Why science declined in India? – Jayant Narlikar

જયંત વિષ્ણુ નારલીકર :: અનુવાદ-  દીપક ધોળકિયા

clip_image001

ભારતમાં વિજ્ઞાનના ઇતિહાસ પર નજર નાખતાં સમજાય છે કે લગભગ એક હજાર વર્ષ પહેલાંના સમય સુધી વિજ્ઞાનનો સારોએવો વિકાસ થયો. એ સમયે યુરોપ પર અજ્ઞાનનો અંધારપટ છવાયેલો હતો. પરંતુ તે પછી સ્થિતિ બદલી અને ભારતમાં વિજ્ઞાનની આગેકૂચ ધીમી પડી ગઈ અને યુરોપમાં એની ગતિ સતેજ બની. આવું કેમ બન્યું? આનાં ઘણાં કારણો છે અને વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનના સમાજશાસ્ત્રીઓએ બહુ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે; ઘણા વાદવિવાદ થયા છે. કારણો તો ઘણાં આપવામાં આવે છે પણ આપણે એમાંથી એક જ કારણની સમીક્ષા કરશું, જેમાંથી કદાચ આપણા આજના પ્રશ્નનો પણ જવાબ મળી શકે કે આજે આપણા દેશમાં વિજ્ઞાન બાળકોનો પ્રિય વિષય શા માટે નથી. વિજ્ઞાનના વિકાસને અવરોધનારું કારણ એ છે કે આપણે ત્યાં વિજ્ઞાન શીખવામાં પ્ર્રયોગ કે અજમાયશનું મહત્ત્વ નથી રહ્યું. વિજ્ઞાનની સમજનો આધાર પ્રાયોગિક કામ પર છે, એ એવું સત્ય છે કે કહેવાની પણ જરૂર ન પડે.

કુદરત કોયડો બનીને આવે ત્યારે એનો ઉકેલ શોધવામાં વૈજ્ઞાનિકને રસ પડે. અમુક ઘટનાઓ જોઈને વૈજ્ઞાનિકને એ જાણવાનું મન થાય કે એ અમુક રીતે જ શા માટે બને છે. એને નિયંત્રિત કરતાં પરિબળો કયાં છે? આવા કોઈ એક પરિબળમાં ફેરફાર કરીએ તો શું થાય? પ્રયોગો દ્વારા એને આ સવાલોની ચાવી મળી શકે અને એ આખી સ્થૂળ ઘટનાને બરાબર સમજી શકે. આવા અભ્યાસ વિના વૈજ્ઞાનિકને જોઈતો જવાબ નહીં મળે. કહેવાય છે કે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એમના પર સફરજન પડતાં એમને ગુરુત્વાકર્ષણનો વિચાર ઉદ્‍ભવ્યો, પરંતુ ખરેખર તો એમણે સૂર્યની ફરતે પરિક્રમા કરતા ગ્રહોનું નિરીક્ષણ કર્યું તેમાંથી એમને આ જ્ઞાન લાધ્યું. એમણે ચંદ્ર પૃથ્વીની આસપાસ કેમ ફરે છે, ધૂમકેતુઓ કેમ ઘૂમે છે વગેરેનું નિરીક્ષણ કર્યું. વીજળી અને ચુંબકશક્તિને લગતા અસંખ્ય પ્રયોગોના પરિણામે જ વૈજ્ઞાનિકો આ વિષયોમાં જે કંઈ નિરીક્ષણો થયાં તેનું બયાન કરતાં સમીકરણોનો સમુચ્ચય બનાવી શક્યા.

ઇતિહાસમાં નજર નાખશું તો જોવા મળશે કે ભારતમાં વિજ્ઞાનની સફરમાં આ પ્રયોગલક્ષી ભાગ તો હતો જ નહીં. ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચના પ્રોફેસર ડી. પી. રોય ‘ઇંડિયન જર્નલ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ’માં લખતાં આ બાબત પર આપણું ધ્યાન દોરે છે. ભારતીય વિજ્ઞાન જગતના મહારથીઓ, આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર સેન અને મેઘનાદ શહાએ પણ પ્રયોગોના અભાવ વિશે ચિંતા દર્શાવી હતી. દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનનો વિકાસ કીમિયાગરીમાંથી થયો. ચીની મુસાફર હ્યુએન ત્સાંગે લખ્યું છે કે ભારતમાં નાગર્જુન નામે એક પ્રખ્યાત બૌદ્ધ કીમિયાગર હતા અને એમનો પ્રભાવ એટલો બધો હતો કે સદીઓ સુધી નાલંદા અને વિક્રમશિલા યુનિવર્સિટીઓમાં કીમિયાગરીનો વિષય શીખવાતો રહ્યો. બખ્ત્યાર ખિલજીએ આ જ્ઞાનપીઠોનો ધ્વંસ કર્યો તે પછી બધા કીમિયાગર તિબેટ અને દક્ષિણ ભારત તરફ ભાગી ગયા. ભારતમાં રસાયણવિજ્ઞાનનો વિકાસ એમાંથી જ થયો. પરંતુ બૌદ્ધિક વર્ગ આ વિષયને માન્યતા આપતો નહોતો એટલું જ નહીં, એના વિશે વાત કરવા પણ તૈયાર નહોતો.

ઈસવી સન ૫૦૦-૧૦૦૦ના ગાળામાં ધાતુ વિજ્ઞાઅનઓ પણ બહુ વિકાસ થયો. કુતુબ મીનાર પાસે પ્રખ્યાત લોહસ્તંભ છે તે ઈ.સ. ૪૦૦માં બન્યો છે. એમં મોટા ભાગે લોઢું જ વપરાયું છે પણ એને કાટ નથી લાગતો. ૯૮ ટકા લોઢું હોય તેવી, અને તેમ છતાં કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કેમ બનાવી શકાઈ? આની ટેકનિકલ જાણકારી કેમ બચી ન શકી? આપણા પ્રાચીન વારસાનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે ગ઼ઝનવી અને ગ઼ોરી જેવા હુમલાખોરોના હુમલાઓને કારણે આપણો લોખંડ ઉદ્યોગ સદંતર પડી ભાંગ્યો. મુગલ પીરિયડમાં જો કે, એનું પુનરુત્થાન થયું પણ બહુ નાના પાયે. તે પછી અંગ્રેજો આવ્યા; એમણે કાચા લોખંડમાંથી ભારતમાં જ માલ બનાવવાને બદલે બ્રિટનનાં કારખાનાઓ માટે નિકાસ શરૂ કરી. આમ ભારતના ભોગે બ્રિટનનો લોખંડ ઉદ્યોગ વિકસ્યો.

આધુનિક ઔષધ વિજ્ઞાનના નિષ્ણાતો આયુર્વેદનો રસપ્રદ ઇતિહાસ ખૂંદી વળ્યા છે. આયુર્વિજ્ઞાનના વિકાસમાં બે પ્રાચીન ગ્રંથો – ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા – નું બહુ મહત્ત્વ છે. ચરકસંહિતા ઔષધિઓનો જ્ઞાન કોશ છે અને એની રચના ઈસુની પહેલીએ સદીમાં થઈ હોવાનું મનાય છે. એનો પ્રભાવ ભારતીય ઉપખંડની બહાર પણ પ્રસર્યો હતો અને ઈસુની બીજી-ત્રીજી સદીમાં એના ફારસી, અરબી અને તિબેટી અનુવાદો પણ થયા. બીજી બાજુ, સુશ્રુતસંહિતામાં જુદી જુદી જાતની શલ્યચિકિત્સા, એટલે કે સર્જરીનું નિરૂપણ છે. એમાં માત્ર શલ્યચિકિત્સાની રીતો જ નહીં, એના માટે વપરાતાં ઓજારોનું પણ વર્ણન છે. આ વિગતોનું સંકલન કોઈ સિદ્ધાંતકાર વિદ્વાને નહીં પણ વ્યવહારમાં કામ કરનાર કોઈ બૌદ્ધ પ્રયોગકારે કર્યું હોય એમ લાગે છે. આનું ભાષાંતર પણ અરબીમાં થયું અને ભારતીય ઉપખંડની બહાર પણ એનો પ્રભાવ ફેલાયો.

સુશ્રુત સંહિતા લોકપ્રિય તો બહુ થઈ પણ લોહી, લાશની ચીરફાડ વગેરે પ્રત્યે સામાજિક સૂગ હોવાને કારણે ઊંચી જાતના લોકો સર્જરી નહોતા કરતા. એટલે સુશ્રુતે દેખાડેલી રીતોનો અમલ જે લોકો કરતા તેમને ઉચ્ચ શિક્ષણની મનાઈ હતી. પરિણામે, સર્જરી વિજ્ઞાનમાં બૌદ્ધિક પ્રગતિ અટકી ગઈ. આથી, થયું એવું કે સર્જરીની રીતો સુશ્રુતે વર્ણવી તે જ સ્તરે ખોટકાઈ ગઈ. આજની પ્લાસ્ટિક સર્જરી, એટલે કે અંગ રિપેર કરવાનું વિજ્ઞાન આ વાત સારી રીતે દેખાડે છે. એ જમાનામાં નાક કાપી નાખવાની સજા સામાન્ય હતી એટલે કપાળમાંથી ચામડી લઈને નવું નાક બેસાડવાનાં ઘણાં ઉદાહરણો મળે છે. આ કામ બ્રાહ્મણ ડૉક્ટરો નહીં, પણ કૂમર જાતના લોકો કરતા. એ લોકો સુશ્રુતે દેખાડેલી રીતો પ્રમાણે કામ તો કરતા પણ એમ કરવા પાછળનું કારણ શું તે સમજાવી નહોતા શકતા. ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓને આ વિદ્યાની ખબર પડી તો એમણે એનો અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. એમને ખ્યાલ આવ્યો કે આ રીત તો બરાબર કામ આપતી હતી પણ યુરોપમાં કોઈને એની જાણ જ નહોતી. જે રીતો પાછળથી પ્લાસ્ટિક સર્જરી તરીકે જાણીતી થઈ, તેમનું આ ઉદાહરણ છે.

પરંતુ આમાં ચિંતાજનક મુદ્દો એ છે કે વિજ્ઞાનના વિકાસમાં બહુ જ જરૂરી એવા પ્રયોગલક્ષી પાસા પ્રત્યે ભારતીય સમાજના બૌદ્ધિકોને સૂગ હતી. ભારતમાં વિજ્ઞાનની પડતી શા માટે થઈ અને વસાહતવાદના દિવસોમાં એને ફરી સજીવન કરવાની કેમ જરૂર પડી તેનું આ એક કારણ હોઈ શકે. આજની વાત કરીએ તો આજે પણ આપણી શાળાઓમાં વિજ્ઞાનનો વિષય શીખવવામાં પ્રયોગો પર બહુ ઓછું ધ્યાન અપાય છે અથવા સદંતર નથી અપાતું. બાળકો જાતે અખતરા કરીને શીખે તે બહુ સારું કહેવાય, પણ એવું ભાગ્યે જ બને છે. ક્યાંક શિક્ષક પ્રયોગ કરે અને બાળકો એ જૂએ એવું બને છે. પરંતુ મોટા ભાગે તો એવું બને છે કે શિક્ષક વર્ણન કરે તે બાળકો ગોખી લે; ખરેખર શું થાય છે તે એમણે જોયું પણ ન હોય. આથી પ્રયોગ કરીને શીખવાનો જે રોમાંચ છે તેનાથી બાળકો વંચિત રહી જાય છે. વિજ્ઞાનમાં ગોખણપટી જ કરવી પડે એવી છાપ છે તેને કારણે બાળકો સ્વાભાવિક રીતે જ વિજ્ઞાનથી દૂર ભાગે તો તે નવાઈની વાત નથી.

(લેખક ભારતના જાણીતા ખગોળભૌતિકશાસ્ત્રી છે. એમનો મૂળ લેખ અંગ્રેજીમાં ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત થયો છે તેનો આ અનુવાદ છે. મૂળ લેખ અહીં).

૦-૦-૦

%d bloggers like this: