Preparing for Dandi march- March 1930

ઇંટરનેટ પર ફરતાં આઇન્સ્ટાઇન સુધી પહોંચ્યો એટલે એમણે ગાંધીજી વિશે શું કહ્યું છે તે જાણવાની ઇચ્છા થઈ.

EinsteinEinstein on Gandhijiપ્રયત્ન કર્યો તો મને આઇન્સ્ટાઇનના જ અવાજમાં આ અણમોલ રતન મળ્યું. નીચે લિંક આપી છે તેના પર ક્લિક કરશો તો આઇન્સ્ટાઇનનું ગાંધીજી વિશેનું કથન એમના જ અવાજમાં સાંભળી શકશો.

આઇન્સ્ટાઇનનો અવાજ સાંભળવાની મઝા આવી. પણ પછી હું આઇન્સ્ટાઇનમાંથી ગાંધીમાં સરકી ગયો. એમાંથી એ શોધવા લાગ્યો કે આઇન્સ્ટાઇને “…in his spirit” શબ્દો વાપર્યા છે તો એનો અર્થ શોધવો જોઈએ. ફરીને ગાંધીજીનાં કાર્યો પર નજર જતાં દાંડીકૂચની યાદ આવી. એમાં in his spirit ક્યાંય દેખાય છે?

હવે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ગ્રંથાવલીના ૪૩મા ગ્રંથની મદદ લીધી. ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ કરી અને ૬ઠ્ઠી ઍપ્રિલે એમણે દાંડી પહોંચીને મીઠાનો કાયદો તોડ્યો. આ ઐતિહાસિક ઘટના પહેલાં આશ્રમમાં કે ગાંધીજીનાં લખાણોમાં કંઈ ચમકારો મળે છે કે કેમ?

ગ્રંથાવલીનો આ ભાગ બીજી માર્ચના પત્રથી શરૂ થાય છે. ૧૨મી માર્ચ સુધી ગાંધીજીના પત્રો અને બીજાં લખાણોની સંખ્યા ૫૮ છે. આમાંથી ચાર લખાણ તો ૧૨મીનાં જ છે, આનો અર્થ એ કે ઇતિહાસ સર્જવા નીકળ્યો હતો તે જણ પોતે અંદરખાને બહુ શાંત હતો!!

Salt Satyagrahબીજી તારીખે એમણે લૉર્ડ ઇર્વિનને પત્ર લખીને દાંડી યાત્રા કરીને મીઠાનો કાયદો તોડવાનો પોતાનો ઇરાદો જણાવ્યો. ગાંધીજીએ લખ્યું – “હિન્દુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો અમલ એક બલા છે એમ હું માનું છું ખરો, પણ, તેથી અંગ્રેજો માત્ર દુનિયાના બીજા લોકો કરતાં વધારે દુષ્ટ છે એવું મેં કદી માન્યું નથી…” પછી એમના મૂળ લક્ષ્યની વાત કરતાં લખે છે કે ગોળમેજી પરિષદમાં સમસ્યાનું સમાધાન મળશે એવી એમને આશા હતી પણ વાઇસરૉયે ‘ડોમિનિયન સ્ટેટસ’ ની ખાતરી ન આપી. તે પછી એમણે “હિંદની પાયમાલીની કરુણ કથા”નો ઉલ્લેખ કરીને રૈયત માટે ભારે બોજ રૂપ મહેસૂલ રદ કરવા, ભારતની પ્રજાને નામે બ્રિટીશ સરકારે લીધેલા દેવાની ચર્ચા કરે છે અને પછી “તમે ન સાંભળો તો” એવા મથાળા નીચે લખે છેઃ “….આ મહિનાની ૧૧મી તારીખે હું આશ્રમના શક્ય હશે તેટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાઓનો અનાદર કરવાનું પગલું ભરીશ. ગરીબ વર્ગના દૃષ્ટિબિંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાયી લાગ્યો છે…મને કેદ કરીની મારી યોજના નિષ્ફળ કરવાનું આપના હાથમાં છે એ હું જાણું છું. હું આશા રાખું છું કે મારી પાછળ લાખો માણસ વ્યવસ્થિત રીતે કામ ઉપાડી લેશે અને જે મીઠાના કાયદા થવા જ જોઈતા નહોતા એનો ભંગ કરી કાયદાની રૂએ થનારી સજાને ભોગવવા તૈયાર થશે.”

પરંતુ આ ઐતિહાસિક પત્રની સાથે બીજો એક પત્ર પણ છે. કોઈ યુવાન સત્યાગ્રહ માટે તૈયાર થયો છે તેને છૂટ આપવા એમણે એના પિતાને અપીલ કરી છે. પરંતુ છોકરાના પિતાને ગાંધીજી ઓળખી ગયા છે અને બીજી સલાહ પણ આપે છેઃ “અને આ પિતા પોતાને ઓળખી ગયા હોય તો તેમને મારી વિનંતી છે કે પોતે ખાદીને શોભાવે, દીકરાને આશીર્વાદ આપે…અને પોતે ચા તથા ‘થરમૉસ’ને છોડે…પાણી કે બીજી ગમે તે વસ્તુ ને ગરમ રાખવાનો સસ્તો ને દેશી ઇલાજ બતાવું. એક બરોબર બંધ કરી શકાય એવા વાસણમાં રાખેલા ગરમ પાણી ઇત્યાદિને ચોમેર ગરમ ધાબળામાં અથવા સારી પેઠે રૂમાં લપેટી તેને એક દાબડામાં કે પેટીમાં રાખી મૂકવાથી તે જેટલું ગરમ મૂકો તેટલું ગરમ ચોવીસ કલાક લગી રહે છે.”

બોલો, ક્યાં લૉર્ડ ઇર્વિન, મીઠાનો કાયદો અને ક્યાં થરમૉસ અને એના વિના પાણી ગરમ રાખવાનો દેશી ઉપાય! પણ ગાંધીજીને મન બેય સરખાં છે.

એ જ દિવસે, મગનલાલ ગાંધીની પુત્રી રુક્મિણી (રૂખી) અને બનારસીલાલ બજાજનાં લગ્ન થાય છે. આશ્રમની ખાસ લગ્નપદ્ધતિ પણ ગાંધીજીએ વિકસાવી હતી. એને ધ્યાનમાં લઈને જ ગાંધીજી આશીર્વચનો કહે છેઃ “પ્રતિજ્ઞામાં વધુ કહે છે કે તમે મિત્ર છો, દેવતા છો. આ વખતે એમાં ફેરફારો કરવાની ઇચ્છા થઈ હતી…ભવિષ્યમાં ગુરુ અને દેવતા કાઢી નાખવા ઇચ્છું છું. કારણ કે પતિ પોતાને ગુરુ ને દેવતા માને એ બરાબર નથી….”

આમ એક બાજુથી મીઠાનો કાયદો તોડવાની વાત તો બીજી બાજુથી સાવ જ અંગત પ્રકારના આશીર્વાદ – તે પણ સ્ત્રી-પુરુષ સમાનતાના સંદેશ સાથે!

૩જી તારીખે “પ્રાતઃકાળમાં’ મનમોહનદાસ પી. ગાંધીને લખેલા પત્રમાં ઇતિહાસ આવે છે. મનમોહનદાસ ગાંધીએ એમનાં બે પુસ્તક મોકલ્યાં છે. એક મીઠા વિશે, બીજું કપાસ વિશે. બીજા પુસ્તકમાં એમણે કંતામણ અને વણાટને સ્વતંત્ર ધંધા દેખાડ્યા છે પણ ગાંધીજી વણાટને તો સ્વતંત્ર માને છે, કંતામણને મદદનીશ ધંધો માને છે. પણ લેખકે કહ્યું છે કે મુસલમાની બાદશાહત વખતે કાપાકાપીને કારણે ધંધા ન ચાલ્યા. ગાંધીજી કહે છે કે આ ખોટી હકીકત છે કારણ કે અકબર પહેલાં કોઈ બાદશાહ ગામડાં સુધી પહોંચ્યો નહોતો. એટલે કાપાકાપી શહેરો પૂરતી જ હતી. વળી અંધેર રાજ્યમાં પણ કારીગરો કામ કરતા રહે છે. પહેલાં માત્ર મુસદ્દી વર્ગ પૂરતી જ એમની અસર હતી.

વલ્લભભાઈની ધરપકડ

આઠમી માર્ચે અમદાવાદમાં ગાંધીજીએ એક સભાને સંબોધી. અહીં એમની દૃઢતા જોવા જેવી છે. જો કે એમણે શરૂઆતમાં જ કહ્યું કે એમનો અવાજ બધાં સુધી પહોંચી શકે તેમ નથી અને “મારા અવાજમાં જે શક્તિ પૂર્વે હતી તે આજે નથી, અને આટલા મોટા સમુદાયને કોઈ પણ માણસનો અવાજ પહોંચી ન શકે…” તે પછી સરદારની ધરપકડની વાત કરતાં એમણે કહ્યું – “સરદાર વલ્લભભાઈ જેવા સ્વતંત્ર અને સ્વાધીનતાપૂર્ણ પુરુષની સરકાર આવી રીતે જ કદર કરી શકે!” ગાંધીજીએ કહ્યું કે “મારે કોઈ પણ પ્રકારે પકડાઈ જવું છે. સરકાર મીઠાનો કબજો અયોગ્ય રીતે રાખી બેઠી છે તે મારે છીનવી લેવો છે. મીઠા ઉપરનો કર મારે રદ કરાવવો છે. હું તેને પૂર્ણ સ્વરાજ્યનું એક અથવા તો પહેલું પગથિયું ગણું છું…” તે પછી અમદાવાદના નાગરિકો વતી “સરદાર વલ્લભભાઈ પટેલ જે વાટે ગયા છે તે વાટે” જવાનો સંકલ્પ પત્ર વાંચી સંભળાવાયો, તેના પ્રતિસાદ તરીકે હજારો હાથ ઊંચા થયા.

મજૂર મહાજન અને મિલમાલિકોની માંગ

ટિળક સ્વરાજ ફંડનાં નાણાંનું વ્યાજ મજૂર મહાજનને મળતું હતું પણ હવે મિલમાલિકો એના વહીવટમાં ભાગ માગતા હતા. આમાં મંગળદાસ શેઠ મુખ્ય હતા. એમણે મજૂર મહાજનને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગાંધીજીનું વલણ સ્પષ્ટ રીતે મજૂરોની તરફેણમાં હતા. મંગળદાસ શેઠની દલીલ હતી કે મજૂરો જે શાળાઓ ચલાવે છે તે માટે મજૂરો પાસેથી લેવાતી રકમનો દર વધારવો જોઈએ. ગાંધીજી ચોખ્ખા શબ્દોમાં કહે છે કે, “મોટા માણસના દીકરા પણ (જે) ભણે છે તેના પૂરા પૈસા (એ લોકો) નથી આપતા. તમે એમ આશા કરો છો કે મજૂરોને બે પૈસા બચતા હોય તો તેમાંથી શાળા ચલાવો…” અંતે ગાંધીજીએ એમને મહાજનના વહીવટમાં જગ્યા આપવાની ઘસીને ના પાડી દીધી.

૯/૩ના પત્રમાં ગાંધીજી યાત્રાનો રૂટ દેખાડે છે અને “ગ્રામવાસી ભોજન આપશે એમ માની લીધું છે”. ભોજન શું હશે?

“ભોજનને સારુ સીધું મળે તો સંઘ હાથે પકાવી લેશે. પાકુંકાચું જે હશે તે સાદામાં સાદું હોવું જોઈએ. રોટલી-રોટલા અથવા ખીચડી, શાક અને દૂધ અથવા દહીં ઉપરાંત બીજી વસ્તુની જરૂર નથી. મીઠાઈ કંઈ કરી હશે તો પણ તેનો ત્યાગ થશે. શાક માત્ર બાફેલું હોવું જોઈએ. તેમાં તેલ, મરીમસાલો. મરચાં લીલાં કે રાતાં, ભૂકો કે આખાં કંઈ જ નહીં ખપે. મારી સલાહ આ પ્રમાણે ભોજન તૈયાર કરવાની છે.

સવારે રવાના થતાં પહેલાં રાબ અને ઢેબરાં. રાબ હંમેશાં સંઘને જ તૈયાર કરવા દેવી.

બપોરે ભાખરી અને શાક અને છાશ અથવા દૂધ.

સાંજે કૂચ કરતાં પહેલાં ચણામમરા.

રાતે ખીચડી અને શાક અને દૂધ અથવા છાશ.

ઘી જણદીઠ બધું મળીને ત્રણ તોલાથી ન જ વધવું જોઈએ. એક તોલો રાબમાં, એક ભાખરીમાં ઉપરથી આપવાનું ને એક રાતે ખીચડીમાં મારે સારુ સવારે, બપોરે અને સાંજે બકરીનું દૂધ મળી શકે તો તે અને સૂકી દ્રાક્ષ અથવા ખજૂર અને ખાટાં લીંબુ ત્રણ હોય તો બસ છે…”

In his spirit એમ આઇન્સ્ટાઇને કહ્યું તેનો અર્થ હવે સમજાય છે. ગાંધીજીને મન કોઈ વાત એટલી મોટી નહોતી કે બીજી વાતો દબાઈ જાય. એક મહાન સત્યાગ્રહની ઘડીઓ ગણાતી હતી અને વાઈસરૉય અને એના ઑફિસરો આગળ શું કરવું તેની ચિંતામાં હતા ત્યારે આ યુદ્ધ છેડનારો મહાનાયક જમવામાં ઘી કેટલું અને કેમ આપવું તેની ચિંતા કરે છે!

ભોજન ‘પાકુંકાચું” હશે તો ચાલશે, એમ કહેનારનું પોતાનું કામ હંમેશાં પાકું જ રહેતું હતું. શું આને જ કહે, In his spirit?

0-0-0

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s