The Diwali Harvest festivals

diwali-harvest-festivalઆજે એવા જ બે કૃષિ તહેવારોની વાત કરવી છે. એક છે, મણિપુરનો કુટ તહેવાર અને બીજો છે, નાગાલૅંડનો તોખુ એમોંગ તહેવાર. બન્ને તહેવારો ધરતી માતાના આશીર્વાદ માટેના છેઃ સારો પાક થાય, ઘર ધન ધાન્યથી ભરાઈ જાય એના આનંદમાં બન્ને તહેવારો ઉજવાય છે. મૂળ તો દિવાળીની જેમ એના દિવસો પણ ચાંદ્ર વર્ષ પ્રમાણે બદલાતા અને સમુદાયના વડેરાઓ એની તિથિ નક્કી કરતા, પરંતુ પછી નિશ્ચિતતા ખાતર એમણે સૌર વર્ષ પસંદ કર્યું. કુટ તહેવાર દર વર્ષે પહેલી નવેમ્બરે ઊજવાય છે અને તોખુ એમોંગ દર વર્ષે સાતમી નવેમ્બરે. આ પ્રસિદ્ધ થશે ત્યારે મણિપુરમાં કુટ તહેવાર ઉજવાઈ ગયો હશે પણ નાગાલૅંડમાં લોકો તોખુ એમોંગની આતુરતાપૂર્વક રાહ જોતા હશે.

કુટ તહેવાર

કૂકી ચિન મિઝો આદિવાસી જાતિનો આ તહેવાર છે. આ જાતો મૂળ યહૂદીઓમાંથી ઊતરી આવી હોવાના વિવાદાસ્પદ ભાષાકીય પુરાવા મળે છે. એમના ઘણા શબ્દો ઇઝરાએલની ભાષા હિબ્રુમાં પણ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘કિરાત’ તરીકે ઓળખાતી જાતિ કૂકી જ હશે એમ પણ મનાય છે. કુલ ૪૭ લાખની એની વસ્તી મિઝોરમ, મણિપુર, આસામના અમુક ભાગ, બાંગ્લાદેશના ચિત્તાગોંગ પહાડી પ્રદેશ અને મ્યાંમારમાં પણ વસે છે. ૨૦૧૧માં મિઝોરમમાં ૯૧ ટકા કૂકીઓ સુશિક્ષિત હતા.

clip_image002મણિપુરનો નક્શો

જુદા જુદા પ્રદેશોમાં આ તહેવાર ‘ચાપ્ચાર કૂટ’, ‘ચાવાંગ કુટ’, ‘ખોદૌઆત’’, ‘બૈસાખ’ વગેરે જુદાં જુદાં નામે ઓળખાય છે. પરંતુ મિઝોરમમાં ચાપ્ચાર કુટ ફેબ્રુઆરીમાં ઉજવાય છે. મણિપુરના મિઝો નવેમ્બરમાં મનાવે છે. મબલખ પાક માટે ઈશ્વરનો આભાર માનવા માટેનો આ તહેવાર છે. એ દિવસે ગામના લોકો એકઠા થાય છે, એકબીજા સાથે હળેમળે છે અને સૌ સાથે મળીને ભોજન તૈયાર કરે છે. તહેવારથી પહેલાં જ લોકો તૈયારીઓ શરૂ કરી દે છે. ઘરોને વાળીઝૂડીને સાફ કરે છે અને તોરણો, રોશની વગેરેથી શણગારે છે. સૌ ભેગા મળીને એમનાં ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસોમાં બહારથી આવેલા સહેલાણીઓનું ગામવાસીઓ ઊમળકાભેર સ્વાગત કરે છે; એમને પરંપરાગત સમૂહભોજનમાં સામેલ કરે છે અને એમની વસ્તુઓ ભેટ આપે છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પછી આ બધા આદિવાસી તહેવારો ભુલાઈ ગયા હતા પરંતુ છેલ્લા ચાર-પાંચ દાયકામાં મિઝો અને નાગાઓની અસ્મિતા જાગી ઊઠી છે. એ સાથે એમના રાજકીય દૃષ્ટિકોણે વિદ્રોહી રંગ પકડ્યો, પરંતુ તે સાથે એમની સાંસ્કૃતિક સભાનતા પણ વધી. આજે આ તહેવાર માત્ર એક જ સમાજના લોકોનો નહીં પણ મિઝોની જુદી જુદી જાતિઓ વચ્ચે પણ સમન્વયના આરંભ જેવો બની ગયો છે.

આજે કુટમાં આધુનિક વલણો પણ ભળ્યાં છે અને ‘મિસ કુટ’ સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે. નીચે તસવીરમાં ‘મિસ કુટ-૨૦૧૬’ ની ત્રણ વિજેતાઓ જોવા મળે છે. બીજી તસવીર એમના પરંપરાગત નૃત્યની છે.

clip_image004તોખુ એમોંગ તહેવાર

નાગાલૅંડની ક્યોંગ્ત્સુ અથવા લોથા જાતિનો આ તહેવાર છે. આ તહેવાર પણ સામાજિક અસ્મિતા માટેની એમની જાગરુકતાના પરિણામે સિત્તેરના દાયકામાં નવું જીવન પામ્યો છે. લોથા જાતિની વસ્તી મુખ્યત્વે વોખા જિલ્લામાં છે. પરંતુ તોખુ એમોંગ હવે સાર્વત્રિક બનવા લાગ્યો છે.

clip_image006નાગાલૅંડનો નક્શો

તોખુનો અર્થ છે ટોળી બનાવીને ફરવું અને ખાવુંપીવું. એમોંગ એટલે એક નિયત સમયે અટકવું. આનો એકંદરે અર્થ એ કે લોકો સાથે મળીને નીકળે, બધાંને મળવા જાય, નિશ્ચિત જગ્યાએ એકઠા થાય, ત્યાં ખાય પીએ અને મોજમસ્તી કરે. જેની સાથે અણબનાવ થયો હોય તેની સાથે પણ મનમેળ કરી લેવાનો હોય. આ ટૂંકી વીડિયો ફિલ્મમાં તોખુ એમોંગની ઉજવણી દેખાડી છે.

લોથાઓ ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પહેલાં આ તહેવાર ઊજવતા. માતા ધરતી અને આકાશના તેઓ પૂજક છે. એ જ ધનધાન્ય આપે છે. આ દેવતાઓના માનમાં તેઓ નવ દિવસનો તહેવાર ઊજવે છે. પહેલાંના જમાનામાં દુંગ્તી અને ચોચાંગ, એટલે કે ગામના મુખીઓ તહેવારનો દિવસ નક્કી કરતા. તે પછી હલકારો નીકળે અને જાહેર કરે કે આજથી દસમા દિવસે નવ દિવસ માટે તોખુ એમોંગ ઉજવાશે. પરંતુ હવે સાતમી નવેમ્બર નક્કી કરી દેવાઈ છે.

clip_image007આ નવ દિવસ દરમિયાન ગામમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે. એટલું જ નહીં પણ તહેવાર દરમિયાન કોઈ ગામની બહાર પણ જઈ ન શકે. એમના ગામમાંથી કોઈને પસાર ન થવું પડે એટલા માટે જુદા રસ્તા પણ બનાવાયા છે. આ નિયમ બહારના લોકો પ્રત્યે દ્વેષ દેખાડવા માટે નથી; એટલું જ કે તમે તોખુ એમોંગ વખતે અહીં આવ્યા છો તો આખા તહેવાર માટે રહો. જે કોઈ ગામમાં આવ્યો તે નવ દિવસ માટે સૌનો મહેમાન ગણાય. એટલે જ જેમને કામ પ્રસંગે, એક ગામથી બીજે ગામ જવું પડતું હોય તેમને આ ગામમાંથી પસાર ન થવું પડે તેવા રસ્તા બનાવાયા છે.

આ તહેવારનું બીજું પણ મહત્ત્વ છે. ગામનો પુજારી જમીન ખોતરે છે. એ રીતે એ નવી જમીનો ખોદવાની પરવાનગી આપે છે. તે પછી નવપરિણીતો માબાપની સાથે રહેતાં હોય તે જમીન સમતળ બનાવીને પોતાનું ઘર બાંધવાની શરૂઆત કરે છે. લોથાઓ આ ઉત્સવ દરમિયાન કંઈ કામ નથી કરતા. એમને શિકારની કે માછલાં પકડવાની કે વેપાર કરવાની પણ છૂટ નથી. બસ, હરોફરો અને મોજમસ્તી કરો. કામ તો આખું વર્ષ રહેવાનું છે!

clip_image009સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.

દીપક ધોળકિયા


%d bloggers like this: