Science Samachar: Episode 10

() મુંબઈના સંશોધકો આપે છે પુરુષાતનનું વરદાન

ઇંડિયન કાઉંસિલ ઑફ મૅડીકલ રીસર્ચ (ICMR)ની મુંબઈસ્થિત સંશોધનસંસ્થા નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રીસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થ (NIRRH)ના સંશોધકોએ પુરુષની સંતાન પેદા કરવાની અસમર્થતાનું કારણ શોધી કાઢ્યું છે. પુરુષના શુક્રાણુમાં કેટલાક પ્રોટીન હોય છે જેમાં એક વધારે પ્રોટીન –હીટ શૉક પ્રોટીન -90 (HSP-90)ઓળખી કાઢ્યો છે. શુક્રાણુને માથું અને પૂંછડી હોય છે. એ પૂંછડી પટપટાવતો સ્ત્રીના અંડ તરફ ધસે છે અને એની સાથે અથડાઈને અંદર ભળી જાય છે. પણ એની પૂંછડી જોરથી હલતી હોય તો જ એ જરૂરી ગતિ પ્રાપ્ત કરી શકે છે. ગતિ ધીમી હોય તો સંતાન પેદા ન થઈ શકે.

સંશોધક ટીમના નેતા ડૉ. દીપક મોદી, મુખ્ય સંશોધક વૃષાલી સાગરે-પાટિલ (બન્ને ફોટામાં), અને લેખનાં સહ-લેખિકા, હિંદુજા હૉસ્પિટલનાં IVF એક્સપર્ટ ઇંદિરા હિંદુજાનો આ લેખ આ મહિને Journal of Assisted Reproduction and Genetics (JARG)માં પ્રકાશિત થયો છે.

એમણે સંતાનહીન પુરુષોના એક ગ્રુપનો અભ્યાસ કર્યો તેમાં જોવા મળ્યું કે એમના શુક્રાણુમાં HSP90નું પ્રમાણ બહુ ઓછું હતું. શુક્રાણુમાં બે પ્રકારના પ્રોટીન હોય છેઃ HSP90 અલ્ફા અને HSP90 બીટા. આમાંથી અલ્ફા શુક્રાણુના માથા અને વચ્ચેના ભાગમાં હોય છે, જ્યારે બીટા પૂંછડીમાં હોય છે. પહેલી જ વાર આ બે પ્રકારના પ્રોટીનો જુદા જુદા ભાગમાં હોય છે તે જાણવા મળ્યું છે.

આમ તો શુક્રાણુ ધીમે ધીમે જ જતો હોય છે પણ સ્ત્રીની ગર્ભનળીમાં પ્રોજેસ્ટેરોન હૉર્મોન મળતાં જ એ ભાગવા લાગે છે. પહેલાં તો એમણે માન્યું કે બીટા જ એકલો ગતિ નક્કી કરે છે,પછી પ્રોજેસ્ટેરોનની અસર દેખાઈ. વૃષાલી સાગરે-પાટિલ કહે છે કે એમણે પ્રોટીન પર પ્રયોગ કરીને એન નિષ્ક્રિય બનાવી દીધો. પરંતુ એની મદ ગતિની સફર ચાલુ રહી પણ પ્રોજેસ્ટેરોનની અસર પણ ન થઈ. આથી એમ નક્કી થયું કે બન્ને મળે તો જ કામ થાય. એટલે પ્રોટીન જરૂરી છે એમ પણ નક્કી થયું. શુક્રાણુમાં HSP90 બીટા ન હોય તો એ ધીમે ધીમે ડોલતો ડોલતો જાય ખરો પણ પ્રોજેસ્ટેરોનનીયે અસર ન થાય એટલે એ અંડ સુધી પહોંચે જ નહીં.

હવે પુરુષની ખામીને કારણે સંતાન ન થતું હોય તો HSP90 બીટા વધારવાથી એ પ્રોજેસ્ટેરોનની અસરથી અંડ સુધી પહોંચી શકે. આમ ‘શેર માટીની ખોટ’ પૂરી કરવા માટે જરૂરી દવાઓ બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. પરંતુ શુક્રાણુમાં HSP90 બીટા બહુ જ હોય તો? બસ, એને પ્રોટીનને નિષ્ક્રિય બનાવે એવી દવા વાપરો. આમ બન્ને રીતે આ સંશોધન ઉપયોગી થશે.

સંદર્ભઃ https://goo.gl/dFp2Gt અને https://goo.gl/jShZYe

૦-૦-૦

() ચકી લાવે ચોખાનો દાણો વાર્તા ફરી સજીવન થશે?

ચકી લાવે ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, પછીએ બન્નેએ ભેગા મળીને ખીચડી બનાવીને ખાધી.

મારી પેઢીએ તો બાળપણમાં આ વાર્તા સાંભળી જ છે. કાદાચ આપણે આપણાં સંતાનોને સંભળાવી પણ હશે. પરંતુ આજે ત્રીજી પેઢીને વાર્તા સંભળાવવા બેસીએ અને એ પૂછી બેસે કે ચકલી એટલે શું, તો જવાબ શું આપશું? શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થવા લાગી છે.

પક્ષીવિશારદ મહંમદ દિલાવર કહે છે કે આજની પેઢીને ટેકનોલૉજી એવી ઘેરી વળી છે કે કુદરત જેવું કંઈ છે એની પણ એને ખબર નથી. શહેરી કરણને કારણે ચકલીઓને રહેવાલાયક જગ્યા જ નથી રહી. ૨૦૧૨માં ચકલીને ‘દિલ્હીરાજ્યનું પક્ષી’નું બહુમાન અપાયું પણ આજે ફરી એ અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે. મહંમદ દિલાવરે Nature Forever Society for India (NFSI) નામની સંસ્થા પણ બનાવી છે જે ૨૦૧૦થી દર વર્ષે ૨૦મી માર્ચે ‘વિશ્વ ચકલી દિન’ મનાવે છે. આજે પચાસ દેશો આ દિન મનાવે છે. એમનું કહેવું છે કે કબૂતરો માળા બાંધીને રહે, પણ ચકલીને બખોલ જોઈએ. આજે શહેરનાં સીધાં સપાટ મકાનોમાં બખોલ ક્યાં હોય? ગામડાંમાં ખેતરોમાં પણ જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થતો હોવાથી ચકલીને જોઈએ તે કીડા નથી મળતા. આમ ચકલી બીચારી ગામડે વસે તો ભૂખી રહે અને શહેર એને છાપરું ન આપે. દિલાવરની વાત માનીને સૌ લાકડાનાં બખોલ જેવાં ખાનાં બનાવીને અગાશીમાં કે ઝાડ પર લટકાવે અને પાણીનું કૂંડું ભરી રાખે તો ચકલીને આશરો મળે અને આપણે ફરી વાર્તા કહી શકીએ…”ચકી લાવે……!”

સંદર્ભઃ https://goo.gl/SVAJ04

૦-૦-૦

(૩) શ્રીમતી મચ્છરને બે નાક છે!

વૅંડરબિલ્ટ યુનિવર્સિટી (નૅશવિલ, ટેનેસી)ના બાયોલૉજિસ્ટોએ ખોળી કાઢ્યું છે કે મેલેરિયાના મચ્છરના નાકમાં બે ઘ્રાણ કેન્દ્રો છે. એક નાક બે નાક જેવું કામ આપે છે! આ જાણકારીનો લાભ એ થશે કે, એ મચ્છર માણસને કેમ ઓળખીને હુમલો કરે છે તે સમજી શકાશે. વૈજ્ઞાનિકો ૧૫ વર્ષથી આ જાણવા મથતા હતા. એમનું માનવું છે કે એનોફિલિસની માદાના નાકમાં બીજું ઘ્રાણ કેન્દ્ર છે તે ખાસ માણસને સૂંઘવા માટે જ છે.

માદાના શરીરમાં ઊતરો તો સમજાશે કે એની દુનિયામાં નાક મુખ્ય છે, આંખ કે કાન નહીં. આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તે માદાના નાક સુધી પહોંચતાં એ સમજી જાય છે કે કોઈ શિકાર નજીકમાં છે. એટલે એ નજીક આવે છે અને શરીરની ગંધ પારખીને નક્કી કરે છે કે આનું લોહી પીવા લાયક હશે કે કેમ. લોહી પીધા પછી એણે પ્રજનન કરવું પડે છે એટલે એ નજીકમાં કોઈ સ્થિર પાણી છે કે નહીં તે સૂંઘીને નક્કી કરે છે અને ઈંડાં મૂકે છે. આમાં ફોટામાં દેખાડેલાં સાધનો એને કામ આવે છે.

માદા એનોફિલિસ. ફોટામાં ઍન્ટેના, પ્રોબોસિસ (ચાંચ) અને બે સેન્સર (ઘ્રાણકેન્દ્રો) જોવા મળે છે. એના પર પાતળા વાળ છે જેને સેન્સિલા કહે છે. એ માદાને ખાસ પ્રકારની ગંધ પહોંચાડે છે. (iStock)

Nature: Scientific Reports જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં સંશોધકો કહે છે કે મચ્છર ઘણી જાતની માનવગંધને પારખી શકે છે પણ ઘણી ગંધને એ છોડી દે છે. આ બીજું ઘ્રાણ કેન્દ્ર પરિપૂર્ણ છે, પણ એ માણસના શરીરમાંથી પેદા થતી બે જ ગંધ માટે કામ આપે છે.

માણસના પરસેવામાં કાર્બો-ઑક્સિલિક ઍસિડ હોય છે. એની વાસ સિરકા જેવી હોય છે અને બીજી વાસ એમોનિયાના પદાર્થ એમાઇનની હોય છે. આ ગંધ મચ્છરને આકર્ષે છે. આ ઘ્રાણ કેન્દ્ર ઉત્ક્રાન્તિના શરુઆતના તબક્કા જેવું છે. હવે કરવાનું એટલું જ છે કે આ ગંધ મચ્છર સુધી ન પહોંચે. બસ, મેલેરિયા ગયો સમજો!

સંદર્ભઃ https://goo.gl/r1CTmI

૦-૦-૦

() સોશ્યલ મીડિયાનું વળગણ મગજના અસંતુલનનું પરિણામ

હાલતાંચાલતાં, મિત્રોની સાથે બેઠાં બેઠાં પણ ફેસબુક કે ટ્વિટર જોઈ લેવાનું તો હવે બહુ રોગચાળા જેમ ફેલાઈ ગયું છે. સંશોધકો કહે છે કે આનું કારણ મગજની કાર્ય કરવાની ખોટી રીતભાત છે. Journal of Management Information Systemsમાં ડી’પોલ યુનિવર્સિટીના હામીદ કારી-સારેમી(Hamed Qahri-Saremi) DePaul University) અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, ફુલરટનના ઑફિર તુરેલ(Ofir Turel) લખે છે કે ફેસબુક જોવાની ટેવ સમસ્યારૂપ બની જાય તેનો અર્થ એ કે આપણા મગજમાં વ્યવહારનાં બે કેન્દ્રો છે તેના વચ્ચે સામંજસ્ય નથી.

આપણા મગજમાં વ્યવહારની બે વ્યવસ્થા છેઃ એક વ્યવસ્થા તરત પ્રતિભાવ આપવાની છે. કોઈ એવી સ્થિતિ આવે જેમાં આગળ વધવું હોય અથવા તો પાછા હટવું હોય એમાં આ વ્યવસ્થા કામ કરે છે. એમાં વિચાર નથી હોતો. સહજ પણ બચાવલક્ષી વર્તણૂકનો સમાવેશ થાય છે. કેટલાંયે કામો આપણે પ્રતિભાવ રૂપે જ કરીએ છીએ. દાખલા તરીકે, જેને દારુ કે સિગરેટ પીવાથી ચિંતામાંથી મુક્ત થવાની લાગણી થતી હોય તે થોડી પણ મુંઝવણ પેદા થાય ત્યારે દારુ કે સિગરેટ તરફ વળે છે. મગજની આ વ્યવસ્થા એની પાસે આ કરાવે છે. બીજી વ્યવસ્થામાં વિચાર છે, એને નિર્ણય લેવામાં વાર લાગે છે. બન્ને વ્યવસ્થાઓ વચ્ચે ‘ટગ ઑફ વૉર’ ચાલ્યા કરે છે. એ તમારાં લાંબા ગાળાનાં હિતોનું ધ્યાન રાખે છે. પહેલી વ્યવસ્થામાં માણસનું પોતાનું કંઈ ચાલતું નથી. એ વ્યવસ્થાનો ગુલામ છે.

સંશોધકોએ ઉત્તર અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ૩૪૧ વિદ્યાર્થીઓને લીધા અને એમનો મનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો. એમાં એમણે કોણ ફેસબુકનો કેટલો ઉપયોગ કરે છે તે જોયું. એક સેમેસ્ટરમાં એમન્ને માહિતી એકઠી કરી અને પછી એક વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓની વર્તણૂક પર નજર રાખી. જે ફેસબુકનો વધારે ઉપયોગ કરતા હતા એમનું લાગણી તંત્ર સતત ઉશ્કેરાયેલું રહેતું હોવાનું જણાયું.

૭૬ ટકા ક્લાસમાં પણ ફેસનબુક જોતા હતા. ૪૦ ટકા કાર ચલાવતાં ફેસબુક વાપરતા હતા. ૬૩ ટકા એવા નીકળ્યા કે કોઈની સાથે વાત કરતાં પણ મોઢું ફેસબુકમાં જ ઘાલી રાખતા હતા. ૬૫ ટકા કામ છોડીને ફેસબુક કરતા હતા.

ફેસબુક સમસ્યા માનસિક સમસ્યા બની જવાને કારણે એમના અભ્યાસમાં ભારે ખરાબ અસર પડી હોવાનું જોવા મળ્યું. ફેસબુકનો ઉપયોગ સંયમથી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કરતાં એમનું પરફૉર્મન્સ સાત ટકા પાછળ હતું.

સંદર્ભઃ https://goo.gl/Oxkjnk અને https://goo.gl/Zh7fIw

૦-૦-૦-૦

Advertisements

One thought on “Science Samachar: Episode 10”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s