇંડિયા કંપનીને બંગાળની દીવાન બનાવી તે પછી કંપનીએ જે લૂંટ ચલાવી તેમાંથી ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાન્તિ માટે નાણાકીય સાધનો ઉપલબ્ધ થયાં.

એક અંદાજ પ્રમાણે પ્લાસી અને બક્સરની લડાઈઓ વચ્ચે (૧૭૫૭ અને ૧૭૬૫ના ગાળામાં), આપણે ગયા પ્રકરણમાં જોયું તેમ બ્રિટનથી સોનાની આયાત કરવાની કંપનીને જરૂર ન રહી. કંપનીના નોકરોએ મીર જાફર પાસેથી ૧ કરોડ ૭૬ લાખ રૂપિયા મેળવ્યા અને  કંપની આ ગાળા દરમિયાન ૮ કરોડ ૫૬ લાખ રૂપિયા કમાઈ.  ૧૭૭૬માં એક અર્થશાસ્ત્રીએ અંદાજ કરીને દેખાડ્યું કે દર વર્ષે ૧૨ લાખ રૂપિયા બંગાળમાંથી ઘસડાઈને લંડન પહોંચતા હતા.

દાદાભાઈ નવરોજી  ૧૮૯૨ અને ૧૮૯૫ વચ્ચે બ્રિટનની આમસભામાં ચુંટાયેલા પ્રથમ હિંદી હતા. એમણે આમસભામાં બોલતાં બ્રિટને ભારતમાં કરેલી લૂંટનો ભંડો ફોડી નાખ્યો. એમના પુસ્તક Poverty of India માં દેખાડ્યું છે કે ૧૮૫૮થી ૧૮૭૦ દરમિયાન બ્રિટનમાંથી આવતા માલનું મૂલ્ય ૩૬ અબજ પૌંડ હતું, તેની સામે હિંદુસ્તાન પાસેથી બ્રિટન જતા માલનું મૂલ્ય ૨૯ અબજ પૌંડ જેટલું હતું. આ ખાધ કૃત્રિમ હતી. કારણ કે બ્રિટન ભારતને જે કિંમત ચૂકવવી જોઈએ તે ચૂકવતું નથી. એમનું કહેવું છે કે, હિંદુસ્તાન સાથેના સંબંધોનો લાભ ઇંગ્લૅંડને મળ્યો છે તે છેલ્લાં ૩૮ વર્ષમાં ૫૦ કરોડ પૌંડ જેટલો જ નથી. તે ઉપરાંત બ્રિટનના ઉદ્યોગોને હિંદુસ્તાનમાંથી જે મળે છે  તેનો ઉપયોગ કરીને બ્રિટન યુરોપના દેશોમાંથી કમાય છે. આમ દાદાભાઈ નવરોજી દેખાડે છે કે હિંદુસ્તાનમાંથી ધન ખેંચીને ઇંગ્લૅંડ સમૃદ્ધ થયું છે. બીજા એક અર્થશાસ્ત્રી વિલિયમ ડિગ્બાયનું કહેવું છે કે ઇંગ્લૅંડની ઔદ્યોગિક સર્વોપરિતાનાં મૂળ બંગાળ અને કર્ણાટકમાં છે.

દાદાભાઈ કહે છે કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળ અને બિહારમાં સતત બગડતી સ્થિતિ પર નજર રાખવા માટે ૧૮૦૭થી ૧૮૧૬ સુધી નવ વર્ષ સર્વે કરી. પરંતુ એનો રિપોર્ટ દબાવી દીધો. તે પછી મોંટગોમરી માર્ટિન નામના અધિકારીએ એ ખોળી કાઢ્યો અને પ્રકાશિત કર્યો. આ અધિકારીએ લખ્યું કે “ બે હકીકતોની નોંધ ન લેવાનું અશક્ય છે: એક તો, દેશની સમૃદ્ધિની મોજણી થઈ અને બીજી વાત એ કે એ દેશના નિવાસીઓની ગરીબાઈની પણ મોજણી થઈ.”  માર્ટિને કહ્યું કે બ્રિટન જે ધન તાણી જાય છે (એના વખતમાં ૩૦ લાખ રૂપિયા હતું, પણ દાદાભાઈ  કહે છે કે તે પછીનાં વર્ષોમાં આ આંક ઉપર ગયો છે) તેનું ૧૨ ટકા લેખે વ્યાજ ગણતાં ૩૦ વર્ષે આ રકમ રૂ. ૭૨,૩૯,૦૦,૦૦૦ થાય છે. આટલું ધન બ્રિટનમાંથી ગયું હોત તો બ્રિટન પણ ગરીબ થઈ ગયું હોત. બીજા એક સનદી અધિકરી ફ્રેડરિક જ્‍હોન સ્શોર્નું કથન પણ દાદાભાઈએ ટાંક્યું છેઃ “પણ હિંદુસ્તાનના ભવ્ય દિવસો પૂરા થયા છે; એની પાસે જે સંપત્તિ હતી તે મોટા ભાગે ચૂસી લેવાઈ છે અને એની શક્તિઓ કુશાસનની દુઃખદાયી વ્યવસ્થાને કારણે હણાઇ ગઈ છે. લાખો લોકો મુઠ્ઠીભર લોકો માટે પોતાનું બલિદાન આપતા રહ્યા છે.

ચલણી નાણું

મોગલ સલ્તનતે મજબુત ચલણ વ્યવસ્થા કરી હતી તે ઔરંગઝેબનું ૧૭૦૭માં મૃત્યુ થયું તે સાથે પડી ભાંગી. મોગલ કાળમાં સમાજમાંથી સાટા પદ્ધતિ લગભગ નાબૂદ થઈ ગઈ હતી અને નાણાનો વ્યવહાર વ્યાપક બની ગયો હતો.

આ સ્થિતિને પહોંચી વળવા હિંદુસ્તાનમાં ચલણી સિક્કામાં શુદ્ધ ધાતુ કેટલી છે અને તેનું મૂલ્ય શું છે તેના આધારે સિક્કાઓનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું.

ઈસ્ટ ઇંડિયા કંપની જ્યાં કામ કરતી હતી તે પ્રદેશમાં પોતાની ટંકશાળ બનાવવાના અધિકાર પણ પ્રાપ્ત કરી લેતી. મદ્રાસ, અને મુંબઈમાં આવી ટંકશાળો હતી. પરંતુ પ્લાસી પહેલાં બંગાળમાં એમને ટંકશાળની છૂટ નહોતી મળી.

ટંકશાળો

કોરોમંડલને કાંઠે આર્માગોનમાં, જ્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની તોપો પહેલી વાર જમીન પર ઊતરી, ત્યાં ૧૬૨૬માં પહેલી ટંકશાળ બની. તે પછી ૧૬૩૯માં કંપનીએ ચંદ્રગિરિના રાજા પાસેથી ટંકશાળ બનાવવાના હક મેળવ્યા. તે પછી ૧૬૯૨માં મોગલ શાહજાદા કામબખ્શ પાસેથી મદ્રાસમાં ચાંદીના રૂપિયા બનાવવાનો અધિકાર મળ્યો. જો કે, આ સિક્કા માત્ર બંગાળમાં જ વાપરવાના હતા.

૧૬૯૦માં કંપનીએ મરાઠા શાસકો પાઅસેથી કડળૂરુ પાસે કિલ્લો ખરીદ્યો અને એને ફોર્ટ સેન્ટ ડૅવિડ નામ આપ્યું અહીં પણ એમને સોના કે ચાંદીના સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો. બધાં રાજ્યો ઈસ્ટ ઇંડિયા કંપની સાથે વેપાર માટે એટલાં આતુર હતાં કે મોટા ભાગે એમને સિક્કા બનાવવાના અધિકારના બદલામાં જકાત કે કમિશન ચૂકવવામાંથી પણ માફી મળતી.  એજ રીતે ૧૬૯૨માં મુંબઈની ટંકશાળ પણ શરૂ થઈ. અહીં બનાવેલા સિકાઓ પર ઇંગ્લૅંડના રાજા વિલિયમ ત્રીજા અને રાણી મૅરીનાં નામો હતાં. ઔરંગઝેબે આની સામે સખત વાંધો લીધો પરિણામે આ સિક્કા પાછા ખેંચી લેવા પડ્યા. ૧૭૫૭માં મીર જાફરે કંપનીને કલકતામાં ટંકશાળ બનાવવાની પરવાનગી આપી.

બંગાળમાં અઢારમી સદીના મધ્યભાગમાં ચાંદીનો રૂપિયો ૧૦ માશા (૧૧.૬૦ ગ્રામ)નો હતો. ૧૦ માશા વજનનું  સ્ટૅન્ડર્ડ પણ હતું અને એ ‘સિક્કા’ તરીકે ઓળખાતું. આમ આ ‘સિક્કો’ ખરેખરા બજાર મૂલ્યની બરાબર હતો. એક સિક્કાના ૧૬ આના (૧૦ માશા) અને એક આનાનું મૂલ્ય ૧૨ પાઈ જેટલું હતું.

રૂપિયો સ્ટૅન્ડર્ડ બન્યા પછી પણ કેટલીયે જણસો બીજાં ચલણોમાં ખરીદવી પડતી. આ ઉપરાંત એક જાતની કડવી બદામ પણ ચલણ તરીકે ચાલતી. એ ગુજરાતમાંથી આયાત કરવી પડતી. સૂરતમાં આ બદામ ચલણ તરીકે ચાલતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાહુકારો. શરાફો, વેપારીઓ અને કારીગરો મોટી સંખ્યામાં હતા પણ આ કડવી બદામ ચલણમાં સ્વીકાર્ય બની હતી.

બંગાળનું પતન હિંદુસ્તાન માટે એક દુઃસ્વપ્ન જેવું રહ્યું છે.  આ ઓથારમાંથી દેશ આજે અઢીસો વર્ષ પછી પણ છૂટ્યો નથી.  પરંતુ આપણે હવે દખ્ખણ અને કર્ણાટક  જઈએ. એ હજી કંપનીના કબજામાં નથી આવ્યાં.

સંદર્ભઃ

1. Poverty of India, Dadabhai Navroji, 1878. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

  1. http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/14414/6/06_chapter%201.pdf

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: