Shantabai Dhanaji Dani

૧૯૨૫-૨૬ના અરસાની આ વાત છે. નાશિકમાં એક મરાઠા કુટૂંબે એમના મહાર કોમના મિત્ર ધનાજીને કુટુંબ સહિત જમવા નોતર્યા. ઘરમાં મોટો પ્રસંગ હતો. ઘણા મહેમાનો હતા. ધનાજી દીકરીને લઈને ગયા. પંગત પડી ત્યારે મિત્ર ધનાજીને ગમાણમાં લઈ ગયો અને બન્નેને ખાવાનું પીરસ્યું. છ-સાત વર્ષની છોકરી હેબતાઈ ગઈ. આ શું? ગાયોના છાણ-મૂત્રની વાસ વચ્ચે જમવાનું? બાપને પૂછ્યું, આમ કેમ? બાપે કહ્યું, “દીકરી, આપણે મહાર છીએ અને એ લોકો મરાઠા. એમની સાથે બેસીને આપણે જમીએ તો એ લોકો અભડાઈ ન જાય?” દીકરીને સમજાયું નહીં, અભડાવું એટલે શું. બાપે સમજાવ્યું, આપણે એમને અડકી ન શકીએ. દીકરીને થયું કે અડકીએ તો શું થાય? બાપે ધીરજથી સમજાવ્યું કે આપણે અડકીએ તો એમનેય પાપ લાગે અને આપણનેય પાપ લાગે. દીકરીની મનમાં બીજો સવાલ પેદા થયો. આ પાપ એટલે શું? “ખરાબ કામ એટલે પાપ” બાપે કહ્યું. દીકરી મૌન રહી પણ એના મનમાં વિચારનો વંટોળ ઊઠ્યો.ક જ સવાલ મનમાં ચકરાવા લેતો રહ્યો. અડકવું એ ખરાબ કામ કેમ કહેવાય? આ લોકો કૂતરાં-બીલાડાંને અડકે તો પાપ ન લાગે અને માણસને અડકે તો પાપ લાગે?

આ કથા છે નાતજાતની બદી સામે ઝઝૂમનાર એક હિંમતવાન દલિત સ્ત્રી શાંતાબાઈ ધનાજી દાણીની.

૦-૦-૦

clip_image002નાશિકની ભાગોળે ખડકાલી ગામમાં ૧૯૧૯માં શાંતાબાઈનો જન્મ. ધનાજી દૂધ વેચીને કમાય. પણ કોઈ કારણસર આ ધંધો પડી ભાંગ્યો. એની પાસે કામ ન અરહ્યું માએ જે કંઈ થોડાઘણા પૈસા હતા તેમાંથી ઘરની ઝૂંપડી પાસેની જમીન ખરીદી લીધી અને રોજ એનું ઘાસ કાપીને વેચી આવે. એમાંથી રોજેરોજનું ગુજરાન ચાલે. પરંતુ એક દિવસ ઘાસની જમીન પર આગ લાગી ગઈ. બધું ઘાસ અને એમની ઝૂંપડી પણ બળીને રાખ થઈ ગઈ. ખાવા માટે ઘરમાં રોટલીનો ટુકડો મળવાનું પણ મુશ્કેલ થઈ ગયું. આમ છતાં,માતાપિતાનેદીકરીને ભણાવવાનો બહુ શોખ. દીકરી ભણ્યા વિનાની ન રહી જાય એવી એમની ઇચ્છા. ખાસ કરીને માતા તો કહેતી કે દીકરી, ભણી લે બરાબર. આપણે રહ્યાં ગરીબ. ભણવા સિવાય આપણો ઉદ્ધાર નહીં થાય. દીકરી મન પરોવીને ભણતી પણ હતી પણ પાચમા ધોરણમાં પહોંચી ત્યારે પિતાના મિત્રને ઘરે જમવા જવાનું થયું. તેનાથી એ અંદરથી હલબલી ગઈ. આ અનુભવ પહેલો તો હતો, પણ છેલ્લો નહોતો. સ્વાભિમાન માટેના સંઘર્ષની આ કથાની હજી તો શરૂઆત જ હતી.

શાંતાબાઈનો જન્મ થયો ત્યારે એમના કરતાં એક મોટી બહેન સોનુ અને એક મોટો ભાઈ શંકર, બે મોટાં ભાઈબહેન હતાં પણ શંકરનું મૃત્યુ થઈ જતાં પિતાને ફરી પુત્રની આશા હતી, પણ દીકરી આવતાં પિતાએ કહ્યું કે “મારી બધી આશાઓ શાંત થઈ ગઈ. હું તો મૂંગો થઈ ગયો”. બાપે એટલે એનું નામ જ શાંતા રાખી દીધું. બાપનું મન દીકરાની આશામાં તરફડતું હતું. એમાં જ એને દારુની લત લાગી. પણ મા તે મા. એને તો દીકરાદીકરીનો ફેર ન જ હોય. એણે તો દીકરીમાં પોતાના શ્વાસ બાંધી દીધા. મોટી દીકરી સોનુને તો બાળપણમાં જ પરણાવી દીધી હતી અને એ બહુ દુઃખી હતી. પતિ એને લાકડાં વીણવા મોકલે, એની પાસે છાણાં થાપવાનું કામ કરાવે અને એની બધી કમાણી ઝુંટવી લે. સોનુને ખાવા પણ ન આપે. આથી માને હતું કે શાંતાને તો ભણાવીશ જ. માએ ગાંઠ વાળી લીધી હતી કે મારી દીકરી ભણીગણીને આગળ વધશે જ.

દીકરીને સારું શિક્ષણ મળે તે માટે માએ એને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવી. સ્કૂલના મુખ્ય શિક્ષક દાણી સાહેબ છોકરાંઓ વચ્ચે ઊંચનીચનો ભેદ ન રાખતા. મા છ વર્ષની શાંતાને લઈને એમની પાસે ગઈ અને કહ્યું, “માસ્તરસાહેબ, મારી દીકરીનું ધ્યાન રાખજો. મારાથી બનતું બધું કરીશ.” મા સ્વાભિમાની પણ બહુ, એક વખત છોકરી નિશાળેથી ઘરે પાછી આવી અને ઘરમાં ડબરા ખોલીને જોયું કે કંઈ ખાઅવાનું છે. બધા ડબરા ખાલી. એ ભૂહને કારણે રડવા લાગી. પાડોશીએ પૂછ્યું તો એણે ભાખરી માગી. પાડોશી પણ એવા જ ગરીબ. પણ એ જ વખતે મા આવી પહોંચી. એણે સાંભળી લીધું કે છોકરી ભીખ માગે છે. એણે એક સોટી ઉપાડીને ફટકારવા માંડી. અધમૂઈ થઈને શાંતા ત્યાં જ સૂઈ ગઈ. પછી મોડેથી માનો ગુસ્સો ઠંડો પડતાં ક્યાંકથી ખાવાનો જોગ કરી આવી અને દીકરીને ખવડાવ્યું.

દાણી સાહેબની કાળજીથી શાંતાબાઈનું શાળાનું શિક્ષણ પૂરું થયું અને એમને મહિલા તાલીમ કૉલેજમાં પ્રવેશ મળી ગયો. એમને થયું કે કૉલેજ તો ભેદભાવોથી પર હશે પરંતુ એ જ્યાં ગયાં ત્યાં નાતજાતના ભેદ એમનો પીછો છોડતા નહોતા. તાલીમ પૂરી કર્યા પછી એમને વિંચુર ગામમાં શિક્ષિકા તરીકે નોકરી મળી.

clip_image004 ૧૯૪૨માં શાંતાબાઈની કૉલેજમાં ડૉ. આંબેડકર આવ્યા. એમના ભાષણનો શાંતાબાઈ પર ભારે પ્રભાવ પડ્યો. તે સાથે જ એમનો સંપર્ક કર્મવીર દાદાસાહેબ ગાયકવાડ (ભાઉરાવ કૄષ્ણજી ગાયકવાડ) સાથે પણ થયો. દાદાસાહેબ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિકટના સાથી હતા. રીપલ્બ્લિકન પાર્ટી પણ એમણે જ સ્થાપી. ૧૯૭૧માં એમનું મૃત્યુ થયું. ૧૯૬૮માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નું બહુમાન આપ્યું. ૨૦૦૨માં એમની જન્મ શતાબ્દી નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. દાદાસાહેબનાં લગ્ન શાંતાબાઈની એક પિતરાઈ બહેન સાથે થયાં હતાં એટલે એમની સાથે મળવાનું પણ થતું. આમ શાંતાબાઈ જાહેર જીવન તરફ આકર્ષાયાં.

૧૯૪૬માં શાંતાબાઈએ ૧૯૩૨ના પૂના પેક્ટ વિરુદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું. એમાં એમની ધરપકડ પણ થઈ. બીજી ગોળમેજી પરિષદમાં ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ’ (દલિતો) માટે અનામત મતદાર મડળની વ્યવસ્થા કરવામાં આવી. ગાંધીજીએ આનો વિરોધ કર્યો હતો એમનું કહેવું હતું કે ડિપ્રેસ્ડ ક્લાસિસ હિંદુ સમાજનો ભાગ જ છે અને આ સમસ્યા હિંદુ સમાજની છે. સરકારે જાહેરાત કરી ત્યારે ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા. અંતે ડૉ. આંબેડકર એમને મળ્યા. એમાં એમણે “ગાંધીજીનું જીવન બચાવવા” માટે અનામત મતદાર મંડળની વાત પડતી મૂકી. બદલામાં ગાંધીજી સંમત થયા કે બ્રિટીશ વડા પ્રધાન રામ્સે મેક્ડોનલ્ડના કોમી ચુકાદામાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે ૭૧ સીટો અપાઈ હતી તેને બદલે કોંગ્રેસ ૧૪૮ સીટો ડિપ્રેસ્ડ ક્લાસિસના ઉમેદવારોને આપશે. આ સમજૂતી પૂના પૅક્ટ તરીકે ઓળખાય છે.

પૂના પૅક્ટ વિરુદ્ધના આંદોલન પછી શાંતાબાઈ બધા સામાજિક મોરચે આગળ રહેવા લાગ્યાં. આઝાદી પછી પણ એમણે દલિતોના અધિકારો માટે બોલવાનું બંધ ન કર્યું. એટલું જ નહીં. ડૉ. આંબેડકરે બનાવેલી ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીના સિદ્ધાંતોનું પાલન કરતાં એમણે મહારાષ્ટ્રમાં ભૂમિહીન ખેતમજૂરોને પણ સંગઠિત કર્યા.

૧૯૬૮માં મહારાષ્ટ્રના રાજ્યપાલે એમની નીમણૂક રાજ્ય વિધાન પરિષદમાં કરી. આ પદ પર એમણે ૬ વર્ષ સેવા આપી. ૧૯૮૯માં સિત્તેર વર્ષની ઉંમરે એમણે રાજકીય ક્ષેત્રમાં રસ લેવાનું ઓછું કરી નાખ્યું અને પોતાનું બધું ધ્યાન મનમાડ અને નાશિકના ગ્રામીણ વિસ્તારોમાં છોકરાછોકરીઓ માટે નિશાળો ઊભી કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. આમાં ફંડની ખેંચ પડતાં એમણે અને દાદાસાહેબ ગાયકવાડનાણ બીજાં પત્નીએ પોતાનું સોનું વેચીને નાણાં ઊભાં કર્યાં.

આ પહેલાં ૧૯૮૭માં શિક્ષણ ક્ષેત્રમાં એમની સેવાઓની કદર રૂપે સાવિત્રીબાઈ ફૂળે પુરસ્કાર આપવામાં આવ્યો. ૧૯૮૫માં મહારાષ્ટ્ર સરકારે એમને દલિત મિત્ર પુરસ્કાર જાહેર કર્યો પરંતુ શાંતાબાઈએ એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે સરકાર દલિતો માટે ખરેખર કંઈ કરવા માગતી હોય તો દલિતોના રહેણાક વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને પીવા લાયક પાણી પહોંચાડે એ જ એમનો ખરો પુરસ્કાર હશે.

સમાજમાં સમાનતા અને જાતિભેદ નાબૂદ કરવા માટે સતત સંઘર્ષ કરનારી આ વીરાંગનાનું ૨૦૦૧માં અવસાન થયું. આજે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે એમની એક અનન્ય શિષ્યાને વંદન કરીએ.


સંદર્ભઃ

Sharmila Rege. Writing Caste, Writing Gender: Reading Dalit Women’s Testimonies. Zubaan, 2006.

સ્રોતઃ https://goo.gl/kq3KzQ (અને જસ્ટિસ ન્યૂઝ, ફૅમિનિઝમ-ઇંડિયા)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: