આપણા લિવરમાં કેટલાયે બહાદુર કોશો છે જે લિવરનું કામકાજ નિયમસર ચલાવવામાં મદદ કરીને એનું રક્ષણ કરે છે. પરંતુ, કહે છે ને, કે વાડ થઈને ચીભડાં ગળે, તેના જેમ આપણી સામે ટકી શકતા નથી. શરીરનો માલિક જ જો પોતાના વાહનનો દુરુપયોગ કરવા માગતો હોય તો આ કોશો અંતે માલિકના પ્લાન પ્રમાણે ચાલે છે.
કૅનેડામાં ટોરોન્ટોના વૈજ્ઞાનિકો લાંબા અભ્યાસ પછી એ તારણ પર પહોંચ્યા છે કે બહુ ચરબીવાળો આહાર અને આપણી સ્થૂળતા આવા વીરોને પણ અવળે રવાડે ચડાવી દે છે. તે પછી એ ઇંસ્યુલિનની સામે અવરોધ પેદા કરે છે, જેને પરિણામે ડાયાબિટીસ-2ની સ્થિતિ પેદા થાય છે.
આ રિપોર્ટ Science Immunology મૅગેઝિનમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ ઉંદર અને માણસના લિવરના CD8+T શ્વેતકણો લીધા અને એમણે દેખાડ્યું કે જાડા માણસોના શરીરમાં આ કોશો સૂઝી જાય છે અને પોતાનું રી-પ્રોગ્રામિંગ કરીને રોગની સામે લડવાને બદલે રોગના સહાયક બની જાય છે. વૈજ્ઞાનિકો એ જાણવા માગતા હતા કે લિવર શા કારણે આટલો બધો ગ્લુકોઝ છોડે છે. એમણે અમુક ઉંદરોને ભારે મેદવાળો ખોરાક ખવડાવ્યો. પછી સરખામણી કરી તો જોયું કે આ ઉંદરોના લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હતું. લિવર શરીરની જરૂરિયાત પ્રમાણે ગ્લુકોઝ બનાવે છે અને એનો સંગ્રહ કરે છે. ઇન્સ્યુલિન હૉર્મોન એને જાણ કરે છે કે ગ્લુકોઝ જમા રાખવો કે લોહીને આપવો. હવે, લિવરની અંદરના કોશો જ ઇન્સ્યુલિનનો આદેશ કાને ધરતા ન હોય તો લિવર તો ગ્લુકોઝ છોડ્યા જ કરશે! એટલે ટૂંકમાં લિવરના શ્વેતકણો ઇન્સ્યુલિનનું કહ્યું ન માને અને તમારાં ભજિયાં-પાતરાં કે છોલે-ભટૂરેનું કહ્યું માને તો વાંક કોનો?
સંદર્ભઃ અહીં
૦-૦-૦
૨. સોડાવાળાં ડ્રિંક્સ મગજને નુકસાન કરે છે?
બોસ્ટન યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલા બે અભ્યાસલેખો દેખાડે છે કે આવાં ડ્રિંક્સની અસર મગજ પર અને આપણી યાદશક્તિ પર પડે છે. બેમાંથી એક અભ્યાસલેખ તો માત્ર ‘ડાએટ સોડા’ વિશેનો છે. એનાં પરિણામ તો એમ દેખાડે છે કે દરરોજ જે લોકો ડાએટ સોડા (ડાએટ કૉક) પીતા હોય એમના પર તો ત્રણગણી ખરાબ અસર દેખાય છે.
Boston University School of Medicine (MED)નાં ન્યૂરોલૉજીનાં પ્રોફેસર અને આ બન્ને અભ્યાસલેખોનાં માર્ગદર્શક લેખક સુધા શેષાદ્રી/Sudha Seshadri કહે છે કે મીઠાં પીણાં લેવામાં કંઈ ફાયદો હોય એમ લાગતું નથી અને ખાંડને બદલે કોઈ સ્વીટનર વાપરવાથી પણ કંઈ ફરક પડતો નથી. કદાચ પહેલાંના જમાનામાં પીતા. તેમ સાદું પાણી જ લેવું જોઈએ.
બન્ને લેખોના મુખ્ય લેખક મૅથ્યૂ પેઇઝ કહે છે કે મીઠાં અથવા કૃત્રિમ રીતે મીઠાં બનાવેલાં પીણાંની હૃદય પરની અસર વિશે તો જાણીએ છીએ, પણ મગજ ઉપર શું અસર થાય છે તેની ખબર નથી પડી.
આ પહેલાં ૧૯૪૦-૫૦ના ફ્રૅમિંગહાઉસ હાર્ટ સ્ટડી (FHS) થયો હતો.પહેલો લેખ Alzheimer’s & Dementiaમાં આ વર્ષની પાંચમી માર્ચે છપાયો. એના માટે સંશોધકોએ FHSમાં ભાગ લેનારની ત્રીજી પેઢીના ૪૦૦૦ લોકોને લીધા અને એમાંથી સોડા, ફળનો રસ નિયમિત લેતા હોય તેમને પસંદ કર્યા. જે લોકો સૌથી વધારે આવાં પીણાં પીતા હતા, એમનાં મગજ અકાળે વૃદ્ધ થતાં જણાયાં, ઘટનાને લગતી યાદશક્તિ પણ નબળી હતી અને હિપોકૅમ્પસ સંકોચાયેલું હતું. આપણી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યાદશક્તિ હિપોકૅમ્પસ પર આધારિત છે. દિવસમાં એક વાર ડાએટ સોડાલેનારના મગજનું દળ પણ ઓછું હોવાનું જોવા મળ્યું.
બીજો અભ્યાસલેખ આ મહિનાની ૨૦મીએ Strokeમાં પ્રકાશિત થયો છે. એમાં એમણે જે લોકોને સ્ટ્રોક આવ્યો હોય કે અલ્ઝાઇમર્સને કારણે સ્મૃતિભ્રંશ થયો હોય એવા લોકોને તપાસ્યા. ૨,૮૮૮ જણની ઉંમર ૪૫ ઉપર હતી અને ૧,૪૮૪ની ઉંમર ૬૦ની ઉપર હતી. દસ વર્ષ સુધી એમને અભ્યાસમાં રાખવામાં આવ્યા. આમાં એમને જોવા મળ્યું કે ડાએટ સોડાને કારણે ડિમેન્શિયા થાય છે એવું તો જોવા ન મળ્યું પરંતુ જે લોકો રોજ એક વાર ડાએટ સોડા પીતા હતા એવા લોકોનું પ્રમાણ ત્રણગણું હતું. આમ ડાએટ સોડા કારણ ન હોય પણ કંઈક સંબંધ છે. ડાએટ સોડાને સ્ટ્રોક સાથે કંઈક સંબંધ છે એ તો જાણીતી વાત છે, પણ ડિમેન્શિયા સાથે કંઈ સંબંધ હોય તેવી શક્યતા આ પહેલી વાર દેખાઈ છે.
સંદર્ભઃ અહીં
૦-૦-૦
૩. જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરની ચેતના?
આપણે જેને જાગ્રતાવસ્થા કહીએ છીએ તેનાથી પણ ઉપર ચેતનાનું કોઈ સ્તર છે?સસેક્સ યુનિવર્સિટીના સંશોધકોને આનો પુરાવો મળ્યો છે, પરંતુ એ અવસ્થા ખાસ સંયોગોમાં જ જોવા મળી છે, ખાસ કરીને ભ્રાન્તિજનક(માદક)ઔષધ LSDના પ્રભાવ હેઠળ. યુનિવર્સિટીના સૅક્લર સેન્ટર ફૉર કૉન્શ્યસનેસ સાયન્સના કો-ડાયરેક્ટર પ્રોફેસર અનિલ શેઠ કહે છે તેમ આ અવલોકન દેખાડે છે કે મગજ સામાન્ય જાગ્રૂતિમાં જે રીતે વર્તે છે તેના કરતાં સાયકેડૅલિક ડ્રગ્સ (ભ્રમણા પેદા કરે તેવાં ઔષધો)ની અસર નીચે જુદી રીતે વર્તે છે. દરેક અવસ્થામાં જ્ઞાનતંતુઓ જે સંકેતો મોકલે છે તે જુદા પડે છે. આપણે સૂતા હોઈએ તેના કરતાં જાગતા હોઈએ તે સ્થિતિમાં સંકેતો વિવિધ પ્રકારના હોય છે. આ સંક્તોને ગણિતની દૃષ્ટિએ આંક આપી શકાય છે. એ રીતે LSD આપ્યા પછી સંકેતો માપતાં એ મગજમાં કોઈ પણ સ્થળે પહોંચતા જણાયા. આમ એમનું વૈવિધ્ય સામાન્ય જાગ્રતવસ્થા કરતાં વધાએ ઊંચું જોવા મળ્યું. હમણાં સુધી જે અભ્યાસ થયો છે તે જાગ્રતાવસ્થાની નીચેના સ્તરના એટલે કે બેહોશીની અવસ્થામાં, કે માણસ સૂતો હોય તે વખતે જોવા મળતા સંકેતો હતા એટલે સંશોધકો આ તારણને જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરના સંકેત ગણે છે. એમણે LSD આપ્યા પછી બ્રેન ઇમેજિંગ ટેકનૉલૉજીથી મગજનીચુંબકીય પ્રક્રિયાની તસવીરો લીધી તો આ ચિત્રમાં જોવા મળે છે તેવી (લાલ રંગની) અનિશ્ચિત રૂપની પ્રક્રિયા જોવા મળી. પરંતુ એનો આંક જાગ્રતાવસ્થાની પ્રક્રિયા કરતાં ઊંચો હતો.
બીજા એક સંશોધક ડૉ. મુત્તુકુમારસ્વામીએ કહ્યું કે બીજાં ત્રણ માદક ઔષધોનો પણ અખતરો કરતાં જાગ્રતાવસ્થાથી ઉપરના સંકેતો મળ્યા. આથી, આવી કોઈ અવસ્થા સર્જાય છે એટલું નક્કી થાય છે. પરંતુ સંશોધકો સ્પષ્ટતા કરે છે કે જાગ્રતાવસ્થાથી ઉપરની ચેતનાવસ્થા ‘વધારે સારી’ કે ‘ઇચ્છવાયોગ્ય’ છે એવું નથી સાબીત થયું. માત્ર માદક ઔષધોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવાની શક્યતા ઊભી થઈ છે.
સંદર્ભઃ અહીં
૦-૦-૦
૪.પ્રવાહી લેન્સવાળાં ઇલેક્ટ્રિક ચશ્માં
બેતાળાં ન પહેર્યાં હોય તો વાંચી ન શકો, મોબાઇલમાં નંબર ન દેખાય અને ભૂલથી બહાર પહેરીને નીકળી જાઓ તો દૂરનું ન દેખાય. બાય-ફોકલ હોય તો વાંચતી વખતે માથું નીચું કરવું પડે અને તરત કોઈ સાથે વાત કરવી હોય તો ચશ્માની ઉપરથી જોવું પડે.
પરંતુ હવે આવતાં થોડાં વર્ષોમાં એવાં ચશ્માં આવી જશે કે તમે એને જેમ ફાવે તેમ વાળી શકશો. આવાં ચશ્માં બની ગયાં છે પણ હજી તો એ આદિમ અવસ્થામાં છે!
યૂટાહ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એંજીનિયરિંગના પ્રોફેસર કાર્લોસ માસ્ત્રાન્જેલો અને એમના વિદ્યાર્થી નઝમુલ હસને આ ચશ્માં બનાવ્યાં છે. Optics Expressના ૧૭મી જાન્યુઆરીના અંકમાં આનો રિપોર્ટ છપાયો છે.
આંખના લેન્સ જે રીતે વર્તે તેને ધ્યાનમાં રાખીને આ ચશ્માં બનાવ્યાં છે અને એમાં કેટલીયે ઇલેક્ટ્રિકલ, મૅકેનિકલ અને કમ્પ્યુટર સંબંધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
હમણાં તો જરાક નંબર બદલાઈ જાય એટલે વળી ભાગો ડૉક્ટર પાસે, નવા નંબર કઢાવો, દુકાને જાઓ, ચશ્માં ખરીદો. પણ આમાં એવું કંઈ નહીં, એના લેન્સ ગ્લિસરીનના બનેલા છે અને એને લવચીક પાતળા બે પડ વચ્ચે ભર્યું છે. ઇલેક્ટ્રોમેકેનિકલ સિસ્ટમ દ્વારા એને ફ્રેમમાં ગોઠવી દેવાય છે. લેન્સ એક જ છે પણ એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાય છે એટલે એ બે લેન્સનું કામ આપે છે.
આમાં બે વ્યવસ્થા છેઃ એક તો ડૉક્ટરે તમને આપેલો નંબર. એ એક ઍપ દ્વારા એમાં નાખવાનો હોય છે. તે પછી એમાં અંતર પ્રમાણે ફેરફાર કરવાની વ્યવસ્થા પણ છે. તે ઉપરાંત તમે ઓચિંતા જ બીજે નજર ફેરવી લો તો માત્ર ૧૪ મિલીસેકંડમાં જ, એટલે કે આંખના પલકારાની ઝડપ કરતાં પણ ૨૫ ગણી વધારે ઝડપે લેન્સ પોતે જ એ અંતરને અનુકૂળ બની જાય છે એટલે તમને સ્પષ્ટ દૃશ્ય મળે છે. માસ્ત્રાન્જેલો કહે છે કે આમ જૂઓ તો એનો અર્થ એ કે તમે જિંદગીમાં એક જ વાર ચશ્માં ખરીદશો અને બાકીના બધા ફેરફાર એમાં જ થયા કરશે. એટલે કે આંખમાં થતા બધા જ ફેરફારોનો જવાબ તમારાં ચશ્માં આપી દેશે.
ચશ્માંની દુકાનો હવે બંધ. નંબર પણ એક જ વાર કઢાવવાનો. હવે બોલો, “હાશ…!” (મોતિયો આવે તો ઉતરાવવો પડે કે નહીં તે હજી આ બનાવનારાઓએ કહ્યું નથી!)
સંદર્ભઃ અહીં