Morality, God and Religion

આમ તો આ લેખ શ્રી સુબોધભાઈ શાહનાભૂતકાળનું ભૂતના અનુસંધાનમાં મૂકવો હતો પણ તાત્કાલિક બીજા વિષયો આવતા ગયા એટલે રહી ગયો. સીધી રીતે તો બન્ને લેખો વચ્ચે સંબધ નથી, પરંતુ બન્ને લેખોને સગોત્ર ગણાવી શકાય, ભલે ને સ્વભાવમાં ફેર હોય ! સુબોધભાઈનો સાત્ત્વિક આક્રોશ આપણા પર, ખાસ કરીને હિન્દુ સમાજ પર (અને સર્વસામાન્ય રીતે બધા ધાર્મિક લોકો પર) છે અને એમનું કહેવું છે કે આપણો દેશ ભારત એના કારણે પાછળ રહી ગયો છે. મને થયું કે આપણે ધર્મ શું છે તે જ સમજવાનો પ્રયાસ કરીએ. હું આ વિષયનો વિદ્વાન નથી પણ આમાંથી વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ થાય તો સારું લાગશે.

બધા કહે છે કે ધર્મ આપણને નીતિના માર્ગે ચાલવાનું શીખવે છે. પરંતુ ધર્મમાં તો ક્રિયાકાંડો પણ છે ! એમાં તો કંઈ નીતિ પર ચાલવા કે ન ચાલવાનો સવાલ જ નથી. નીતિ અને કર્મકાંડ અલગ વસ્તુઓ છે. વળી આ કર્મકાંડ પણ ઈશ્વરને અનુલક્ષીને હોય છે. બીજી બાજુ આપણે એમ પણ માનીએ છીએ કે ઈશ્વર તો સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વાંતર્યામી છે. આવા ઈશ્વરને આપણે પ્રસન્ન કરીએ તેની જરૂર શી હોય?

આમ નૈતિકતા, ઈશ્વર અને ધર્મ, ત્રણેય એકબીજાં સાથે જોડાયેલાં હોવા છતાં જરા વિચારતાં કોઈ ખૂટતી કડીનો આભાસ મળે છે. આમ કેમ? આથી આપણે નૈતિકતા, ઈશ્વર અને ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં મારા વિચાર રજૂ કરું છું. મને લાગે છે કે નૈતિકતા, ઈશ્વર અને ધર્મ માનવજીવનના ત્રણ જુદા જુદા સંયોગો અને સ્રોતોમાંથી આવે છે.

નૈતિકતા

નૈતિકતા વ્યક્તિગત નથી હોતી. એક માણસ એક ટાપુ પર એકલો જ હોય તો એના માટે નૈતિકતાનો અર્થ જ નથી. એ આખો વખત નગ્ન હાલતમાં ફર્યા કરે તો પણ એને કોઈ રોકનાર નથી કે એના પર હસનાર પણ નથી. શહેરમાં એ એમ ન ફરી શકે. એટલે નૈતિકતા હંમેશાં સમાજમાં આપણે કઈ રીતે રહેશું તેના નિયમ છે. જે વસ્તુ બીજાની હોય તે એને પૂછ્યા વગર લઈએ તે ચોરી કહેવાય. એ નૈતિકતા છે. પરંતુ અહીં બીજાનું અસ્તિત્વ અભિપ્રેત છે. પોતાની વસ્તુ તો કોઈ ચોરી જ ન શકે! એટલે નૈતિકતા સામાજિક બની રહે છે.

આનું કારણ શું? બધાં પ્રાણીઓમાં મનુષ્ય એટલો શક્તિશાળી નથી કે એ એકલે હાથે પોતાને બચાવી શક્યો હોત. આથી માણસે સમુદાયમાં રહેવાનો માર્ગ લીધો. માત્ર માણસ જ નહીં, ઘણાં નાના કદનાં શિકારી પ્રાણીઓ, જેમ કે જંગલી કૂતરા, સમૂહમાં રહે છે. માણસ માટે એ બચવાનો ઉપાય છે તો જંગલી કૂતરાઓ માટે ભોજન શોધવાનો.

માણસે સમુદાયમાં રહેવાના નિયમો ઘડી કાઢ્યા. સમુદાયમાં બીજા સભ્યનું નુકસાન ન થાય એમ રહેવું. માણસ માણસને ખાશે નહીં, મારશે નહીં, એકબીજાનો બચાવ કરશે એ બધા નિયમ બન્યા. પહેલાં કબીલાઓ હતા ત્યારે પણ કબીલો જાણે એક સામૂહિક વ્યક્તિ હોય તેમ રહેતો. આવું ન કરે તો માણસ પોતાના જનિન બીજી પેઢીમાં પહોંચાડી જ ન શકે.

આમ આ નૈતિક નિયમો આપણી જૈવિક જરૂરિયાત છે. એકબીજા સાથે હળીમળીને, સહકારથી રહેવું એ આપણી બાયોલૉજિકલ જરૂરિયાત છે. આમ બધાં યુદ્ધો, રમખાણો, હત્યાઓ અને હિંસાચાર માણસની પ્રકૃતિદત્ત આવશ્યકતાની વિરુદ્ધ છે. આ વાત ધર્મ કે ઈશ્વરની કલ્પનાથી પણ પહેલાં આપણે સમજ્યા. આમ ધર્મમાં જે નૈતિકતાનું પાસું દેખાય છે તે ધર્મે આપણી જૈવિક જરૂરિયાતને આત્મસાત્‍ કરી લીધી તેને કારણે છે. આમ નૈતિકતા ધર્મથી પણ પહેલાં આવે છે.

ઈશ્વર

ઈશ્વરની કલ્પના માણસના અસ્તિત્વ જેટલી જ જૂની હોઈ શકે છે. આપણે નિએન્ડરથલની વાત નથી કરતા, હોમોસૅપિઅન્સની વાત કરીએ છીએ. તે પણ એના વિકાસના પાછળના તબક્કામાં, ૪૦-૫૦ હજાર વર્ષનો સમયગાળો માની લઈએ, જ્યારે કંઈક વ્યવસ્થાનાં લક્ષણો દેખાય છે. એ સમય પછી ગુફા-ચિત્રો, મૃતદેહને જમીનમાં દાટવાની રીતમાં સુધારો વગેરે જોવા મળે છે. આ સમય દરમિયાન માણસને પ્રકૃતિની શક્તિની પ્રતીતિ થઈ હશે. એવું નથી કે એ પ્રકૃતિની સંહારક શક્તિ જ જોઈ શક્યો. એનું ઉપકારક રૂપ પણ સમજાયું હશે. જૈવિક રીતે તો એ નબળો હતો જ; એટલે કંઈક વધારે શક્તિશાળી તત્ત્વ અસ્તિત્વમાં હોવાનો ખ્યાલ વિકસ્યો હશે.

આ સ્રોત નૈતિકતાના જૈવિક સ્રોતથી જુદો પડે છે. ઈશ્વરની આ અવધારણાનો આધાર માણસની નૈતિકતા નથી, એનાથી એ સ્વતંત્ર છે.

પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઈશ્વરની અવધારણા દરેક યુગમાં બદલાતી રહી છે. ઋગ્વેદના ઋષિઓના પૂર્વજોના મિત્ર તરીકે એમની સાથે સોમરસ પીનારો ઇન્દ્ર ખુદ ઋગ્વેદના ઋષિઓ માટે દૂરનો દેવતા છે અને માત્ર અગ્નિ એમનો મુખ્ય દેવતા છે, જે એમના હવિ ઇન્દ્ર અને બીજા દેવતાઓ સુધી પહોંચાડે છે. ઉપનિષદોના કાળમાં અમૂર્ત તત્ત્વની કલ્પના વિકસી. તે સાથે જ વેદ પરંપરાની જ યજ્ઞાદિ ક્રિયાઓ પણ પૂર્વમિમાંસા તરીકે પુનઃસ્થાપિત થઈ.

તે ઉપરાંત લૌકિક ઈશ્વરની અવધારણા પણ ટકી રહી. ખરેખર તો આ જ ઈશ્વર આજ સુધી ટક્યો છે. એમાંથી અવતારોની વિભાવનાનો વિકાસ થયો. ફરીથી વેદોનો મૂર્ત દેવતા અંગત મદદગાર ઈશ્વર તરીકે સ્થાપિત થયો. પણ એ નવા દેવતાઓ છે, ઇન્દ્ર વગેરે નહીં. આજે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ ત્યારે આ મદદગાર ઈશ્વરને જ યાદ કરીએ છીએ. સર્વજ્ઞ પણ બિનંગત ઈશ્વર આપણા વ્યક્તિગત કામ માટે કેમ સમય ફાળવી શકે? એનું કામ તો આખા વિશ્વ માટે નિયમો બનાવવાનું છે. એ નિયમો બનાવીને એ તો નિઃસ્પૃહ બનીને બહાર નીકળી ગયો. એટલે માણસને કોઈ આધાર જોઈએ. એ આધાર અંગત ઈશ્વર જ આપી શકે. આમ આજે આપણે એક સર્વવ્યાપક ઈશ્વરમાં પણ માનીએ છીએ અને મુશ્કેલીમાં હોઇએ ત્યારે મદદ કરે એવા અંગત મિત્ર જેવા ઈશ્વરમાં પણ માનીએ છીએ. આમ ઈશ્વરની અવધારણા સ્થિર નથી રહી.

ધર્મ

ધર્મના ઉદ્‌ભવનો સ્રોત નૈતિકતા કે ઈશ્વરના સ્રોતથી અલગ છે. એનો જન્મ આમ તો વ્યવહારમાંથી થયો છે. વ્યવહારના પુનરાવર્તનથી પરંપરા બને છે અને એ પરંપરા દૃઢ થતાં એનો ભંગ કરવાનું કઠિન બનતું જાય છે. વ્યવહાર બધા પ્રકારના હોય છે. અહીં ઈશ્વરનો ખ્યાલ ધર્મ સાથે જોડાય છે. ઈશ્વરને પ્રસન્ન રાખવાના પ્રયાસો પણ પરંપરા બની ચૂક્યા હોય છે. ઈશ્વર માટે આદર હોય કે ન હોય, એના પ્રત્યેના આદરની રીતો પરંપરાનું રૂપ લઈ લેતી હોય છે. આ જ તો કર્મકાંડ છે.

હવે નૈતિકતાનો ખ્યાલ ધર્મ સાથે કેમ જોડાય છે તે જોઈએ. ઈશ્વરની અવધારણા એમાં મદદ કરે છે. ઈશ્વર સારાં કામોનું સારું ઇનામ આપે છે. આથી નૈતિક કામો સારાં કામોમાં ગણાય છે. પરિણામે એવો આભાસ થાય છે કે નૈતિકતાનો રસ્તો ધર્મે દેખાડ્યો છે.

આ ત્રણેય અલગ વિભાવનાઓ છેઃ

· નૈતિકતા આપણી જૈવિક જરૂરિયાત છે. જીવન ટકાવી રાખવાની તદ્દન દૈહિક આવશ્યકતામાંથી નૈતિકતાના નિયમો બન્યા છે.

· ઈશ્વર આપણી મર્યાદાઓની પ્રતીતિ છે. જેટલા આપણે નબળા તેટલો જ આપણો અંગત ઈશ્વર સબળ. પરંતુ માણસે માત્ર પ્રકૃતિથી ડરીને નહીં, પ્રકૃતિ પ્રત્યેના અહોભાવથી પણ ઈશ્વરની કલ્પના કરી છે. ઈશ્વર પહેલાં ‘અંગત’ જ હતો, પછી સર્વવ્યાપક થયો અને તેમ છતાં ‘અંગત’ રૂપે પણ રહ્યો.

· ધર્મ રૂઢ થઈ ગયેલા વ્યવહારમાં ઈશ્વરની અવધારણા ભળતાં બનેલા કર્મકાંડોનો સંપુટ છે, જેમાં નૈતિકતાનાં ધોરણો પણ જોડાઈ ગયાં છે.

તો સ્થિતિ એ છે કે ત્રણેય અવધારણાઓ સ્વતંત્ર છે અને આ દરેકને બીજા બે વિના ચાલે તેમ છેઃ

· નીતિમય જીવન ગાળવા માટે ધર્મ કે ઈશ્વરની જરૂર નથી.

· ઈશ્વરની વિભાવના જ એવી છે કે એ ધર્મની ટેકણલાકડી વિના પણ હોઈ શકે છે. એ જ રીતે, ઈશ્વરમાં માનવા માટે નીતિમય જીવનની જરૂર નથી. ચોર-લુંટારા અને ડાકુઓ પણ ભગવાનમાં માનતા હોય છે.

· ધર્મ ઈશ્વર વિના પણ હોઈ શકે છે – જૈન અને બૌદ્ધ ધર્મો નિરીશ્વરવાદી છે. એ પણ ખરું કે ધાર્મિક હોવાનો અર્થ એ નથી કે માણસ નીતિમાન પણ છે.

તમે શું માનો છો?

2 thoughts on “Morality, God and Religion”

  1. Very nice thoughts. Congratulations !
    Even if we do not dig into sciences like Anthropology, this article makes a lot of good sense. For example, just look at the daily events in the world today.
    It is not about this religion or that. In real life, do the religions in general act to support Man? No, they practically harm and kill him. Almost everyday. Thousands killed, millions made refugees.

    Too many big massacres had one or the other religion at the roots. Mankind will survive without religion, it will not survive without some kind of rules of Ethics, as you have explained so well in your inimitable way. Thanks for a good article. —Subodh Shah —

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: