I will keep revisiting to pay my respects

આજે હું જે વાત કરવા માગું છું તે એક સત્યઘટના છે, માત્ર સંબંધિત વ્યક્તિઓના અંગત જીવન પ્રત્યેના આદરને કારણે નામો બદલી નાખ્યાં છે.

હમણાં કુટુંબમાં લગ્ન પ્રસંગે ભુજ જવાનું થયું ત્યાં રિસેપ્શનમાં ભાઈ મહેન્દ્રને મળવાનું થયું. આમ તો એમને બાળપણથી જ જાણું કારણ કે એમના પિતા બ’ભાઈ મારા મિડલ સ્કૂલના વર્ગશિક્ષક અને મારાં ફઈના ભાડૂત. બન્ને કુટુંબોના સંબંધને ‘ભાડૂત’ શબ્દથી ઓળખાવી ન શકાય. ભાડું માત્ર એક વ્યવસ્થા તરીકે હતું, એક નિયમિત માસિક ઔપચારિકતા. તે સિવાય એમના સંબંધો માત્ર એ બે કુટુંબો પૂરતા જ નહોતા પણ ફઈબાના પિયર, અમારા ઘર સુધી પણ વિસ્તરેલા હતા. આમ, મહેન્દ્રને મળવું એ કોઈ નોંધ લેવા જેવી વાત નથી.

આમ છતાં ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ થયેલા ધરતીકંપે ઘણું બદલી નાખ્યું છે. તમારા પોતાના જ શહેરમાં રસ્તા પૂછવા પડે એ પરિવર્તન આશ્ચર્યજનક હોવા છતાં આઘાત પમાડે તેવું છે. માત્ર શહેર નહીં, માણસ પણ બદલાયો છે. નવા સ્વરૂપે પ્રગટ થતો રહ્યો છે એટલે જ મહેન્દ્રને મળવાનું મહત્ત્વ વધી જાય છે.

ધરતીકંપમાં એમનું ઘર પડી ગયું. બ’ભાઈ અને મહેન્દ્રનાં પત્ની આરતીનો એમાં ભોગ લેવાયો. ધરતીકંપ પછી ૨૯મી જાન્યુઆરીએ ઉજ્જડ, વેરાન, કકળતા ભુજમાં ફરતાં મહેન્દ્ર રસ્તામાં મળ્યા. એમનાં પત્ની પથ્થરોના ભાર નીચે હજી હયાત હતાં! એમને બહાર કાઢી શકાય એમ નહોતું અને એમ જ એમના પ્રાણ ગયા. મહેન્દ્રનાં માતા ચંદાબહેનના પગ મોટા પથ્થરો નીચે દબાયેલા હતા, પણ ઊગાર ટીમના કૅપ્ટનની સાવધાનીથી એમને બહાર લાવી શકાયાં, જો કે પગને ભારે ઈજા થઈ હતી પણ આજે એમના પુત્રની સંભાળમાં રહે છે.

થોડાં વર્ષો એમ જ વીત્યાં. મહેન્દ્રે ધરતીકંપથી પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. શું પ્લાન હશે એમનો, ખબર નહીં. ત્યાં તો ધરતીકંપે એમના જીવનને જ ધણધણાવીને જમીનદોસ્ત કરી દીધું હતું. પિતા ગયા, પત્ની ગઈ, કાળજીની જરૂર પડે એવાં મા. બહાર કામે જાય તો પણ ચિંતા. ન જાય તો પણ ચિંતા. એક વાર મહેન્દ્ર બહાર ગયા. ઘરમાં ચંદાબહેન એકલાં અડધાં અપંગ, અડધાં અશક્ત. ઘરમાં કોઈ ઘૂસી આવ્યા. એમણે જોયું પણ ગઠિયાઓએ એમની આંખમાં મરચાંની ભૂકી છાંટી અને થોડોઘણો સામાન ઉપાડી ગયા. મહેન્દ્ર પાછા આવ્યા ત્યારે એમણે વીતક કથા સાંભળી. ચિંતામાં પડી ગયા. એમની ગેરહાજરીમાં માની કેમ સંભાળ લેવી?

એક મિત્રે આખરે હિંમત કરી અને સલાહ આપી કે પરણી જાઓ; ઘર સાચવનારું પણ કોઈ જોઈએ. પચાસ પાર કરી ચૂકેલા મહેન્દ્ર્નું મન માનવા તૈયાર નહોતું. પરંતુ, મિત્રોના આગ્રહ અને દબાણ સામે એમણે નમતું મૂક્યું.

હવે? એમને પરણવા તૈયાર થાય એવી સ્ત્રી પણ મળવી જોઈએ. એમના મિત્રો શોધતા રહ્યા. અંતે ખબર પડી કે એક વિધવા બહેન હતાં. મનોરમાના પતિ કોઈ આરબ દેશમાં કામ કરતા હતા અને ખાવામાં ઝેરી પદાર્થ આવી જતાં એમનું અવસાન થયું હતું. બે વર્ષની નાની બાળકીની આ માતા મહેન્દ્રને પરણવા તૈયાર થયાં. બાળકીને કહી રાખ્યું હતું કે એના પપ્પા પરદેશમાં છે. મહેન્દ્ર સાથે લગ્ન થયાં ત્યારે માએ દીકરીને કહ્યું, “જો, તારા પપ્પા આવી ગયા”. બાળકીએ મહેન્દ્રને જ પિતા તરીકે જોયા.

આ તો થઈ સામાન્ય ઘટના. પરંતુ હવે એક નવો વળાંક આવે છે. મહેન્દ્રની મૃત પત્ની આરતીનાં મા એકલાં જ છે. એમને ફ્રૅક્ચર થયું છે. એમની સેવાચાકરી કરનાર એક બહેન દિવસરાત ખડેપગે છે. પણ સંજોગો વિફર્યા છે. વિફર્યા છે કે માણસની અંદરના પ્રકાશને બહાર લાવવાની ચાલ ચાલે છે? સેવા કરનાર બહેનને પણ અકસ્માત નડ્યો. એમને પણ ફ્રૅક્ચર થયું અને એમની અવસ્થા કથળતી ગઈ. કમનસીબે એમનું અવસાન થયું. હવે આરતીનાં માતાની પૂછપરછ કરનાર પણ કોઈ ન રહ્યું.

કોઈકે મહેન્દ્રને વિનંતિ કરી કે આરતીનાં માને માટે કંઈક વ્યવસ્થા કરે. મહેન્દ્રે પત્ની મનોરમા સાથે વાત કરી. મનોરમા સંમત થયાં. મહેન્દ્ર પોતાની મૃત પત્નીની માતાને પોતાને ઘરે લઈ આવ્યા! અને મનોરમા એમની સેવામાં લાગ્યાં. મનોરમા જેની સેવા કરતાં હતાં એ વૃદ્ધા એમની મા નહોતી; સાસુ નહોતી. પરંતુ મનોરમાને મન તો એ જ સર્વસ્વ. એમણે ચાર વર્ષ સેવા કરી, પછી આરતીનાં માતા મનોરમાને અંતરથી આશીષ આપીને આ દુનિયા છોડી ગયાં.

હું ચંદાબહેનને મળવા એમના ઘરે ગયો ત્યારે મહેન્દ્રે આ વાત કરી. એમની આંખમાંથી એમની બીજી પત્ની પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ આંસુ બનીને વહેતો રહ્યો અને મને પણ ભીંજવી ગયો. મનોરમા રસોડામાં કામ કરતાં હતાં એમની પીઠ અમારા તરફ હતી. મારા હાથ જોડાઈ ગયા અને અનાયાસે મેં એમના તરફ વળીને એમને પ્રણામ કર્યાં.

ચંદાબહેન પથારીવશ છે. બેઠાં થઈ શકતાં નથી. ઉંમર નેવુંની આસપાસ પહોંચવા આવી છે. એમના ચરણ સ્પર્શ કરીને હું ઊઠ્યો. મનોરમાને કહ્યું, “બહેન આવજો…” એ મારા તરફ ફર્યાં, હસતે ચહેરે નમીને “આવજો” બોલ્યાં. મનમાં મેં કહ્યું, આવીશ જ; આ મંદિરમાં તો હું જ્યારે પણ તક મળશે ત્યારે આવીશ.

 ૦-૦-૦

માણસ નામનું પ્રાણી ખરેખર ન સમજાય તેવું છે. “હરિ અનંતા, હરિકથા અનંતા” જેવું માણસનું છે. આપણે જેને અસ્વાભાવિક માનીએ તેવાં કામો ઘણાં માણસો સાવ જ સ્વાભાવિક હોય તેમ કરી લે છે અને ભાવજગતના ઑલિમ્પિક મૅડલ જીતી લે છે. મહેન્દ્ર અને મનોરમા ભયંકર આફતોમાં તૂટી ગયાં છે પણ એમની અંદરનાં મહેન્દ્ર અને મનોરમા અખંડ રહ્યાં છે અને “સુખદુઃખ સમે કૃત્વા…” (સુખદુઃખને સમાન બનાવીને) અગરબત્તીની જેમ સુગંધ રેલાવતાં બળ્યા કરે છે.


 

2 thoughts on “I will keep revisiting to pay my respects”

  1. આંખમાં પાણી આવી ગયાં, દીપકભાઈ! વંદન આવા દેવરૂપ માનવોને!

    મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે કે સર, પૃથ્વી ચાલે છે શી રીતે? હું તેમને આવા ‘ઝાકળ-શા અણદીઠ’*** માનવીઓનાં ઉદાહરણ આપું છું. દુનિયાના “અનટ્રોડન પાથ” પર કોઈ ઓળખ વિના જીવન જીવી જાય છે અને મનુષ્યત્વને, સૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખે છે.
    આપણે આજે અહીં છીએ તો આપણા પૂર્વજોમાં કંઈ કેટલાય આવા ‘ઝાકળ-શા અણદીઠ’ હશે જેમણે આપણને અહીં પહોંચાડ્યા. તે પૈકી કેટલાં ઓસ્ટ્રેલોપિથેકસ હતાં કે હોમો ઇરેક્ટસ હતા, આપણને શું ખબર?
    આપની વાત મારા હૃદયમાં સમાઈ ગઈ છે ! વંદન!

    *** સ્વામી આનંદ અને તેમનો ‘ઝાકળ-શા અણદીઠ’ શબ્દ-પ્રયોગ સદા મારા અંતરમાં વસે છે.

Leave a reply to Vinesh Antani જવાબ રદ કરો