Science Samachar : Episode 6

science-samachar-ank-6. ટીબીને ભૂખે મારો! (દરદીને નહીં!)
ભારતમાં ટીબી

ગ્લોબલ ટ્યૂબરક્યૂલોસિસ રિપોર્ટ જણાવે છે તેમ ૨૦૧૫માં દુનિયામાં ટીબીના એક કરોડ કરતાં પણ વધારે કેસો નોંધાયા. આમાંથી ૬૦ ટકા, એટલે કે ૬૦ લાખ કરતાં વધારે કેસો માત્ર છ દેશો – ભારત, પાકિસ્તાન, ઇંડોનેશિયા, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા અને ચીનમાં નોંધાયા. એમાંય લગભગ પાંચમા ભાગના, ૧૬,૬૭,૧૩૬ કેસો તો ભારતમાં જ નોંધાયા. આજે પણ દુનિયામાં ૧૫ લાખ કરતાં વધારે વ્યક્તિઓ ટીબીને કારણે મૃત્યુ પામે છે. ટીબી તો હવે ગયો, એવી આપણી ધારણા સાચી નથી.

ટીબીને ભૂખે મારો! ટીબીનું બૅક્ટેરિયમ માઇકોબૅક્ટેરિયમ ટ્યૂબરક્યૂલોસિસ શી રીતે ફેફસામાં ટકી રહે છે તે સમજ્યા વિના ટીબીનો ઉપાય સફળ ન રહે. આ થી સ્વિટ્ઝર્લૅંડની જિનિવા યુનિવર્સિટીના સંશોધકોએ માછલી પર પ્રયોગ કરી જોયો. એમણે જોયું કે ફેફસાના માઇક્રોફેજ (ખાઉધરા શ્વેતકણ) આમ તો જે કોઈ આવે તેને ખાઈ જાય પણ ટીબીનું બૅક્ટેરિયા એના ડ્યૂટી ચાર્ટમાં જ ફેરફાર કરી નાખે છે. હવે આ શ્વેતકણો એમને ખાવાને બદલે એમના માટે ભોજન (લિપિડ) બનાવવા લાગી જાય છે. આવો ખોરાક એ જો ફેફસામાં જ ન બનાવે તો એણે આપણું રોગ-પ્રતિકાર તંત્ર (ઇમ્યૂન સિસ્ટમ) નબળું પડે ત્યાં સુધી રાહ જોવી પડે! એ ખાઈને બૅક્ટેરિયા ત્યાં પોતાની વસાહત ઊભી કરી દે છે. વૈજ્ઞાનિકોએ લિપિડનાં ટીપાં બહાર ન નીકળે એવું કર્યું તો બૅક્ટેરિયાએ ફેફસાની દીવાલ પરની પાતળી છારીમાંથી ભોજન બનાવી લીધું! હવે વૈજ્ઞાનિકો ફેફસામાં મળતી ચરબી ખાવાની બૅક્ટેરિયાની શક્તિ કુંઠિત કરવા માટે અમુક એન્ઝાઇમોનો ઉપયોગ કરવાના છે. એમનો આ શોધપત્ર PLOS Pathogen સામયિકના આવતા અંકમાં પ્રકાશિત થવાનો છે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦

. આંખ જુએ છે કે મગજ?

આપણે માનીએ છીએ કે આંખમાંથી કિરણ મગજ સુધી પહોંચે તેમાંથી આકૃતિ બને છે, જેને આપણે જોઈએ છીએ. જો એમ જ હોય તો આપણે પાંપણ પટપટાવીએ ત્યારે અંધારું કેમ થઈ જતું નથી? એક વસ્તુને જોતા હો ત્યારે આંખમિચકારા તો અનાયાસ થયા કરે, પણ આકૃતિ ખંડિત નથી થતી. આમ કેમ?

સામયિક ‘કરંટ બાયોલૉજી’ના ૧૯મી જાન્યુઆરીના ઑનલાઇન અંકમાં(Current Biology) અમેરિકામાં બર્કલીની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકોનો એક અભ્યાસપત્ર પ્રકાશિત થયો છે. સંશોધકો જણાવે છે કે આંખનો પલકારો મારો ત્યારે અંધારું નથી થતું તેનું કારણ એ કે આપણું મગજ પોતે જ જોઈ લે છે કે તમે પલકારા પહેલાં કઈ વસ્તુ જોતા હતા. આથી તમે ફરી એ જ વસ્તુ જોઈ શકો છો. એમણે અંધારા રૂમમાં કેટલાક વિદ્યાર્થીઓને બેસાડ્યા. વિદ્યાર્થીઓએ એક ચળક્તા ટપકાને જોવાનું હતું. આંખ પલકારો મારે એટલે ટપકું એક સેન્ટીમીટર ખસી જાય. આપણા ડોળા ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવવામાં સમય લે છે. (આ હાર્ડવેરની ખામી છે અને મગજ એ જાણે છે!). પરંતુ મગજ ફરી ટપકું હોય ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરી આપે છે. આમ તમે જે જુઓ છો તેમાં વિક્ષેપ તો પડે જ છે પણ મગજ એ બિંદુઓ જોડીને રેખા બનાવી દે છે. કોણ જુએ છે, આપણી આંખ કે આપણું મગજ?

સંદર્ભઃ અહીં

૦-૦-૦

3. આપણા ગ્રહ સિવાય બીજે ક્યાંય જીવન છે?

૧૯૫૦માં પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીએ કહ્યું કે “બ્રહ્માંડમાં ક્યાંય જીવન બચ્યું હોય એવા પુરાવા નથી મળ્યા.” લોકો આશ્ચર્યમાં પડી ગયા; ફર્મી શું એમ કહેવા માગે છે કે જીવન હતું… અને નષ્ટ થયું? કે કોઈ એમ કહેતા હોય કે જીવન છે…એમને ફર્મી માત્ર હળવો જવાબ આપે છે, ખરેખર પૃથ્વી સિવાય ક્યાં જીવન હતું જ નહીં?

ઑસ્ટ્ર્લિયન નૅશનલ યુનિવર્સિટીના પ્રોફેસર આદિત્ય ચોપડા અને ચાર્લ્સ લાઇનવીવર ફર્મીનો આ ‘પૅરાડૉક્સ’ ઉકેલી આપે છે. પ્રોફેસર ચોપડા કહે છેઃ બ્રહ્માંડમાં એવા ઘણા ગ્રહો છે જ્યાં જીવન સંભવી શકે. આથી લોકો માને છે કે બ્રહ્માંડમાં પરગ્રહવાસીઓથી ઊભરાય છે. પરંતુ શરૂઆતમાં જીવન એવું નાજુક હોય છે કે એનો વિકાસ થાય તે પહેલાં જ એનો અંત આવી જાય. શરૂઆતમાં ગ્રહો પર બહુ અસ્થિરતા હતી. સપાટીનું તાપમાન સ્થિર રહે તે માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોઈએ. ચાર અબજ વર્ષ પહેલાં પૃથ્વીની જેમ મંગળ અને શુક્ર પણ રહેવાલાયક હતા પણ પછી શુક્ર બહુ જ ગરમ થઈ ગયો અને મંગળ બહુ જ ઠંડો. ચોપડા અને લાઇનવીવરે The Gaian Bottleneck લખીને પોતાનો હાઇપોથિસિસ આપ્યો છે કે બ્રહ્માંડમાંથી આદિ જીવનના કોઈ અશ્મિ મળી આવશે તો એ માત્ર એકકોશી જીવનો હશે, અનેકકોશી જીવનો નહીં હોય કારણ કે બ્રહ્માંડના શરૂઆતના સમયમાં અતિ ઠંડાથી અતિ ગરમ પર્યાવરણ તરફ જવું એ સામાન્ય હતું.

આવી ભારે ઉથલપાથલો પછી પણ પૃથ્વી બચી ગઈ અને આપણે એના ઉપર વસીએ છીએ એટલાથી જ સંતોષ માનો ને, ઍલિયન્સની ભાળ મેળવવાની મહેનત કાં કરો છો?

નીચે આપેલો ગ્રાફ ચોપડા અને લાઇનવીવરના અભ્યાસ્પત્રમાંથી લીધો છે. એમાં Habitable Zone જુઓ, અતિ ઠંડા અને અતિ ગરમ વિસ્તારો વચ્ચે એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે.

અતિ ઠંડા અને અતિ ગરમ વિસ્તારો વચ્ચે એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છેસંદર્ભઃ અહીં

૦-૦-૦

. કીડાનું નામ ડૉનલ્ડ ટ્રમ્પ!

વૈજ્ઞાનિકોની સર્જનશક્તિ પણ ગજબની હોય છે. ૨૦મી જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદના સોગંદ લીધા. તેનાથી થોડા જ વખત પહેલાં ઉદ્વિકાસીય જીવવિજ્ઞાની વાઝરિક નઝારી કૅલિફૉરર્નિયા યુનિવર્સિટીના બોહાર્ટ મ્યૂઝિયમમાંથી મેળવેલા જીવોના નમૂનોનું નિરીક્ષણ કરતા હતા ત્યારે એમણે એક પ્રજાતિ જોઈ તો એમને લાગ્યું કે આ નવી પ્રજાતિ છે. એમણે એને નામ આપ્યું ‘નિઓપલ્પા ડૉનલ્ડટ્રમ્પી’! એમણે કારણ આપ્યું કે આ નામ આપવાથી આ પ્રજાતિને બચાવવા માટે લોકોમાં જાગરુકતા વધશે! સંશોધકોએ હવાઈ ટાપુમાં કોરલ રીફમાંથી મળેલી માછલીની એક પ્રજાતિને બરાક ઓબામાનું નામ આપવામાં આવ્યું છે કારણ કે દુનિયાના આ સૌથી મોટા કોરલ રીફ પ્રદેશને ઓબામાએ હાલમાં જ સંરક્ષિત જાહેર કર્યો હતો!

નિઓપલ્પા ડૉનલ્ડટ્રમ્પી

નિઓપલ્પા ડૉનલ્ડટ્રમ્પીસંદર્ભઃ અહીં

૦-૦-૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s