Can we treat nature as a person?

પર્વતો, નદીઓ, સમુદ્રો, સરોવરો, પ્રાણીઓ અને જંગલોને વ્યક્તિ માની શકાય? આ સવાલના જવાબમાં આપણને સ્વાભાવિક રીતે જ ગંગામૈયા અને ગાયમાતા યાદ આવશે કે આપણે એમને નદી કે પ્રાણી નથી માનતા અને માતા માનીએ છીએ. પરંતુ બંધારણમાં અને એના આધારે બનેલા કાયદાઓમાં વ્યક્તિને અધિકારો મળે છે. ગંગા મૈયા કે ગાયમાતાને આવા અધિકાર નથી. બંધારણમાં ‘જીવવાનો અધિકાર’ છે. સુપ્રીમ કોર્ટે જીવવાના અધિકારને વિસ્તાર્યો છે અને હવે જીવવાનો અધિકાર એટલે ‘ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર’. જીવવું એટલે માત્ર મૃત્યુથી બચવું એ જ નહીં પણ જીવન સ્વમાનપૂર્વક જીવવા ન મળતું હોય તો પણ તમારા અધિકારનો ભંગ થાય છે. એ અધિકારનું રક્ષણ કરવાની સરકારની ફરજ છે.

વ્યક્તિ આવા અન્યાય સામે કોર્ટમાં જઈ શકે પણ ગંગામૈયા કે ગાયમાતાને એવો અધિકાર નથી કારણ કે આપણે એમને વ્યક્તિના અધિકારો નથી આપ્યા. ગંગાને મેલી કરીએ છીએ, એમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ; ગાય ઊકરડો ચૂંથીને જે મળે તે ખાતી હોય, એના પેટમાં પોલિથિન જતું હોય તે ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારનો ભંગ છે. પરંતુ ગંગા કે ગાય વ્યક્તિ ન હોવાને કારણે કોર્ટની મદદ લઈ શકતાં નથી.

પરંતુ ન્યૂઝીલૅંડમાં જમીન અને નદીને કાનૂનમાં ‘વ્યક્તિ’નો દરજ્જો અપાયો છે.(અહીં વાંચો). ન્યૂ ઝીલૅંડ સરકાર અને માઓરી જાતિના સમુદાયો વચ્ચે સમજુતી થઈ છે તે પ્રમાણે ૮૨૧ ચોરસ માઇલના ‘તે ઉરેવેરા’ (te-urewera) રાષ્ટ્રીય ઉદ્યાનને હવે કાનૂનમાં વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકારે એના પરના માલિકીના હકો છોડી દીધા છે અને એના માટે હવે “એક કાનૂની વ્યક્તિના અધિકારો, સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ” નક્કી કરવામાં આવ્યાં છે એટલે ‘તે ઉરેવેરા’નું નુકસાન કરનાર સામે કોઈ પણ વ્યક્તિ ‘તે ઉરેવેરા’ વતી કાનૂની દાવો દાખલ કરી શકશે. ૨૦૧૨માં માઓરી જૂથો અને સરકાર વચ્ચે વાટાઘાટ થયા પછી વ્હાનગાનુઈ (whanganui) નદીને પણ વ્યક્તિનો દરજ્જો અપાયો છે.

માઓરી જાતિ પોતાને પ્રકૃતિથી અભિન્ન માને છે. વ્હાનગાનુઈ નદી વિશે માઓરી કહે છેKō au te Āwa, kō te Āwa kō au. (હું એ જ નદી, નદી એ જ હું). એમની આ ભાવનાને માન આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. કાયદાના ક્ષેત્રમાં આ એક ક્રાન્તિકારી કદમ છે અને એનો બધી જગ્યાએ અમલ થવો જોઈએ. પ્રકૃતિ સાથે સીધો સંબંધ આદિવાસીઓને, અથવા તેનાથી થોડા ઊતરતા દરજ્જે ગ્રામીણ લોકોને રહ્યો છે. આપણે શહેરવાસીઓ જંગલો, નદીઓ અને એમની પેદાશોનો માત્ર ઉપભોગ કરીએ છીએ.

દક્ષિણ અમેરિકાના દેશોમાં આ બાબતમાં વધારે જાગૃતિ જણાય છે (વિગતવાર). ઈક્વૅડોરે ૨૦૦૮માં નવું બંધારણ બનાવ્યું તેમાં પ્રકૃતિને કાનૂનની વ્યાખ્યા લાગુ કરી શકાય એવી વ્યક્તિ જાહેર કરવામાં આવી છે. બોલીવિયાએ તો ૨૦૦૯માં નિવાસીઓના અધિકારો પર પણ પ્રકૃતિના અધિકારોને પ્રાથમિકતા આપી છે. એના ૨૦૧૦ના ‘પૃથ્વી માતા’ (Ley de Derechos de la Madre Tierra, Law 071)માં પહેલી વાર ખનિજોની વ્યાખ્યા “આશીર્વાદ” તરીકે (માણસના સાર્વભૌમ અધિકાર હેઠળની સંપત્તિ નહીં). કરવામાં આવી છે. de la Madre Tierra  (પૃથ્વી માતા)ના સંરક્ષણ માટે માનવ અધિકારના રક્ષણની વ્યવસ્થા જેવી પૃથ્વીમાતાના રક્ષણ માટે લોકપાલની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પ્રકૃતિને જે અધિકરો અપાયા છે તેમાં, જીવનનો અને જીવન ટકાવી રાખવાનો અધિકાર, માનવ દ્વારા ફેરફાર માટેના હસ્તક્ષેપ વિના જીવનચક્ર અને જીવનપ્રક્રિયાઓ ચાલુ રાખવાનો અધિકાર, શદ્ધ પાણી અને શુદ્ધ હવાનો અધિકાર, પર્યાવરણીય સંતુલન જાળવી રાખવાનો અધિકાર, માણસની સીધી કે આડકતરી પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા જીવનને અસરકારક અને સુયોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવાનો અધિકાર, અને ઝેરીલા કે વિકિરણયુક્ત કચરા સામે બચાવનો અધિકાર સામેલ છે. પૃથ્વીમાતાને ‘જીવંત ગતિશીલ પ્રણાલિ’ તરીકે ઓળખાવવામાં આવી છે. આ અધિકારો માનવ અધિકાર જેવા જ છે.આપણા દેશમાં આવા કોઈ કાયદા નથી. પ્રકૃતિને માનવસમોવડી ગણીએ તો એને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર પણ આપવો પડે અને એ જવાબદારી નિભાવવા આપણે તૈયાર નથી. माता भूमिः पुत्रोऽहम् पृथिव्याભૂમિ માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું, એમ કહ્યા પછી માતાનાં રસકસના માલિક હોઈએ તેમ વર્તીએ છીએ. ખરેખર તો ભૂમિને માતા માનનારાઓનો યુગ આથમી ગયો. આજે આપણે પોપટિયા જાપ ભલે જપીએ, એમાં માનતા નથી. આજે ધરતી આપણી માતા નહીં, આપણી સંપત્તિ છે.

મૂડીવાદની નજરે પ્રકૃતિ કાચો માલ છે અને વ્યક્તિ માત્ર ગ્રાહક. કોઈ ખનિજ, કોઈ વૃક્ષ, કોઈ નદી એના પ્રાકૃતિક રૂપમાં કાચા માલ તરીકે કામ આવે એ જ એનું મહત્ત્વ છે અને બજારમાં જઈને માલ ખરીદી શકે તે જ માણસ છે. છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતમાં આ નવા ચિંતને જોર પકડ્યું છે એટલે આપણે પ્રકૃતિને કદી વ્યક્તિ માનવાના નથી અને એના અધિકારોને ઠોકરે ચડાવતા રહેશું.

ઑડિશામાં નિયમગિરિ ડૂંગરમાં બૉક્સાઇટનો વિપુલ જથ્થો છે. સરકારે ખનિજ ખોદવાનું કામ વેદાંતા બહુરાષ્ટ્રીય કંપનીને સોંપ્યું છે. ત્યાંના ડોંગરિયા કોંધ આદિવાસીઓ માટે નિયમગિરિ એમનું જીવન છે. એમની જીવનશૈલી શહેરી માણસો કરતાં જુદી છે. એમનો પ્રકૃતિ પ્રત્યેનો અભિગમ પણ આત્મીયતાથી ભરેલો છે. હાલમાં કલ્પવૃક્ષ સંસ્થાએ નિયમગિરિમાં ડોંગરિયા કોંધ આદિવાસીઓનાં ગામોની મુલાકાત લઈને જુલાઈ મહિનામાં એમનો અહેવાલ (કલ્પવૃક્ષ) પ્રકાશિત કર્યો છે. અહીં એમાંથી કેટલીક વિગતો સંક્ષેપમાં જોઈએ.

નિયમગિરિ પર્વતમાળા ઑડિશાના રાયગડા અને કાલાહાંડી જિલ્લાઓના ૨૫૦ વર્ગ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. એમાં પાનખરનાં જંગલો અને લુપ્ત થવાને આરે પહોંચેલી વનસ્પતીઓનો વિપુલ ભંડાર છે. વંશધારા અને નાગાવલી નદીઓ અહીંથી નીકળે છે અને ઑગસ્ટ ૨૦૦૪માં એ જંગલને હાથીઓનું અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. કોંધ આદિવાસીઓ ઓડિશા અને આંધ્રમાં પણ છે. અને કોંધનો ‘કો’ તેલુગુનો શબ્દ છે અને એનો અર્થ ‘પહાડ’ છે. આમ કોંધ આદિવાસીઓને પહાડ સાથે સીધો સંબંધ છે. એમના જીવનનું સંપૂર્ણ નિયંત્રણ નિયમરાજા કરે છે. એમનું માનવું છે કે નિયમરાજાના કાયદા પ્રમાણે જ એમણે જીવવાનું છે. એણે જે આપ્યું તે ખાવાનું, એ જ્યાં કહે ત્યાં રહેવાનું. નિયમરાજા ઉપરાંત ‘ધરણી પેનુ’ (ધરણી માતા) એમની મહત્ત્વની દેવી છે.

ઑડિશા સરકારે વેદાંતા સાથે બૉક્સાઇટના ખોદકામ માટે કરાર કર્યા અને વેદાંતાએ ત્યાં કામ શરૂ કર્યું ત્યારે ત્યાંના લોકોને ખબર પડી. એમણે આંદોલન શરૂ કર્યું. એમના પાલનહાર અને સંરક્ષક નિયમરાજા અને ધરણી માતા બન્ને સામે મૂડીવાદી વિકાસે લડાઈ શરૂ કરી હતી. નિયમગિરિ એમની પિછાણ છે. ડોંગરિયા કોંધને મન બધાં પ્રાકૃતિક રૂપો, પહાડ, ખડક, પથ્થર, પાણી બધામાં આત્મા છે. આમ એમનું જીવન પ્રકૃતિને જરા પણ ઘસરકો ન આવે તેવી મર્યાદા સાથે વીતે છે. વીસ જાતની મકાઈ, દાળો, તેલીબિયાં, વાંસ એમના પાક છે. એમને બૉક્સાઇટ ખોદીને પૈસા કમાવાની જરૂર નથી લાગતી.

૨૦૧૩ના ઍપ્રિલમાં સુપ્રીમ કોર્ટે આદિવાસીઓની તરફેણમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો અને વન અધિકાર અધિનિયમ (FRA)ની જોગવાઈઓનું સમર્થન કર્યું અને તે સાથે જ કહ્યું કે ડોંગરિયા કોંધ સમાજના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારોનો મુદ્દો પહેલાં કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો નહોતો. એણે સરકારને કોંધ સમુદાય પાસે પાછા જવાનો આદેશ આપ્યો. આના પછી ૧૨ ગ્રામસભાઓની મીટિંગો મળી તેમાં બૉક્સાઇટના ખાણકામની દરખાસ્તને નકારવામાં આવી.

ડોંગરિયા કોંધ વિકાસના વિરોધી છે?

આનો જવાબ ‘ના’ છે. એમને પ્રકૃતિને નુકસાન ન થાય એવો વિકાસ જોઈએ છે. ઘરો અને ગલીઓમાં કેરોસીનના દીવા કરવા પડે છે તે તેઓ બંધ કરવા માગે છે પણ પરંપરાગત વીજળી એમને જોઈતી નથી. એમનું કહેવું છે કે નિયમગિરિમાં સૌર વીજળી જ ચાલે તેમ છે કારણ કે વીજળીના હાઇ ટેન્શન વાયરો જંગલોને નુકસાન કરશે. ડામરની સડકોનો પણ એ લોકો વિરોધ કરે છેઃ “સરકાર શા માટે અમારે ગળે સડકો પધરાવવા માગે છે? અમારી પાસે મોટરો તો છે નહીં. અમારા બે પગ એ જ અમારું બે પૈડાંનું વાહન છે.” એમની દલીલ છે કે આ રસ્તાઓ જંગલોનો વિનાશ કરશે કારણ કે એના પરથી શહેરી કોંટ્રૅક્ટરોની ટ્રકો દોડશે.

પરંતુ એમને વિકાસ અને બજારે એમની મરજી વિરુદ્ધ ઘેરી લીધા છે. હવે એમને પૈસાની વધારે જરૂર લાગે છે, કારણ કે હવે યુવાનોને શહેરી સંસ્કૃતિ અને સુવિધાઓ આકર્ષવા લાગી છે. છોકરાઓ પહેલાં કુહાડી ખભે લીધા વિના બહાર નહોતા નીકળતા, હવે કુહાડીઓ અદૃશ્ય થવા લાગી છે. કુહાડી ડોંગરિયા કોંધની ઓળખાણ હતી. ખેતીમાં પણ રોકડિયા પાકો વધારે લેવાવા લાગ્યા છે. આથી ખાદ્ય પાકો ઘટવા લાગ્યા છે, આથી સ્વાશ્રયી કોંધોને બજાર ભણી મીટ માંડવી પડે છે.

લગ્નોમાં પણ પહેલાં છોકરો છોકરીના બાપના ખેતરમાં કામ કરે એ શરતે લગ્નો થતાં, હવે એવી પરંપરાગત શરતોનું સ્થાન કિંમતી સામાને લઈ લીધું છે. એટલું જ નહીં, હવે વહેણ બદલાયું છે. કન્યા પક્ષ હવે વર પક્ષને દહેજ આપવા લાગ્યો છે. બહારના સસ્તા દારુનું દૂષણ પણ વધ્યું છે. બીજી બાજુ જડીબૂટીઓનું જ્ઞાન ઓસરાવા લાગ્યું છે. બીજી બાજુ લાંજીગઢમાં વેદાંતાની બૉક્સાઇટ રિફાઇનરીનો ધુમાડો નિયમરાજાના નિર્મળ પ્રદેશમાં પ્રદૂષણ ફેલાવા લાગ્યો છે.

૦-૦-૦

ઘણા સવાલો અહીં ગુંચવાયા છે. એક વાત નક્કી. બોલીવિયા હોય કે ઈક્વેડોર. બધે નિયમગિરિ જ છે. પ્રકૃતિનાં સંતાનો દુઃખી છે અને આપણી ચિંતા ઔદ્યોગિક વિકાસને માર્ગે GDP વધારતા જઈને આર્થિક મહાસત્તા બનવાની છે.

અહીં ધર્મ અને અંધશ્રદ્ધાના વિરોધીઓ પણ ડોંગરિયા કોંધ આદિવાસીઓની માન્યતાઓને અંધશ્રદ્ધા ગણાવીને હસી કાઢશે. વિકાસવાદીઓ પૂછશે કે આટલું બૉક્સાઇટ ઉપયોગ વિના જમીનમાં પડ્યું રહે એ તો આપઘાત છે, આદિવાસીઓની આવી મૂર્ખતાભરી માન્યતાઓની પરવા કેમ કરાય?

પરંતુ લોકોની જીવનશૈલીનો નાશ કરીને, અનર્ગળ કાર્બન પેદા કરીને આપણે કયો વિકાસ સાધીએ છીએ? આ પણ આજનો યક્ષપ્રશ્ન છે. એનો જવાબ કોણ આપશે? પ્રકૃતિને વ્યક્તિનો દરજ્જો આપીએ અને એના અધિકારોનું ઉલ્લંઘન ન થતું હોય તેવા વિકાસની રાહ પકડીએ તેમાં જ કદાચ એનો જવાબ રહેલો છે. બનવાજોગ છે કે એ રસ્તો ન લેવાથી કદાચ પ્રકૃતિ ક્રોધે ભરાઈને આપણો જીવવાનો અધિકાર છીનવી લે. વેળાસર ચેતીએ તો સારું.

૦-૦-૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: