Science Samachar: Episode 1

આજથી ‘Science સમાચાર’નો આ નવો વિભાગ શરૂ કરીએ છીએ. એમાં દુનિયામાં વિજ્ઞાનક્ષેત્રે બનતી નાનીમોટી ઘટનાઓના સમાચારોનું સંકલન કરીશું. મર્યાદાને ધ્યાનમાં રાખતાં મહત્ત્વના સમાચારો જ અહીં આપી શકાશે એ તો સ્પષ્ટ છે, એટલે જેને બહુ પ્રસિદ્ધિ મળી હોય તેવી ઘટનાઓને બદલે ઓછી જાણીતી વાતોને પ્રાથમિકતા આપીશું. આ ક્ષેત્ર એટલું વિશાળ છે કે દરરોજ આ વિભાગ આપી શકાય પરંતુ એ હમણાં તો શક્ય નથી લાગતું, એટલે આ કૉલમ સાથે  મહિનામાં બે વાર, બીજા અને ચોથા શુક્રવારે હાજર થઈશું. આજે આ પહેલો લેખ રજૂ કરીએ છીએ. આપના અભિપ્રાયો માટે ઉત્સુક છીએ.

 દીપક ધોળકિયા

science-samachar-ank-1

0 – o – 0

ઑક્ટોબરમાં પણ ગરમી?

નોરતાં પૂરાં થાય, શરદપૂનમના ડાંડિયારાસની તૈયારી ચાલતી હોય અને દિવાળીના ફટાકડાના અવાજો સ્મૃતિમાં સળવળીને બેઠા થતા હોય ત્યારે પણ ઘરમાં પંખા વિના ચાલે જ નહીં અને બહાર નીકળો તો પરસેવે નહાઈ જાઓ. આમ કેમ?

આખી દુનિયાની વાત કરીએ તો ઑક્ટોબર ૨૦૧૫થી શરૂ કરીને છેલ્લા ૧૧ મહિના સૌથી વધારે ગરમ રહ્યા છે. ૧૮૮૦થી વ્યવસ્થિત રીતે હવામાનનું માપ લેવાનું શરૂ થયું તે પછીથી મહિનાવાર તુલના કરતાં કોઈ મહિનો આટલો ગરમ નથી રહ્યો.(સાથેના ગ્રાફમાં ગરમીની વૃદ્ધિ દેખાડી છે; ૧૮૮૦થી ૧૯૧૦નો ગાળો આધાર તરીકે લીધો છે.) એક નિષ્ણાતનું કહેવું છે કે હવામાનમાં એવું બને છે કે દસ વર્ષ સુધી કંઈ ખાસ ફેરફાર ન થાય અને પછી ઉછાળો આવે, અને પછી મૂળ સ્થિતિ કદી પાછી ન આવે. જેવું દાળોના ભાવમાં થયું છે તેવું જ કંઈક. આ વર્ષે આવો ઉછાળો આવ્યો છે. બે વર્ષ પહેલાં ગરમી ૧૮૮૦થી ૧૯૨૦ની સરેરાશ કરતાં ૧ ડિગ્રી ઉપર હતી. આ વર્ષે આ આંક ૧.૩ ડિગ્રી નોંધાયો છે. આનો અર્થ એ કે હવે દર વર્ષે ગરમી વધારે જ થવાની છે, અને ૨૦૧૬નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ચંદ્રની સપાટી પર દર ૮૧,૦૦૦ વર્ષે હુમલા!

નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે દર ૮૧,૦૦૦ વર્ષે ચંદ્રની ધરતી પર અવકશમાં ભટકતા ટુકડાઓ ત્રાટકે છે, પરિણામે એની સપાટીમાં બહુ મોટા ફેરફાર થઈ જાય છે. આ હુમલાઓને કારણે નવી ખાઈઓ બની જાય છે. કોઈ ખાઈ તો દસ મીટરના ઘેરાવામાં હોય છે. સામાન્ય રીતે ચંદ્રની સપાટીના બે સેન્ટીમેટર સુધી ધૂળ જ છે. નાસાએ ૨૦૦૯થી ચંદ્રની સપાટી પરનાં અમુક સ્થળોનું સતત નિરીક્ષણ કર્યું તેમાં જૂના અને છેલ્લામાં છેલ્લા ફોટાઓમાં એમને આ ફેરફાર જોવા મળ્યો છે. એમને નવી ૨૨૨ ખાઈઓ જોવા મળી તેમાંથી ૩૩ ટકા દસ મીટર પહોળી છે. તે ઉપરાંત સપાટીમાં પણ નાનામોટા ફેરફાર જોવા મળ્યા. વૈજ્ઞાનિકો કહે છે કે આ ‘ઊઝરડા’ એક ઊલ્કા પડ્યા પછી ખાઈ તો બની પણ એનીયે જુદી અસર થતી હોય તેને કારણે દેખાય છે. પૃથ્વી પર પણ આવી વર્ષા સતત થતી હોય છે પણ એ પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ ભસ્મ થઈ જાય છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ગુરુના તેજોમંડળમાંથી ધ્વનિ પ્રગટે છે!

નાસાના સૌર શક્તિથી કામ કરતા અવકાશયાન ‘જ્યૂનો’એ ગુરુના ઉત્તર ધ્રુવ પરથી પ્રગટતા તેજોમંડળના ધ્વનિનું રેકૉર્ડિંગ કર્યું છે. અહીં (slE2i0O0pDY)સાંભળો.

આ વર્ષની ૨૭મી ઑગસ્ટે જ્યૂનો ગુરુની બહુજ નજીક, ૪૧૦૦ કિલોમીટરના અંતરે પહોંચ્યું અને તેજોમંડળના ફોટા પૃથ્વી પર મોકલ્યા. નાસાના વૈજ્ઞાનિકોએ માણસ સાંભળી શકે એવા ધ્વનિમાં એનું રૂપાંતર કર્યું.

ગુરુમાંથી સતત બહુ શક્તિશાળી કણોનો પ્રવાહ બહાર તરફ વહેતો રહે છે, જેને કારણે તેજોમંડળ બને છે. હવે વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે અને ગુરુની ફરતે ચુંબકીય ક્ષેત્રમાં એમની ગતિ વધી જાય છે, તે પછી એ વાતાવરણ સાથે શી રીતે અથડાય છે. આ ટક્કરને કારણે જ પ્રકાશના પુંજ રેલાય છે, જે તેજોમંડળ બનાવે છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ગર્ભાધાનના ૧૬ દિવસ પછી હૃદય ધબકવા માંડે છે.

બ્રિટિશ હાર્ટ ફાઉંડેશનના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ગર્ભાધાનના ૧૬ દિવસ પછી શિશુનું હૃદય ધબકવા લાગે છે. હમણાં સુધી હૃદય ક્યારે કામ શરૂ કરે છે તેના પ્રયોગ ઉંદર પર થયા હતા. એમાં જોવા મળ્યું કે ગર્ભાધાન પછી આઠ દિવસે હૃદયનો વક્રાકાર એક રેખા રૂપે દેખાય છે અને એનો સ્નાયુ સંકોચાય છે, જેને આપણે ધબકાર કહીએ છીએ. ઉંદરના આઠ દિવસ પરથી એવું તારણ નીકળ્યું કે માણસનું હૃદય ૨૧ દિવસે ધબકવા લાગતું હશે. પરંતુ હૃદય તો બહુ પહેલાં કાર્ય શરૂ કરી દે છે. ફાઉંડેશનના સંશોધક પ્રોફેસર પોલ રિલેનું કહેવું છે કે હૃદય પહેલી વાર ક્યારે ધડકે છે તે જાણીને હૃદયના વિકાસમાં આવતી મુશ્કેલીઓ સમજવામાં એક ડગલું આગળ વધી શકાયું છે. વળી હૃદયનો કોઈ સ્નાયુ બદલ્યો હોય તો એના કોશોને કેમ સક્રિય બનાવવા તે પણ ભવિષ્યમાં જાણી શકાશે. (સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

%d bloggers like this: