Engrossment Yoga

હમણાં તો લાઇનોનો જમાનો છે. સસ્તા અનાજની દુકાને લાઇનમાં ઊભા રહો, દૂધ લેવા જાઓ તો લાઇનમાં ઊભા રહો. પોસ્ટ ઑફિસમાં લાઇન હોય, રેલવે સ્ટેશને લાઇન હોય. બૅંકોમાં લાઇન હોય. આ બધી લાઇનોમાં ઊભા રહેવા માટે પહેલી શરત એ કે તમારા ખિસ્સામાં પૈસા હોય. હવે નવી જાતની લાઇનો બનવા લાગી છે. પૈસા ખિસ્સામાં પ્રવેશે તે માટેની લાઇન. એ લાઇનમાં ઊભા રહો તો જ બીજી લાઇનોમાં ઊભા રહેવાની લાયકાત પ્રાપ્ત કરી શકો. લાઇનોની માતા લાઇન.

આમ છતાં આપણા દેશના લોકો દુઃખમાંથી પણ સુખ શોધી લે છે અને હસી શકે છે, આવી જ એક માતા-લાઈનમાં ધીમે ધીમે સરકવાનો લાભ મળ્યો ત્યારે મારાથી એક નંબર આગળ એક ભાઈ ઊભા હતા. બાસઠ-પાંસઠ જેવા, સફેદ ઝભ્ભો, જીન્સ, બગલમાં દબાવેલું અખબાર, હાથમાં પૂર્તિ, પૂર્તિમાં નજર. થોડી વારે એમણે પૂર્તિ સંકેલી, ચશ્મા ઉતાર્યાં, થોડા વાંકા વળીને એમણે આગળ જોયું – હજી આગળ કેટલા બાકી છે, ઓગણપચાસ કે એકતાળીસ? પછી, મારા તરફ ફરીને બોલ્યા, “સબ યોગી બન ગયે હૈં, સબકા ધ્યાન આજ કેવલ પૈસે પર લગા હૈ!” હું હસ્યો. એ બોલ્યા, “યોગ મેં કહતે હૈં ન, ધ્યાન કેન્દ્રિત કરો…સબ ને ધ્યાન કેન્દ્રિત કર લિયા હૈ.” મને બહુ વાત કરવાની ઇચ્છા નહોતી એટલે વિવેક ખાતર ફરી હસ્યો. એનાથી પ્રેરાઈને એ બોલ્યા, જેનું ધ્યાન ધરીએ, એના જેવા થઈ જઈએ. આ પૈસાનું શું કામ? હવે હું જવાબ આપવા ઉત્તેજિત થયો. મેં કહ્યું, “પૈસે કા કામ નહીં હૈ તો હમ યહાં ક્યોં ખડે હૈં?” એ થોડા અકળાયા હોય તેમ બોલ્યા, “નહીં, નહીં…આપ સમજે નહીં, મેરી બાત…” હું પણ કંટાળ્યો હતો, પણ સજ્જનતા કેમ મુકાય? લાઇન બે માણસ જેટલી આગળ વધી હતી. મેં એમને સરકવા કહ્યું. એ બોલતાં બોલતાં જ સરક્યા, “ જૂઓ, પૈસા કોઈ વસ્તુ માટે છે. અપને-આપ મેં તો કામ કા નહીં. પૈસાથી બીજી વસ્તુ ન આવે તો એ હોય કે ન હોય, નકામા.” એમણે ‘નકામા” કહ્યું ત્યારે મને લાગ્યું કે ભાઈ હવે કંઈ કામની, રસ પડે તેવી વાત કરે છે. એ બોલ્યા, “હમ ભી અપને-આપ મેં કિસી કામ કે નહીં. હમ ભી એક્સચેન્જ કે લિયે હૈં. યહાં સે લિયા, યહાં દિયા…” હવે એમણે ધડાકાબંધ વ્યાખ્યા આપી. “ઇસે હી કહતે હૈં, તલ્લીન યોગ.” જેનું ધ્યાન ધરો તેમાં તલ્લીન થઈ જાઓ!

વાત ત્યાં જ પડતી મૂકવી પડી કારણ કે એમની આગળ એક ભાઈ ઘૂસી ગયા હતા. કહેતા હતા કે હું નંબર રાખીને ગયો હતો. ”પૂછ લો ઇન સાહબ કો…” એણે ઘૂસણખોરીના સ્થાનથી આગળના એક ભાઈને સાક્ષી બનાવ્યા. બાસઠ-પાંસઠ થોડા હતાશ થયા, ફરી છાપામાં ડૂબી ગયા. પરંતુ વચ્ચે વચ્ચે એમની આગળવાળા ભાઈ સાથે વાત કરી લેતા હતા. હવે એની સાથે બાસઠ-પાંસઠની દોસ્તી થઈ ગઈ હતી. દોઢેક કલાકે ATM મશીન પાસે પહોંચ્યા ત્યારે મશીન એમનું કાર્ડ જ ન સ્વીકારે. આજકાલ ATM મશીનો પાસે ગાર્ડ અને પોલીસવાળાઓની સત્તાઓ બહુ વધી ગઈ છે. ગાર્ડે ધમકાવ્યાઃ “બહુ ઉતાવળ કરો છો, પણ પૈસા ઉતાવળે બહાર નહીં આવે.” ભાઈ બોલ્યા, “લે ભાઈ, તું સાચો. હમણાં તો તારાં માન છે, બોલ જો બોલના હૈ, બચ્ચૂ!” પાછળ મને મનમાં થતું હતું, આ ભાઈ ખરેખર જ કંઈ કામના નથી! અંતે એમના પૈસા નીકળ્યા. મારો વારો પણ આવી ગયો.

ઘરે આવ્યો ત્યારે મને એમની વાત ફરી યાદ આવી. કંઈ ગડ બેસવા લાગ્યું હતું. ‘તલ્લીન યોગ’ નામ પણ ગમ્યું. જેનું ધ્યાન ધરીએ તેના જેવા થઈ જઈએ. એક વાર કોઈ સાધ્વી બહેનની કીર્તનસભામાં ઔપચારિકતાવશ જવું પડ્યું હતું. બે-એક કલાક પછી એમણે સૌને ધ્યાન ધરવા કહ્યું. એમણે કહ્યું કે બધા એક સુંદર બાગની કલ્પના કરે. ચારે બાજુ હરિયાળી, ચારે બાજુ ફૂલો, સુગંધ, સુગંધ. મંદ મંદ પવન. બે કલાક બેઠા પછી મને તો કોઈ બાગ દેખાતો નહોતો, મન આજુબાજુમાં ‘જન સુવિધા;નાં સ્થાનો શોધતું હતું. બહાર નીકળીએ ત્યારે સૌથી પહેલું જન સુવિધા સ્થાન ક્યાં આવશે તેના ચકરાવે મન ચડી ગયું હતું. ધ્યાન તો બરાબર લાગી ગયું હતું તેની ના નહીં!

કાલ્પનિક બાગબગીચા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ તો ઑટૉ-સજેશન છે કે હું બહુ સુખી છું. એમાં તો આપણે આપણી જાતને જ છેતરીએ છીએ! વળી જેને આપણે જાણતા ન હોઈએ, સમજતા ન હોઈએ, માત્ર બીજાએ કહ્યું તે માટે માનતા હોઈએ તેના પર પણ ધ્યાન કેમ કેન્દ્રિત થાય? બાળકો ઘર ઘર રમતાં હોય છે ત્યારે બધી કલ્પના જ હોય છે ને? એમનો આનંદ બાગની કલ્પનાથી મળતા આનંદ કરતાં કઈ રીતે ઊતરતો ગણાય?

એના કરતાં માતા-લાઇનવાળા ભાઈએ સુચવેલો તલ્લીન યોગ સારો કે આપણે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ વસ્તુ કે જીવ જેવા બની જઈએ. ગલૂડિયાં રમતાં હોય તેમને જોઈએ તો એમનો આનંદ આપણામાં પ્રવેશી જતો હોય છે. મને થયું કે આપણે કોઈ ગરીબ માણસના ચહેરાને ધ્યાનમાં લઈ આવીએ તો એની અનુભૂતિઓ આપણા સુધી ન પહોંચે?

તલ્લીન યોગ…કરવા જેવો તો છે.

%d bloggers like this: