Science Samachar : Episode 8

science-samachar-ank-8૧) ઓછું ખાશો તો ઘડપણ મોડું આવશે!

આ સમાચાર વાંચીને મને તો દુઃખ થયું કે શા માટે આખું જીવન પેટ ઠાંસ્યા કર્યું છે. બહુ ખાધું ન હોત તો કંઈ મરી જવાના હતા? પણ હજી જે લોકો ઘડપણને ટાળવા માગતા હોય તેમને આ સમાચાર કામ આવે તેવા છે.

આમ તો આપણા ઘડપણને રોકવાનો દાવો કરનારો મોઇશ્ચરાઇઝરનો અબજો ડૉલરનો ઉદ્યોગ વિકસ્યો છે પણ એ માત્ર ચામડીની નીચે સુધી જ જાય છે; ઘડપણ તો આપણા કોશો ઘરડા થવાથી આવે છે, ત્યાં સુધી તો આવાં મોઇશ્ચરાઇઝર પહોંચતાં નથી પણ આપણા પૈસા એના ઉદ્યોગપતિઓના પટારા સુધી પહોંચી જાય છે.Molecular & Cellular Proteomicsમાં પ્રકાશિત થયેલા એક લેખમાં સંશોધકો કહે છે કે ખાવાનું ઓછું કરવાથી કોશોની આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. કોશોમાં રિબોસમ (Ribosomes)હોય છે તે પ્રોટીન બનાવે છે. આ રિબોસમ એમનું કામ ધીમું પાડી દે તો વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે. કામની ગતિ ઘટી જાય તો રિબોસમને પોતાને રિપેર કરવાનો વધારે સમય મળી રહે છે. લેખના મુખ્ય લેખક જ્‍હૉન પ્રાઇસ કહે છે કે રિબોસમને તમારી કાર સમજો. કારનાં ટાયર ઘસાઈ જાય ત્યારે આપણે કાર ફેંકી નથી દેતા પણ ટાયર બદલાવીએ છીએ. કારણ કે ટાયર બદલાવવાનું સસ્તું પડે છે. આમ રિબોસમ પર કામનો બહુ બોજો ન નાખીએ તો એ ઓછા ઘસાય.

ઓછું ખાશો તો ઘડપણ મોડું આવશે!પ્રાઇસ અને એમના સાથીઓએ ઉંદર પર પ્રયોગો કર્યા. એક ગ્રુપની સામે અન્નભંડાર ખુલ્લો મૂકી દીધો અને બીજા ગ્રુપ પર સખ્તાઈ કરીને ૩૫ કૅલરી ઓછી મળે તેટલો જ ખોરાક આપ્યો. થોડા વખત પછી જોયું કે જેમને કેલરી ઓછી મળી તેમની સ્થિતિ વધારે સારી હતી અને એમની આવરદા પણ લાંબી નીવડી. એમને રોગો પણ ઓછા લાગુ પડ્યા.

જો કે આ તારણ તો પહેલાં પણ બીજાઓએ આપ્યું જ છે. ગૌતમ બુદ્ધ પણ મિતાહારી બનવાનો ઉપદેશ ઉંદરો પર પ્રયોગ કર્યા વિના જ આપી ગયા છે. એ પણ એક વૃદ્ધને જોઈને જ સંસાર છોડી ગયા હતા ને? એટલે વૃદ્ધાવસ્થા વિશે એમણે વિચાર કર્યો જ હશે. પણ પ્રાઇસની ટીમે પહેલી જ વાર દેખાડ્યું છે કે રિબોસમ દ્વારા પેદા થતા પ્રોટીન આપણી વૃદ્ધાવસ્થામાં સીધો જ ભાગ ભજવે છે. રિબોસમ કોશની ૧૦થી ૨૦ ટકા શક્તિ વાપરીને પ્રોટીન બનાવે છે એટલે એનું કામકાજ કથળે ત્યારે એની પાસેથી વધારે કામ લેવાથી એનો અંત આવી જાય છે. એના કરતાં એને થોડો આરામ આપવામાં ખોટું નહી, એ જાતે જ રિપેર થઈને કામ કરવા લાગશે.

જો કે આ વાંચીને તરત ખાવાનું છોડજો નહીં, કારણ કે પ્રાઇસ કહે છે કે એમણે હજી તો ઉંદર પર અખતરો કર્યો છે, માણસ પર હજી અખતરો નથી થયો અને કોઈ એમ ન માની લે કે ખાવાનું ઘટાડી નાખવાથી યૌવન સદાબહાર રહેશે. આ તો આપણે શા માટે વૃદ્ધ થઈએ છીએ તેનું એક મહત્ત્વનું કારણ સમજવા માટે છે.

સંદર્ભઃ અહીં

૨) આદિવાસીઓ પાસેથી મળી અલભ્ય જડીબુટ્ટી

આદિવાસીઓ પાસેથી મળી અલભ્ય જડીબુટ્ટી પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના આદિવાસીઓ પાસેથી સંશોધકોને એક એવી જડીબુટ્ટીનું જ્ઞાન મળ્યું છે કે એમાંથી નવી ઔષધિ બની શકે. એનો ઉપયોગ કેન્સર, બીજી ઈજાઓ અને દાઝી જવાના જખમો માટે થઈ શકે એમ છે. ‘જવાહરલાલ નહેરુ ટ્રૉપિકલ બોટેનિકલ ગાર્ડન ઍન્ડ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટ (JNTBGRI)ના વૈજ્ઞાનિકોને કેરળની ચોલૈનાયગન આદિવાસી જાતિ પાસેથી Neurocalyx calycinus  નામની આ જડીબુટ્ટી મળી છે. હવે એમણે એની પૅટન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. એમાં ઘાને રુઝાવે, ડામને મટાડે, કેન્સરનો નાશ કરે, પીડાનું શમન કરે, સોજાને રોકે. રોગપ્રતિકાર તંત્રને સદ્ધર બનાવે, ઍન્ટી-ઑક્સીડેન્ટ આપે એવા ઘણા ગુણો જોવા મળ્યા છે.

ઇંસ્ટીટ્યૂટના એથ્નોમૅડિસીન વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજશેખરનની રાહબરી નીચે ૧૯૮૮માં એક ટીમ નીલાંબરનાં જંગલોમાં કામ કરતી હતી ત્યારે એમને એક આધેડ વયનો માણસ જોવા મળ્યો. એની છાતી પર નહોરના ઊંડા ઊઝરડા હતા. એને પૂછ્યું તો ખબર પડી કે જંગલમાં એક રીંછે એના પર હુમલો કર્યો હતો. રીંછે એની છાતી ફાડી ખાધી હોત પણ એ કોઈ રીતે રીંછના પંજામાંથી છૂટી ગયો. પહેલાં બીજા લોકોએ એને બચાવી લીધો. તે પછી એની આ જડીબુટ્ટીથી સારવાર કરવામાં આવી.

આ માણસનું નામ કુપમલા કણિયન. એણે ત્રણ દિવસની સતત પૂછપૂછ પછી આ છોડમાંથી લેપ કેમ બનાવાય તેનું રહસ્ય ખોલ્યું. સ્થાનિકના આદિવાસીઓ એને ‘પચા ચેડી’નામે ઓળખે છે. પ્રાણીઓ પર આ લેપનો અખતરો સફળ રહ્યો છે. એમાં વિટામિન E પુષ્કળ માત્રામાં છે અને કેન્સર સામે રક્ષણ આપે એવાં રસાયણો પણ છે. હજી આ જડીબુટ્ટીનો સંસ્થાકીય સ્તરે અભ્યાસ ચાલે છે.

સંદર્ભઃ અહીં

૩) તારાનું દિલ ધડકે છે, ઉપગ્રહ માટે!

મૅસેચ્યૂસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજી (MIT)ના વૈજ્ઞાનિકોને જોવા મળ્યું છે કે પૃથ્વીથી ૪૦૦ પ્રકાશવર્ષ દૂર એક HAT-P-2 નામનો તારો એવો છે કે એની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહ સામે આંખમિચકારા કરે છે. ઉપગ્રહ HAT-P-2b કદમાંશુક્રના ગ્રહ કરતાં પણ મોટો છે. આજ સુધી આવડા મોટા ઉપગ્રહ ઘણા જોવા નથી મળ્યા. એ મનફાવતી રીતે ભ્રમણકક્ષામાં ફરે છે. એક વાર એ તારાની બહુજ નજી આવી ને પરિક્રમા કરે છે તો પછી બહુ દૂર ચાલ્યો જાય છે અને ફરવા લાગે છે. વૈજ્ઞાનિકોએ એની હિલચાલ પર ૩૫૦ કલાક નજર રાખી તો જોયું કે લગભગ દર ૮૭ મિનિટે તારાના પ્રકાશમાં ફેરફાર થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે ઉપગ્રહ એવડો મોટો હોવો જોઈએ કે એ નજી આવે છે ત્યારે તારાની પીગળેલી સપાટી ઊછળે છે.

આ અભ્યાસ લેખના મુખ્ય લેખક જૂલિયન ડી’વિટ કહે છે કે ઉપગ્રહને જોઈને તારો રોમાંચિત થઈ જાય એમ અમે નહોતા માનતા પણ અહીં જોયું કે આ તારો તો ધબકી ઊઠે છે. આનો અર્થ એ કે તારો પોતાની જબ્બર ઊર્જા ઉપગ્રહ તરફ ફેંકે છે.

તારાની આ દિલફેંક મસ્તી તો સંશોધકોના ધ્યાનમાં ઓચિંતી જ આવી. ખરેખર તો એ લોકો એ જોતા હતા કે ઉપગ્રહ ફરતો હોય ત્યારે એની ગરમી કેટલી રહે છે. એમાં આ ઉપગ્રહની ફરવાની રીત જોતાં એમ લાગ્યું કે એમાં મોટા ફેરફાર થતા હશે. દૂર જાય ત્યારે અતિ ઠંડો થઈ જાય અને નજીક આવે ત્યારે બહુ જ ગરમ. એ જોતા હતા ત્યારે તારા પર થતા પ્રકાશના ફેરફાર પર એમનું ધ્યાન ગયું. આમ તદ્દન નવી ઘટના ખગોળશાસ્ત્રના પાને સંયોગવશાત ચડી શકી છે.

સંદર્ભઃ અહીં

(૪) પૃથ્વીની અંદરનો ગર્ભભાગ પીગળતો કેમ નથી?

પૃથ્વીના ગર્ભભાગમાં એટલી બધી ગરમી છે કે સૂરજ પણ એની આગળ ઠંડો કહેવાય. આટલી ગરમીમાં તો બધું પીગળી જાય.પૃથ્વીની અંદર ધગધગતો પીગળેલો લાવા છે જે ફર્યા કરે છે. એની અંદર કેન્દ્રમાં લોખંડના સ્ફટિકોનો બનેલો ગોળો છે એ પીગળ્યા વિના ફરે છે. આમ કેમ?

સ્વીડનની KTH રૉયલ ઇંસ્ટીટ્યૂટના સંશોધકોને હવે એનું કારણ સમજાયું છે. પીગળેલા અંતઃભાગની ઉપરની સપાટીએ સ્ફટિક આકારના ટુકડા સતત પીગળતા રહે છે અને વધારે તૂટતા જાય છે. પરંતુ એના ઉપર બહુ ભારે દબાણ હોવાથી એ પાછા અંતઃભાગમાં જ ભળી જાય છે. આને કારણે છેક અંદરનો ગોળો ફરી જામી જાય છે.

આ ઘટના જોઈ તો શકાતી નથી. એના માટે આ સ્ફટિકોના પરમાણુઓનું બંધારણ જાણવું જરૂરી બની જાય છે. સ્ફટિકના પરમાણુનું સ્વરૂપ એને અપાયેલી ગરમી અને એના પરના દબાણ પ્રમાણે બદલાય છે. પરમાણુઓ જુદા જુદા ઘન આકારમાં અને ષટ્‌કોણાકારમાં બંધાય છે. લોખંડના પરમાણુ સામાન્ય ઉષ્ણતામાને અને સામાન્ય દબાણે ‘બોડી-સેંટર્ડ ક્યૂબિક’ (BCS)તરીકે ઓળખાતા સ્વરૂપમાં હોય છે. એમાં ૮ ખૂણા અને એક કેન્દ્ર હોય છે. એમના ઉપર બહુ જ દબાણ આવે તો એ ૧૨ ખૂણાના બની જાય છે, એટલે કે બેવડા ષટ્‌કોણ જેવા. પૃથ્વીના ગર્ભભાગમાં સપાટી કરતાં ૩૫ લાખગણું દબાણ છે અને ગરમી ૬૦૦૦ગણી! વૈજ્ઞાનિકો કહે છે કે અંદરનો ગોળો નક્કર રહે છે તેનું કારણ એ કે સ્ફટિકો ષટ્કોણાકારના હોવા જોઈએ; તો જ એ ફરી પાછા ઘન બની શકે છે.

સંદર્ભઃ અહીં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: