Science Samachar : Episode 3

science-samachar-ank-3ફેફસાંના કૅન્સરની ‘પોસ્ટ ઑફિસ’ બંધ થશે?

ફેફસામાં કૅન્સર થયું હોય તે શરીરના બીજા ભાગમાં ફેલાય છે. આ પ્રકારનું કૅન્સર ‘મેટાસ્ટેસિસ’ (સ્થાન બદલાવતું) કૅન્સર કહેવાય છે.

નિરોગી ફેફસાં
નિરોગી ફેફસાં
કૅન્સરવાળાં ફેફસાં
કૅન્સરવાળાં ફેફસાં

આને રોકવું કેમ? યૉર્ક અને ટેક્સસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ફેફસાના કૅન્સરની ગાંઠમાં જ એક ભાગ એવો છે જે પોસ્ટ ઑફિસ જેમ કામ કરે છે.  આ પોસ્ટ ઑફિસમાં PAQR11 નામનો એક પ્રોટિન હોય છે. એને આપણે પોસ્ટ ઑફિસનો ક્લાર્ક માની લઈએ. એને બીજા Zeb1 નામના પ્રોટીન તરફથી સંદેશો મળે એટલે એ પોસ્ટ ઑફિસમાં ટપાલના કોથળા -કોશની પાતળી ત્વચાના પડો – પડ્યા હોય છે તેની હેરફેર શરૂ કરી દે છે. એમના ડિલિવરીના રૂટ બદલાઈ જાય છે અને કૅન્સરના વિસ્તારની સીમામાં ફેરફાર થાય છે. કોશ એની ફિક્સ થયેલી જગ્યાએ ઢીલો પડીને છૂટો થઈ જાય છે, અને શરીરના બીજા ભાગો સુધી કૅન્સરની ડિલિવરી કરવા નીકળી પડે છે.

યૉર્ક યુનિવર્સિટીના બાયોલૉજીના પ્રોફેસર ડૉ. ડેનિયલ અંગર કહે છે કે આપણે એક જગ્યાએ તંબુ ખોડ્યો હોય તો એને ચારે બાજુથી બરાબર ખીલે મુશ્કેટાટ ખોડી દઈએ છીએ કે જેથી એનો આકાર  બગડે નહીં. આ જ તંબુને ત્યાંથી ખસેડીને બીજે લઈ જવો હોય તો પહેલાં એને ખીલેથી ખોલવો પડે. ફેફસાના કોશમાં પણ એમને જોવા મળ્યું કે કૅન્સરની ધાર પરથી કોશ છૂટો પડે છે.

કૅન્સરના કોશને છૂટો પાડવાનો સંદેશ પહોંચાડતી આ પોસ્ટ ઑફિસ (જેનું નામ ‘ગોલ્ગી ઍપરેટસ’ છે) બંધ થાય તો કૅન્સરને ફેલાતું રોકી શકાય એટલું તો વૈજ્ઞાનિકોને હવે સમજાઈ ગયું છે, એટલે હવે PAQR11 અને Zeb1 વચ્ચે સંપર્ક કાપવામાં સફળતા મળે તેની રાહ જોઈએ.

(વધારે જાણવા માગતા હો તો અહીં ક્લિક કરો).

(૨) બાંધકામ સામગ્રી પોતાની ઈજા દેખાડી શકશે?

મોટી ઇમારતો, પુલો વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, અથવા તો વિમાનમાં ઘણી જાતના પદાર્થો વપરાય છેઃ સ્ટીલ, ઍલ્યૂમિનિયમ, ફાઇબર ગ્લાસ વગેરે. ઓચિંતું કંઈક બને અમે ઇમારત ધસી પડે, પુલ તૂટી પડે અને અનેક લોકોના જાન જાય. પરંતુ કંઈ ઓચિંતું બનતું નથી. નાની તિરાડ પડી ગઈ હોય, કોઈનું ધ્યાન ન જાય. તિરાડ મોટી થતી જાય અને એક દિવસ બધું કડડભૂસ થઈ જાય.  આપણા પગે કે હાથે ઊઝરડો પડ્યો હોય તો જાતે જ જોઈ શકીએ. પીઠ પર કંઈ વાગ્યું હોય તો ત્યાં પીડા થાય. પણ પદાર્થને આંખ હોય તો એ પણ જાતે જ જોઈ લે કે એને ક્યાં છોલાયું છે, અને આપણને દેખાડે પણ! પછી આપણે એનો ઉપાય કરીએ તો કરોડો રૂપિયાનું નુકસાન ટાળી શકીએ, અનેક લોકોના જીવ બચાવી શકીએ.

કોલકાતામાં આ વર્ષની ૩૧મી માર્ચે એક નિર્માણ હેઠળનો પુલ ધસી પડ્યો હતો
કોલકાતામાં આ વર્ષની ૩૧મી માર્ચે એક નિર્માણ હેઠળનો પુલ ધસી પડ્યો હતો

સિવિલ, મૅકેનિકલ અને એરોસ્પેસ એન્જીનિયરિંગમાં આજે ‘સ્માર્ટ સેંસિંગ ટેકનૉલૉજી’નું મન વધવા લાગ્યું છે. વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીની સંશોધક ટીમના સભ્ય કોલ બ્રુબેકર કહે છે કે પોલીમર રેઝિન (કૃત્રિમ ગુંદર – ઘણી વસ્તુઓ ચોંટાડવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ)માં નૅનોપાર્ટિકલ્સની રજકણ ભેળવી દો. નિર્માણ માટેની સામગ્રીને કંઈ નુકસાન થશે, તિરાડ પડે, ગોબો પડી ગયો હોય ત્યારે આ નૅનોપાર્ટિકલ્સ એ જગ્યાએ ચળકવા લાગશે!  બ્રુબેકર એને ‘મૂડ રિંગ મટીરિયલ’ કહે છે. કારણ કે એ પોતાનો સુખી કે દુખી મૂડ દેખાડે છે. આમ ધાતુ પોતે જ પોતાનો ઘા આપણને દેખાડી દેશે. આજે તો કોઈ પુલમાં કંઈ નુકસાન થયું છે કે નહીં તે જોવા માટે ફ્લડલાઇટો સાથે મોટી ટીમ મોકલવી પડે, અને તેમ છતાં કદાચ કોઈ તિરાડ ધ્યાન બહાર રહી જાય!

જો કે, હજી આના અખતરા ચાલે છે કારણ કે બધી જાતના પદાર્થોમાં એકસરખું પરિણામ મળવું જોઈએ. હમણાં સુધી કરાયેલા પ્રયોગોમાં ઍલ્યૂમિનિયમ અને ફાઇબર ગ્લાસમાં  મળેલાં પરિણામોમાં અંતર જોવા મળ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકો સાચા રસ્તે છે એમાં શંકા નથી.

(વધારે જાણવા માગતા હો તો અહીં ક્લિક કરો).

(૩) સાદા નાયલોનમાંથી સ્નાયુ

આપણા સ્નાયુની જેમ સંકોચાય અને વિસ્તરે એવા કૃત્રિમ સ્નાયુ, એ કોઈ નવી વાત નથી. એનો ઉપયોગ રોબોટિક્સથી માંડીને ઑટોમોબાઇલ અને વિમાની ઉદ્યોગમાં થાય જ છે, પરંતુ એમાં બહુ ખર્ચાળ પદાર્થ વાપરવો પડે છે. હવે MITના સંશોધકોએ સાદા નાયલોનમાંથી આવા સ્નાયુ બનાવવાની રીત વિકસાવી છે, પરિણામે કૃત્રિમ સ્નાયુ બનાવવાનું બહુ સહેલું અને સસ્તું બની જશે.

નાયલોનના તારને એમણે એક ખાસ રીતે ગરમ કરીને ધાર્યા પ્રમાણે ઘાટ આપ્યો. પહેલાં સંશોધકોએ સાબીત કર્યું હતું કે અમુક નિશ્ચિત આકાર અને વજનની નાયલોનની કૉઇલનો ફેલાઈ અને સંકોચાઈ શકે છે, એટલું જ નહીં પણ, એમાં આપણા કુદરતી સ્નાયુ કરતાં પણ વધારે શક્તિનો સંચય કરવાની ક્ષમતા હોય છે. પરંતુ, આપણી આંગળીઓના હલનચલન જેવી નાની ક્રિયાઓ કરવાનું શક્ય નહોતું. હવે એ પણ શક્ય બનશે.

‘ઍડવાન્સ્ડ મટીરિયલ્સ’ સામયિકમાં આ નવી શોધ વિશે માહિતી આપતાં સંશોધક સૈયદ મીરવકીલ લખે છે કે નાયલોન અને બીજા પોલીમર ફાઇબરમાં એક ખાસ ગુણ છે. એને ગરમ કરો તો એની લંબાઈ ઓછી થાય છે પણ તે સાથે જ એનો વ્યાસ (ડાયામીટર) વધે છે, પરંતુ સીધી રેખામાં આવો ઘટાડો કરવા માટે ગરગડી જેવં સાધનોની જરૂર પડે છે. MITની આ ટીમે આવાં કોઈ સાધન વિના એ કરી બતાવ્યું.

વળી, નાયલોનને એક વાર ગરમ કર્યા પછી એને ઠંડું કરવામાં સમય લાગે છે.  આ મુશ્કેલી હતી. એની સામે મીરવકીલે ઉપાય એ કર્યો કે એક બાજુથી નાયલોનને ગરમ કર્યું અને એની ગરમી બીજી બાજુ પહોંચે તે પહેલાં ગરમી આપવાનું બંધ કર્યું. આમ એની સંકોચાવાની ક્ષમતાને એમણે મર્યાદિત કરી દીધી. પરિણામે એમને જે કૃત્રિમ સ્નાયુ મળ્યો તે એક સેકંડમાં ૧૭ હલનચલન કરી શકે છે. આની વિગતો એક લેખ બની જાય તેટલી છે એટલે તમે વધારે જાણવા માગતા હો તો અહીં ક્લિક કરો.

આપણા માટે સારા સમાચાર તો મીરવકીલના પ્રોફેસર ઈયાન હંટર આપે છેઃ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ આ સાદા મટીરિયલને ઢાળવાનું શક્ય બનશે. એટલે બૂટ ફિટ ન થતા હોય તો એ તમારા પગનો આકાર લઈ શકશે અને શર્ટ ટૂંકું હશે તો એને લાંબું કરી શકશો, અને કદાચ દરજીઓને બદલે આ નવો ધંધો પણ વિકસે!

આ વીડિયો જોવા જેવો છેઃ

(૪) બચી ગયા…! દોઢેક વર્ષ પહેલાં જ આપણે ભસ્મીભૂત થઈ ગયા હોત!

ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ (TIFR)ના ઊટીમાં આવેલા મ્યૂઓન ટેલીસ્કોપ GRAPES-3એ ૨૦૧૫ની ૨૨મી જૂનની મધરાતના સુમારે પૃથ્વી પર બ્રહ્માંડ કિરણોનો જબ્બરદસ્ત મારો થવાનું નોંધ્યું છે.  બ્રહ્માંડ કિરણોનો ધોધ પૃથ્વી પર બે કલાક સુધી વરસતો રહ્યો અને એનું જોર એટલું હતું કે પૃથ્વીની ફરતે આવેલું ચુંબકીય રક્ષા કવચ ભેદાઈ ગયું આ ચુંબકીય રક્ષા કવચ આપણા ગ્રહની જીવ સૃષ્ટિને પ્રચંડ શક્તિશાળી બ્રહ્માંડીય વિકિરણથી બચાવી લે છે. ચુંબકીય કવચ પૃથ્વીના વ્યાસથી ૧૧ગણું છે તે માત્ર ચારગણું રહી ગયું હતું.

૨૧મી જૂનની વહેલી સવારે સૂર્યના કુંડલાકાર વલયમાંથી અતિ પ્રબળ વીજભાર વાળા કણોનું વિરાટ વાદળ (પ્લાઝ્મા) નીકળ્યું અને ૪૦ કલાક પછી ૨૨મી જૂને પૃથ્વીના વાતાવરણ સુધી આવી ગયું અને ઓછી શક્તિવાળા કણો આપણા વાતાવરણમાં પ્રવેશ્યા. આની અસરથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉચ્ચ પ્રદેશોમાં રેડિયો સિગ્નલો ખોરવાઈ ગયાં.

GRAPES-3એ ગણતરીઓ કરીને દેખાડ્યું છે કે વાદળની ઝડપ કલાકના ૨૫ લાખ કિલોમીટરની હતી. સૂરજમાંથી વરસતાં આવાં તોફાનોથી મોટા વિસ્તારોમાં વીજળી મથકો, GPS સિસ્ટમો વગેરે ખોરવાઈ જાય છે. ગયા વર્ષે આવેલું આ તોફાન પૃથ્વીના ધ્રુવીય ચુંબકો કરતાં વધારે શક્તિશાળી હતું એટલે જ એના નબળા કણો આપણા વાતાવરણમાં પ્રવેશી શક્યા હતા.

બચી ગયા...! ઊટીમાં વર્ષ ૨૦૦૦માં TIFRની બ્રહ્માંડ કિરણોના અવલોકનની પ્રયોગશાળા (Cosmic Ray Laboratory -CRL) બનાવવામાં આવી. એમાં દુનિયામાં કૉસ્મિક કિરણોના અવલોકન માટેનું સૌથી મોટું મ્યૂઓન ટેલીસ્કોપ છે. CRLમાં પ્રોફેસર સુનીલ ગુપ્તાના નેતૃત્વ હેઠળ ભારતની સાત અને જાપાનની પાંચ યુનિવર્સિટીઓના ૩૦ વૈજ્ઞાનિકો કામ કરે છે.

http://www.tifr.res.in/TSN/news_detail.php?id=107

Research paper: P. K. Mohanty et al., Phys. Rev. Lett. 117, 171101 (2016),  

(Dr Pravata K  Mohanty,  Email:  pkm@tifr.res.in)

doi: https://doi.org/10.1103/PhysRevLett.117.171101

 ()()()()___()()()()___()()()()

2 thoughts on “Science Samachar : Episode 3”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: