Science Samachar : Epiosode 34

આવજો સ્ટીફન હૉકિંગ..! તમે અમર છો…!

૦-૦-૦-૦

() થોડા દિવસોમાં ચીનની અવકાશી પ્રયોગશાળા પૃથ્વીના વાતાવરણમાં પાછી ફરશે!

ચીનની અવકાશી પ્રયોગશાળા તિઆંગોંગ-1 સ્પેસ લૅબ (તિઆંગોંગ એટલે સ્વર્ગીય મહેલ) હવે કોઈ પણ ઘડીએ પૃથ્વીના વાતાવરણમાં પાછી પ્રવેશ કરશે. યુરોપીયન સાયન્સ ઍજન્સીની આગાહી પ્રમાણે ૩૦મી માર્ચ અને ૬ઠ્ઠી ઍપ્રિલ વચ્ચે કોઈ પણ સમયે એ સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ વગેરે કોઈ પણ દેશ પરથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે, પણ આનાથી વધારે ચોકસાઈથી કહી શકાય તેમ નથી.

ચીને બનાવેલી આ પહેલી સ્પેસ લૅબ છે. એનું વજન ૮.૫ ટન છે. એને સપ્ટેમ્બર ૨૦૧૧માં અંતરિક્ષમાં મોકલવામાં આવી. તે પછી નવેમ્બર મહિનામાં માનવરહિત શેન્ઝાઉ યાન એની સાથે જોડાયું. જૂન ૨૦૧૨ અને જૂન ૨૦૧૩માં ચીને શેન્ઝાઉ-૯ અને શેન્ઝાઉ-૧૦ યાનો અવકાશયાત્રીઓ સાથે મોકલ્યાં. બન્ને યાનના યાત્રીઓ તે પછી સ્પેસ લૅબમાં પણ ગયા હતા. ચીન ૨૦૨૦ સુધીમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતી રહે એવી પ્રયોગશાળા મોકલવા માગે છે.

સંદર્ભઃ અહીં

0-0-0

() અવિકસિત ગૅલેક્સી

નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપે આપણાથી ૨૪ કરોડ પ્રકાશવર્ષ દૂર પર્સસ નક્ષત્રના કેન્દ્રની નજીક આવેલી NGC 1277 ગૅલેક્સીનો વિકાસ રુંધાઈ ગયો હોવાનું ભાળ્યું છે. બિગ બૅંગને ૧૩.૫ અબજ વર્ષ થયાં પણ આ ગેલક્સીમાં દસ અબજ વર્ષથી નવા તારા બન્યા નથી, જે તારા વૃદ્ધ થઈને મરવા વાંકે જીવતા હોય તેમનો રંગ લાલ થઈ જાય છે. જેમનો રંગ વાદળી હોય તે વિકાસની રાહે હોય છે. આ ગેલેક્સીએ આપણી દૂધગંગા કરતાં પણ એક હજારગણી ઝડપે તારા પેદા કર્યા પરંતુ આ પ્રક્રિયા તરત ધીમી પડી ગઈ.

અહીં એ ગેલેક્સીનું દૃશ્ય જોઈ શકાય છે, એમાં લાલ તારાઓની હાજરી વધારે છે. ઇન્સૅટ કરેલી આકૃતિ NGC 1277ની છે. આવી ગેલેક્સીઓને વૈજ્ઞાનિકો ‘રેડ ઍન્ડ ડેડ’ના નામે ઓળખે છે. આવી બહુ જ દૂરની ગેલેક્સીઓ જોવા મળે છે પણ હબલ ટેલીસ્કોપ પર માત્ર ટપકા જેવી જ દેખાય છે. આટલું સ્પષ્ટ અવલોકન પહેલી વાર જોવા મળ્યું છે. એ શા માટે વધારે તારા બનાવી ન શકી તેનું કારણ જણાવતાં વૈજ્ઞાનિકો કહે છે કે એના માટે એની ગતિ જવાબદાર છે. એની ગતિ કલાકના ૨૦ લાખ કિલોમીટરની છે એટલે આસપાસની ગેલેક્સીઓમાંથી એ તારા બનાવવા જેટલો પદાર્થ એકઠો નથી કરી શકતી.

સંદર્ભઃ અહીં

વિડિયો :

0-0-0

(૩) સ્માર્ટફોન પર્યાવરણ માટે નુકસાનકારક

સ્માર્ટફોન અને ડૅટા સેંટરો ૨૦૪૦ સુધીમાં પર્યાવરણ માટે સૌથી વધારે ખતરારૂપ બની જશે. અમેરિકાની ડબ્લ્યૂ. બૂથ સ્કૂલ ઑફ એન્જીનિયરિંગ પ્રૅક્ટિસ ઍન્ડ ટેકનોલૉજીના સંશોધક લૉટ્ફી બેલ્ખિરનું આ અનુમાન છે. બેલ્ખિરે પર્યાવરણને નુકસાન ન કરે તેવાં હાર્ડવેરનો તો અભ્યાસ કર્યો હતો પણ ૨૦૧૪માં એમના એક વિદ્યાર્થીએ એવા સોફ્ટવેર કેવાં હોય તે પૂછ્યું ત્યારે એમની પાસે જવાબ નહોતો. તે પછી એ સોફ્ટવેરના અભ્યાસમાં લાગી ગયા.

બેલ્ખિર અને એમના સાથી અહમદ એલ્મેલિગીએ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યૂનિકેશન ટેકનોલૉજી (ICT)નો અભ્યાસ શરૂ કર્યો. એમણે સ્માર્ટફોનો, લૅપટોપ્સ, ટેબ્લેટ્સ, ડેસ્ક્ટૉપ્સ અને ડૅટા સેંટરોની અસરો તપાસી. એમણે જોયું કે ICTનો વપરાશ વધ્યો છે પણ ધીમે ધીમે. આજનાં વલણો જોતાં એમાં દર વર્ષે ૧.૫ ટકાનો વધારો થાય તેમ છે, પરંતુ ૨૦૧૪૦માં એ કુલ વેપારમાં ૧૪ ટકા થઈ જશે. દરેક SMS, દરેક ફોન કૉલ. દરેક વિડિયો અપલોડ થાય કે ડાઉનલોડ; એક ડૅટા સેંટર એ કામ કરે છે. આ ડૅટા સેંટરો અઢળક ઊર્જા વાપરે છે અને માત્ર ખનિજ તેલ કે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી પર ચાલે છે. આપણે આ જોઈ શકતા નથી અને માનીએ છીએ કે કાગળ વાપરવા કરતાં ઇલેક્ટ્રૉનિક સાધનો ઓછું પ્રદૂષણ કરે છે! દેખીતી રીતે સ્માર્ટ્ફોનના વપરાશમાં બહુ ઓછી ઉર્જા ખર્ચાય છે, પરંતુ એનો વપરાશ એટલો વ્યાપક છે કે ૨૦૨૦ સુધીમાં એને કારણે ૮૫ ટકા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હશે. સ્માર્ટફોનની ચિપ અને મધરબોર્ડ બનાવવામાં વપરાતી ધાતુ કિંમતી ધાતુની બને છે જે બહુ મોટા ખર્ચે ખાણમાંથી કઢાય છે, એટલે એમાં ઊર્જા બહુ વપરાય છે.

બેલ્ખિર અને એમના સાથીનું આ સંશોધન સામયિક Journal of Cleaner Production.ના ૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થયું છે.

સંદર્ભઃ મૅક્માસ્ટર્સ યુનિવર્સિટી

0-0-0

() તરસ લાગી હોય ત્યારે આપણે પાણી શા માટે ગટગટાવી જઈએ છીએ?

બહુ તરસ લાગી હોય ત્યારે આપણે ઝડપભેર પાણી ગટગટાવી જઈએ છીએ. આનું કારણ શું? તરસ લાગે ત્યારે અમુક ન્યૂરોન સક્રિય થઈ જાય છે, પણ પ્રવાહી મળતાં જ એ નિષ્ક્રિય થવા લાગે છે.

કોલકાતાના ‘ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ સાયન્સ એજ્યૂકેશન ઍન્ડ રીસર્ચ’ (IISER)ના છાત્ર અને હવે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના Ph.D સ્કૉલર વિનિત ઑગસ્ટાઇને ઉંદર પર આનો પ્રયોગ કરી જોયો છે. એમનું કહેવું છે કે લોહીમાં પ્રવાહિતા ઘટી જાય કે સોડિયમ અને પોટૅશિયમ જેવા ક્ષારોનું પ્રમાણ વધી જાય ત્યારે પાણીની જરૂર પડે છે. પરંતુ પાણી પેટમાં જવા સાથે કંઈ લોહીમાં પહોંચતું નથી! તો પણ મગજ તરસના ન્યૂરોનને શિથિલ બનાવવાનો આદેશ આપે છે કે હવે પાણીનો સ્ટૉક આવી ગયો છે અને ૧૫ મિનિટમાં લોહીને મળી જશે. આથી એ વખતે તમે મોઢા પાસેથી ગ્લાસ હટાવી લો છો.

પરંતુ વધારે પાણી લેતાં અટકાવનારા ન્યૂરોન ઘટ્ટ પદાર્થમાં ગમે તેટલું પાણી હોય તો પણ સક્રિય નથી થતા. એટલે તરબૂચમાં ૭૨ ટકા પાણી હોવા છતાં એ ખાધા પછી મગજ સંદેશ નથી મોકલતું! પ્રવાહી જલદી લોહીમાં ભળે તેટલી ઝડપથી લઈએ તો જ મગજ સંદેશ મોકલે છે. પાણી પીધા પછી આપણને તરસનો અનુભવ નથી થતો એનું કારણ પણ એ જ કે પાણીની માંગ કરનારા ન્યૂરોન શિથિલ હોય છે. પણ એ સેલાઇન વૉટર હોય કે સિલિકૉન ઑઇલ, મગજ એમાં તફાવત નથી કરી શકતું.

સંશોધકોએ મગજમાં તરસનો વહીવટ સંભાળતા ભાગ ‘લૅમિના ટર્મિનાલિસ’નો અભ્યાસ કરીને આ તારણો કાઢ્યાં છે. એમાં તરસની સર્કિટ હોય છે. તરસનું નિયંત્રણ કેમ કરવું એ સમજવાથી બ્લડ પ્રેશર જેવી બીમારીઓના નિયંત્રણમાં પણ મદદ મળશે કારણ કે બ્લડ પ્રેશરને તરસની સર્કિટ સાથે સીધો સંબંધ છે.

આભારઃ મૂળ લેખક R. Prasad

(Prasad.Ravindranath@thehindu.co.in)

સંદર્ભઃ The Hindu_R.-Prasad-813

0-0-0

%d bloggers like this: