Science Samachar : Episode 30

() હડપ્પા અને વૈદિક સંસ્કૃતિ પર દુકાળોની અસર

ગયા વર્ષના ડિસેમ્બરની ૩જીના ‘સાયન્સ ઍડવાન્સ’ મૅગેઝિનમાં એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો છે, તેમાં દુકાળના લાંબા ગાળાઓને હડપ્પા તેમ જ વૈદિક સંસ્કૃતિઓના વિઘટન અને નવી સંસ્કૃતિઓના ઉત્થાન સાથેનો સંબંધ દર્શાવ્યો છે. લેખની મુખ્ય લેખિકા ગાયત્રી કઠાયત ચીનની શિઆન જિઆતોંગ યુનિવર્સિટીની સંસ્થા ‘ઇંસ્ટીટ્યૂટ ઑફ ગ્લોબલ એન્વાયરનમેન્ટલ ચેન્જ’માં પીએચ. ડીનો અભ્યાસ કરે છે અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ‘અર્થ સાયન્સ’ વિભાગના પ્રોફેસર આશીષ સિન્હાના નેતૃત્વ હેઠળ ઉત્તરાખંડની સહિયા ગુફામાં એમણે ઑક્સીજનના આઇસોટોપ્સ સ્પેલિઓથેમનો અભ્યાસ કરીને છેલ્લાં ૫,૭૦૦ વર્ષની વરસાદની સ્થિતિનો ચિતાર આપ્યો છે. ફોટામાં ગાયત્રી સહિયા ગુફામાં કૅલ્સાઇટના અભ્યાસમાં વ્યસ્ત જોવા મળે છે.

એ કહે છે કે આજથી ૪,૫૫૦ અને ૩,૮૫૦ વર્ષ વચ્ચેના સમયમાં હવામાન સારુંએવું ગરક હતું અને વરસાદ સારો થતો હતો. વાતાવરણની દૃષ્ટિએ આ સ્થિરતાનો સમય હતો. આ ગાળામાં શરૂઆતની સિંધુ સંસ્કૃતિ જેવા કૃષિ સમાજનો વિકાસ થયો અને મોટાં શહેરી કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. એ હડપ્પા સંસ્કૃતિનો પરિપક્વ યુગ છે. તે પછી બહુ લાંબા સમય સુધી દુકાળો પડતા રહ્યા અને શહેરો વેરાન થવા લાગ્યાં અને લોકો ગંગાનાં મેદાનો તરફ ચાલ્યા ગયા.

એનાથી ઉલ્ટું આજથી ૩,૪૦૦ વર્ષ પહેલાં ફરી વાતાવરણની સ્થિતિ સુધરી અને વરસાદ નિયમિત બન્યો. આ વૈદિક સંસ્કૃતિના પ્રસારનો સમય છે. એ સારો સમય ૩૦૦ વર્ષ ચાલ્યો, તે પછી સૂકો સમય આવ્યો અને ૩,૧૦૦ વર્ષ પહેલાં લોકો ફરી પૂર્વ તરફ સ્થળાંતર કરી ગયા. ફરી ચોમાસું સારું થવા લાગ્યું, જે ૬૦૦ વર્ષ ચાલ્યું. પછી અભ્યાસમાં જોવા મળ્યું તેમ અચાનક વરસાદ ઘટી ગયો અને દુકાળો પડતા થઈ ગયા. લોકો વેરવીખેર થઈ ગયા અને જુદાંજુદાં રાજકીય એકમો બન્યાં જેને આપણે મહાજનપદોનો યુગ કહીએ છીએ. આ ૨,૪૫૦ વર્ષ પહેલાંની સ્થિતિ છે.

જો કે, સંશોધકો માને છે કે સામાજિક ઉત્થાન-પતનનાં બીજાં કારણો પણ છે જ, પરંતુ હવામાનની અસરને પણ નકારી ન શકાય.

સંદર્ભઃ ગાયત્રી કઠાયત અને indiaspend.com-14555

() ઉત્ક્રાન્તિમાં સાપ કેમ ઉત્પન્ન થયા?

હેલ્સિંકી યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ગરોળીઓ જમીન પર રહેતી હોય છે પણ તેમાંથી અમુક ગરોળી દર બનાવીને રહેવા લાગી. એ ધીમે ધીમે સાપ બની ગઈ. આમ તો, ગરોળીમાંથી સાપની ઉત્પત્તિ થઈ હોવાનું સાબીત થઈ જ ગયું છે, પણ એના તબક્કા શા તે વિશે કોઈ નિશ્ચિત અભિપ્રાય નહોતો બની શક્યો, કારણ કે કોઈ સહીસલામત અશ્મિ મળ્યાં નહોતાં.

હેલ્સિંકી યુનિવર્સિટીના સંશોધકોએ આખી દુનિયામાંથી સાપ અને ગરોળીઓના ભ્રુણ અને પુખ્ત અવસ્થાના નમૂના એકઠા કર્યા. અહીં ગરોળી અને સાપના ભ્રૂણ જોવા મળે છે. એમની ખોપરીઓની સરખામણી કરતાં એમને જોવા મળ્યું કે સાપો અને ગરોળીઓ જે પરિવેશમાં રહે છે તેને અનુરૂપ એમની ખોપરીઓ વિકસી છે. વળી આજે સાપ જેવા દેખાય છે તે એમના નિવાસના સ્થાનની પસંદગી સાથે સુસંગત છે, એટલે કે અહીં પ્રાકૃતિક પસંદગી કામ કરે છે. આથી, દરમાં રહેનારા, પાણીના, જંગલમાં રહેનારા સાપોનો વિકાસ પણ જુદી જુદી રીતે થયો છે.

પરંતુ હજી સંશોધકોનું કામ પુરું નથી થયું. એમણે ગરોળીઓ અને સાપોનાં હાડકાંની સંરચના પણ સમજાવવાની છે કે જેથી એમના નિષ્કર્ષને બળ મળે.

સંદર્ભઃ સાયન્સ ડેઇલી_ સાપ_ઉત્ક્રાન્તિ_2018/01/180125105441.

()સુંદરવનને બચાવોઃ બ્લૂ કાર્બન

ભારત ‘સુજલામ સુફલામ, સશ્ય શ્યામલા’ દેશ છે. અપાર પ્રાકૃતિક સંપદાનો આ દેશ બેદરકારી અને નફાની લાલચમાં બરબાદ થતો જાય છે. બંગાળના ઉપસાગર પાસે આવેલાં સુંદરવનનાં મેન્ગ્રોવ જંગલો આપણું સાયક્લોનો સામે રક્ષણ કરે છે. સુંદરવનની ઢાલ પાતળી પડશે તે દિવસે સાયક્લોન સીધું જ કોલકાતાને ખેદાનમેદાન કરી નાખશે.

Sundarbans eco region

એક અભ્યાસ પ્રમાણે કાંઠાના પાણિયાળા પ્રદેશો કાર્બનનો સંગ્રહ કરીને વાયુ પ્રદૂષણ ઘટાડે છે. વિંડહૅમ-મેયર્સની ટીમે કેટલાયે દાયકાઓ સુધી આવી જમીનોના કાંપના ૧૫૦૦ નમૂના એકઠા કર્યા છે. એમણે દેખાડ્યું છે કે કાર્બન અને માટીની સંરચના વચ્ચે સંબંધ છે. કાર્બન વધે તો માટીની ઘનતા ઘટે. પરિણામે એક ઘન મીટર માટીમાં કાર્બનનો ગુણોત્તર લગભગ યથાવત્‍ રહે છે.

આ જમીનને ખેતી લાયક બનાવવા માટે એને સાફ કરવાથી કાર્બન છૂટો પડે છે અને વાતાવરણમાં ભળે છે. પરંતુ જો ઉદ્યોગ નાખવાનું કોઈ વિચારે તો જમીનનો કાર્બન તો વાતાવરણમાં ભળે જ, તે ઉપરાંત ઉદ્યોગ પોતે પણ કાર્બન પેદા કરે છે.

પર્યાવરણની સમસ્યાના ઉકેલ તરીકે ‘કાર્બન માર્કેટ’ વિકસ્યું છે. તમે જેટલો કાર્બન પેદા કરતા હો તેટલી રકમ કાર્બનને નાબૂદ કરવાના ફંડમાં આપો. પરંતુ એનાથી કાર્બન ઓછો નથી થવાનો, પૈસાની હેરફેર થશે અને નવા પ્રોજેક્ટો શરૂ થશે જે મહાકાય કંપનીઓના હાથમાં હશે. ખરી જરૂર છે, આપણા પાણિયાળા પ્રદેશોનું જતન કરવાની. જંગલને જંગલ રહેવા દો.

સંદર્ભઃ બ્લૂ કાર્બન

() ભારતીય સંશોધકોએ બનાવ્યું કૃત્રિમ નાનું આંતરડું

મૈસૂરની સેન્ટ્રલ ફૂડ ટેકનૉલૉજી રીસર્ચ ઇંસ્ટીટ્યૂટ (CFTRI) અને તંજાવ્વૂરની ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ ફૂડ પ્રોસેસિંગ ટેકનૉલૉજી (IIFPT)ના સંશોધકોએ ક્રુત્રિમ નાનું આંતરડું બનાવ્યું છે. આંતરડામાં પૌષ્ટિક તત્ત્વો કેટલી હદે પચે છે તેનો એના દ્વારા અભ્યાસ કરાશે. હમાણાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં બહુ સમય લાગે છે, પણ આ નવા ઉપકરણમાં માત્ર બે કલાકમાં કામ થઈ જાય છે. વળી અત્યારે [પ્રચલિત સાધનોમાં ખોરાકનાં મોટાં સંયોજનોનું પરીક્ષણ થઈ શકતું નથી.

નેધરલૅન્ડ્સની વ્યવહારુ વિજ્ઞાન સંશોધન સંસ્થાએ પણ આવું ઉપકરણ બનાવ્યું છે પરંતુ મૈસૂર અને તંજાવ્વૂરના સંશોધકોએ બનાવેલું ઉપકરણ એના કરતાં ચડિયાતું છે, કારણ કે એ શારીરિક સ્થિતિની આબેહૂબ પ્રતિકૃતિ છે.

‘જર્નલ ઑફ ફૂડ એન્જીનિયરિંગ’માં આ લેખ છપાયો છે. IIFPTના ડાયરેક્ટર અને સંશોધનલેખના એક લેખક ડૉ. સી. આનંદરામકૃષ્ણન કહે છે કે ઉપકરણમાં ઉંદરના આંતરડાનો ઉપયોગ કરાયો છે. CFTRIના ડૉ. પાર્થસારથી સુબ્રામનિયન કહે છે કે આવા પ્રયોગોમાં નૈતિક સવાલો પણ ઊભા થાય છે, એટલે આ કૃત્રિમ આંતરડું બનાવ્યું છે. આહારમાં ચરબીમાં ઓગળે તેવા અને પાણીમાં ઓગળે તેવા કમ્પાઉંડ હોય છે. ચરબીમાં ઓગળે તેવા ક્મ્પાઉંડમાં તો ઉંદરનું આંતરડું સારું પુરવાર થયું પણ પાણીમાં ઓગળે તેવા કમ્પાઉંડમાં આ ઉપકરણ વધારે સારું ઠર્યું છે. હવે એની પૅટન્ટ લેવાની કાર્યવાહી શરૂ થઈ છે.

સંદર્ભઃ The Hindu_22480732

૦-૦-૦

One thought on “Science Samachar : Episode 30”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: