(૧) બચી ગયા!
ગયા અઠવાડિયે સાતમી માર્ચે એક મોટા સ્ટેડિયમ જેવડી ઉલ્કા પૃથ્વીની પાસેથી નીકળી ગઈ. એ માત્ર ૧૪ લાખ કિલોમીટર દૂર હતી. નાસા કહે છે કે પૃથ્વીથી ૭૫ લાખ કિલોમીટરના અંતરેથી પસાર થતી કોઈ પણ ઉલ્કા જોખમી ગણાય. આ ઉલ્કા 2017-VR12 તો ૧૪ લાખ કિલોમીટર જેટલી નજીક આવી ગઈ. વળી એની પહોળાઈ ૨૫૬ મીટર છે. પહોળાઈ ૧૫૦ મીટરથી વધારે હોય તો એ ઘાતક ગણાય.
ખગોળવિજ્ઞાનીઓ ગિયાનલુસા મૅસી અને માઇકલ સ્વાર્સે ૧૨૨ મિનિટમાં ઉલ્કાની ૨૪૦ તસવીરો ઝડપીને આ ૧૬ સેકંડની વિડિયો બનાવેલ છે. એમાં ઉલ્કા એક તેજસ્વી ટપકા જેવી દેખાય છે અને બાકી આખું આકાશ સરકતું હોય એમ લાગે છે.
હવે આ ઉલ્કા ૨૦૨૬માં પૃથ્વીની નજીક આવશે. હમણાં તો આપણે બચી ગયા!
વિડિયોઃ
સંદર્ભઃ અહીં
૦-૦-૦
(૨) ચિંતાજનક…?
આપણા મગજમાં હિપોકૅમ્પસ નામનો ભાગ છે જે આપણી સ્મરણશક્તિ અને નવી વસ્તુઓ શીખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એવું માનવામાં આવતું હતું કે હિપોકૅમ્પસમાં નવા ન્યૂરોન બનતા રહે છે, પણ Nature સામયિકના ૭મી માર્ચના અંકમાં નવી માહિતી આપવામાં આવી છે કે હિપોકૅમ્પસમાં ન્યૂરોન વધવાનું ૧૨ વર્ષની ઉંમર પછી બંધ થઈ જાય છે.
સંશોધક ટીમના નેતા, કેલિફૉર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલૉજિસ્ટ આર્તુરો આલ્વારેઝ બૂઇલા કહે છે કે એમણે જુદી જુદી ઉંમરના ૩૭ દાતાઓનાં હિપોકેમ્પસ તપાસ્યાં. દરેકનાં મૃત્યુ જુદી જુદી રીતે થયાં હતાં. પરંતુ માત્ર એક ૧૩ વર્ષના બાળકના હિપોકૅમ્પસમાં નવા કોશ જોવા મળ્યા. ૧૮ વર્ષની એક વ્યક્તિના હિપોકૅમ્પસના નવા કોશો હતા જ નહીં.
અલ્ઝાઇમર્સ જેવી બીમારીમાં સ્મૃતિલોપ થતો હોય છે. હિપોકેમ્પસમાં નવા કોશ બનાવવાની આશા હતી તેના પર આ અભ્યાસ પછી પાણી ફરી વળે છે. એના માટે હવે નવા ઉપાયો શોધવા પડશે. જો કે, હજી કેટલાયે ન્યૂરોલૉજિસ્ટો આ સંશોધનને અંતિમ સ્વરૂપનું માનવા તૈયાર નથી.
સંદર્ભઃ અહીં
૦-૦-૦
(૩) શીતળાનું વાઇરસ લેબોરેટરીમાં બનાવ્યું!
કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શીતળાના વાઇરસનું પિતરાઈ વાઇરસ પ્રયોગશાળામાં બનાવ્યું છે!
Science સામયિકમાં આ લેખ હાલમાં જ પ્રકાશિત થયો છે. હૉર્સપૉક્સ નામથી ઓળખાતું આ વાઇરસ માણસ માટે જોખમી નથી પણ વૈજ્ઞાનિકો કહે છે કે આનો અર્થ એ થાય કે શીતળાનું વાઇરસ પણ બનાવી શકાય. ૧૯૮૦ના દાયકામાં આ વાઇરસનો સંપૂર્ણ નાશ થઈ ગયો હતો.
હૉર્સપૉક્સ વાઇરસ સંશોધકો માટે DNAના ઘટકો બનાવતી એક કંપની પાસેથી ખરીદેલા ઘટકોમાંથી બનાવેલું છે એટલે એ કામ બહુ અઘરું નહોતું. એ મેઇલ દ્વારા પણ મોકલી શકાય છે. ડૅવિડ ઇવાન્સે જ્યારે ૨૦૧૬માં પોતાનો પ્રયોગ કરી દેખાડ્યો ત્યારે સમીક્ષા સમિતિએ નોંધ લીધી કે કૃત્રિમ બાયોલૉજીનો હવે એટલો વિકાસ થયો છે કે હવે માણસ પોતાને શીતળ કે એવાં બીજાં ભયાવહ વાઇરસોથી સંપૂર્ણ રક્ષિત ન માની શકે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉપાય કર્યા જ છે કે કોઈ સંસ્થા શીતળાના વાઇરસના જિનૉમ માત્ર ૨૦ ટકા સુધી જ રાખી શકે.
બીજી બાજુ, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં રોગપ્રતિકારક દવાઓનો ઉપયોગ એટલો વધ્યો છે કે ત્યાં શીતળા ફેલાવાની શક્યતા સૌથી વધારે છે. હવે ત્રાસવાદીઓ જ હુમલો કરે એની જરૂર નથી. આમ પણ વૃદ્ધાવસ્થામાં રોગપ્રતિકાર શક્તિ નબળી પડી જતી હોય છે એટલે શીતળા ફેલાવાનો ભય વૃદ્ધો સામે વધારે છે.
૦-૦-૦
(૪) ક્યૂબાના પાટનગરમાં અમેરિકન રાજદૂતોને ભૂતે પજવ્યા?
હવાનામાં ૨૦૧૬ના નવેમ્બરની એક રાતે એક રાજપુરુષે સૂતાં પહેલાં બગીચા તરફનો દરવાજો ખોલી નાખ્યો અને હુંફાળી હવા ઘરમાં ફેલાઈ ગઈ. તે સાથે જ વાતાવરણને ભરીદેતો અવાજ પણ અંદર ધસી આવ્યો. એ અવાજને દબાવવા માટે એણે બધાં બારીબારણાં બંધ કર્યાં ટીવીનું વૉલ્યૂમ વધાર્યું પણ કંઈ જ ફેર ન પડ્યો. એને થયું કે અહીંનાં તમરાં તો ભારે અવાજ કરે છે! થોડા દિવસ પછી એમણે એક મિત્ર દંપતીને જમવા નોતર્યું. ફરી અવાજ શરૂ થયો. મેજબાને કહ્યું કે તમરાં છે. મહેમાને કહ્યું કે અવાજ કોઈ યંત્રમાંથી આવતો હોય એવો છે.
એને પણ પોતાને ઘરે આવો જ અવાજ સંભળાતો હતો! એણે એમ્બસીમાં ફરિયાદ કરી તો ઇલેક્ટ્રીશિયન આવ્યો અને બધું ચેક કરી ગયો પણ કંઈ મળ્યું નહીં. ફેબ્રુઆરી આવતાં અવાજ મંદ પડતો ગયો અને તદ્દન બંધ થઈ ગયો. પરંતુ ૨૦૧૭ના માર્ચમાં ફરીથી અવાજ શરૂ થઈ ગયો.
એની એક સાથીએ કહ્યું કે આ અવાજથી કંટાળીને એ ક્યૂબા છોડી જવા માગે છે. એને કાનની તકલીફ થઈ ગઈ હતી!
આવા ૨૨ અધિકારીઓને સાંભળવાની તકલીફ થઈ ગઈ છે આ બધાને એક જ જાતનાં લક્ષણો વર્તાય છે. મોળ ચડે, ઉલટી થાય અને કાને બહેરાશ આવી જાય.
હવે આમાંથી એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે કે ક્યૂબા અમેરિકન ઍમ્બસીમાં જાસૂસી કરાવે છે! ઓબામાએ ક્યૂબા સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા તે પછી ટ્રમ્પે એ તોડી નાખવાની વાત કરી છે એ જ ટાંકણે આ વિવાદ ઊભો થયો છે પરંતુ અમેરિકી તપાસ સંસ્થાઓને હજી કંઈ સચોટ પુરાવો નથી મળ્યો.
સંદર્ભઃ અહીં
૦-૦-૦
આશા રાખું છું, દીપકભાઈ! આપના માહિતીપ્રદ લેખો ગુજરાતની શાળાઓના શિક્ષકોના ધ્યાનમાં આવે અને તેઓ પોતાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન આદિ વિષયો ભણાવતી વેળા આવી માહિતી પીરસે!
ક્યારેક ગુજરાત સરકાર પણ આવું કાંઈક વિચારશે ?
શુભેચ્છાઓ!
આભાર, હરીશભાઈ.
હું પણ એવી જ કોઈ આશામાં આવું લખ્યા કરું છું. સાયન્સ સમાચાર, તેનાથી પહેલાં ‘મહાન ગણિતશાસ્ત્રીઓ’ અને હમણાં જ શરૂ કરેલી ભારતની ગુલામી અને સ્વતંત્રતા માટેના સંઘર્ષની શ્રેણી. દરેક શ્રેણીમાં કંઈક નવું અને ઉપયોગી આપવાનો પ્રયત્ન કરતો રહું છું. તમને ઉપયોગી જણાય છે તે મારા માટે આનંદની વાત છે.