Science Samachar : Episode 25

() કચ્છમાંથી મળ્યું જુરાસિક સમયની મત્સ્યઘરોળીનું અશ્મિ

કચ્છમાં ભુજથી ૩૦ કિલોમીટરે આવેલા લોડાઈ ગામ પાસેની કાસની ટેકરીઓમાંથી ૧૫ કરોડ વર્ષ જૂનું મત્સ્યઘરોળીનું અશ્મિ મળી આવ્યું છે. આ અશ્મિ દેખાડે છે કે આ પ્રદેશ ગોંડવાના લૅન્ડ તરીકે ઓળખાતા મહાખંડનો ભાગ હતો. જો કે ભારત, આરબદેશો, દક્ષિણ અમેરિકા, ઍન્ટાર્કટિકા .અને ઑસ્ટ્રેલિયા ગોંડવાનાલૅન્ડના જ ખંડો હતા એ તો વૈજ્ઞાનિકો જાણે છે પણ આ મત્સ્યઘરોળી એ માન્યતાને પુરવાર કરે છે. અશ્મિ લગભગ અકબંધ છે, માત્ર ગરદનનો ભાગ મળ્યો નથી પણ કરોડ રજ્જુનો ભાગ માળ્યો છે. એ જોતાં મત્સ્યઘરોળી પાંચથી સાડાપાંચ મીટર લાંબી હોવી જોઈએ.

એનું વૈજ્ઞાનિક નામ ઈક્થાયરોસોર છે. આ પહેલાં આવું લગભગ આખું અશ્મિ કદી મળ્યું નથી. જુરાસિક સમય ૨૦કરોડથી ૧૪.૫ કરોડ વર્ષ પહેલાં હતો, અને એ વખતે મહાકાય પ્રાણીઓ પૃથ્વી પર વિચરતાં હતાં.

આ શોધ સાથે સંકળાયેલા સંશોધક જી. વી. આર. પ્રસાદના કહેવા પ્રમાણે ભારતના જુરાસિક ખડકોમાંથી પહેલી વાર આવું અશ્મિ મળ્યું છે અને દક્ષિણ એશિયામાં પણ એ પહેલું છે. એનું પૃથક્કરણ કર્યા પછી એ પણ દેખાડી શકાશે કે યુરોપ, દક્ષિણ અમેરિકા અને ભારતીય ભૂમિ વચ્ચે સમુદ્રી જીવો શી રીતે આવ-જા કરતા હતા.

આ અશ્મિને અકબંધ કાઢવામાં ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના ૧૫૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. હવે એ કચ્છ યુનિવર્સિટીમાં લોકો જોઈ શકે તે માટે રાખવામાં આવ્યું છે. સંશોધકો માને છે કે કચ્છમાંથી હજી પણ જુરાસિક સમયનાં અશ્મિ મળવાની શક્યતા છે.

સંદર્ભઃ બિઝનેસ સ્ટૅન્ડર્ડ-117102601342_1 અને પ્લોસ.0185851

 () ગ્રીન હાઉસ વાયુઓને પરિવર્તિત કરવાની દિશામાં મહત્ત્વનું ડગ

સરે યુનિવર્સિટીના સંશોધકોએ વાતાવરણના ફેરફારો માટે જવાબદાર મનાતા કાર્બન ડાયોક્સાઇડ (CO2 અને મિથેન (CH4)ને શિથિલ બનાવીને કામમાં લેવાની નવી રીત શોધી કાઢી છે. એ ઓછી ખર્ચાળ અને વધારે અસરકારક જણાઈ છે. એમણે ટિન (જસત) અને સિરીઅમ નામની બે શુદ્ધ ધાતુઓમાંથી એક નિકલ આધારિત ઉત્પ્રેરક બનાવ્યો છે, એની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, બન્ને મળીને એક નવો ગૅસ બનાવે છે જેનો ઉપયોગ ઈંધણ અને કેટલીયે જાતનાં રસાયણો બનાવવામાં થઈ શકે છે.

Applied Catalysis B: Environmental સામયિકમાં પ્રકાશિત થયેલા આ લેખમાં વૈજ્ઞાનિકોએ એમનો પ્રયોગ સમજાવ્યો છે. આ ‘સુપર કૅટેલિસ્ટ’ માટે સરે યુનિવર્સિટીએ પૅટન્ટ નોંધાવી છે. આ પ્રયોગ મોટા પાયે સફળ થાય તો ‘ગ્લોબલ વૉર્મિંગ’ના દુષ્પ્રભાવોથી દુનિયાને બચાવવામાં મોટું કામ થશે. ઉદ્યોગ જગતે હવે આગળ આવવાની જરૂર છે.

સંદર્ભઃ સાયન્સ ડેઇલી_2017/11/171117085156

 () મંગળની સફરે જવા માટે ૧,૪૦,૦૦૦ ભારતીયો તૈયાર!

ભારતમાંથી ૧,૩૮,૮૯૯ લોકો મંગળની સફરે જવા તૈયાર છે! નાસાના InSight (Interior Exploration using Seismic Investigations, Geodesy and Heat Transport) મિશનને એમની અરજીઓ મળી છે. એમની જવાની તારીખ પાંચમી મે ૨૦૧૮ છે અને નાસાએ એમને બોર્ડિંગ પાસ પણ આપી દીધા છે. એમનાં નામો વાળના એક હજારમા ભાગના વ્યાસના કદના અક્ષરોમાં સિલિકૉનની વેફર માઇક્રોચિપ પર ઇલેક્ટ્રોન બીમથી અંકિત કરવાનું કામ ચાલુ છે.

આખી દુનિયામાંથી નાસાને ૨૪,૨૯,૮૦૭ અરજીઓ મળી છે. એમાં અમેરિકામાંથી ૬,૭૬,૭૭૩ અને ચીનમાંથી ૨,૬૨,૭૫૨ અરજીઓ મળી. મંગળની યાત્રાએ જવા ઉત્સુકોમાં ભારત ત્રીજા નંબરે છે.

સંદર્ભઃ ટાઇમ્સ ઑફ ઇંડિયા_61569558

 () કોણ હતો એ વણનોતર્યો અતિથિ?

science-samachar_24માં ‘વણનોતર્યો અતિથિ આપણી સૂર્યમાળામાં!’ એ શીર્ષક હેઠળ આપણી સૂર્યમાળામાં આવી ચડેલા એક પદાર્થના સમાચાર આપ્યા હતા. એની વિડિયો લિંક પણ આપી હતી, જે ફરી અહીં આપી છે. આ ઘૂસણખોર પર ક્લિક કરો.

હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે એ ભાઈ કોઈ બીજી સૂર્યમાળા-માંથી આવ્યા હતા. તસવીરમાં વચ્ચે ટપકું દેખાય છે તે બહારથી આવેલો પિંડ છે. ટેલિસ્કોપ. દ્વારા તારા લિસોટા જેવા દેખાય છે. આકૃતિમાં દેખાતો રંગ વાસ્તવિક નથી. guim.co.uk/img/media).

આ આગંતુક ૪૦૦ મીટરના કદનો હતો. એ અતિ કાળારંગનો છે અને એની સપાટી પર પડતા ૯૬ ટકા પ્રકાશને શોષી લે છે અને સપાટી લાલ છે, જે કાર્બનના અણુ હોવાનું સૂચવે છે. વૈજ્ઞાનિકોએ એને 1I/2017 U1(’Oumuamua- ઔમ્વમ્વા) નામ આપ્યું છે જેનો અર્થ છે- સંદેશવાહક અથવા સ્કાઉટ. અને એ બહારથી જ આવ્યો હતો તે નક્કી કરવા વૈજ્ઞાઅનિકોએ એની પરવલયાકાર ભ્રમણકક્ષાનો અભ્યાસ કર્યો. સૂર્યમાળાનો જ કોઈ પદાર્થ છેડા પર પહોંચે ત્યારે, બહારથી પ્રબળ ગુરુત્વાકર્ષણની અસર થાય તો એ સૂર્યમાળાની બહાર ખેંચાઈ જાય ત્યારે એની ભ્રમણકક્ષા લંબોતરી થઈ જાય, પણ આ પદાર્થની ભ્રમણકક્ષાના માર્ગ વિશે વિચારતાં જણાયું કે એ પહેલેથી જ પરવલયાકાર હતી અને હવે એ જ્યારે સૂર્યમાળાની બહાર નીકળવાનો છે ત્યારે પણ એની ભ્રમણકક્ષા એ જ રહી છે. આપણી સૂર્યમાળામાં બહારથી કોઈ પદાર્થે પ્રવેશ કર્યો હોય અને એની નોંધ લઈ શકાઈ હોય તેવું આ પહેલી વાર બન્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા તો દસેક હજાર પદાર્થો આપણી સૂર્યમાળાની બહાર ભમતા હોય છે.

સંદર્ભઃ ગાર્ડિયન_૧ અને ગાર્ડિયન_૨

 

%d bloggers like this: