India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 11

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૧: કંપની સામે બળવો; મુંબઈ સ્વતંત્ર

ઑન્જિયરે હવે મુંબઈ શહેર બાંધવાનું શરૂ કર્યું. સાતેસાત ટાપુઓને પુલોથી જોડવાના હતા, હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાઃ શાહી, અશરફી (પોર્ચૂગીઝ – ઝેરાફિન), રૂપિયો વગેરે – એની બરાબર મૂલ્યનું કંપનીનું ચલણ બનાવવા ટંકશાળ બનાવવાની હતી, હૉસ્પિટલ પણ જરૂરી હતી. ચર્ચ તો હોય જ. ૧૬૭૩ સુધીમાં તો કંપનીએ પોતાનો અડ્ડો એવો જમાવી લીધો કે ડચ કંપની એની સામે કંઈ કરતાં પહેલાં બે વાર વિચાર કરે.

ઑન્જિયર આ બધું કરતો હતો ત્યારે લંડનમાં કંપનીના માલિકો ધૂંઆફૂંઆ થતા હતા – “આપણે હિંદુસ્તાનમાં વેપાર કરવા ગયા છીએ, સરકાર બનાવીને વહીવટ કરવા નહીં. આટલો ખર્ચ કરીને વળવાનું કંઈ નથી. જે કોઈ સરકાર હોય તેનું કામ આપણા વેપારને સધ્ધર બનાવવાનું છે!” પરંતુ મુંબઈમાં વેપાર તો હતો જ નહીં, એ તો પેદા કરવાનો હતો! ઑન્જિયરે જોયું કે ખેડૂતો પોતાની ચોથા ભાગની પેદાશ પહેલાં પોર્ટુગલની કંપનીએ આપી દેતા હતા. એણે કહ્યું કે કિલ્લેબંધીને કારણે હવે ખેડૂતોને રક્ષણ મળે છે. આમ કહીને એણે જમીન વેરો દાખલ કર્યો.

હવે એના તાબામાં પંદરેકસોની ફોજ પણ હતી. પરંતુ એમને આપવા માટે પૈસા જ નહોતા!

ફોજનો બળવો

આ સ્થિતિમાં મુંબઈમાં ગોઠવાયેલી ફોજે કંપની સામે બળવો કર્યો. સૈનિકો પોતાનાં શસ્ત્રો સાથે મઝગાંવના એક કિલ્લામાં ભરાઈ ગયા અને ચારે બાજુ રક્ષણની હરોળ ગોઠવી દીધી. ઑન્જિયર બધી માંગો માનવા તૈયાર હતો. ફોજીઓ પોતાનો પગાર રૂપિયામાં માગતા હતા. એમનું કહેવું હતું કે વિનિમયના દરો એવા હતા કે એમનો આખો એક મહિનાનો પગાર મળવો જોઈએ. હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાં અને બધાં ચલણ ચાલતાં હતાં, એટલે કોઈ માલ ખરીદવો હોય ત્યારે વેપારી જે ચલણમાં એને ફાયદો હોય તે પ્રમાણે ભાવ લેતો. આમ ફોજીઓને નુકસાન થતું. ઑન્જિયરે એમની માગણી તો માની પણ સૈનિકો બળવો કરે તે કેમ સાંખી લેવાય એટલે બળવામાં જોડાયેલા બધા સામે ‘કોર્ટ માર્શલ’ની કાર્યવાહી પણ થઈ અને એકને મોતની સજા થઈ.

બીજો બળવો અને મુંબઈ કંપનીના હાથમાંથી આઝાદ

પરંતુ, ખરેખર મામલો ઠંડો નહોતો પડ્યો. અંદરખાને ધૂંધવાટ હતો. ૧૬૭૬માં મુંબઈમાં ઇંગ્લૅન્ડના સૈન્યમાંથી રિચર્ડ કૅગ્વિન આવ્યો. એ માત્ર પ્લાંટર તરીકે આવ્યો હતો પણ એ લશ્કરનો માણસ હતો એટલે એને ૧૬૮૧માં ગવર્નિંગ કાઉંસિલમાં લઈ લેવાયો.

આ બાજુ ૧૬૮૨માં જ્‍હૉન ચાઇલ્ડ સૂરતનો પ્રેસીડેન્ટ બન્યો અને તે સાથે મુંબઈને એની નીચે મૂકવામાં આવ્યું, ચાઇલ્ડ હવે મુંબઈનો પણ ગવર્નર બન્યો. એ વેપારીઓનો પ્રતિનિધિ હતો એટલે એવી વાતો વહેતી થઈ કે એ હવે લશ્કરમાં કાપ મૂકશે. લશ્કરની સૈનિક ફરી ઉશ્કેરાયા. એમણે ડેપ્યૂટી ગવર્નરને કેદ કરી લીધો અને કૅગ્વિનના હાથમાં બધી સત્તા આવી ગઈ. કૅગ્વિને બારામાં લાંગરેલા એક જહાજમાંથી ૫૦ કરોડનું સોનું કબજે કરી લીધું અને કંપનીની હકુમતના અંતની જાહેરાત કરી દીધી!

એક વર્ષ સુધી એ શાસન ચલાવતો રહ્યો. કંપની સામે બળવો કર્યા પછી સૂરતથી એને ખાધાખોરાકીનો સામાન પણ મળે એવી આશા નહોતી, એટલે એણે મુંબઈની પાડોશમાં હતા તે હાકેમો, શંભાજી અને સીદીઓ સાથે સારા સંબંધ સ્થાપ્યા. હવે મુંબઈમાં કંપની જેને શત્રુ માનતી તે બધા વેપારીઓ છૂટથી વેપાર કરતા થઈ ગયા. કૅગ્વિન આ બધું રાજાને નામે કરતો રહ્યો.

છેક ૧૬૮૪માં ઇંગ્લૅન્ડમાં રાજા જેમ્સને બળવાની જાણ થઈ! એને કંપની પસંદ નહોતી પણ પાછો એ કંપનીનો કરજદાર પણ હતો! એણે તરત થૉમસ ગ્રૅન્થામની સરદારી હેઠળનાં બે જહાજ કૅગ્વિનને પરાસ્ત કરવા મોકલ્યાં. કૅગ્વિન રાજાની સામે થવા નહોતો માગતો એટલે એણે રાજાના દૂત સમક્ષ હથિયાર હેઠાં મૂક્યાં પણ શરત એ રાખી કે એને અથવા એના કોઈ સાથીને સજા ન થવી જોઈએ. એની શરત મંજૂર રહી, કંપનીને મુંબઈ પાછું મળ્યું. જ્‍હૉન ચાઇલ્ડે નિરાંતનો શ્વાસ લીધો કે કૅગ્વિનને સજા ન થઈ તેનો એને વસવસો રહ્યો, ઇતિહાસ એની નોંધ નથી લેતો.

૧૬૮૭માં સૂરતની જગ્યાએ મુંબઈને પ્રેસીડેન્સી બનાવી દેવાયું. કંપનીની બધી ફૅક્ટરીઓ મુંબઈના તાબામાં મુકાઈ. સૂરતનો દરજ્જો કંપનીની બીજી ફૅક્ટરીઓ જેવી એક સામાન્ય ફૅક્ટરીનો રહી ગયો અને મુંબઈ એના કરતાં આગળ નીકળી ગયું.

પહેલો સામ્રાજ્યવાદી

થોમસ રો એવી સલાહ આપી ગયો હતો કે કંપનીએ માત્ર સમુદ્રમાં જ વેપાર કરવો જોઈએ, જમીન પર આવવું જ ન જોઈએ. પણ લંડનમાં કંપનીનો વડો જોશિઆ ચાઇલ્ડ (મુંબઈના પ્રેસીડેન્ટ જ્‍હૉન ચાઇલ્ડ સાથે એનો કશો સંબંધ નથી). કંપનીને તદ્દન નવી દિશામાં લઈ ગયો. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણે આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી. એણે મદ્રાસ પ્રેસીડેન્સી માટે પણ લખ્યું કે ત્યાંના આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશુંઅને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. એણે બંગાળમાં પણ મજબૂત કિલ્લેબંધી માટે લખ્યું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ.

દરમિયાન ફ્રેન્ચ કંપની પોંડીચેરીમાં પોતાનો પગદંડો જમાવવા લાગી હતી. લંડનની કંપનીએ નવા હરીફનો મુકાબલો કરવાનો હતો. જો કે હજી એમનું ધ્યાન ડચ કંપની પરથી હટ્યું નહોતું. દુશ્મનને હરાવવાના પ્રયાસોમાં અમુક અંશે દુશ્મન પાસેથી કંપની નવું શીખી પણ ખરી. જોશિઆ ચાઇલ્ડે મદ્રાસ પ્રેસીડેન્સીને ડચ જેવી મ્યુનિસિપલ વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો. શીખાઉ ફૅક્ટરો માટે ડચ લોકો જે નામ વાપરતા હતા તે જ નામનું અંગ્રેજી કરીને હવે લંડનથી આવતા નવા ફૅક્ટરો માટે વાપરવાનું શરૂ થયું હવે એ ‘રાઇટર’ તરીકે ઓળખાવા લાગ્યા.

પરંતુ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આટલું જ નહીં, ઘણુંબધું બન્યું હતું! થોડા પાછળ જઈએ?


મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Keigwin’s Rebellion: Oxford Historical and Literary Stidies, Vol. VI -1916. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

%d bloggers like this: