The Cow and the calf return……

આજે રજૂ કરું છું એક પ્રેરક કથા. The Hindu અખબારના ૧૬ ઑગસ્ટ ૨૦૧૬ના અંકમાં પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટાનો એક લેખ પ્રકાશિત થયો છે.

પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટાલેખક પોતે સૈદ્ધાંતિક ભૌતિક્શાસ્ત્રી છે. આંધ્રપ્રદેશનું વિજયવાડા એમનું જન્મસ્થાન છે પણ હવે ચેન્નઇમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર શીખવે છે. એમને સાહિત્યમાં પણ ઘણો રસ છે અને The Hindu, One Sentence Poems, Right Hand Pointing, Shot Glass Journal, The Triggerfish Critical Review, The Backlash Journal વગેરેમાં એમની સાહિત્યિક ગદ્યપદ્ય રચનાઓ પ્રકાશિત થતી રહે છે.

મેં એમને વિનંતિ કરીને અનુવાદની પરવાનગી માગી અને એમણે તરત સંમતિ આપી દીધી. પરંતુ અહીં જે પ્રસ્તુત છે તે અનુવાદ નથી પણ એ લેખના આધારે મેં કરેલી રજૂઆત છે. મૂળ લેખની ભાવના સાથે અન્યાય ન થાય તેની મેં બને તેટલી કાળજી લીધી છે પરંતુ કોઈ ખામી રહી ગઈ હોય તો તેના માટે હું પોતે જ જવાબદાર હોઈશ. (અહીં) ક્લિક કરવાથી મૂળ લેખ અંગ્રેજીમાં વાંચી શકાશે.

દી.ધો.

(મૂળ કથાઃ

એક હતી ગાય. એ પુણ્યકોટિ ગાય હતી. એને એક વાછરડું હતું. મા દરરોજ સવારે જંગલમાં ચરવા જતી ત્યારે વાછરડાને એકલું મૂકીને જતી અને સાંજે પાછી આવીને ધવડાવતી. એક વાર ગાય પાછી ફરતી હતી ત્યારે રસ્તામાં એને વાઘ મળ્યો. વાઘ કહે, “તને ખાઉં”. પુણ્યકોટિ ચિંતામાં પડી ગઈ. “અરરર…આ મને છોડશે નહીં અને ખાઈ જશે તો મારા બચ્ચાનું શું?” એણે વાઘને કહ્યું કે, “ભલે તું મને ખાઈને તારું પેટ ભરે, પણ મને એક વાર ઘરે જઈ આવવા દે, મારું બચ્ચું ભૂખ્યું હશે એને પેટ ભરાવીને પાછી આવીશ, પછી તું મને ખાઈ લેજે.” વાઘને મનમાં થયું તો ખરું કે શિકાર હાથમાંથી છૂટી જશે, તો પણ એને લાગ્યું કે ચાલો વિશ્વાસ રાખીએ. કદાચ પાછી આવે પણ ખરી. એણે ગાયને જવા દીધી.

પુણ્યકોટિ ઘરે પહોંચી. એને જોઈને બિચારું વાછરડું હર્ષથી ઉછળવા લાગ્યું અને ચસચસ ધાવવા લાગ્યું. એ ધરાઈ ગયું ત્યારે ગાયે એના માથાને ચાટતાં વાઘની વાત કરી. મા ચાલી જશે તે જાણીને બચ્ચું રડવા લાગ્યું અને બોલ્યું, ”મા, તારા વિના હું શું કરીશ? એના કરતાં તો હું પણ તારી સાથે આવું છું. ભલે ને, વાઘ મને પણ ખાઈ જાય.” પુણ્યકોટિને લાગ્યું કે બચ્ચાની વાત બરાબર છે.

બન્ને જંગલમાં પહોંચ્યાં ત્યારે વાઘ રાહ જોતો હતો. મા-દીકરાને જોઈને એને આશ્ચર્ય થયું કોઈ શિકાર પાછો કેમ આવે? એણે ગાયને કહ્યું તું વચનપાલનમાં બહુ પાકી છે. હું બહુ પ્રભાવિત થયો છું. તમારા જેવાં પ્રાણીઓ તો અમારું ભોજન છે એટલે તમને મારીને અમને પાપ ન લાગે, પણ તને મારીશ તો મને જરૂર પાપ લાગશે. એ ઊઠીને ચાલ્યો ગયો. પુણ્યકોટિ દીકરા સાથે ઘેર પાછી ફરી.)

વાર્તા અહીં પૂરી થાય છે પણ જેમને આવો અનુભવ થયો હોય તે ઘરે જઈને પણ એના વિશે વાત ન કરે? એ તો બને જ નહીં. અહીંથી વાર્તા આગળ વધે છે…

Cow goes back to the tiger with her calf
(ચિત્રઃ કેશવ)
૦-૦-૦

પુણ્યકોટિ અને એનો દીકરો બન્ને સ્તબ્ધ હતાં મોતના મુખમાંથી પાછાં આવ્યાં હતાં. પુણ્યકોટિ ઊંડા વિચારમાં ડૂબેલી હતી. દીકરાના પ્રશ્ને એને ઢંઢોળી.

“મા, વાઘ પણ જંગલમાં આપણા જેમ ઘાસ કેમ ન ચરી શકે?”

“દીકરા, ભાગવાનની એવી મરજી હોત તો એને વાઘને તીણા નહોર અને ધારદાર દાંત ન આપ્યા હોત. જો ને, ભગવાને આપણને એવાં બનાવ્યાં છે કે આપણે પ્રાણીઓને મારી કે ખાઈ ન શકીએ.”

“પણ મા, તોય એક ફેર છે,” દીકરાએ દલીલ કરી, “વાઘ તો જીવતાં પ્રાણીઓને ખાય છે, આપણે કંઈ એમ નથી કરતાં.”

“ના. આપણા અને વાઘ વચ્ચે કંઈ ફેર નથી. આપણે ઘાસપાંદડાં ખાતાં હોઈએ છીએ ત્યારે એમનેય દુઃખ થતું હશે, કોને ખબર?

પણ દીકરાને સંતોષ નહોતો. એણે કહ્યું, “ તો પણ, આપણે ક્યાં ઘાસની હત્યા કરીએ છીએ?”

“એવું નથી. આપણે પણ વનસ્પતીને મારીએ જ છીએ. અંતર એટલું કે એ પોતાનો બચાવ નથી કરી શકતી. ધાર કે એ પણ બચવા માટે ભાગવા લાગે તો આપણે પણ એને જેમ તેમ કરીને પકડીને પેટમાં પધરાવશું! એની જરાય દયા નહીં ખાઈએ.” પુણ્યકોટિએ આગળ ચલાવ્યું, “અને આમ જોવા જઈએ તો આપણને તો આપણું ભોજન જરા સહેલાઈથી મળી જાય છે; વાઘને જૂઓ, બિચારાને કેટલી મહેનત કરવી પડે છે. વળી, એનાંય બચ્ચાં હોય છે, એમને શું ખવડાવે?,

દીકરો હજીયે મચક આપવા તૈયાર નહોતો. “પણ ઝરખ જેવાં પ્રાણી શા માટે માંસ ખાય? એ તો કોઈને મારવાની મહેનત નથી કરતાં.

“ અરે મારા દીકરા, ઝરખ તો જે કામ કરે છે તે કરવા તો કોઈ તૈયાર નથી થતું. કોઈ ખવાઈ ગયેલું, કોહવાતું પ્રાણી પડ્યું હોય તેની સફાઈ કોણ કરે. બહુ સૂગ ચડે એવું પણ બહુ ઉમદા કામ તો ઝરખ કરે છે.આપણે પોતે જે કામ ન કરતા હોઈએ તેની કદર પણ કરી શકીએ અને એ કામ કરનારા તરફ તિરસ્કારથી જોતા હોઈએ છીએ. ઝરખ ખેતરમાં ઘુસે તો માણસ એના તરફ ચીડથી જૂએ છે અને એની જીવતાં ખાલ ઊતારવા તૈયાર થઈ જાય છે.”

“પણ બધાં પ્રાણી શાકાહારી હોત તો કેવું સારું થાત. જીવન કેવું શાંતિથી વીતતું હોત !” દીકરાએ તર્ક લડાવ્યો.

મા જાણે આના માટે તૈયાર હતી. “બધાં પ્રાણી વનસ્પતી પર જીવતાં હોત તો થોડા જ વખતમાં આપણે આખી વનસ્પતી સૃષ્ટિ ચટ કરી નાખી હોત. કોઈનેય ખાવાનું ન મળતું હોત. અને કોણે શું ખાવું અને શું ન ખાવું તે કહેનાર આપણે કોણ?”

“પણ શાસ્ત્રોમાં કહ્યું છે ને કે આપણે પવિત્ર છીએ?” દીકરાએ નવી દલીલ કરી.

“ દીકરા મારા. પવિત્રતાથી મોટો કોઈ ભાર નથી. આપણે જન્મથી પવિત્ર નહોતાં. એ બિરુદ મળે તેવું આપણે કશું કર્યું પણ નથી. માણસે આપણા રૂપ અને સ્વભાવને જોયાં. આપણો દેખાવ જ એવો છે કે જાણે આપણે બધાંથી અલિપ્ત છીએ. જાણે બીજા લોકનાં. આપણે કોઈને નુકસાન પણ પહોંચાડવા નથી માગતાં. આ જોઈને માણસે પોતાના સ્વાર્થ માટે આપણા પર પવિત્રતા ઠોકી બેસાડી છે.”

૦-૦-૦

“પણ મા, તું જતી નહીં. અમે તને બહુ પ્રેમ કરીએ છીએ.” “ નહીં જાઉં, મારાં બાળુડાંઓ. પણ એટલું યાદ રાખજો કે જે જાયું(જન્મ્યું) તે જાય. વાઘ ખાઈ જાય તો તે કુદરતની વ્યવસ્થા છે. વાઘ આપણા પર નભે છે. આપણે વનસ્પતી પર. વનસ્પતી જમીન પર. જમીન વરસાદ પર. વરસાદ વાદળાં પર. અને વાદળાં નદી પર નભે છે. આ નદીઓ આપણાં જંગલો પર નભે છે…

“પણ વાઘ અને ઝરખ જંગલમાંથી બહાર ન આવે તો? ગામમાં આવીને માણસને શા માટે મારે છે”

“એ આપણો શિકાર કરે છે, કારણ કે એમનાં જંગલોનો પણ કોઈ શિકાર કરે છે…”

“જંગલનો શિકાર? કોણ કરે છે?

“માણસ…એ જ માણસે આપણાને પવિત્રતા ઓઢાડી છે. હું આજે છું, કાલે નહીં હોઉં, પણ આ માણસથી ચેતીને રહેજો…!

૦-૦-૦

(ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે લેખક પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટા પોતે શાકાહારી છે!)

૦=૦૦=૦

One thought on “The Cow and the calf return……”

  1. બહુ સુંદર બોધકથા છે અને વાત પણ સાચી છે, હું પોતે શાકાહારી છું, પણ, જો આખી દુનીયાના બધાજ મનુષ્યો અને પ્રાણીઓ જો માત્ર શાકાહારીજ હોત તો આખી પથ્વીનું શાક-પાંદડું-અનાજ વગેરે બધું કયારનું ખલાસ-ખતમ થઈ ગયું હોત…એટલે, ભગવાનને માનો કે ન માનો, પણ ભગવાને બેલેન્સ બરાબર રાખ્યું છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: