Science Samachar: Episode 19

(૧) જબ તક સૂરજ-ચાંદ રહેગા…!

કોઈ પણ નેતાના મૃત્યુ વખતે આવા શ્મશાન યાત્રામાં સૂત્રોચ્ચાર થતા હોય છે, “જબ તક સૂરજ-ચાંદ રહેગા… (દિવંગત નેતાનું નામ) તેરા નામ રહેગા. આ તો નેતાના ભક્તોના મનની વાત’ થઈ, ખરેખર તો એ નેતાની ચિતા જલતી હોય તે જ ઘડીથી સત્તાની સાઠમારી શરૂ થઈ જતી હોય છે. પરંતુ એક જીવ એવો છે કે જે ખરેખર સૂરજ રહેશે ત્યાં સુધી રહેશે અને સૂરજનું મૃત્યુ જોશે! આ ભાઈ છે, ટાર્ડીગ્રેડ. એ આઠ પગનો સૂક્ષ્મ જીવ છે એનું કદ અર્ધા મિલીમીટરથી વધારે નથી હોતું એટલે એ માઇક્રોસ્કોપ નીચે જ દેખાય છે. ઑક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીઓના સંશોધકોએ એનો અભ્યાસ કર્યો છે. એમનો લેખ ‘સાયન્ટિફિક રિપોર્ટર’ નામના સામયિકમાં પ્રકાશિત થયો છે. અહીં પહેલી તસવીરમાં એ ઉલટો અને બીજી તસવીરમાં સીધો દેખાય છે

imageimage

સંશોધકોએ એની જીવનશૈલીનો અભ્યાસ કરીને અંદાજ કાઢ્યો છે કે પૃથ્વી પરના કોઈ પણ સંજોગો એને જીવનથી વંચિત કરી શકતા નથી એટલે એની આવરદા દસ અબજ વર્ષની હશે. એનો અર્થ એ કે સૂરજનું મૃત્યુ થયા પછી પણ એ ટકી જશે અને એ સંજોગોમાં ભારે ઊથલપાથલ થાય તેમાં બીજા ગ્રહમાં પહોંચી જાય અને ત્યાં જીવનની શરૂઆત કરે તો નવાઈ નહીં.

ટાર્ડીગ્રેડના અધ્યયનનું કામ એક પેઢીમાં પૂરું નથી થતું એને ૩૦ વર્ષ સુધી ખાવાનું કે પાણી ન મળે તો પણ જીવી જાય છે. શૂન્યની નીચે ૧૫૦ ડિગ્રી ઠંડીમાં કે શૂન્યની ઉપર ૧૫૦ ડિગ્રી સુધીની ગરમીમાં પણ એ મરતો નથી. એટલે કોઈ જબ્બર ઉલ્કા પૃથ્વી પર ખાબકે તો પણ ટાર્ડીગ્રેડ બચી જશે કારણ કે એકાદ ઉલ્કાથી બધા સમુદ્રોનું પાણી ખદબદવા લાગે એવું નહીં બને, પરંતુ આવા જીવ પૃથ્વી પર કે બીજે ક્યાંય પણ હોઈ શકે છે, આપણે તો જાણતા નથી!

સંદર્ભઃ અહીં અને અહીં

(૨) કોશની અંદર ફૅક્ટરીનું કામકાજ!

શરીરના કોશોimageમાં ઘણી જાતનાં કામ થાય છે. એક કામ બગડેલા માલમાંથી સારા ભાગ છૂટા પાડીને નવા ઊર્જાદાયક કોશો બનાવવાનું છે. આના માટે કોશમાં જ એક નાની રીસાઇક્લિંગ ફૅક્ટરી ચાલે છે. આ પ્રક્રિયાને Autophagy (ઑટોફેજી- કે પોતાને જ ખાવું) કહે છે. આવી રીસાઇક્લિંગ ફૅક્ટરીને Autophagosome (ઑટોફેગોઝોમ) કહે છે. જ્યારે આ વ્યવસ્થા પડી ભાંગે ત્યારે Alzheimer’s અને Parkinson’s જેવી બીમારીઓ થાય છે. ‘કરન્ટ બાયોલૉજી’ સામયિકમાં આ વિષય પર એક લેખ પ્રકાશિત થયો છે તેના પ્રમાણે સંશોધકોને આ આખી પ્રક્રિયામાં એક એવો રસ્તો જોવા મળ્યો છે કે જેના દ્વારા આવા રોગોને જ રોકી શકાય.

કોશની અંદર સેન્ટ્રોઝોમ નામનો એક ભાગ હોય છે જે કોશના માળખાને ટકાવી રાખે છે. આ ભાગમાંથી ઑટોફેજી પ્રોટીન GABARAP છૂટો પડીને ઑટોફેગોઝોમમાં જતો હોય છે. સંશોધકોએ જોયું કે કોશમાં PCM1 નામનો પ્રોટીન કૂરીઅરનું કામ કરે છે અને GABARAPને સેન્ટ્રોઝોમમાંથી ઑટોફેગોઝોમ સુધી પહોંચાડે છે. હવે એમણે PCM1ને હટાવી લીધો તો જોયું કે આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને અમુક GABARAP પ્રોટીન ‘પ્રોટિઆઝોમ’માં પહોંચી ગયો અને અમુક ભળતા સરનામે, બીજા ઑટોફેગોઝોમમાં પહોંચ્યો. કયા ઑટૉફેગોઝોમમાં જાય તો રોગને અટકાવી શકાય તે હજી શોધવાનું બાકી છે, પણ એમાં PCM1ની ભૂમિકાની પાકી ખબર પડી. આથી હવે ઑટોફેજી પ્રોટીનને ક્યાં મોકલવો તે નક્કી કરી શકાશે.

સંદર્ભઃ અહીં

અહીં કોશની અંદર ઑટોફેજીની વ્યવસ્થા દેખાડી છે. કાળો ભાગ કોશનું નાભિસ્થાન છે.લીલા રંગનું ઝૂમખું સેન્ટ્રોઝોમ છે અને છૂટા લીલા રંગનાં બિંદુ સેન્ટ્રીઓલર સૅટેલાઇટ છે, જે પ્રોટીનને લઈ જવાનું કામ કરે છે લાલ બિંદુ ઑટૉફેગોઝોમમાં રહેલા GABARAP પ્રોટીન છે. પીળાં બિંદુમાં PCM1 અને GABARAP, બન્ને છે. (Credit: Justin Joachim).

અભ્યાસપત્ર ‘Centriolar satellites control GABARAP ubiquitination and GABARAP-mediated autophagyસામયિક Current Biologyમાં પ્રકાશિત થયો છે.

() હલનચલન કરોમોબાઇલ ચાર્જ થઈ જશે!

imageવૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું ઉપકરણ બનાવ્યું છે કે એને તમે જૅકેટ, શર્ટ કે સ્કર્ટની સાથે પહેરી શકશો. તે પછી થોડું ચાલશો, હાથ હલાવશો તેની ગતિને કારણે એમાં વીજળી પેદા થશે અને એનાથી તમે મોબાઇલ કે લૅપટૉપ ચાર્જ કરી શકશો. કાળા ફોસ્ફરસની અતિ પાતળી તકતીમાંથી આ ઉપકરણ બનાવ્યું છે. માણસ હલનચલન કરે તે વખતે બહુ થોડી વીજળી પેદા થતી હોય છે. આ તકતીને એટલી નીચી ફ્રિક્વન્સી પર દબાવો કે વાળો એટલે એ કામ કરવા લાગે છે. ACS Energy Letters નામના ઑનલાઇન સામયિકમાં “Ultralow Frequency Electrochemical Mechanical Strain Energy Harvester using 2D Black Phosphorus Nanosheets” લેખ ૨૧મી જુલાઈએ પ્રકાશિત થયો છે તેમાં આ માહિતી આપવામાં આવી છે.

સંશોધક ટીમના એક લેખક નીતિન મુરલીધરન (Nitin Muralidharan ) કહે છે કે તમે ઉસૈન ઓલ્ટને જુઓ છો ત્યારે એને દુનિયાના સૌથી ઝડપી દોડવીર તરીકે જુઓ છો પણ મને એનામાં ૫ હર્ટ્ઝનું મશીન દેખાય છે. કાળા ફોસ્કરસની તક્તી વાપરવાથી આટલી ઓછી ફ્રિક્વન્સીએ પણ વીજળી પેદા થાય છે. સામાન્ય રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે ૧૦૦ હર્ટ્ઝની શક્તિ જોઈએ પણ આ સંશોધકોએ બહુ જ નીચી ફ્રિક્વન્સીએ વીજળી પેદા કરી દેખાડી છે.

હજી તો તમારાં ચાર્જર/ઍડેપ્ટર સાચવી રાખજો કારણ કે આ ઉપકરણ બજારમાં આવતાં તો ઘણો વખત લાગી જશે, પણ આવ્યા વગર નહીં રહે.

સંદર્ભઃ અહીં અને વિડિયોઃ

() ઓડિશામાં બાળરક્ષક બૅક્ટેરિયાનો સફળ પ્રયોગ

સામાન્ય પ્રસવને બદલે સિઝેરિયન દ્વારા જન્મેલાં બાળકો સામે સ્થૂળતા, દમ અને બીજી બીમારીઓનું જોખમ વધારે હોય છે. માતાની યોનિમાં બાળકને ઉપયોગી થાય એવાં બૅક્ટેરિયા હોય છે, જે સામાઅન્ય પ્રસવ વખતે બાળક ગળી જાય છે. સિઝેરિયનથી જન્મેલાં બાળકો આ પ્રાકૃતિક લાભથી વંચિત રહી જાય છે. પરંતુ આપણા દેશમાં તો સામાન્ય રીતે જન્મેલાં બાળકોના જીવન સામે બીજા અનેક ચેપોનું જોખમ રહે જ છે.

ઓડિશાના ગરીબ પ્રદેશમાં સંશોધકોએ બાળકના જન્મ પછી એને શરૂઆતના બે-ચાર દિવસ આ બૅક્ટેરિયા આપવાનો પ્રયોગ કરી જોયો અને એમાં સેપ્સિસના ૪૨ ટકા કેસ ઓછા થઈ ગયા. પ્રયોગમાં સંશોધકને કે બાળકનાં માતાપિતાને ખબર નહોતી કે બાળકને બૅક્ટેરિયા અપાય છે કે ખાલી ડમી દવા. એમ માન્યું હતું કે પ્રયોગમાં ૨૦ ટકા સારાં પરિણામ મળશે પણ બમણાથીયે વધુ સફળતા મળતાં પ્રયોગ બંધ કરી દેવાયો કેમ કે બીજાં બાળકોને લાંબા વખત સુધી એનાથી વંચિત રાખવાં તે અન્યાય ગણાય. સામાન્ય રીતે જન્મ પછીના બીજા અઠવાડિયામાં સેપ્સિસને કારણે બાળકનું મૃત્યુ થતું હોય છે.

આ પ્રક્રિયાને સિન્બાયોટિક (Synbiotic) કહે છે એમાં પ્રોબાયોટિક, એટલે કે આરોગ્ય માટે લાભકારી બૅક્ટેરિયા અને તેની સાથે પ્રીબાયોટિક કે જે બૅક્ટેરિયાની વૃદ્ધિ અને નિવાસ બનાવવામાં મદદ કરે છે, તેનું સંયોજન આપવામાં આવે છે.

ભારત અને અમેરિકાના નેબ્રાસ્કા મૅડિકલ સેંટરના સંશોધકોએ ઓડિશાનાં ૧૪૯ ગામોમાં ગરીબ માતાઓને જન્મેલાં ૪,૫૫૦ બળકો પર આ પ્રયોગ કર્યો અને સફળતા મળી. આ સંશોધન લેખ ‘નેચર’ સામયિકમાં પણ છપાયો છે.

સંદર્ભઃ અહીં ǁ લેખકનો સંપર્કઃ prasad.ravindranath@thehindu.co.in

%d bloggers like this: