Maoist Violence

 

ગયા મહિનાની ૨૫મી તારીખે માઓવાદીઓએ (communist Party of India- Maoist) છત્તીસગઢ રાજ્યના બસ્તર વિસ્તારમાં સુકમા પાસે CRPFના ૨૫ જવાનોને મોતને ઘાટે ઉતારી દઈને દેશનું હૈયું હચમચાવી દીધું. આ વિસ્તારમાં માઓવાદીઓનો લગભગ સંપૂર્ણ કબ્જો છે. ૨૦૧૦માં માઓવાદીઓના હુમલામાં ૭૫ જવાનો માર્યા ગયા હતા. નક્સલવાદના જનક ચારુ મજુમદારે હિંસા દ્વારા ક્રાન્તિનો માર્ગ લીધો હતો અને તે પછી અત્યાર સુધીમાં અનેક નિર્દોષોના જાન ગયા છે.

માઓવાદીઓ કોઈને પણ પોલીસના બાતમીદાર ગણાવીને મારી નાખતા હોય છે. બીજી બાજુ સલામતી દળો પણ માઓવાદી હોવાની શંકા પરથી કોઈને પણ પકડી જાય છે, મારી નાખે છે. આમ સામાન્ય આદિવાસી બન્ને બાજુથી મરવા જ સર્જાયેલો હોય એવું છે. પરંતુ માઓવાદીઓની અંદર પણ એટલા બધા મતભેદ છે કે આપણને એના વિશે કંઈ જાણવા મળતું નથી. માત્ર ૨૦૧૨માં ઓડીશામાં માઓવાદી સંગઠનના સ્થાપક સબ્યસાચી પંડાનો એક પત્ર બહાર આવ્યો છે એમાંથી ઘણું જાણી શકાય છે. સબ્યસાચી પોતે ગણિતમાં ગ્રેજ્યૂએટ થયો છે. એના પિતાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો, પછી CPI (M)માં જોડાયા અને ત્રણવાર ધારાસભ્ય બન્યા. સબ્યસાચી (૪૮ વર્ષ)ની પણ ૨૦૧૪માં ધરપક્ડ કરી લેવાઈ અને અત્યારે એ જેલમાં છે.

આદિવાસીઓના અધિકારો માટે લડવાનો દાવો કરતા માઓવાદીઓ વચ્ચે કેવા મતભેદો છે અને કેવી અસમાનતા અને દાદાગીરી છે તે આ પત્રમાંથી જાણવા મળે છે. માઓવાદીઓના ઓડીશા અને આંધ્રનાં બે જૂથો ભળી ગયાં તે પછી આંધ્રના ‘કૉમરેડો’ની દાદાગીરી વિશે પંડાએ માઓવાદી નેતૃત્વને લખ્યું તે પછી એને બરતરફ કરવામાં આવ્યો.

પંડાએ ખરેખર તો બે પત્રો લખ્યા. એક તો પાર્ટીના બધા સભ્યોજોગ ત્રણ પાનાંનો પત્ર હતો અને બીજો સોળ પાનાંનો પત્ર સુપ્રીમ કમાંડર ગણપતિને અને બીજો નારાયણ સન્યાલ (વિજય દાદા) અને અમિતાભ બાગચી (સુમિત દાદા)ને લખ્યો. ગણપતિને તો પત્ર મળ્યો જ, પણ બીજા બેને મળે તે પહેલાં જ એ કોલકાતામાં પોલીસના હાથમાં પહોંચી ગયો. આ ત્રણેય જણ જેલમાં છે.

સ્વામી લક્ષ્મણાનંદની હત્યા

જો કે આ મતભેદોની શરૂઆત તો ૨૦૦૮માં સબ્યસાચીની દોરવણી હેઠળ્ કંધમાલમાં સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા થઈ તે વખતથી શરૂ થઈ ગયા હતા. માઓવાદીઓને એમ હતું કે આ હત્યાનો દોષ ખ્રિસ્તી આદિવાસીઓ પર આવશે અને એ કારણ એમના પર પોલીસની તવાઈ ઊતરતાં એ લોકો નક્સલવાદીઓની પાસે આવશે, પણ આવું કંઈ ન થયું. આથી માઓવાદી નેતાઓ પંડાથી નાખુશ હતા. એના પર નજર રાખવાની જવાબદારી આંધ્રના નેતા કિશનજીને સોંપવામાં આવી, પણ કિશનજીનું પોલીસ એન્કાઉંટરમાં નવેમ્બરમાં મૃત્યુ થતાં સબ્યસાચી હવે મુક્ત હતો.

અંતે ઓડીશાના માઓવાદી સંગઠનને આંધ્રના સંગઠનમાં જોડી દેવામાં આવ્યું. સબ્યસાચીએ પોતાના પત્રમાં આના વિશે અને બીજી ઘણી બાબતો વિશે ફરિયાદો કરી છે. એણે કેટલાક નેતાઓ પર આક્ષેપ કર્યો કે આ નેતાઓ પોતાને માલિક માને છે અને બીજા કાર્યકર્તાઓને નોકર. સબ્યસાચીએ બે ઇટાલિયનોનું અપહરણ કર્યું તે પછી એની પાછળ બે માઓવાદીઓને નેતાઓએ મોકલ્યા હતા. સબ્યસાચી કહે છે કે એ લોકો એનું શારીરિક નહીં તો રાજકીય કાસળ કાઢવા આવ્યા હતા.

અકારણ હત્યાઓનો વિરોધ

પીપલ્સ વૉર ગ્રુપના નેતાઓ (ખાસ કરીને તેલુગુ નેતાઓ)) વિશે સબ્યસાચીએ આક્ષેપ કર્યો કે એમને ઘમંડ છે. BR નામનો તેલુગુ કૉમરેડ કહે છે કે કિશનજીએ કંઈ કામ નથી કર્યું એણે એક પણ પોલીસવાળાને માર્યો નાથી. સબ્યસાચી પૂછે છે કે એક પોલીસવાળાને મારવાથી ક્રાન્તિ થઈ જવાની છે? પોલીસના જાસૂસ હોવાનું કહીને લોકોને મારી નાખવાની માઓવાદી રીતની સબ્યસાચી આકરી ટીકા કરે છે.

૨૦૧૧માં માઓવાદીઓએ ઓડીશાના બીજૂ જનતા દળના ધારાસભ્ય જગબંધુ માઝીની હત્યા કરી. માઝી પણ મૂળ માઓવાદી હતો અને એમને શરણે થવા તૈયાર હતો. સબ્યસાચી લખે છે કે એ તો અપંગ, વ્હીલ ચેરમાં હતો. એને શા માટે મારી નાખ્યો?

ટ્રેડ યુનિયનના નેતાની હત્યા

“આપણે ટ્રેડ યુનિયનમાં બહુ નબળા છીએ. તેમ છતાં CITUના યુનિયન નેતા થામાસો મુંડાને મારી નાખ્યો અને યુનિયનની ઑફિસ જમીનદોસ્ત કરી દીધી. આપણે કોઈને પણ પોલીસનો બાતમીદાર અને આપણો દુશ્મન કહીને મારી નાખીએ છીએ, પણ આ તો વર્કરો માટેની જગ્યા હતી! એ લખે છે કે આપણા પક્ષમાં સામંતવાદી લોકશાહી છે અને આપણે ફાસીવાદી RSS જેમ વર્તન કરીએ છીએ. જાણે લોકો પ્રત્યે આપણી કોઈ જવાબદારી જ નથી. આપણા કોઈ માણસ પકડાઈ જાય તે પછી આપણે કંઈ કરીએ તો પણ બદલામાં માત્ર આંધ્રના સાથીને છોડવાની જ માગણી કરીએ છીએ.

ઓડિયા સાથીઓના ભોજનની ટીકા

તેલુગુ કૉમરેડો ઑડિયા કૉમરેડોને નીચી નજરે જૂએ છે એનું ઉદાહરણ આપતાં એણે લખ્યું કે ઑડિયા સ્ટાઇલમાં બનાવેલા ભાત (પાણીવાળા ભાત) એમને પસંદ નથી આવતા અને કહેતા હોય છે કેઓડિયા સાથીઓનું નીચું દેખાડવા કહેતા હોય છે કે આ તો ભેંસનું ખાણ છે. આમલીના પાણીમાં ઓડિયાઓને ખાંડ નાખવા જોઈએ અને તેલુગુ સાથીઓ મરચું પસંદ કરે. સામુદાયિક રસોડામાં એમને કહે કે ખાંડથી ડાયાબિટિસ થાય. મરચું જેટલું નાખવું હોય તેટલું નાખો. એની ફરિયાદ એ છે કે આંધ્રવાળા પોતાનો ખોરાક પણ બધા ઉપર ઠોકી બેસાડે છે.

માર્ગોસાબુ વાપરો, ગુપ્તાંગો શેવ કરો

આંધ્રવાળા નેતાઓએ સૌ ઑડિયા સ્ત્રી-પુરુષ સાથીઓને ‘માર્ગો’ સાબુથી નહાવાની મનાઈ કરી! માર્ગો ઑડીશામાં જ બને છે પણ આંધ્રવાળાઓએ કાયદો બનાવ્યો કે બધા લાઇફબૉયથી જ નહાઈ શક્શે, પણ લાઇફ્બૉય તો વિદેશી કંપની બનાવે છે! આપણે કહીએ તો છીએ કે લોકલ પ્રોડક્ટ પર સામ્રાજ્યવાદી પ્રોડક્ટો હુમલો કરે છે. તો માર્ગો લોકલ સાબુ છે એ વાપારવાની મનાઈ શા માટે?

વળી સૌ સ્રી-પુરુષ સાથીઓને આંધ્રવાળાઓએ બ્લેડ પણ આપી. નિયમ એવો કે સૌએ પોતાનાં ગુપ્તાંગોના વાળ ‘શેવ’ કરવા! ખાસ કરીને સ્ત્રી-સાથીઓ પર આ હુકમ સખ્તાઈથી લાગુ કરાય છે તે ઉપરાંત સૌને માટે બધાં કપડાં ઉતારીને જ નહાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

નાણાકીય ખાયકી

પંડા ખાયકીનો પણ આક્ષેપ કરે છે. કૉમરેડો પાકો હિસાબ નથી આપતા. કહી દે છે કે દસ હજાર રૂપિયા ખર્ચ્યા. ક્યાં અને કેમ ખર્ચ્યા તે કહેતા નથી. એક સાથીએ ૧૫ લાખ રૂપિયા ભેગા કરી લીધા. માઓવાદીઓ શસ્ત્રો અને દારુગોળો મેળવે છે તે એક જ જગ્યાએથી કે એક જ ભાવે નથી મળતાં. સબ્યસાચી લખે છે કે અમુક માલ ૨૦૦ રૂપિયામાં મળે છે તો એ જ માલ અમુક વખતે ૧૨૦૦ રૂપિયામાં મળે છે. હવે કોઈ પણ સાથી ઊંચામાં ઊંચી કીંમત દેખાડીને પૈસા ખાઈ જાય છે.

આ પત્ર પછી ૨૦૧૩માં સબ્યસાચીની પત્ની શુભશ્રીએ પોતાના સંપર્કો મારફતે રાજ્ય સરકારને સંદેશો પહોંચાડ્યો હતો કે સરકાર કૂણું વલણ લે તો સબ્યસાચી શરણે થઈ જવા તૈયાર છે.

(રાહુલ પંડિતાના લેખ પર આધારિત)

http://www.openthemagazine.com/article/india/the-final-battle-of-sabyasachi-panda

૦-૦-૦

આજે તો સબ્યસાચી પંડા જેલમાં છે. એની ધરપકડ પણ કદાચ કોઈ ગોઠવણ પ્રમાણે જ થઈ હોય તો પણ કહેવાય નહીં. પરંતુ પોલીસના તાબામાં એનું એન્કાઉંટર ન થાય તો હમણાં તો એ પોતાના સાથીઓથી તો બચ્યો જ છે.

પંડાએ મહત્ત્વનો આક્ષેપ તો એ કર્યો છે કે ત્રીસ વર્ષથી વધારે સમયથી આપણે આદિવાસીઓમાં કામ કરીએ છીએ પણ હજી સુધી આદિવાસીઓના વિકાસનું સરકારથી અલગ કોઈ મૉડેલ આપણે બનાવી શક્યા નથી.

ગરીબોનું ભલું કરવા નીકળેલા આ લોકોએ ખરેખર તો હિંસાનો માર્ગ લઈને આદિવાસીઓનું, પોતાનું અને દેશનું નુકસાન જ કર્યું છે. ૨૫ જવાનો પણ ત્યાં બનતા રસ્તાનું રક્ષણ કરવા જ ગયા હતા. રસ્તો બને તો માઓવાદીઓની પકડ ઢીલી પડી જાય. જનતાને હિંસાથી જીત ન મળે, જનતાને અહિંસક આંદોલન મારફતે જ જીત મળે. હિંસાનો આશરો લેનારા અંતે તો આંતરિક કલહ અને અધઃપતનનો જ શિકાર બને.

0-0-0

“Live by the sword, die by the sword

(એસ્કિલસના નાટક ઍગામેમ્નૉનમાંથી)

%d bloggers like this: