Science Samachar (45)

 

() “જરા મીઠું આપજો ને!” – ભલે ખાઓ!

આપણામાંથી ઘણાને ભોજનમાં મીઠું વધારે જોઈતું હોય છે. જમવા બેઠા હોઈએ ત્યારે કોઈક તો બોલે જ છે. “જરા મીઠું આપજો ને!”

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હૃદયને લગતા રોગોથી બચવા દિવસમાં બે ગ્રામથી ઓછું મીઠું લેવાની સલાહ આપી છે પરંતુ આ લક્ષ્ય હજી સુધી તો કોઈ દેશમાં સિદ્ધ નથી થયું. હવે નવા સંશોધન પ્રમાણે જે લોકો દિવસમાં પાંચ ગ્રામ સુધી મીઠું લેતા હોય તેમની સામે હૃદયને લગતી બીમારીઓ થવાનું જોખમ દેખાયું નથી. મૅકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે WHOની માર્ગદર્શિકા વ્યક્તિગત અવલોકનો પર આધારિત છે. આની સામે એમણે ૨૧ દેશોમાં મીઠાના પ્રભાવથી થતી હૃદયની બીમારીઓ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓની મોજણી કરીને આ તારણ કાઢ્યું છે. ૨૧માંથી ૧૮ દેશોમાંથી પ્રાપ્ત થયેલા નિષ્કર્ષ હવે જાહેર કરવામાં આવ્યા છે. આમાં ચીન, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.

એમણે બ્લડપ્રેશરમાં મીઠાનો પ્રભાવ જાણવા માટે ૩૬૯ ગામો અને શહેરોમાં ૯૫,૭૬૭ પર અને એ જ રીતે હૃદયની ધમનીની બીમારી માટે ૨૫૫ ગામો અને શહેરોમાં ૮૨,૫૪૪ વ્યક્તિઓ પર પ્રયોગ કર્યો. અભ્યાસમાં લેવાયેલી દરેક વ્યક્તિ નીરોગી હતી અને એમની વય ૩૫ અને ૭૦ વર્ષની વચ્ચે હતી. આ પ્રયોગમાં દરેકનું આઠ વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું.

ચીનનાં ગામો અને શહેરોમાંથી ૮૨ ટકામાં મીઠું પાંચ ગ્રામથી વધારે લેવાતું હોવાનું જોવા મળ્યું જ્યારે બીજા દેશોમાં ૨૬૬માંથી ૨૨૪ ગામો અને શહેરોમાં મીઠું ત્રણથી પાંચ ગ્રામ લેવાય છે. એકંદરે એ જાણવા મળ્યું કે દર એક ગ્રામ મીઠું વધતાં બ્લડપ્રેશર (ઊપલું કે સિસ્ટોલિક) ૨.૮૬ mmHg વધ્યું પરંતુ જોખમી કહેવાય તે સ્તરે ન પહોંચ્યું. એવું જ હૃદય સંબંધી બીમારીઓમાં પણ પામ્ચ ગ્રામ સુધી વધઘટ કરતાં જોવા મળ્યું.

તે ઉપરાંત વધારે મીઠું ખાનારા પોતાના ભોજનમાં ફળો. દહીઁદૂધ અને પોટૅશિયમ વિપુલ પ્રમાણમાં લે તેવી વસ્તુઓ ઉમેરે તો વધારાના મીઠાના દુષ્પ્રભાવને ટાળી શકે છે. પોટૅશિયમયુક્ત પદાર્થો હૃદયની બીમારીઓ અને એને કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકે છે.

સંશોધકો કહે છે કે મીઠાનો વપરાશ જ્યાં પાંચ ગ્રામ કરતાં વધારે થતો હોય ત્યાં કામ કરવાની જરૂર છે, બાકી બીજે ક્યાંય બહુ ચિંતાની વાત નથી.

સંદર્ભ:

(૧)  https://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(18)31376-X/fulltext

(૨) www.sciencedaily.com/releases/2018/08/180809202057.htm

000

 

() માતાપિતા અને બાળકો વચ્ચે વર્ષમાં ૨૦૦૦ જીભાજોડી થાય છે!

SS 45.2

 એક અભ્યાસ પ્રમાણે માતાપિતા અને બાળકો વચ્ચે એક વર્ષમાં ૨,૧૮૪ વાર સામસામી દલીલો થાય છે આમાંથી મોટા ભાગે તો ખાવાપીવાના મુદ્દા પર થતી હોય છે! મમ્મીઓ પ્લેટ ભરીને પીરસે અને કહે કે તેં શાકને તો હાથ જ નથી અડાડ્યો. અથવા “હજી તારી પહેલી રોટલીયે પૂરી નથી થઈ?” અથવા જમતાં પહેલાં બાળક ફ્રિજમાંથી કંઈ કાઢીને ખાય તો મમ્મી બોલેઃ “હવે જમવાટાણું થયું છે ત્યારે આ ખાય છે તો જમીશ શું?” વર્ષની બે હજાર દલીલ એટલે દરરોજ પાંચ-છ વાર તો ખાંડાં ખખડે જ!

સંશોધકોએ બે હજાર માતાપિતાના ઇંટરવ્યૂ લઈને કહ્યું છે કે  માતાપિતા માત્ર અડધી લડાઈ જીતે છે, બાળકો પણ ગાંજ્યાં જાય તેવાં નથી હોતાં. દરેક દસ્માંથી માત્ર છ માતાઓ બાળકો સામે સબળ પુરવાર થઈ હોવાનું જણાયું છે અને પપ્પાઓ તો બાળક સાથે સમાધાન કરી લેતા હોવાનું બહાર આવ્યું છે.  માતાપિતા સામે યુદ્ધનો બીજો મુદ્દો સમયસર સૂવાનો હોય છે. મમ્મી બોલ્યા કરે અને બાળક સુવાનું ટાળતું જાય! હવે એમાં મોબાઇલ અને કૉમ્પ્યુટર પણ નવા મોરચા બન્યાં છે. “જ્યાં સુધી હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી મોબાઇલને હાથ નથી લગાડવાનો!”; “અરે વોલ્યુમ ઓછું કર, કાન ફાટી ગયા!” આમ સરેરાશ દરરોજ ૪૯ મિનિટ વાક્યુદ્ધમાં ખર્ચાય છે. અથવા દુકાનમાં – “અરે તારી પાસે કેટલી બધી કાર પડી છે, આ બૉલ લઈ લે.” (ક્યારેક તો આમાંથી માતાપિતા વચ્ચે શબ્દબાણોની આપલે થઈ જતી હોય છે, એની પણ સર્વે કરવી જોઈએ. સંવાદ જાણીતો છેતમે ખોટો બચાવ કરો છો. તે પછી મારું તો સાંભળે નહીં ને!”)

Capri-Sun સંસ્થાએ માતાપિતા અને બાળકો વચ્ચેના આ ગંભીર, સર્વવ્યાપી અને ક્રોનિક વિવાદ વિશે માટે આ સર્વે કરાવી હતી.

સંદર્ભઃ https://www.thesun.co.uk/news/6869763/parents-have-2000-rows-with-their-kids-every-year-and-heres-what-we-argue-most-about/

00૦

() સૂરજને આંબવાની હામ

SS 45.3.jpg

ગયા સોમવારે (૧૨મી તારીખે) નાસાએ સૂરજની નજીક ઉપગ્રહ મોકલવા માટેનું રૉકેટ છ્હોડ્યું. આમ તો શનિવારે છોદ્ડવાનું હતું પણ છેલ્લી ઘડીએ એના ઍલાર્મમાં ખામી જણાતાં ઉડ્ડયન મુલતવી રાખવું પડ્યું. માનવ ઇતિહાસમાં આ સૌથી વધારે ગતિવાળું રૉકેટ છે અને આજથી પહેલાં સૂર્ય તરફ મોકલાયેલા બધા ઉપગ્રહોમાં આ પ્રોબ સૌથી નજીક પહોંચશે. એનું નામ ૯૧ વર્ષના ખગોળભૌતિકશાસ્ત્રી હ્યુજિન પાર્કરના નામ પરથી ‘પાર્કર’ રાખવામાં આવ્યું છે. સૂર્ય તરફ ઉપગ્રહ મોકલવાનો વિચાર સૌથી પહેલાં આજથી સાઠ વર્ષ પહેલાં એમણે જ આપ્યો હતો.

પાર્કર સોલર પ્રોબ સૂર્યથી માત્ર ૬૧ લાખ કિલોમીટર દૂર રહેશે. આ પહેલાં ૧૯૭૬માં હેલિઓસ પ્રોબ મોકલવામાં આવ્યું હતું તે ૪ કરોડ ૩૦ લાખ કિલોમીટર જેટલું નજીક પહોંચ્યું હતું. એની આગળ સુરક્ષા કવચ છે જે ૧૩,૦૦ સેલ્શિયસ ગરમી સહન કરી શકશે. એની ગતિ વધીને સેકંડના ૧૯૦ કિલોમીટર સુધી પહોંચશે, જે અત્યાર સુધી માનવસર્જિત કોઈ પણ સાધનની ગતિ કરતાં વધારે છે. આવતાં છ અઠવાડિયાંમાં એ શુક્રને વટાવી જશે અમે બીજાં છ અઠવાડિયાંમાં એ સૂરજની પહેલી પ્રદક્ષિણા કરી લેશે. પ્રોબ સૂરજની ફરતે  સાત રહેશે અને એ એને ફરતા કંકણcorona)નો અભ્યાસ કરશે. અહીં થતી બધી પ્રક્રિયાઓની અસર પૃથ્વી પર પડતી હોય છે. પાર્કર એના વાતાવરણમાં પ્રવેશ કરશે. આમ એ લગભગ સૂરજને અડવા જેવું જ છે એમ વૈજ્ઞાનિકો કહે છે.

સંદર્ભઃ https://www.bbc.co.uk/news/science-environment-45160722

000

() હોમો ઇરેક્ટસ આળસુ હતા!

SS 45.4હોમો સેપિઅન્સથી પહેલાં જે માનવ જેવી પ્રજાતિ હતી તે હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાય છે. પ્રાણી સૃષ્ટિમાં બે પગ પર સીધા ટટ્ટાર ઊભા રહેવાની શરૂઆત હોમો ઇરેક્ટસે કરી. અહીં આપેલી તસવીર હોમો ઇરેક્ટસનું કલ્પના ચિત્ર છે. પીકિંગમાંથી મળેલી ખોપરી પરથી આ ચિત્ર બનાવેલું છે. હોમો ઇરેક્ટસ દસથી વીસ લાખ વર્ષ પહેલાં થઈ ગયા. એની જ એક પેટા પ્રજાતિમાંથી આપણા વડવા હોમો સેપિઅન્સનો  ઉદ્ભવ થયો. દુનિયામાં ઘણાં સ્થળોએ હોમો સેપિઅન્સથી પહેલાંના માનવનાં કંકાલ કે ખોપરી મળ્યાં છે.

ઓસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે હોમો ઇરેક્ટસ નાબૂદ થઈ ગયા તેનાં ઘણાં કારણૉમાં એક તો એ હતું કે એ બહુ મહેનત કરતા નહોતા. જે મળ્યું તેનાથી કામ ચલાવી લેતા. એમનું આ આળસ એમના અંત માટેનું એક કારણ છે. અરબી દ્વીપકલ્પમાં પુરાતત્ત્વીય ખોજ દરમિયાન જોવા મળ્યું કે ક્યાંથી હોમો ઇરેક્ટસના અવશેષો મળ્યા તે ગુફાઓમાંથી એમનાં ઓજારો પણ મળ્યાં. આ ઓજારો એ જ જગ્યાએ મળતા પથ્થરમાંથી બનાવેલાં છે. આમ તો એની નજીકના એક ડૂંગરમાં વધારે સારાં ઓજારો બનાવી શકાય એવા મજબૂત, ધારદાર પથ્થર મળે છે પરંતુ હોમો ઇરેક્ટસે ટેકરી ચડીને સારાં ઓજારો માટેના પથ્થર એકઠા કરવાની તસ્દી નથી લીધી. સંશોધક ટીમના નેતા  ડૉ. શિપ્ટન કહે છે કે એમનામાં ખોજવૃત્તિ હોય એવું જણાતું નથી. બીજી બાજુ હોમો સેપિઅન્સ અને નિએંડરથલનાં ઓજારો જોતાં લાગે છે કે એના માટે સારા પથ્થર મેળવવા માટે એ મહેનત કરતા હોવા જોઈએ. આમ એમણે ટેકનોલોજીનો વિકાસ ન કર્યો, બીજી બાજુથી ભારે દુકાળનો યુગ શરૂ થયો. આમાં એમનું જીવન સારાં ઓજારો વિના કેટલું કપરું થઈ પડ્યું હશે તે સમજી શકાય છે.

સંદર્ભઃ https://anu.prezly.com/laziness-helped-lead-to-extinction-of-homo-erectus#

૦૦૦

%d bloggers like this: