Science Samachar : Episode 4

science-samachar-ank-4(૧) રુમેટોઈડ આર્થરાઇટિસનું કારણ?

રુમેટોઈડ આર્થરાઇટિસ રુમેટોઈડ આર્થરાઇટિસ એટલે ફરતો વા. આજે એક જગ્યાએ દુખતું હોય, તો કાલે બીજી જગ્યાએ. ખાસ કરીને નાના સાંધાઓને એ પકડે છે. આંગળીઓ ઝલાઈ જાય અને બહુ વકરે તો હાથ પગનાં હાડકાં પણ વળી જાય. આ રોગ ‘ઑટોઇમ્યૂન’ રોગ છે. એટલે કે આપણા શરીરનું રોગપ્રતિકાર તંત્ર (ઇમ્યૂન સિસ્ટમ) એને અલગ રોગ તરીકે ઓળખી શકતું નથી. આ કારણે એનો કોઈ ઇલાજ નથી હોતો, માત્ર ડૉક્ટરો તકલીફમાં રાહત આપી શકે અથવા એની ખરાબ અસરોને ટાળી શકે. એનું કારણ એ કે આ રોગ શા માટે થાય છે તે જાણી શકાયું નથી.

પરંતુ ૧૪મી ડિસેમ્બરનાScience Translational Medicine  સામયિકમાં એક સ્ટડીનાં તારણો પ્રસિદ્ધ થયાં છે. કદાચ ડૉક્ટર હવે એ રોગ લાગુ ન પડે એવા ઉપાયો કરી શકશે. જ્‍હૉન હૉપકિન્સ ઇન્સ્ટીટ્યૂટના સંશોધકો જણાવે છે કે પેઢાંની કોઈ બીમારી હોય તેના માટે એક બૅક્ટેરિયા જવાબદાર હોય છે.

 આ બૅક્ટેરિયા ‘સાઇટ્રૂલિનેટેડ’(Citrullinated) પ્રોટીન બનાવે છે. આ પ્રોટીન ઇમ્યૂન સિસ્ટમને સક્રિય બનાવી દે છે. આમ તો છેક વીસમી સદીની શરૂઆતથી જ પેઢાની બીમારી અને રુમેટોઇડ આર્થરાઇટિસ વચ્ચે સંબંધ હોવાની શંકાઓ હતી જ પરંતુ સંબંધ સ્થાપિત થઈ શકતો નહોતો. હવે જોવા મળ્યું છે કે જે પ્રક્રિયા રુમેટોઇડ આર્થરાઇટિસમાં સપડાયેલા સાંધામાં થાય છે તે જ પ્રક્રિયા પેઢાંમાં પણ જોવા મળે છે. આ પદાર્થ કુદરતી રીતે જ બને છે અને એ પ્રોટીનના કાર્યનું નિયંત્રણ કરે છે. પણ એ જ્યારે વધુ પડતો સક્રિય બની જાય ત્યારે પ્રોટીનનું કામકાજ ખોરવાઈ જાય છે. આને હાઇપર સાઇટ્રુલિનેશન’ કહે છે.

સંશોધકો કહે છે કે રુમેટોઈડ આર્થરાઇટિસના નિદાનમાં આપણે સૌથી નજીકના બિંદુ પર પહોંચ્યા છીએ. હજી સંશોધનો ચાલે છે. આશા રાખીએ કે વૈજ્ઞાનિકોને સફળતા મળે.

સંદર્ભઃ Science Translational Magazine

()()()()()

(૨) રસ્તો પોતે જ પોતાને રિપેર કરે છે!

કૅનેડાના ભારતીય એન્જીનિયર નેમકુમાર બાંઠિયાએ એવી સામગ્રી વિકસાવી છે કે જે રસ્તા બનાવવામાં વપરાશે અને રસ્તો તૂટે, ખાડા પડી જાય તો રસ્તો જાતે જ પોતાને રિપેર કરી લેશે! એમણે પોતાની આ શોધનો પ્રયોગ કર્ણાટકના તોંડેબાવી ગામમાં ૯૦ કિલોમીટરના રસ્તા પર કર્યો છે. બાંઠિયા પોતાની રીત સમજાવે છેઃ “ આ સામગ્રી એટલે રેસા. એમના પર હાઇડ્રોફિલિક નૅનો-કોટિંગ કરેલુ છે. હાઇડ્રોફિલિયા એટલે કે પાણીને આકર્ષવાનો ગુણ. રસ્તામાં જ્યારે તિરાડ પડી જાય ત્યારે આ પાણી કામ આવે છે. ફાટ સાંધવા માટે સૂકો સિમેન્ટ વપરાય છે પણ હવે આ ફાઇબર એને પાણી પૂરું પાડશે, જેથી વધારે સિલિકેટ બનશે અને ફાટ આપોઆપ સંધાઈ જશે.”

આવા રસ્તા સસ્તા પણ પડશે. એની જાડાઈ માત્ર ૧૦૦ મિલીમીટર છે, એટલે કે સામાન્ય રસ્તા કરતાં ૬૦ ટકા ઓછી. વળી ૬૦ ટકા સિમેન્ટને બદલે ફ્લાયઍશ વપરાય છે. એટલે સિમેન્ટનો ખર્ચ પણ બચે છે અને કાર્બન નીકળવાનું પણ ઘટે છે. સામાન્ય રસ્તાની આવરદા બે વર્ષ મનાય. તે પછી તૂટફૂટ થતી હોય છે અને રિપેરિંગ જરૂરી બની જાય છે. પણ બાંઠિયા કહે છે કે એમણે બનાવેલા રસ્તાની આવરદા પંદર વર્ષ હશે. આપણા દેશમાં ૨૪ લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તા છે એટલે બચત તો ગજબની થાય!

નેમકુમાર બાંઠિયા મૂળ નાગપુરના છે અને દિલ્હી આઈ. આઈ. ટી.માંથી ગ્રેજ્યુએટ થયા પછી ૩૪ વર્ષથી કૅનેડામાં એન્જીનિયરિંગના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

આ ટૂંકી ફિલ્મ જોવા જેવી છેઃ

સંદર્ભઃ Indian-origin Canadian professor tests road that self-repairs in Karnataka

()()()()()

(૩)શિશુની સંભાળ માટે માના મગજમાં સાફસૂફી!

%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b6%e0%ab%81%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ad%e0%aa%be%e0%aa%b3સગર્ભા માતાના મગજમાં કંઈક એવા ફેરફાર થાય છે કે એ આવનારા શિશુની જરૂરિયાતો સમજી શકે. આવા ફેરફારો લગભગ બે વર્ષ સુધી ટકી રહે છે. સંશોધકોએ ૨૫ સ્ત્રીઓના મગજનો ગર્ભાવસ્થા પહેલાં અને તે પછી અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે મગજના અમુક ભાગમાં ‘ગ્રે મૅટર’ (Grey matter) ઘટી જાય છે. સંશોધકો કહે છે કે ગ્રે મૅટર ઓછું થાય એ બીક લાગે એવી વાત જણાય છે, પણ ઉદ્વિકાસમાં એ જરૂરી હોય એમ લાગે છે અને કદાચ શિશુની માગણીઓ સમજવામાં એની ભૂમિકા ઉપયોગી હશે.

સામયિક Nature Neuroscienceમાં પ્રસિદ્ધ થયેલા સંશોધકોના લેખ પ્રમાણે એમણે આ સ્ત્રીઓના મગજની સરખામણી બીજી સગર્ભા ન હોય તેવી ૨૦ સ્ત્રીઓના મગજ સાથે કરી તો જણાયું કે મગજનો જે ભાગ સામાજિક સંપર્કમાં વપરાય છે તેમાં આ ફેરફારો થાય છે અને આથી સ્ત્રીની બીજાને સમજવાની શક્તિ વધુ સતેજ બને છે.પરંતુ ગ્રે મૅટર ઘટવાથી સ્ત્રીની સ્મરણ શક્તિ પર કે બીજાં કાર્યો પર ખરાબ અસર નથી થતી. પરંતુ બીજા કોશો માતાની મદદે આવે છે, પરિણામે એ વધારે સારી રીતે શિશુની જરૂરિયાતો સમજી શકે છે. સંશોધકે નવજાત શિશુઓના ફોટા માતાઓને દેખાડ્યા ત્યારે પણ જોવા મળ્યું કે મગજના સંબંધિત ભાગો વધારે સક્રિય થઈ ગયા હતા.

સંદર્ભઃ Pregnancy causes long-term changes to brain structure, says study

()()()()()

(૪) ઘડપણ કેણે મોકલ્યું રે….!

ઘડપણ ભલે ને ભગવાને મોકલ્યું હોય, પણ સૉક ઇંસ્ટીટ્યૂટ (Salk Institute of Biological Studies)ના વૈજ્ઞાનિકો ઘડિયાળના કાંટા પાછળ ફેરવવાના એટલે કે આપણો બાયોલૉજિકલ ટાઇમ પાછળ લઈ જવાના પ્રયાસ કરે છે. આ માટે એમણે ઉંદરના જિનૉમના પ્રોગ્રામિંગમાં ફેરફાર કર્યો અને એના સ્નાયુઓને યુવાની આપી. આ રીતે એમણે એમની આવરદામાં ૩૦ ટકા જેટલો વધારો કર્યો. જો કે, આઅનો સીધો ઉપયોગ માણસ પર કરી ન શકાય. પરંતુ હવે વૈજ્ઞાનિકોને સમજાયું છે કે વૃદ્ધાવસ્થા પણ સમયની જેમ આગળ વધતી જીવન પ્રક્ર્રિયાનું પરિણામ છે અને એમાં વૃદ્ધાવસ્થાનો પડાવ આવે જ. જીવનના ઘડિયાળાના કાંટા દરેક નવા ફલિત અંડ માટે શૂન્યથી શરૂ થાય છે અને એમાં જન્મદાતા માતાપિતાની ઉંમરની કોઈ અસર નથી થતી.

વૃદ્ધ ઉંદરના વેરવીખેર થઈને ઢીલા પડી ગયેલા સ્નાયુ અહીં સૉક ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં એક વૃદ્ધ ઉંદરના વેરવીખેર થઈને ઢીલા પડી ગયેલા સ્નાયુ પહેલી તસવીરમાં દેખાય છે. બીજી તસવીર રિપેર કર્યા પછીના સ્નાયુની છે.

હાલમાં જ નોબેલ પારિતોષિકથી સન્માનિત જાપાની જીવવૈજ્ઞાનિક શિન્યા યામાનાકાએ ચાર જીન નોખા તારવી દેખાડ્યા હતા. આ જીન એવા છે કે જે ફલિત અંડના જીવનકાળના ઘડિયાળના કાંટા પાછળ ફેરવી શકે છે. એ બહુ શક્તિશાળી જીન છે અને ચામડીના કોશો અને આંતરડાના કોશોને પણ ફરી યુવાની આપે છે.

માણસમાં આ પ્રયોગ થાય તો આપણી આવરદા તો લંબાશે જ, પણ ખરેખર ત્વચા પાછી કરચલી વિનાની થઈ જશે, આંતરડાં મજબૂત બનતાં, “પચતું નથી” એવી ફરિયાદ પણ નહીં રહે!

માત્ર હમણાં ૬૦ વર્ષની ઉંમરે ‘સીનિયર સિટીઝન’ના લાભ મળે છે તે બંધ થઈ જવાનું જોખમ પણ ખરું જ!

સંદર્ભઃ Scientists Say the Clock of Aging May Be Reversible

()()()()()

%d bloggers like this: