૧). વિમાની સફર મન અને શરીર પર શી અસર કરે છે?
વિમાની મુસાફરી હવે ધીમે ધીમે સામાન્ય બનતી જાય છે. જો કે દેશની અંદર તો ત્રણેક કલાકથી વધારે લાંબો વખત નથી લાગતો પણ વિદેશ જનારાંએ તો દસ-બાર કે તેનાથીયે વધારે કલાક વિમાનમાં રહેવું પડે છે. આ સ્થિતિમાં શરીર અને મન પર શી અસર થાય?
એક સંશોધન પ્રમાણે મુસાફર વધારે લાગણીશીલ બની જતો હોય છે. એક તો ઘર, સગાંવહાલાંને છોડીને પારકા મુલકમાં જવાનો મન પર ભાર હોય છે એટલે થાય એવું કે નાના સ્ક્રીન પર ફિલ્મ જોતા હોઈએ તે બહુ સામાન્ય હોય પણ વિમાનમાં થોડોક પણ દુખી સીન આવે તો રડવું આવી જતું હોવાનું ઘણા મુસાફરો કહે છે.
જર્મનીની કોલોન યુનિવર્સિટીની સોસાઇટી ઑફ એરોસ્પેસ મૅડીસિનના યોરેન હિંકલબેઇન (Jochen Hinklebein) કહે છે કે પહેલાં તંદુરસ્ત અને યુવાન લોકો કામ સબબ મુસાફરી કરતા એટલે માનસિક અસરો પર ધ્યાન ન જતું પણ હવે વિમાની સફર સસ્તી થતાં વૃદ્ધો અને બાળકો પણ મુસાફરી કરે છે આથી આ સમસ્યા પર ધ્યાન ગયું છે.
આઠ હજાર ફૂટની ઊંચાઈએ હવાનું દબાણ ઓછું હોય છે એટલે લોહીમાં ઑક્સીજન ૬%થી ૨૫% જેટલો ઑક્સીજન ઘટી જાય છે. માંદા કે વૃદ્ધો પર એની ચોખ્ખી અસર દેખાય છે. ૧૨,૦૦૦ ફુટની ઊંચાઈએ તંદુરસ્ત મુસાફરની યાદશક્તિ પણ હાંફવા લાગે છે. ટેઇક-ઑફ પછી ઘણા લોકો થાકી જતા હોય છે અને સૂઈ જાય છે. વિમાનમાં ભેજ ન હોય તેને કારણે આપણી સ્વાદેન્દ્રીયની મીઠું અને ખાંડનો સ્વાદ પારખવાની શક્તિમાં ૩૦ ટકા ફેરફાર થઈ જાય છે.
હવામાં ભેજ ન હોય તેની તમારા પર એક ખરાબ અસર એ થશે કે પેટમાં અપાનવાયુ વધારે પેદા થશે. પરંતુ આ ખરાબ અસર તમે નહીં, તમારી પાસેની સીટનો મુસાફર ભોગવશે!
સંદર્ભઃ વિમાની સફર_બીબીસી
૦-૦-૦
૨). કાલા–અઝાર માટે જવાબદાર હોઈ શકે તેવાં બે બૅક્ટેરિયા ભારતીય વૈજ્ઞાનિકોને મળ્યાં
દુનિયાના માત્ર છ દેશોમાં આ ચેપી બીમારી છે. એમાં ભારત પણ છે. આપણા દેશમાં દર વર્ષે ૧૦,૦૦૦ કરતાં વધારે કેસો નોંધાય છે, જેમાંથી મોટા ભાગના કેસો બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ૪૮ જિલ્લાઓમાં ૧૬ કરોડ ૫૪ લાખની વસ્તી સામે આ બીમારીનું જોખમ છે. આ રોગ ‘સૅંડફ્લાય’ તરીકે ઓળખાતા સૂક્ષ્મ જંતુ દ્વારા ફેલાય છે. એનું કદ મચ્છરના ચોથા ભાગનું – દોઢ મિ.મી.થી માંડીને સાડાત્રણ મિ.મી. જેટલું – હોય છે. એમાં સતત તાવ આવે છે, ભૂખ મરી જાય છે અને ચહેરા પર કે શરીરના કોઈ પણ ભાગ પર દાણા નીકળે છે. આના માટે ‘લીશ્મેનાઇયા ડોનોવાની’ નામનું બેક્ટેરિયા જવાબદાર હોવાનું મનાય છે. (આ બીમારીનું નામ પણ ‘વિસ્સેરલ લીશ્મેનાયાસિસ’ કે બ્લૅક ફીવર છે). અંતે ‘હાથપગ સળેકડી, પેટ ગાગરડી’ની સ્થિતિ ઊભી થાય છે અને બે વર્ષમાં મ્રુત્યુ થાય છે.
પરંતુ ગયા મહિને ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું કે ૨૦-૨૨ દરદીઓના સેમ્પલમાં માત્ર ડોનોવાની નહીં. માત્ર ડોનોવાની જ નહીં બીજાં બે બૅક્ટેરિયા ‘લેપ્ટોમોનસ સિમૂરી’ અને લૅપ્સી NLV1 પણ જોવા મળ્યાં છે.
આ બેક્ટેરિયા પર હજી સુધી ધ્યાન અપાયું જ નથી. જો કે હવે દવાઓ મળતી થઈ ગઈ છે એટલે મૃત્યુનો આંક ૧૦૦૦ સુધી નીચે લાવી શકાયો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો આ બીજાં બે બેક્ટેરિયા પર પણ કામ શરૂ કરશે ત્યારે આ ભયંકર જીવલેણ બીમારીને જડમૂળથી ઉખાડવાની દિશા ખૂલશે અને એનો લાભ આપણા પાડોશીઓ ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાલ ઉપરાંત દક્ષિણ અમેરિકા અને આફ્રિકા સુધી પણ પહોંચશે.
સંદર્ભઃ (૧) કાલા-અઝાર_ધી હિન્દુ, (૨) ભારત સરકાર (૩) સંશોધન લેખ_PMC4782357/
૦-૦-૦
(૩). પ્રદૂષણ ૧૬ ટકા મૃત્યુ માટે જવાબદાર
દુનિયાના સૌથી મોટા સ્વતંત્ર મૅડિકલ જર્નલ લૅન્સેટના પ્રદૂષણ અને આરોગ્ય વિષયક પંચે ગયા મહિનાની ૧૯મીએ પ્રદૂષણની ખરાબ અસરો વિશે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટ કહે છે કે દુનિયામાં ૧૬ ટકા મૃત્યુ સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અવળી અસરોને કારણે થાય છે. આમ, એઇડ્સ વત્તા ટીબી વત્તા મેલેરિયાને કારણે થતાં મૃત્યુ કરતાં ત્રણગણાં મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. દુનિયાનાં બધાં યુદ્ધો કરતાં ૧૫ગણા લોકો પ્રદૂષણના ‘શહીદ’ બને છે. આ આલેખ દ્વારા પ્રદૂષણની ઘાતકશક્તિનો અંદાજ આવશે.
પ્રદૂષણનો માર સૌથી વધારે ગરીબો પર પડે છે. ૨૦૧૫માં ૯૦ લાખ અકાળ મૃત્યુ થયાં, તેમાંથી પ્રદૂષણજન્ય બીમારીઓને કારણે મરનારાંમાંથી ૯૨ ટકા ગરીબો હતાં. પ્રદૂષણે ૨૫ કરોડ ૪૦ લાખ વર્ષોને ભરખી લીધાં છે અને બીજાં ૧ કરોડ ૪૦ લાખ જીવનને શક્ત, લાચાર બનાવી દીધાં છે. ભારતની વાત કરીએ તો, બધા પ્રકારનાં પ્રદૂષણને કારણે સૌથી વધારે મૃત્યુ થતાં હોય તેવા દેશોમાં આપણો સમાવેશ છે. આપણે ત્યાં દર એક લાખ મૃત્યુમાંથી ૧૫૧થી ૩૧૬ મૃત્યુ માટે પ્રદૂષણ જવાબદાર હોય છે.
(બન્ને આલેખ મૂળ રિપોર્ટમાંથી બિનવ્યાવસાયિક ઉદ્દેશ માટે લીધા છે).
સંદર્ભઃ લૅન્સેટ_પ્રદૂષણ રિપોર્ટ.pdf
૦-૦-૦
(૪). વણનોતર્યો અતિથિ આપણી સૂર્યમાળામાં!
ગયા મહિને એક અજાણ્યો અતિથિ આપણી સૂર્યમાળામાં વણનોતર્યો આઅવી ચડ્યો અને હવે ધીમે ધીમે પાછો જવા લાગ્યો છે. આ ભાઈ કોણ હતા? ખગોળવિજ્ઞાનીઓ હવે એની ભાળ મેળવવામાં લાગ્યા છે.
શું અને કેમ થયું તે જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરોઃ ઘૂસણખોર
ગયા મહિનાની ૧૯મીએ હવાઈ યુનિવર્સિટીની ઍસ્ટ્રોનૉમી સંસ્થાના ખગોળવિજ્ઞાની ડૉ. રૉબ વેરિક એક પ્રયોગનાં તારણો તપાસતા હતા ત્યારે એમને આ પદાર્થ દેખાયો. આવું કોઈએ કદી જોયું નહ્તું. પહેલાં તો એમને લાગ્યું કે આ કોઈ પૃથ્વીની પાસેનો અવકાશી પથ્થર છે, પણ એની ગતિ કોઈ ઉલ્કા જે ધૂમકેતુ કરતાં બહુ ઘણી હતી. એ સમજી ગયા કે આ કોઈ ઘૂસણખોર સૂર્યમાળામાં ઘૂસ્યો છે. એમણે ગ્રહોની ગતિ પર નજર રાખતી એક સંસ્થાની સલાહ માગી, તો એમની ધારણા સાચી પડી.
આ પદાર્થ ૯મી સપ્ટેમ્બરે સૂર્યથી ૨ કરોડ ૩૦ લાખ માઇલના અંતર જેટલો નજીક આવ્યો એ વખતે એની ગતિ સેકંડના ૫૫ માઇલની હતી. તે પછી ૧૪મી ઑક્ટોબરે એ પૃથ્વીની નજીક, દોઢ કરોડ માઇલના અંતર સુધી આવ્યો. એ વખતે એની ગતિ સેકંડના ૩૭ માઇલની હતી. હવે એ સેકંડના ૨૫ માઇલની ઝડપે દૂર નીકળી ગયો છે સૂર્યમાળાની બહાર નીકળી જવાની ક્ષણે એની ગતિ સેકંડના ૧૬ માઇલની રહેવાનું ખગોળવિજ્ઞાનીઓ ધારે છે.
સંદર્ભઃ ન્યૂ યૉર્ક ટાઇમ્સ
૦-૦-૦