૧. સ્તનના કૅન્સરમાં બીજી શસ્ત્રક્રિયાની જરૂર નહીં રહે!
કૅલિફોર્નિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજી (Caltech)ના પ્રોફેસર લિહોંગ વાંગે સ્તનના કૅન્સરની બધી જ ગાંઠો એકી સાથી કાઢી શકાય તે માટે નવી ઇમેજિંગ ટેકનોલૉજી વિકસાવી છે. સામાન્ય રીતે સ્તનના કૅન્સરમાં એક જ સર્જરીમાં બધી ગાંઠો કાઢી શકાતી નથી. જે દર વર્ષે ૬૦થી ૭૫ ટકા દરદીઓને બીજી વાર શસ્ત્રક્રિયા કરાવવી પડે છે.
આથી, મોટા ભાગે તો આખું સ્તન કાઢી નાખવાની સર્જરી (Mastectomy) કરાતી હોય છે. પરંતુ સ્તનને બચાવી રાખવાની રીતમાં માત્ર કૅન્સરવાળી ગાંઠ કાઢવાની શસ્ત્રક્રિયા (Lumpectomy) કરાય છે. પરંતુ, એમાં જે પેશીઓ કાઢવામાં આવે છે તે લૅબમાં મોકલાય છે જ્યાં એની પાતળી સ્લાઇસ કરે નખાય છે. ગાંઠ એની સપાટી પર જોવા મળે તો સર્જ્યને ગાંઠને વચ્ચેથી તો કાઢી નાખી પણ આસપાસ હજી કૅન્સર બાકી રહ્યું છે. નવી ઇમેજિંગ ટેકનિકથી પહેલી સર્જરી પછી તરત જોઈ શકાશે કે કૅન્સર બાકી રહ્યું છે કે કેમ. એની મદદથી સર્જ્યન એકીસાથે બધી ગાંઠો કાઢી શકશે અને દરદીને બીજી શસ્ત્રક્રિયાની લાચારીમાંથી મુક્તિ મળશે. આમ સ્તનના કૅન્સરનો ઇલાજ વધારે સસ્તો પણ થશે.
સંદર્ભઃ અહીં
૨. અવકાશયાત્રીઓની શારીરિક ક્ષમતા ઘટી જાય છે?
કૅન્સાસ યુનિવર્સિટીએ અવકાશયાત્રીઓ પાછા આવે તે પછી એમના પર અવકાશમાં રહેવાની શી અસર થઈ તે જાણવા અભ્યાસ હાથ ધર્યો તો જાણવા મળ્યું કે અવકાશયાત્રીઓના શરીરમાં ઑક્સીજનના ભ્રમણની ગતિ ઓછી થઈ જાય છે એટલે ઑક્સીજન ઓછો શોષાય છે, પરિણામે એમની શારીરિક ક્ષમતા ઘટી જાય છે. યુનિવર્સિટીના એક્સરસાઇઝ થૅરપીના આસિસ્ટન્ટ પ્રોફેસર કાર્લ ઍડ અને એમના સાથીઓએ જ્હૉનસન સ્પેસ સેંટર સાથે સહયોગ કરીને છા મહિના કે તેથી વધારે સમયની અવકાશયાત્રાએથી પાછા ફરેલા નવ સ્ત્રી–પુરુષ અવકાશ–યાત્રીઓ વિશેની માહિતીનો અભ્યાસ કર્યો.
અવકાશયાત્રીઓ ઇંટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર જતાં પહેલાં ખાસ કરીને સાઇક્લિંગની કવાયત કરતા હોય છે. એમાં કેટલો ઑક્સીજન શરીરમાં શોષાય છે, હિમોગ્લોબિનનું સ્તર શું રહે છે, સ્નાયુને કેટલો ઑક્સીજન મળે છે વગેરે રેકૉર્ડ તપાસ્યાં. અવકાશયાત્રાએથી પાછા ફર્યા બાદ બે દિવસની અંદર ફરી સાઇક્લિંગની એક્સરસાઇઝ કરાવતાં જોવા મળ્યું કે શરીર ૩૦થી ૫૦ ટકા ઓછો ઑક્સીજન લે છે. આથી એમની શારીરિક ક્ષમતા પણ ઘટી જાય છે.
આ પ્રયોગ ભવિષ્યના અવકાશયાત્રીઓની શારીરિક ક્ષમતા ટકાવી રાખવાના ઉપાયો શોધવામાં મદદ કરશે.
સંદર્ભઃ અહીં
૩. ટીબીના બૅક્ટેરિયાને મારી નાખવાની નવી રીત
ટીબીના બૅક્ટેરિયાનો જલદી ખાતમો બોલાવી દેવામાં ભારતીય વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. દિલ્હીની JNUના સેંટર ફૉર મોલેક્યૂલર મૅડિસીનના યુવાન સંશોધકોએ શાલ વૃક્ષ (સાગ કે રાળનું વૃક્ષ)નાં પાંદડાંમાંથી એમણે એક બેર્જેનિન નામનું ફીટોકૅમિકલ સંયોજન છૂટું પાડીને ઉંદર પર પ્રયોગ કર્યો. આ સંયોજન એમણે ૬૦ દિવસ સુધી ઉંદરને આપ્યું તો જોવા મળ્યું કે એના ફેફસામાં લાગુ પડેલાં બૅક્ટેરિયા સોગણી ઝડપે નાબૂદ થઈ ગયાં. સામાન્ય રીતે જે ઍન્ટીબાયોટિક તે જીવાણુને મારી નાખે છે પણ સાગમાંથી મળેલું બેર્જેનિન ઇમ્યૂન સિસ્ટમને એક પ્રકારના શ્વેતકણ – મૅક્રો ફેજ –ની અંદરનાં બેક્ટેરિયાને મારવા માટે પ્રોત્સાહિત કરે છે.
Frontiers in Cellular and Infection Microbiology નામના સામયિકમાં એમનો લેખ છપાયો છે. સંશોધક ટીમના નેતા ગોવર્ધન દાસ કહે છે કે ટીબીનાં બૅક્ટેરિયા દવાનો સામનો કરવાની શક્તિ કેળવી લે છે, પણ શાલ વૃક્ષનું બેર્જેનિન ઇમ્યૂન સિસ્ટમ પર કામ કરે છે, એટલે ટીબીના ઇલાજ તરીકે એ વધારે સફળ રહી શકે છે. સંશોધકોએ પહેલાં તો આ સંયોજનનો ઉપયોગ કરીને બૅક્ટેરિયા પર સીધો હુમલો કર્યો, પરંતુ એમના પર કશી અસર ન થઈ પણ જ્યારે ઇમ્યૂન સિસ્ટમ પર એનો પ્રયોગ કર્યો ત્યારે ઇમ્યૂન સિસ્ટમ સક્રિય બની ગઈ અને બેક્ટેરિયાને મારી નાખ્યાં.
સંદર્ભઃ અહીં
૪. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની આકૃતિમાં સંશોધકોએ ઉત્સુકતા ઉમેરી!
અમેરિકાના બર્કલી રાજ્યમાં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકો દીપક પાઠક, પુલકિત અગ્રવાલ, એલેક્સેઇ એફ્રોસ અને ટ્રેવર ડૅલરે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના એક એજન્ટમાં (આકૃતિમાં) ઉત્સુકતાનું ઘટક ઉમેરીને AIને માનવ બાળકની વધુ નજીક લાવવામાં સફળતા મેળવી છે. એમણે એક AIમાં ઉત્સુકતાનું તત્ત્વ ઉમેર્યું અને સુપર મારિયો અને વિઝ્ડૂમની ગેમ્સ શિખવાડી. જેમાં ઉત્સુકતા ઉમેરી હતી તે એજન્ટે તો જાતે શીખીને કામ પાર પાડી લીધું પણ જેનાં ઉત્સુકતા નહોતી ઉમેરી તે એજન્ટ દિવાલ સાથે માથું પછાડતો રહ્યો. એ જ રીતે વિઝ્ડૂમમાં પણ નવું શીખવા માટે ‘ઉત્સુક’ એજન્ટે જાતે જ રસ્તો શોધી લીધો.
આ વીડિયો જૂઓઃ
આમ AI વિચારીને પોતાનું કામ કરતો થઈ ગયો. આપણા માટે આ સારું છે?
સંદર્ભઃ અહીં