The ist week of April before 100 years

આજથી સો વર્ષ પહેલાંના ઍપ્રિલનું પહેલું અઠવાડિયું દુનિયાના ઇતિહાસમાં મહત્વનું છે. ૧૯૧૪થી વિશ્વયુદ્ધ ચાલતું હતું પણ અમેરિકા હજી યુદ્ધમાં જોડાયું નહોતું. ૧૯૧૭ની બીજી ઍપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને અમેરિકી કોંગ્રેસને યુદ્ધ મોરચે અમેરિકાના સૈનિકોને ઉતારવાની મંજૂરી આપવા અપીલ કરી અને ચાર દિવસ પછી છઠ્ઠી તારીખે કોંગ્રેસે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. એ વખત સુધી અમેરિકા તટસ્થ હતું પરંતુ જર્મનીએ તટસ્થ દેશોનાં જહાજો પર પણ હુમલા શરૂ કરી દીધા હતા એટલે દુનિયામાં આક્રોશ વધી ગયો હતો.

imageઆ પહેલાં જર્મનીએ મૅક્સિકોને અમેરિકા યુદ્ધમાં ઊતરે તો એની સામે લડવા પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી હતી. મૅક્સિકો એને સાથ આપે તો અમેરિકાના ટૅક્સાસ, ન્યૂ મૅક્સિકો અને ઍરીઝોના પ્રદેશો ફરી પાછા મેળવવામાં મૅક્સિકોને મદદ કરવાનું જર્મનીએ વચન આપ્યું. જર્મનીના વિદેશ વિભાગે જાન્યુઆરીમાં મૅક્સિકોના જર્મન ઍમ્બેસેડરને એક ટેલીગ્રામ મોકલીને આ દરખાસ્ત રજૂ કરી હતી. (આ સાથેની તસવીર જૂઓ) જર્મનીના વિદેશ મંત્રી આર્થર ઝિમરમનના નામ પરથી એ ‘ઝિમરમન ટેલીગ્રામ’ તરીકે ઓળખાય છે. આ ટેલીગ્રામ બ્રિટનના હાથમાં પડતાં દુનિયામાં ખળભળાટ મચી ગયો. તે પછી માર્ચમાં ઝિમરમને બેધડક કહી દીધું કે આ ટેલીગ્રામ સાચો છે. આથી અમેરિકામાં જર્મની સામે યુદ્ધ જાહેર કરવાની જોરદાર માંગ શરૂ થઈ ગઈ હતી.

વિલ્સને કોંગ્રેસને મોકલેલા સંદેશમાં જર્મનીએ તટસ્થ દેશોનાં જહાજો પર કરેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ લડાઈ બધા દેશોની વિરુદ્ધ છે. અમેરિકાનાં જહાજો પણ ડૂબ્યાં છે, અમેરિકીઓ માર્યાગયા છેપડકાર સમગ્ર માનવજાત સામે છે. એનો કેમ મુકાબલો કરવો તે દરેક દેશે જાતે જ નક્કી કરવાનું છે. આપણે જે નિર્ણય લેશું તે શાણપણ અને વિવેકભર્યો જ હોવો જોઈએ.આપણે આવેશને કોરાણે મૂકવો પડશે. આપણો હેતુ વેર વાળવાનો કે આપણી શક્તિનો વિજયવંત ફાંકો દેખાડવાનો નહીં પણ માત્ર અધિકાર, માનવ અધિકારનું ગૌરવ સ્થાપવાનો હોવો જોઈએ, જેના આપણે એક માત્ર સમર્થક છીએ.”

અમેરિકાએ પહેલાં તો વોલંટિયર દળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પછી લશક્રી ભરતી ફરજિયાત બનાવી. આથી યુદ્ધમાં સતત નવા સૈનિકો જોડાતા રહ્યા. આ રીતે અમેરિકાનો નિર્ણય જર્મની સામે લડતાં બ્રિટન અને ફ્રાન્સ માટે બહુ લાભકારક રહ્યો, કારણ કે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું. એ વખતે રશિયામાં ઝારનું શાસન અવ્યવસ્થાની ગર્તામાં ગયું હતું અને લોકોમાં ભારે અસંતોષ હતો. રશિયન સૈન્યમાં પણ ઝાર જબ્બર અજંપો હતો.

એ વખતે રશિયામાં સામ્યવાદી ક્રાન્તિનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં અને સૈન્યની ‘સોવિયેતો’માં (સોવિયેત એટલે સલાહ. અહીં સમિતિ અથવા પંચાયત એવો અર્થ છે. સોવિયેત સંઘ આવી નાની સોવિયેતોનો સંઘ હતો) પણ કમ્યુનિસ્ટોનું જોર વધારે હતું. રશિયન સૈનિકોની હાલત એવી હતી કે એમની પાસે પહેરવા માટે સારા બૂટ પણ નહોતા. એવામાં લેનિને ‘સામ્રાજ્યવાદી-મૂડીવાદી’ યુદ્ધનો વિરોધ કરતાં સૈનિકો મોરચા છોડીને ભાગવા લાગ્યા હતા.

આ ટાંકણે અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવતાં જર્મની સામે મજબૂત મોરચો મંડાયો. અમેરિકાને પોતાને પણ આ યુદ્ધનો બહુ ફાયદો થયો.

૧૯૧૪માં યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકી અર્થતંત્ર મંદીમાં હતું પણ યુદ્ધ શરૂ થતાં યુરોપમાં એનો માલ મોટા પાયે જવા લાગ્યો. અમેરિકા પોતે તો યુદ્ધમાં હતું નહીં એટલે એના માટે તો યુદ્ધ એક વેપારની તક જેવું હતું. એ યુદ્ધમાં આવ્યું એટલે સરકારે આખા અર્થતંત્રને યુદ્ધ માટેના ઉત્પાદન તરફ વાળ્યું. આને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો. યુદ્ધ પોતે જ આ રીતે એક ઉદ્યોગ છે! પરંતુ યુવાનો લશ્કરમાં જતાં માનવશ્રમની ખેંચ પડી. એટલે સ્ત્રીઓને પણ શ્રમબળમાં સામેલ કરવામાં આવી. આની સામાજિક અસર એ પડી કે સ્ત્રીઓના હાથમાં પણ પૈસા આવતા થયા અને એમને વધારે સ્વતંત્રતા મળી. અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો, પરંતુ એના માટે આંદોલન ચાલ્યું અને ૧૯૨૮માં મતાધિકાર મળ્યો. સ્ત્રીઓની આ સ્વતંત્રતાના મૂળમાં ‘મૂડીવાદી’ યુદ્ધ છે, એ પણ નોંધવા જેવું છે. ૧૯૨૯ સુધી તો અમેરિકી અર્થતંત્ર પૂરવેગે આગળ ધપતું હતું; યુદ્ધ બંધ થયા પછીના એક દાયકા સુધી અર્થતંત્ર ધમધમતું રહ્યું. લોકોની ખરીદશક્તિ પણ વધી હતી, આથી ઉપભોક્તાવાદને પણ બળ મળ્યું, પરંતુ અતિ ઉત્પાદનને કારણે માલનો ભરવો થવા લાગ્યો અને ૧૯૨૯માં અમેરિકા મહામંદીમાં સપડાયું.

ભારતમાં અસર

ભારત બ્રિટનની વસાહતી બેડીમાં હતું. બ્રિટને એનો ભરપૂર લાભ લીધો. ભારતમાંથી ઘણા સૈનિકોને મેસૅપોટેમિયા (ઈરાક)ના મોરચે મોકલવામાં આવ્યા, એમાં આઠ હજારના જાન ગયા. આમ બ્રિટને પોતાની સૈનિકશક્તિ વધારવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો. એક સમજૂતી એવી હતી કે ભારતીય સૈનિકોને યુરોપમાં ન મોકલવા, તેમ છતાં ભારતીય સૈનિકોને ફ્રાન્સના મોરચે જર્મની સામે મૂકવામાં આવ્યા. સ્થિતિ એ હતી કે ભારતના ૧૫ લાખ સૈનિકો યુરોપના આ યુદ્ધમાં ઊતર્યા હતા. આ રીતે બ્રિટિશ સામ્રાજ્યના કોઈ પણ દેશ કરતાં ભારતે વધારે સૈનિકો મોકલ્યા!

ભારતના અર્થતંત્રને પણ અમેરિકાની જેમ કંઈ ખાસ લાભ ન થયો, ઉલટું, એને ઘસારો જ પહોંચ્યો કારણ કે બ્રિટને જ એનો ઉપયોગ મનફાવતી રીતે કર્યો. આની સામે લોકોમાં ઉગ્ર રોષ હતો. આથી સ્વદેશી પ્રત્યે લોકોનું વલણ વધવા લાગ્યું.

જોવાનું એ છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે ગાંધીજીએ ઍમ્બ્યુલન્સ કોર ઊભી કરવાની કોશિશ કરી હતી, પણ પછી સીધા જ બ્રિટનના યુદ્ધપ્રયાસોમાં સહકાર આપવા સંમત થયા એટલું જ નહીં એમણે જુવાનોને લશ્કરમાં ભરતી કરાવવા માટે ઝુંબેશ પણ શરૂ કરી.

ગાંધીજીનું કહેવું હતું કે બ્રિટન સંકટમાં હોય ત્યારે એનો ગેરલાભ ન લેવાય. ગાંધીજીને આશા હતી કે વિશ્વયુદ્ધના અંત પછી બ્રિટન ભારતની ભૂમિકાની કદર કરશે અને પોતાની પકડ ઢીલી કરશે. પરંતુ એવું ન થયું. ગાંધીજીને બ્રિટનની શુભ નિષ્ઠામાંથી વિશ્વાસ ઊઠી ગયો. દરમિયાન જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તો એમને બ્રિટનની ઉદ્દંડતા જ નજરે ચડવા લાગી. પછી એમણે તરત જ ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલન શરૂ કરીને બ્રિટન વિરુદ્ધ જંગ શરૂ કરી દીધો.

૧૯૧૪થી ગદર પાર્ટી પણ બ્રિટનની વિરુદ્ધ અને આઝાદી માટે સક્રિય બની ગઈ હતી, જો કે એ સફળ ન થઈ. પરંતુ દેશમાં ગાંધીજીના માર્ગથી અલગ સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે ચાલનારાઓની સંખ્યા પણ વધી ગઈ. રામપ્રસાદ બિસ્મિલ, ભગત સિંહ વગેરે આ જ પરંપરામાં શહીદ થયા.

પહેલા વિશ્વયુદ્ધે દુનિયાની વિચાર પદ્ધતિને અને સામાજિક-રાજકીય અને અર્થિક વ્યવસ્થાને નવી દિશા આપી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બ્રિટનની જગ્યાએ અમેરિકાનું પલ્લું ભારે થવા લાગ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી તો એમ જ કહી શકાય કે બ્રિટનને જીતવાની ભારે કિંમત ચુકવવી પડી. પરિણામે ભારતના સંદર્ભમાં સાપે છછૂંદર ગળ્યા જેવી એની હાલત હતી. પહેલા વિશ્વયુદ્ધે ભારતને જે આંચકો આપ્યો તેનાં વમળો લાંબા વખત સુધી ફેલાતાં રહ્યાં અને અંતે સ્વાધીનતાના કિનારે જઈને શમ્યાં.

૦-૦-૦

%d bloggers like this: