India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 23

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૧: ગુલામી
પ્રકરણ ૨૩મીર જાફર અને ક્લાઇવની સંતાકૂકડી

પ્લાસીમાં સિરાજુદ્દૌલાની હાર સાથે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ભારતને ભરડો લેવાનું શરૂ કર્યું હતું પણ હજી એના અશ્વમેધના ઘોડાને રોકનારા બાકી રહ્યા હતા અને એમને નિર્મૂળ કરવાનું બાકી હતું આ કામ લગભગ એક દાયકો ચાલ્યું. ઈસ્ટ ઇંડિયા કંપની માટે આ મોટો પડકાર હતો. એમનું લક્ષ્ય પાર ન પડે ત્યાં સુધી મીર જાફરને ટકાવી રાખવાનું જરૂરી હતું.

મીર જાફરન મુર્શીદાબાદમાં નવાબ તરીકે બંગાળ ઉપરાંત બિહાર અને ઓડીશાનો મુખ્ય સુબેદાર અથવા નવાબ પણ બની ગયો હતો. એણે સિરાજુદ્દૌલાનો ખજાનો હાથમાં આવશે એવી આશામાં, જો પોતે નવાબ બને તો અમુક રકમ કંપનીને આપવાનો વાયદો કર્યો હતો પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ સિરાજુદ્દૌલાનો ખજાનો તો જહાજોમાં લંડન મોકલાવી દીધો હતો. કંપનીની ધારણા હતી કે સિરાજુદ્દૌલાના પરાજય પછી બહુ મોટો દલ્લો હાથ લાગવાનો છે. જો કે રાય દુર્લભ એમને સતત કહેતો રહ્યો હતો કે ખજાનામાં બહુ ધન નહોતું. આ બાજુ કંપનીએ ખજાનો તો જહાજમાં લંડન મોકલી દીધો હતો. આમ મીર જાફર પાસે કંઈ હતું જ નહીં.

કરારની શરતોમાં છૂટછાટ મેળવવા માટે મીર જાફરે અંગ્રેજ અફસરો સાથેના પોતાના સંબંધોનો લાભ લેવાની કોશિશો કરી અને ક્લાઇવને મોંઘી ભેટો મોકલી. પણ ક્લાઇવે તો આવી કોઈ ભેટ માગી નહોતી એટલે એણે કંપની અને મીર જાફર વચ્ચે થયેલા કરારની શરતોનું જ પાલન થાય એવો સતત આગ્રહ રાખ્યો. જાફર પોતાના માનીતા માણસોને ખુશ કરવા માટે લશ્કરમાં પણ ઊંચા હોદ્દા આપવા માગતો હતો પણ ક્લાઇવે  છૂટ ન આપી અને કહ્યું કે આવા કોઈ પણ ફેરફારથી જાહેર શાંતિ જોખમાશે.

જાફર હવે અંગ્રેજોથી છૂટવાનું વિચારવા લાગ્યો હતો. પરંતુ સિરાજુદ્દૌલા સાથે પોતે કરેલી દગાબાજી એને યાદ હતી એટલે એને થયું કે અંગ્રેજો નવા સાથીઓ શોધી લેશે. એનું ધ્યાન ગયું કે હિંદુઓનો કદાચ ક્લાઇવ ઉપયોગ કરશે એટલે એણે પહેલાં તો હિંદુ જાગીરદારોનો નિકાલ આણવાનો વિચાર કર્યો. સૌથી પહેલાં તો એણે રાજ્યના દીવાન રાય દુર્લભને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું કારણ કે બધાં બિલો રાય દુર્લભની મંજૂરી વિના ચુકવાતાં નહોતાં. પણ ક્લાઇવ મુર્શીદાબાદમાં જ હતો ત્યાં સુધી એને આવું કંઈ કરતાં ડર લાગ્યો. એ અને એનો પુત્ર ક્લાઇવ સાથે સામાન્ય મિત્ર જેવો જ વ્યવહાર જ કરતા રહ્યા.

૧૪મી સપ્ટેમ્બરે ક્લાઇવે બોલાવેલી પલટન બંગાળ આવી પહોંચી. એમને કાસિમબજારમાં ગોઠવીને નવાબ સાથેના વ્યવહાર એણે લશ્કરી ટુકડીના સરદારોને સોંપી દીધા અને પોતે મુર્શીદાબાદથી કલક્ત્તા ચાલ્યો ગયો.

હિંદુ જાગીરદારોમાંથી બિહારનો રામનારાયણ હજી સંપૂર્ણપણે એના કાબુમાં નહોતો. એટલું જ નહીં, એ વિદ્રોહ કરવાની વેતરણમાં હતો, એવા સમાચાર પણ મળતા હતા.

અલીવર્દી ખાને કેટલાક હિંદુઓને મોટા હોદ્દા આપ્યા હતા તેમાં રામનારાયણ પણ હતો. સિરાજુદ્દૌલા અને રામનારાયણ વચ્ચે એક સમાનતા હતી. સિરાજુદ્દૌલાને મીર જાફર પસંદ નહોતો, બીજી બાજુ રામનારાયણના દરબારમાં મીર જાફરનો ભાઈ અને સાળો હતા. આ બન્ને રામનારાયણને આંખના કણાની જેમ ખૂંચતા હતા. આ કારણે સિરાજુદ્દૌલાના કેટલાયે અવગુણો છતાં રામનારાયણ સિરાજુદ્દૌલા સાથે હતો. અંગ્રેજોએ સંઘ(કૉન્ફેડરસી) બનાવવાનું કામ રાય દુર્લભને સોંપ્યું હતું પણ એને રામનારાયણના વાંધાની ખબર હતી એટલે એ રામનારાયણ પર બહુ દબાણ નહોતો કરતો.

અંતે કંપનીએ રામનારાયણ સાથે વાત કરવાનું કામ પોતાના માથે લીધું અને રામનારાયણ પર ભારે દબાણ કર્યું. રામનારાયણે કહ્યું કે એની બધી સત્તા અને સંપત્તિ મુર્શીદાબાદની મહેરબાનીને કારણે હતી અને હવે સિરાજુદ્દૌલા પણ નથી એટલે એને મીર જાફર પ્રત્યે વફાદારીના સોગંદ લેવામાં જરાય વાંધો નથી. એણે પોતાની સ્વતંત્રતા અને જીવ બચાવવાની શરતે દરબાર બોલાવીને મીર જાફર પ્રત્યે વફાદારી જાહેર કરી. એણે કંપનીના મેજર કૂટને પણ દરબારમાં આમંત્રણ આપ્યું, પણ કૂટ એવું દેખાડવા માગતો હતો કે રામનારાયણ કંપનીના દબાણ વિના જ મીર જાફર પ્રત્યે વફાદારી જાહેર કરે છે, એટલે એણે દરબારમાં હાજર રહેવાની ના પાડી. તેમ છતાં, રામનારાયણે ખુલ્લા દરબારમાં વફાદારી જાહેર કરી કારણ કે એને ક્લાઇવ અને કૂટની તાકાતની ખબર તો હતી જ. મીર જાફરના ભાઈ અને સાળાને એને ખાતરી આપી કે એમને મરાવી નાખવાનું કોઈ કાવતરું એણે ઘડ્યું નથી. એ બન્નેએ પણ રામનારાયણને મિત્રતાના કૉલ આપ્યા. રામનારાયણ એમ ધારતો હતો કે આટલું થયા પછી મીર જાફર જો એની વિરુદ્ધ કંઈ કરશે તો કંપની વચ્ચે પડશે.

હવે મીર જાફરે રામનારાયણ પર હુમલાની તૈયારી કરી પણ ક્લાઇવની મદદ વિના જીતવાનું શક્ય નહોતું. ક્લાઇવે જ્યાં સુધી મીર જાફર કરાર પ્રમાણે ૨૩ લાખ રૂપિયા ન ચૂકવે ત્યાં સુધી મદદ કરવાની ના પાડી. આમાં મીર જાફરનું કામ રાય દુર્લભ વિના ચાલે તેમ નહોતું. ક્લાઇવે બન્નેને બોલાવ્યા, સમાધાન કરાવ્યું અને રાય દુર્લભે અડધી રક્મ તરત અપાવી દીધી. તે પછી બીજા હપ્તાની રકમના બદલામાં નવાબે રાય દુર્લભને હુકમ આપીને દક્ષિણ કલકત્તાની જમીન કંપનીને જમીનદારીના હક સાથે લખી આપી. હવે રામનારાયણ પર ચડાઈ કરવાની હતી. પરંતુ ક્લાઇવે  સૂચવ્યું કે રામનારાયણને અડધે રસ્તે બોલાવવો અને એની સાથે પટના જવું. ત્યાં મીર જાફર એને રાજાનું પદ આપે. એવું જ થયું. રામનારાયણ આવ્યો અને નવાબને લઈને સાથે પટના ગયો. ત્યાં મીર જાફરે એને પોતાના નાયબ તરીકે નીમ્યો પણ તે સાથે પોતાના પુત્રને પણ એ જ પદ આપીને એને એક રીતે નીચી પાયરીએ મૂકી દીધો. એનો ઇરાદો હતો કે ક્લાઇવ પોતાની ફોજ લઈને પાછો જાય તે પછી રામનારાયણનો હિસાબ કરી નાખવો. ક્લાઇવને રાહ જોવડાવવા માટે એ બિહારમાં એક દરગાહ તરફ રવાના થઈ ગયો અને ક્લાઇવ પાછો જાય તેની રાહ જોવા લાગ્યો. અંતે ક્લાઇવ જ રામનારાયણ સાથે એની પાસે પહોંચ્યો. હવે મીર જાફરને રામનારાયણ સાથે સમાધાન કરવું જ પડ્યું. ક્લાઇવને મીર જાફર વિરુદ્ધ રામનારાયણની જરૂર હતી એટલે એણે એને બચાવી લીધો.

સંદર્ભઃ A History of the Military Transactions of the British Nation in Indostan from the year  MDCCXLV  vol II  –  Robert Orme (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: