Vaalia to Valimiki – A true Modern Tale

૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક મીટિંગ મળી. માત્ર દસેક જણ હતા. પ્રખ્યાત વયોવૃદ્ધ સર્વોદય નેતા ડૉ. સુબ્બારાવ અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પ્રમુખ કુમાર પ્રશાંત પણ મીટિંગમાં હાજર હતા. ડૉ. સુબ્બા રાવ ગાંધી જયંતી શ્રીનગરમાં ગાળવા જવાના હતા. એમનું કહેવું છે કે ત્યાં ભયંકર અશાંતિ છે ત્યારે આપણે પોતે જઈને વાત શા માટે ન કરીએ? મીટિંગમાં એક ગાંધીટોપીવાળા સજ્જન પણ બેઠા હતા. એમણે પોતાની ઓળખાણ માત્ર ‘સુરેશ’ તરીકે આપી. તે પછી મીટિંગમાં એ એક પણ શબ્દ ન બોલ્યા. મીટિંગ પછી અમે સાથે જ બહાર નીકળ્યા. પહેલવહેલો પરિચય હતો. વાતવાતમાં એમણે કહ્યું કે હિંસાથી કોઈ પક્ષ જીતે નહીં, એ તો હું જાતઅનુભવથી કહું છું. એમણે ઉમેર્યું કે હું આજે જે કંઈ છું તે ગાંધીજીને કારણે, નહીંતર જેલમાં સડતો હોત. મારાં પાપ જ એવાં હતાં.

clip_image002મને કુતૂહલ થયું. મેં પૂછ્યું, એમ કેમ? એમણે કહ્યું કે જેલમાં બાવીસ વર્ષ કાઢ્યાં છે. હું તો રીઢો ગુનેગાર હતો, ખૂન. લૂંટ, જેલ તોડીને ભાગવું, બધું કર્યું છે, મને આજીવન કારાવાસની સજા થઈ તેમાં કંઈ અન્યાય નહોતો…

આજે તેઓ સુરેશ સર્વોદય તરીકે ઓળખાય છે પણ ડાકુ સુરેશ સોની તરીકે એમને ચંબલની કોતરેકોતર ઓળખે. મને તો એટલું જ કહ્યું કે મને માત્ર સુરેશ કહો…ચાલો સુરેશભાઈ કહી દો… તો મારા માટે અને આપણા સૌ માટે તેઓ છે, “સુરેશભાઈ”.

૧૯૫૨ની ૨૭મી ઑગસ્ટે ઉત્તર પ્રદેશના મહોબા ગામના સોની પરિવારમાં એમનો જન્મ. પિતાને મિલકતની વહેંચણીમાં ભાઈઓએ છેતર્યા હતા એટલે મૂળ છતરપુર વતન છોડીને એ મહોબા જિલ્લાના ગામ સૂપા આવીને વસ્યા. માતાએ અહીં નાની સ્કૂલ ખોલી પણ માતાને કુટૂંબીઓએ કરેલા અન્યાયનો ભારે રોષ હતો.અને બાળકોને કદી સગાંવહાલાંના સંપર્કમાં ન આવવા દીધાં.

પિતા ધાર્મિક ખરા. રોજ સુરેશ અને એના ભાઈ પિતા સાથે સાંજે બેસીને રામાયણ વાંચે. હનુમાન સમુદ્રને લાંઘી જાય વગેરે કથાઓમાં એને વિશ્વાસ ન બેસતો. આથી એને ધર્મમાં બધી વાતો ખોટી છે એવું લાગવા માંડ્યું. મંદિરે જાય તો મૂર્તિ ખોટી લાગે. એનાં ઘરેણાં જોઈને ચોરી કરવાના વિચાર આવે. પણ એના હૈયામાં ભરાઈ ગયેલા માતાના આક્રોશને બળ મળે એવું પણ કંઈ રામાયણમાંથી સુરેશને મળ્યું.. “અન્યાય સામે નમતું ન આપવા”નો સંકલ્પ પાકો થઈ ગયો હતો. પણ એના આ મતને રામચરિત માનસની એક ચોપાઈએ મજબૂત બનાવ્યો.

અનુજ વધૂ ભગિનિ સુત નારી. સુનુ સઠ કન્યા સમ યે ચારી

ઇન્હીં કુદૃષ્ટિ બિલોકહિં જોઈ, તાહિ બધૈ કછુ પાપ ન હોઈ.

“નાના ભાઈની પત્ની, બહેન અને પુત્રવધૂ કન્યા સમાન છે. એમના પર કુદૃષ્ટિ કરનારની હત્યા કરવામાં કંઈ પાપ નથી.”

સુરેશને લાગ્યું કે અત્યાચારીઓને મારવામાં કંઈ ખોટું નથી. એટલે એણે આવા અન્યાયોનો ભોગ બનતા મિત્રોને મદદ કરવાનું શરૂ કર્યું. ન્યાય માટે શહીદ થઈ જવાના મનસૂબા મનમાં ઘડાતા હતા ત્યારે ઘરમાં એના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. સુરેશે ચોખ્ખી ના પાડી દીધી. અંતે શહીદ થઈને ફાંસીને માંચડે જ ઝૂલવું હોય તો બિચારી કોઈ છોકરીની જિંદગી શા માટે બગાડવી?

એને ફરી સાયન્સના અભ્યાસમાં પોતાને જોતરી દીધો. પણ આસપાસના પાડોશી વેપારીઓ મુંબઈથી દાણચોરીથી સોનાનાં બિસ્કિટ લાવતા અને મોજ કરતા એ જોઈને એને થતું કે એના પિતા પ્રામાણિકતાથી જીવે છે તેનો અર્થ શું? અને આ વેપારીઓ અપ્રામાણિક છે, એમને લૂંટવામાં કંઈ પાપ નથી. એક જગ્યાએ લુંટ કરી અને એ વેપારીને મારવો હતો તેમાં ભૂલ થઈ ગઈ. લખનઉના એક પોલિસ અધિકારી રજામાં ગામ આવતા હતા, એમને વેપારી સમજીને ગોળીએ દઈ દીધા.

પોલીસે પીછો પકડ્યો અને સુરેશ સહિત બધા પકડાઈ ગયા અને હમીરપુર જેલમાં મોકલી દીધા. આખી જિંદગી જેલમાં કેમ વીતશે એનો એને વિચાર આવતો હતો. એ વખતે એને મનપ્યારે નામનો સાથી મળી ગયો. બન્નેએ જેલમાંથી ભાગી છૂટવાની યોજના ઘડી અનીક રાતે દીવાલ કૂદીને ભાગી છૂટ્યા.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરકારોએ સુરેશ અને મનપ્યારેને જીવતા કે મૂઆ પકડી પાડવા માટે મોટી રકમનાં ઇનામો જાહેર કર્યાં. અંતે એ ફરી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. એક વાર જેલમાંથી ભાગવાને કારણે એનું નામ હિસ્ટરીશીટર તરીકે ચડી ગયું. હવે એને કાનપુર જેલમાં મોકલી દેવાયો. એ ૧૬ વર્ષની ઉંમરે અપરાધની દુનિયામાં પ્રવેશનર સુરેશ સોની ૨૧ વર્ષની ઉંમરે હિસ્ટરી શીટર બની ગયો હતો. હવે કાનપુર જેલમાં પગે બેડીઓ ચડાવીને કાળકોટડીમાં નાખી દીધો. એની સામે પંદરવીસ ગુનાઓના કેસ હતા. ફરી જેલમાંથી ફરાર ન થઈ જાય તે માટે જેલમાં તો પાકી વ્યવસ્થા કરવામં આવી પણ કેસ માટે કોર્ટમાં જતી વખતે ભાગી છૂટે તો શું કરવું? એટલે કોર્ટ જ જેલમાં શરૂ થઈ. હવે જેલ બહાર નીકળવાનો સવાલ જ નહોતો.

નવી હવાની લહેરખી

સુરેશ ભણેલો તો હતો જ. એનો સમય પસાર થાય તે માટે એક મિત્રે એને ડૉ. રાધાકૄષ્ણનનું The Recovery of Faith પુસ્તક મોકલ્યું. એમાં ગાંધીજીનું એક વાક્ય હતું કે ઈશ્વર સત્ય છે કે નહીં, એ હું દાવો કરી શકતો નથી, પણ સત્ય તો ઈશ્વર છે જ.”

આ એક વાક્યે સુરેશના મનમાં જામગરીનું કામ કર્યું. હવે જેલમાંથી ભાગવાના વિચારને બદલે જેટલું મળે તેટલું ગાંધી સાહિત્ય વાંચવાની પ્રબળ ઇચ્છા જાગી. રામાયણ, ગીતા વગેરે ધર્મગ્રંથો અન્યાય સામે હિંસાની હિમાયત કરે છે, પણ ગાંધીજી તો નવી જ વાત કરે છે! હવે એ જ રસ્તે ચાલવાનો સંકલ્પ કરી લીધો., લાભ થાય કે નહીં. એ જ અરસામાં સ્થાનિકની કૉલેજના પ્રિન્સિપાલ કેદીઓ સમક્ષ ભાષણ આપવા આવ્યા. એમણે પણ ગાંધીજીની વાતો કરી. સુરેશે એમના પગ પકડી લીધા અને ગાંધીજી વિશેનાં પુસ્તકો મોકલવા વિનંતિ કરી. પ્રિન્સિપાલ જગદેવ પ્રસાદ’વિદ્યાર્થી’ માની ગયા અને પુસ્તકો મોકલવા લાગ્યા.

હવે એનું ધ્યાન કેદીઓ તરફ ગયું. એમની ટેવો પણ ગંદી હતી, બધા ખોટું બોલવામાં પાવરધા. સુરેશે પહેલાં તો સૌ સવારે દાતણ કરતા તે જગ્યા સાફ કરવાનું શરૂ કર્યું. બધા મશ્કરી કરે, ગાળો આપે. સુરેશ પોતાનું કામ કર્યા કરે. કેદીઓ ચોરી છુપીથી પોતાની પાસે પૈસા રાખતા, તે પણ એણે બંધ કર્યું ચા-પાનનું વ્યસન છોડ્યું અને કોઈ પણ સંજોગોમાં ખ્ટું ન બોલવાનો સંકલ્પ કર્યો. એક જેલ સુપરિન્ટેન્ડન્ટે જોયું કે આ કેદી તો બહુ ભલો છે, તો એના પગમાં બેડી શા માટે? એણે અંગત જવાબદારી પર બેડીઓ કઢાવી નાખી.

પણ કેસ તો હજી જેલમાં જ ચાલતો હતો. એક વાર જજે પૂછ્યું; “કોઈ વકીલ જોઈએ છે? સુરેશે જવાબ આપ્યોઃ “સાહેબ, તમે ન્યાય કરવા માગો છો. સરકારી વકીલ પણ ન્યાય માટે કોશિશ કરે છે અને બચાવના વકીલ પણ એ જ કરશે. તો તમે જે નક્કી કરો તે જ બરાબર.”

સુરેશના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકતી હતી પણ એનામાં આવેલા જબ્બર પરિવર્તન અને સત્યનિષ્ઠાને કારણે આજીવન કારાવસની સજા કરવામાં આવી. સુરેશે એ સજા માથે ચડાવી અને બીજા જ દિવસથી પોતાની રોજની દિનચર્યા ચાલુ રાખી. હવે બીજા કેદીઓ અને જેલના અધિકારીઓ પણ એને ‘ગાંધીજી’ તરીકે ઓળખતા થઈ ગયા હતા.

સુરેશભાઈને ૨૨ વર્ષ પછી ૧૯૯૯માં એમના સદ્‍વર્તનને કારણે છોડી મૂકવામાં આવ્યા. એ પોતાને ગામ ન જતાં સીધા વિનોબા પ્રેરિત બ્રહ્મવિદ્યા આશ્રમ પહોંચી ગયા અને હવે આખું જીવન ગાંધી વિચારના પ્રચારમાં સોંપી દીધું છે. સફાઈનો સામાન પણ સાથે રાખે છે.

clip_image004

મીટિંગમાંથી પાછા ફરતાં અમે મેટ્રોમાં સાથે જતા હતા ત્યારે પોલીસની તપાસમાં એમનો સફાઈનો પાવડર મશીનમાં દેખાઈ ગયો. પોલીસ જવા ન દે. આ પાવડર શું છે? ઘણી સમજાવટ પછી અમને જવા દીધા.

એમણે હાલમાં પોતાની અછડતી આત્મકથા લખી છે, પણ પુણ્યની તો છાલક પણ આપણને પવિત્ર કરી જાય. એમનું પુસ્તક મંગાવશો તો એમને થોડી મદદ થશે. આ રકમ સાર્વજનિક સેવામાં જ્ખર્ચાશે તેમાં શંકા નથી. સુરેશભાઈનો સંપર્ક કરવો હોય તો નીચે વિગતો આપી છેઃ

સુરેશભાઈ સર્વોદયી :

મોબાઇલઃ +918009034744

ઈ-મેઇલઃ survodai@gmail.com

પત્રવ્યવહારઃ ગ્રામ પોસ્ટ સૂપા, જિ. મહોબા (ઉ. પ્ર.). પિનઃ ૨૧૦૪૨૧

પત્રવ્યવહારઃ ગાંધી આશ્રમ, છતરપુર (મ. પ્ર.) પિનઃ ૪૭૧૦૦૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: