Half way with Gandhiji

બીજી ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ગુજરાતના ગાંધીવાદી ચિંતક અને નિરીક્ષકના તંત્રી પ્રકાશભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાળાનો આ વર્ષનો વિષય હતોઃ “ગાંધી આજ સે આગે”. એમનું ભાષણ તો બહુ મનનીય રહ્યું; અહીં એના પર નુકતેચીની કરવાનો વિચાર નથી. પરંતુ ભાષણ ચાલતું હતું ત્યારે, અને તે પછી મગજમાં એના પડઘા રૂપે જે વિચારો પેદા થયા તેની જ નોંધ લેવી છે.

ગાંધીજીના જવા પછી એક સવાલ અવારનવાર પુછાતો રહ્યો છેઃ “આજે ગાંધીજી હોત તો?” ગાંધીજીના જીવનકાર્યની સાર્થકતા આ સવાલમાં છે. સત્ય એ છે કે આ બીજી ઑક્ટોબરે ગાંધીજીની ૧૪૮મી જન્મ જયંતી હતી. એટલે એ જ ગાંધીજી આજે ન જ હોય. એમણે ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા જાહેર કરી હતી એટલે એ ઇચ્છા ફળીભૂત થઈ હોત તો પણ આજથી ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૪માં એમણે વિદાય લઈ લીધી હોત. એવું કયું કામ અધૂરું રહી ગયું કે જે ગાંધીજીએ જીવતા રહીને પૂરું કરવાનું હતું? અથવા તો એમણે આપણી વચ્ચે હોવું જ જોઈએ, એમ માનવાનો આપણો અધિકાર કેટલો?

અહીં મને ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદ યાદ આવે છે. એમનો જવાનો સમય થયો ત્યારે એમણે જાહેર કરી દીધું કે મેં તમારા માટે ધર્મને પરિપૂર્ણ બનાવી દીધો છે; હવે બીજો કોઈ પયગંબર નહીં આવે. એટલે કે મહંમદ છેલ્લા પયગંબર હતા. જો કે આજે પણ એ વિવાદનો વિષય છે કે “છેલ્લા”નો અર્થ શો? એમના સમય સુધી થઈ ગયેલા બધા પયગંબરોમાં છેલ્લા કે એમના સાથે પયગંબર પરંપરાનો જ અંત આવે છે? આ ધાર્મિક વાદવિવાદમાં મારે નથી પડવું; હું અહીં એટલા માટે યાદ કરું છું કે એમનો સંદેશ સ્પષ્ટ હતો કે હવે એમના બધા અનુયાયીઓએ પોતાની રીતે ધર્મનું પાલન કરવાનું છે. આ રીતે મહંમદ સાહેબ દરેક અનુયાયીને સારી રીતે જીવવાની જવાબદારી સોંપતા ગયા કે એમણે કોઈ દૈવી મદદની કે નવા માર્ગદર્શનની આશા રાખવાની નથી, જાતે જ જીવવાનું છે.

આપણે શા માટે ઇચ્છતા હોઈએ છીએ કે કોઈ એક માણસ આવે અને આપણને સતત દોરતો રહે? ગાંધીજીએ જેટલું કર્યું તે ઘણું છે, તે પછી પણ એ રસ્તે ગાંધીજી હોય તો જ આપણે ચાલીએ, એ વળી કેવું?

એક સામાન્ય માણસની જેમ ગાંધીજીનું જીવન શરૂ થયું હતું. “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી” જેવું તો એમના જીવનમાં કંઈ જ નહોતું. લંડન ભણવા ગયા તો ત્યાં પણ બહુ ઓછાબોલા, શરમાળ જ રહ્યા. વેજીટેરિયન સોસાઇટીમાં બોલવાના હતા. શરૂઆત એક રમૂજથી કરવી એમ નક્કી કર્યું હતું પણ ઊભા થયા અને લખેલું ભાષણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવા નર્વસ થઈ ગયા કે લખેલું વંચાય જ નહીં! અંતે બીજા કોઈએ એમનું ભાષણ વાંચી સંભળાવ્યું.

આવો જુવાનિયો દક્ષિણ આફ્રિકા પહોંચે છે, ત્યાં ટ્રેનની મુસાફરી દરમિયાન એને સામાન સહિત બહાર ધક્કો મારી દે છે. આપણી સાથે આવું બન્યું હોય તો આખી રાત પ્લેટફૉર્મ પર ટાઢે થરથરતાં આપણા મનમાં શું વિચારો આવે? એ બધા જ વિચાર એમને પણ આવ્યા, પરંતુ છેલ્લે જે વિચાર આવ્યો તે ટકી ગયોઃ પાછા તો જવાય જ નહીં અને આ માત્ર એમનું અપમાન નહોતું, દક્ષિણ આફ્રિકાના શાસકોની નીતિનું પરિણામ હતું. પોતાના વ્યક્તિગત અપમાનને એમણે સાર્વત્રિક બનાવી દીધું.પછી જે સંઘર્ષ શરૂ થયો તે, આમ તો માત્ર મધ્યમવર્ગીય હિન્દીઓ માટે હતો પણ સંઘર્ષ દરમિયાન જ એમને ગિરમીટિયાઓનો પરિચય થયો અને એમનો સંઘર્ષ વિસ્તર્યો, એટલું જ નહીં પણ એમનો દૃષ્ટિકોણ પણ વિસ્તર્યો. આ પહેલાં આફ્રિકાના મૂળ વતનીઓ માટે એમને કંઈ બહુ આદર નહોતો પણ સંઘર્ષ દરમિયાન દૃષ્ટિકોણનો વિસ્તાર થતાં આફ્રિકાની કાળી પ્રજા માટે પણ એમના મનમાં જગ્યા બની. આમ ગાંધી સતત વિકસતા રહ્યા. બ્રિટીશ સામ્રાજ્યના વફાદાર નાગરિકમાંથી એ ‘રાજદ્રોહી’ બની ગયા અને જ્યારે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે કબૂલ્યું કે એ પોતે સામ્રાજ્ય પ્રત્યે ભક્તિભાવથી જોતા હતા પણ વર્ષોના નિરીક્ષણ પછી એમને એ શાસન આસુરી શાસન લાગવા માંડ્યું હતું. આ શાસનના પતન માટે કામ કરવું તે સત્તાની નજરે ભલે રાજદ્રોહ હોય, એમની નજરે ધર્મકાર્ય હતું. કેટલું મોટું પરિવર્તન?

સત્ય અને અહિંસા તો વ્યક્તિગત રીતે સ્વાભાવિક મનાય પણ રાજકીય ક્ષેત્રે તો એનો ઉપયોગ કોઈએ કર્યો નહોતો. પરંતુ શું અહિંસા એમનો મુખ્ય સંદેશ છે? મને લાગે છે કે, અહિંસા એમનો મુખ્ય સંદેશ નથી. ગાંધીજીનો મૂળ સંદેશ જનતાને સંગઠિત કરીને અન્યાય સામે લડવાનો છે. જનતાની શક્તિ જાગે તો શસ્ત્રોની જરૂર પણ ન પડે. ફિલિપીન્સમાં રાષ્ટ્રપતિ ફર્ડીનાંડ માર્કોસ અને એમની પત્ની ઇમેલ્ડા માર્કોસના અત્યાચારી આપખુદ શાસન સામે જનતાના રોષનું નેતૃત્વ બેનિન્યો અકીનો ‘નિનોય’ સંભાળતા હતા. એમને મોતની સજા કરવામાં આવી હતી પરંતુ તબીયત લથડતાં સરકારે એમને દેશ છોડી જવાની છૂટ આપી. તે પછી એ ગાંધીજી પ્રભાવમાં આવ્યા. રિચર્ડ ઍટનબરોની ‘ગાંધી; ફિલ્મ જોઈને એમણે નક્કી કર્યું કે દેશ માટે શ્રેષ્ઠ ત્યાગ તો પોતાનું બલિદાન આપવાનો છે. એ ફિલિપીન્સ પાછા ફર્યા. વિમાનમાંથી નીકળ્યા કે માર્કોસના સૈનિકોએ એમને ગોળીએ દઈ દીધા.પરંતુ એનાથી તો જનતામાં અદમ્ય વિરોધ જાગ્યો. ફિલિપીન્સના રસ્તા લોકોથી ઊભરાવા લાગ્યા. માર્કોસે એમને દબાવી દેવા માટે ટેંકો મોકલી, પણ લોકો ટેંકોની સામે સૂઈ ગયા. જનતાના આ અહિંસક આંદોલન સામે મહા અત્યાચારી શાસકે નમવું પડ્યું. અને કોરાઝોન અકીનો રાષ્ટ્રપતિ બન્યાં.

ઈજિપ્તના તહેરીર સ્ક્વેર આંદોલનમાં લોકો ગાંધીને યાદ કરતા હતા. બ્રિટનના ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ આંદોલનમાં લોકો ગાંધીજીના ફોટાઓ સાથે બેઠા હતા.

સવાલ એ છે કે બધી જગ્યાએ, જ્યાં પણ જનઆંદોલન હોય છે ત્યાં ગાંધી હાજર હોય છે.

એમણે જનઆંદોલનનો અહિંસક માર્ગ દેખાડીને આપણને અડધે રસ્તે લાવી મૂક્યા. બાકીનો અડધો રસ્તો તો આપણે પોતે જ પાર કરવાનો રહે છે. ગાંધીજી આજે પણ હયાત છે. આપણે જોઈ શકતા નથી એ એમનો વાંક નથી. ગાંધી આજ સે આગે છે કે નહીં તે પ્રશ્ન અસ્થાને છે. ખરો પ્રશ્ન એ છે કે આપણે ગાંધીને ‘આજ સે આગે’ જવા દેવા માગીએ છીએ કે કેમ.

૦-૦-૦

6 thoughts on “Half way with Gandhiji”

  1. આપની વાત સાચી, દીપકભાઈ! ગાંધીજી આજે પણ હયાત છે. ગાંધીજીનું જીવન એક શાશ્વત સંદેશ છે. ગાંધી એક વિચારધારા છે. તેનું સાચું અર્થઘટન આપણે કરવાનું છે. બે-ચાર ઘટના કે બે-પાંચ નિર્ણયોથી તેમને મૂલવવાવાળા વિરોધીઓ આજ કાલ ખૂબ નીકળી પડ્યા છે. મેં આ સંદર્ભે ગાંધીજી વિષે વિસ્તૃત કોમેંટ ગઈ કાલે મારા મિત્ર જુગલભાઈના નેટગુર્જરી પર લખી છે. ગાંધી વિચારધારાને પૂરી સમજવા વર્ષોનો અભ્યાસ પણ ઓછો પડે! તે જ બતાવે છે કે ગાંધીજી આજે પણ હયાત છે.
    આપનો સુંદર લેખ. અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: