હરિયાણામાં છેલ્લા એક-બે મહિનાથી સ્ત્રી શક્તિ જે રીતે સક્રિય બની છે તે નોંધ લેવા જેવી વાત છે. આમ તો પરંપરાની નજરે જોઈએ તો હરિયાણા બધી રીતે હજી ૧૯મી સદીમાં જીવે છે. આજે પણ ત્યાં સ્ત્રી-પુરુષ ગુણોત્તર સૌથી ખરાબ છે. હરિયાણામાં દર એક હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા ૮૭૯ છે. બીજી બાજુ, કેરળમાં એક હજાર પુરુષોની સામે ૧૦૮૪ સ્ત્રીઓ છે. સ્થિતિ એ છે કે હરિયાણામાં લગ્નની ઉંમર વટાવી ગયેલા પુરુષો કેરળ જઈને પરણી આવે છે. કેરળમાં નાયર કોમમાં સ્ત્રીને સંપત્તિમાં પ્રાથમિકતા આપવામાં આવે છે, પણ પુરુષપ્રધાન સમાજે એ વ્યવસ્થાને પણ વિકૃત કરી નાખી છે. હવે નાયરોમાં જે સ્ત્રી પાસે સંપત્તિ હોય તેનાં જ લગ્ન થાય છે! એટલે સ્ત્રીઓ લગ્ન કરીને ક્યાંય પણ જવા તૈયાર હોય છે અને હરિયાણામાં પુરુષો કોઈ પણ સ્થાનેથી પત્ની લાવવા તૈયાર હોય છે.
હરિયાણાની ખાપ પંચાયતો છોકરી-છોકરાઓના પ્રેમસંબંધો પર બારીક નજર રાખે છે અને પરંપરાનો ભંગ થતો હોય તેવાં કોઈ પણ લગ્નમાં આડે આવે છે, એટલું જ નહીં, નવપરિણીત યુગલને શોધી કાઢીને, ઝાડ સાથે બાંધીને મારી નાખવાના બનાવો પણ બને છે. ખાપનો હુકમ છે કે છોકરીઓ મોબાઇલ ન રાખે. જો કે હવે ઉત્તર પ્રદેશમાં ઍન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવાઈ છે તે પછી ખાપની ટીકા કરવા જેવું રહેતું નથી. ખાપનો વિરોધ એક પણ રાજકીય પક્ષે નથી કર્યો. બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં તો સરકારે જ ઍન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવી છે. એ પક્ષ તો એમાં સક્રિય છે જ, પણ બીજા પક્ષોએ પણ એનો ખુલ્લો વિરોધ નથી કર્યો. આનું કારણ એ કે આ બધાંનું જન્મ સ્થાન આપણી ભારતીય મનોવૃત્તિ છે.
આ સંજોગોમાં હરિયાણાની છોકરીઓએ જે કર્યું છે તે ખરેખર ક્રાન્તિકારી છે. રિવાડી જિલ્લાના ગોથરા ટપ્પા દહિનાની સરકારી સ્કૂલની છોકરીઓ ૧૨મા ધોરણમાં પહોંચી પરંતુ એ સ્કૂલ માત્ર ૧૦મા ધોરણ સુધી જ માન્ય હતી. આગળ ભણવા માટે છોકરીઓએ ત્રણ કિલોમીટર દૂર કનવલ ગામે જવું પડે એમ હતું સામાન્ય રીતે આ કારણે ગામની છોકરીઓ દસમા પછી ભણવાનું છોડી દેતી હતી, પણ ૨૦૧૭ના બૅચની છોકરીઓએ કહ્યું કે કનવલ જતાં રસ્તામાં છોકરાઓ એમની છેડતી કરે છે, ગંદી વાતો કરે છે એટલે કનવલને બદલે ગામની સ્કૂલમાં જ ૧૨મું ધોરણ શરૂ કરો. સરકારે એમની વાત કાને ન ધરી એટલે બધી છોકરીઓ ભૂખ હડતાળ પર બેસી ગઈ. અંતે એક અઠવાડિયાના ઉપવાસ પછી સરકારે એમની માગણી માની લીધી અને સ્કૂલનો દરજ્જો વધાર્યો, નવા પ્રિન્સિપાલની નીમણૂક કરી – અને હવે જુલાઈથી છોકરીઓ ગામની સ્કૂલમાં જ ભણશે.
(બન્ને ફોટા ANIના ટ્વિટર એકાઉંટમાંથી અવ્યાવસાયિક હેતુ માટે લીધા છે)
જોવાની વાત એ છે કે રૂઢીચુસ્ત ગણાતા હરિયાણામાં આઅ છોકરીઓનાં માતાપિતાઓ પણ છોકરીઓની સાથે રહ્યાં! રૂઢીચુસ્ત સમાજમાંથી અવાજ ન ઊઠ્યો કે છોકરીઓએ આગળ ભણવાની જરૂર નથી. આમ આ એક મોટું પગલું છે. આપણો સમાજ એકીસાથે ૧૮મી સદીમાં અને ૨૧મી સદીમાઅં જીવી છે તેનો આ પુરાવો છે.
સ્ત્રી શક્તિનો બીજો પરચો ૨૯મી તારીખે ગુડગાંવ (ગુરુગ્રામ)માં મળ્યો. અર્જુનનગરની ગર્લ્સ સેકંડરી સ્કૂલનું દસમા ધોરણનું પરિણામ એવું ખરાબ આવ્યું કે છોકરીઓ ઊકળી ઊઠી અને એમણે પટૌડી રોડ જામ કરી દીધો. દસ છોકરીઓએ નિર્ણય લઈ લીધો અને પછી બીજી પણ જોડાઈ ગઈ.રસ્તા પર એકબીજાના હાથ પકડીને એમણે બન્ને બાજુના ટ્રાફિકને રોકી લીધો.
(ફોટા – સાભારઃ ડાબી બાજુઃ અહીં ||જમણી બાજુઃ અહીં)
બોર્ડની પરીક્ષામાં ૧૦૦માંથી ૮૮ નાપાસ! છોકરીઓએ કહ્યું કે આવું કેમ હોય? જો કે છોકરાઓની હાલત પણ આવી જ છે, પણ સામૂહિક વિરોધનો રસ્તો માત્ર છોકરીઓએ લીધો. એમની માગણી છે કે પેપરોનું ફરી મૂલ્યાંકન કરો. કારણ એ કે એક છોકરીને સાતમાંથી ત્રણ વિષયમાં ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ મળ્યા, પણ બીજા ચાર વિષયમાં, કોઈમાં ૩, તો કોઈમાં ૬, એવા માર્ક્સ મળ્યા. એમનું કહેવું છે કે આમ કેમ બની શકે? શું એ પેપરોમાં એણે કંઈ લખ્યું જ નહીં? આ તો એક ઉદાહરણ છે, આવા તો ઘણા કિસ્સા છે. આ છોકરીઓનાં માતાપિતાઓ બહુ ગરીબ છે અને હાથલારી ચલાવીને, ઘરકામ કરીને જીવન ગુજારે છે. એમને છોકરીઓના શિક્ષણમાં બહુ મોટી આશાઓ છે.
આ ૨૧મી સદીની વચ્ચેથી ફરી અહીં ૧૯મી સદી ડોકિયું કરે છે. છોકરીઓ કહે છે કે નાપાસ થવાથી એમનાં માબાપ આગળ ભણવા દેશે નહીં અને પરણાવી દેશે(૧૯મી સદી!). છોકરીઓ જલદી પરણી જવાના માબાપના દબાનને વશ થવા નથી માગતી (૨૧મી સદી!).
ગમે તેમ, ‘મારી બારી’માંથી જોતાં તો લાગે છે કે જ્યાં દબાણ અને દમન વધારે હોય ત્યાંથી જ સામાજિક ક્રાન્તિની શરૂઆત થતી હોય છે. કદાચ હરિયાણાની છોકરીઓ દેશની સ્ત્રીઓ (અને પુરુષો)ને નવો રસ્તો દેખાડશે.