India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 25

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૫: ક્લાઇવનું મૂલ્યાંકન

ક્લાઇવ વિશે વધારે ચર્ચા કરવા માટે આપણે ૧૧મા પ્રકરણમાં પાછા જઈશું તો સારું થશે. એમાં જણાવ્યા પ્રમાણે લંડનમાં કંપનીના પ્રમુખ જોશિઆ ચાઇલ્ડે ભારતમાં વેપાર માટે ગયેલા એજન્ટોને નવી દિશા આપી. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી હતી.  એણે લખ્યું કે આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશું અને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ.

પરંતુ ક્લાઇવે એનાથી પણ આગળ ગયો. અને ભવિષ્યમાં હિંદુસ્તાનમાં ઇંગ્લૅન્ડની શી ભૂમિકા હોવી જોઈએ તેના તરફ ઇશારો કરી દીધો.  હિંદુસ્તાનના ઘણા રાજવી ઘરાણાઓએ એને માનઅકરામ આપ્યાં હતાં. કર્ણાટકના મહમ્મદ અલીએ એને ‘નવાબ’નો ખિતાબ આપ્યો અને પ્લાસી પછી મીર જાફરે એને જાગીર આપી અને ‘મનસબદાર’ બનાવ્યો. મનસબદારે અમુક સંખ્યામાં ઘોડેસવાર દળ રાખવું જોઈએ અને નવાબને લડાઈમાં મદદ કરવી જોઈએ પણ ક્લાઇવ ઘોડેસવાર દળ રાખ્યા વિના જ મનસબદાર બની ગયો. એને જાગીરમાં રસ હતો. બિહારની ફળદ્રુપ જમીન પર એની નજર હતી. જો કે મીર જાફરે વ્યૂહાત્મક કારણોસર બિહારમાંથી તો જમીનનો ટુકડોયે ન આપ્યો પણ આખો ૨૪-પરગણા જિલ્લો જાગીર તરીકે આપીને ક્લાઇવને પોતાને પણ આશ્ચર્યમાં મૂકી દીધો.

ક્લાઇવે માત્ર કંપની માટે જ નહીં, એના નોકરો અને નોકરોના નોકરોનાયે અંગત વેપારમાં જકાત માફી મેળવી હતી. પરિણામે કંપનીનો વેપાર પ્લાસી પહેલાંની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી બાજુ કંપનીનો લશ્કરી ખર્ચ દસગણો વધી ગયો હતો. ક્લાઇવ બંગાળમાં બે હજારનું કાયમી દળ રાખવા માગતો હતો.

અહીં હિંદુસ્તાનમાં કંપનીની સ્થિતિ બદલતી જતી હતી પણ લંડનમાં ડાયરેક્ટરો હજી વેપારની ભાષામાં જ વાત કરતા હતા, એમને લાગ્યું કે હવે વેપારની ગાડી પાટે ચડી ગઈ છે, નવાબ મીર જાફર પણ પોતાનો જ માણસ છે, તો ત્રણસો સૈનિકોથી વધારે મોટી ફોજ શા માટે રાખવી? એમણે નાનીમોટી ફૅક્ટરીઓની કિલ્લેબંધી કરવાની પણ ના પાડી અને ફોર્ટ વિલિયમની કિલ્લેબંધીને મજબૂત બનાવવાની ક્લાઇવની માગણીથી તો એ લાલપીળા થઈ ગયા. ડાયરેક્ટરોએ ક્લાઇવને લખ્યું કે તમને લશ્કરી વિચારોએ એવા ઝકડી લીધા છે કે  તમે ભૂલી ગયા છો કે તમારા માલિકો વેપારી છે અને એમનો મૂળ હેતુ વેપાર કરવાનો છે. ફોર્ટ વિલિયમ માટે તમે માગણી કરી છે તેમાં તો અમારી અડધી પૂંજી ડૂબી જાય તેમ છે.”

ડાયરેક્ટરો એ જોયું કે બંગાળમાં વેપાર ઘણો વધે તેમ છે પણ નફો ખાસ નથી થતો. એમણે આક્ષેપ કર્યો કે આનું કારણ એ કે કંપનીના નોકરો વિલાસી જીવન જીવે છે. કલકતાની કંપનીએ સિરાજુદ્દૌલાના તિજોરીમાંથી કેટલો માલ મળ્યો તેની વિગતો ચોક્સાઈથી નહોતી આપી. ડાયરેક્ટરોને એ પણ પસંદ ન આવ્યું. ક્લકત્તાની પ્રેસીડેન્સીના રિપોર્ટોમાં જોવા મળેલી અનેક ખામીઓ પણ એમણે દેખાડી. મુખ્ય કચેરી પર બિલોનો ભાર વધતો જતો હતો. આ રીતે કંપનીના નોકરો અંગત નફાથી પોતાનાં ઘર ભરતા હતા તે ડાયરેક્ટરોને સમજાઈ ગયું હતું. ડાયરેક્ટરો એ કહ્યું કે બંગાળમાં કંપનીનો વહીવટ બહુ જ નબળો છે.

ક્લાઇવનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે એ જ ઘમંડમાં એણે લંડનમાં બેઠેલા કંપનીના ડાયરેક્ટરોના પત્રનો જવાબ ક્લાઇવે એની વિદાયથી માત્ર બે-અઢી મહિના પહેલાં આપ્યો છે. ૧૭૫૯ના ડિસેમ્બરમાં એણે ડાયરેક્ટરોને લખ્યું કે એમના પત્રની ભાષા એમને અથવા હિંદુસ્તાનમાં કામ કરતા એના કંપનીના નોકરોને શોભા આપે તેવી નથી. એણે આક્ષેપ કર્યો કે ડાયરેક્ટરો કાચા કાનના છે અને જે સાંભળવા મળે છે તે માની લે છે.  આવો ભડાકો અંતે ક્લાઇવને જ ભારે પડ્યો.

આપણે ૨૪મા પ્રકરણમાં જોયું તેમ ક્લાઇવ કંપનીનો નાનો નોકર જ રહ્યો હતો. ક્લકત્તાની પ્રેસીડેન્સીએ એને ગવર્નર બનાવવાનો નિર્ણય લીધો અને ડાયરેક્ટરોએ એને મંજૂરી આપી તે વાત જુદી છે પણ ક્લાઇવ કંપનીના ડાયરેક્ટરોની ઉપર નહોતો એટલે એમણે વહેલી તકે આવા ઉદ્દંડ નોકરને પાછો બોલાવી લીધો.

તે પહેલાં એણે એ વખતના બ્રિટનના પ્રખ્યાત રાજકારણી વિલિયમ પિટ્ટ (Wlliam Pitt, the Elder)ને પત્ર લખ્યો. પિટ્ટ ખરા અર્થમાં સામ્રાજ્યવાદી હતો. ફ્રાન્સ સામેની લડાઈમાં એ દૃઢતાથી માનતો હતો કે બ્રિટને અમેરિકા અને હિંદુસ્તાનની પોતાની વસાહતો પર આધાર રાખવો જોઈએ. એ ક્લાઇવને બહુ પસંદ કરતો હતો અને એને ‘Heaven-born General’ તરીકે ઓળખાવ્યો હતો.

 ક્લાઇવે લખ્યું કે  હિંદુસ્તાનમાં બ્રિટનનું ભવિષ્ય બહુ ઊજળું છે. માત્ર કંપની વધારે ખંતથી કામ કરે તો એ સિદ્ધ થઈ શકે છે. કંપનીએ બંગાળમાં નવાબને હટાવીને સાર્વભૌમત્વ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ. એણે પોતાની પ્રશંસા કરતાં કહ્યું કે મોગલ બાદશાહે એને દીવાની આપવાની તૈયારી દેખાડી હતી, જે પ્રાંતમાં નવાબ પછીનું બીજા નંબરનું પદ છે. આનાથી બંગાળની લગભગ વીસ લાખ પૌંડની મહેસૂલી આવક એના વહીવટમાં આવી ગઈ હોત પણ એણે તાત્કાલિક તો એ લેવાની ના પાડી કારણ કે કંપની એના માટે જરૂરી ફોજ આપવા તૈયાર થાય એમ નથી. અને આખો દેશ મંજૂર ન કરે તો કંપનીના ડાયરેક્ટરો આ સાર્વભૌમત્વ પોતાના બળે સંભાળી ન શકે. એણે પિટ્ટને ઇશારો આપ્યો કે આવું થઈ શકે એવો કંઈક રસ્તો કાઢવો જોઈએ કે જેથી સરકાર બધું પોતાના હાથમાં લઈ લે. (ક્લાઇવે પોતાના પિતાને લખેલા પત્રમાં હિંદુસ્તાનના રાજા બનવાની મહેચ્છા દેખાડી હતી!).

આમ બ્રિટિશ  સરકાર કંપનીની જગ્યાએ વહીવટ સંભાળી લે એવું સૂચવનારો એ પહેલો હતો. ૯૯ વર્ષ પછી ૧૮૫૮માં બ્રિટનની રાણીએ એની સલાહ અમલમાં મૂકી અને કંપનીની જગ્યાએ હિંદુસ્તાનને સીધું પોતાના શાસન નીચે મૂક્યું.

૦-૦-૦

સંદર્ભઃ ૧. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991. (ઇંટરનેટ પર ઉપલબ્ધ

૨. https://academic.eb.com/levels/collegiate/article/William-Pitt-the-Elder/60225)

One thought on “India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 25”

  1. આ ઈતીહાસમાં કલાઈવે ખરેખર ભુમીકા ભજવેલ છે. આ કલાઈવને કારણે જ અંગ્રેજોના હાથમાં વ્યાપાર સાથે રાજ્સત્તા આવી.

    રાજા મહારાજા, નવાબ અને દીવાનોએ દેશને જે લુંટેલ છે એને બદલે આ અંગ્રેજોએ ગુલામીની નાગચુડમાંથી છોડાવેલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: