Muslims Against Partition – Shamsul Islam (8)

Muslims Against Partition - Shamsul IslamMuslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના હિન્દુ-મુસ્લિમ પ્રકારો

શમ્સુલ ઇસ્લામના પુસ્તક Muslim Against Pakistanનો સારાંશ રજૂ કરતાં મેં શરૂઆતનાં પ્રકરણ છોડી દીધાં હતાં કારણ કે પુસ્તકનો બાકીનો મૂળ ભાગ એક યા બીજી રીતે એને સ્પર્શવાનો જ હતો. પરંતુ એની થોડી વિશદ છણાવટ જરૂરી છે. વળી, આ પ્રકરણો બાકીના ભાગ કરતાં સૈદ્ધાંતિક સ્વરૂપે સ્વતંત્ર પણ રહી શકે એવાં છે એટલે એ વખતે મેં માત્ર ‘ભાગલા’ પર ધ્યાન આપ્યું હતું.

લેખક કહે છે કે દ્વિરાષ્ટ્રવાદના ઝંડાધારીઓ દાવો કરતા હોય છે કે ધર્મ વ્યક્તિની પ્રાથમિક ઓળખ બાંધી આપે છે. આ વિચાર પ્રમાણે ધાર્મિક ભેદ સ્વાભાવિક, મૂળભૂત અને આદિમ (માણસજાત પેદા થઈ તે પહેલાંના) છે. આમ હિન્દુ અને મુસલમાન (અથવા શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી) વગેરે જે ભારતમાં રહે છે તે બધાં અલગ રાષ્ટ્રો છે. ઘણા વિદ્વાનોએ સમજાવ્યું છે કે રાષ્ટ્રવાદ વિશેની કોઈ પણ ચર્ચામાં અમુક જાતનું સરલીકરણ થયા વગર રહેતું નથી. રાષ્ટ્ર-રાજ્ય (Nation-state) એક કલ્પના-કથા છે. એક રાષ્ટ્ર-રાજ્યમાં સૌની સમાન સંસ્કૃતિ હોય છે એવી એક ધારણા છે. પરંતુ આ ધારણા હંમેશાં ખોટી રહી છે; રાષ્ટ્ર-રાજ્ય માત્ર ઉચ્ચ વર્ગોની જરૂરિયાતોને સંતોષે છે અને સામાન્ય જનસમાજનાં હિતોને ચગદી નાખતું હોય છે. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતમાં અજાયબીની વાત એ છે કે રાષ્ટ્ર્વાદી કપોલકલ્પિત ખ્યાલની વ્યાખ્યા માત્ર ધર્મના આધારે કરવામાં આવે છે.”

મુસ્લિમ દ્વિરાષ્ટ્રવાદ

ભારતમાં રહેતા મુસલમાનો અલગ રાષ્ટ્ર છે, એવા સિદ્ધાંતના વિકાસમાં એક દાયકો લાગ્યો. પહેલા તબક્કામાં એમ પ્રચાર થયો કે મુસલમાનોની રાષ્ટ્રીયતા હિન્દુઓ કરતાં જુદી પડે છે એટલે એમનું શોષણ ન થાય તે માટે અમુક રક્ષણાત્મક વ્યવસ્થા હોવી જોઈએ. બીજા તબક્કામાં એવું શરૂ થયું કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એટલે એમનું અલગ વતન હોવું જોઈએ.

સર મહંમદ ઇકબાલ

સૌથી પહેલાં કવિ અને ફિલોસોફર સર મહંમદ ઇકબાલે મુસ્લિમ દ્વિરાષ્ટ્રવાદનું બ્યૂગલ ફૂંક્યું. ૨૯ ડિસેમ્બર ૧૯૩૦ના રોજ અલ્લાહાબાદમાં ઑલ ઇંડિયા મુસ્લિમ લીગ્ના ૨૫માં અધિવેશનમાં પ્રમુખપદેથી બોલતાં એમણે કહ્યું: “આપણે સાત કરોડ છીએ અને હિન્દુસ્તાનના બીજી કોઈ પ્રજા કરતાં આપણામાં બહુ ઘણી એકરૂપતા છે.. ખરેખર હિન્દુસ્તાનમાં રાષ્ટ્ર શબ્દ એના આધુનિક અર્થમાં કોઈને પણ બરાબર બંધબેસતો થતો હોય તો તે મુસલમાનો છે…આ કારણે હિન્દુસ્તાનમાં મુસ્લિમ હિન્દુસ્તાનની માગણી વાજબી છે.”  એમણે પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાનને ભેળવીને બ્રિટિશ સામ્રાજ્યની અંદર જ એક અલગ રાજ્ય બનાવવાની માગણી કરી.

જો કે ઇકબાલને ખ્યાલ હતો કે મુસલમાનોમાં એકરૂપતા નહોતી. એમણે કહ્યું કે મુસ્લિમ કોમ પોતાની Herd Instinct (જૂથગત વર્તનની સાહજિક વૃત્તિ) ખોતી જાય છે એટલે વ્યક્તિઓ અને જૂથો કોમની સર્વસામાન્ય વિચારધારા અને પ્રવૃત્તિમાં કંઈ પણ પ્રદાન કર્યા વિના પોતાની રીતે કામ કરે છે.

એ યાદ રાખવા જેવું છે કે ઇકબાલે આ ભાષણ કર્યું ત્યારે કોરમ માટે જરૂરી ૭૫ સભ્યો પણ હાજર નહોતા અને આ ‘રણગર્જના’ની કોઈએ નોંધ ન લીધી અને એના પરથી ઠરાવ પણ પસાર ન કર્યો.

સામાન્ય માન્યતા એવી છે કે ઇકબાલના આ ભાષણ સાથે પાકિસ્તાનનો વિચાર જન્મ્યો, પરંતુ એમણે ભાગલા નહોતા માગ્યા. પૂર્વ ભારતના મુસલમાનો વિશે એમણે કંઈ કહ્યું નહીં, તેમ છતાં એ ખરું કે એક એકરંગી હિન્દુસ્તાનમાં ગૃહયુદ્ધ થશે.

રહેમત અલી

મુસ્લિમ રાષ્ટ્રવાદી વિચારને ૧૯૩૩માં નક્કર સ્વરૂપ મળ્યું. કૅમ્બ્રિજના અંડરગ્રેજ્યૂએટ વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૩ના એક પૅમ્ફલેટ ‘Now or Never” બહાર પાડ્યું, એમાં પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, કાશ્મીર, સિંધ અને બલૂચિસ્તાનનું અલગ રાજ્ય બનાવવાની અને એને પાકિસ્તાન નામ આપવાની અપીલ કરી. ઇકબાલની યોજના એ હતી કે એક ફેડરેશનમાં આ પ્રદેશો એક એકમ તરીકે સામેલ થાય. રહેમત અલીની યોજનામાં એમનું અલગ ફેડરેશન બનાવવાનું સૂચન હતું. પછી તો રહેમત અલી પૅમ્ફલેટો બહાર પાડીને બંગિસ્તાન, હૈદરિસ્તાન, ઉસ્માનિસ્તાન, સિદ્દીકિસ્તાન, ફરુકિસ્તાન, માપલિસ્તાન વગેરે અનેક એકમો બનાવવાનું સૂચવતા રહ્યા. એમણે પાકિસ્તાન નૅશનલ મૂવમેન્ટ શરૂ કરી અને ‘પાકિસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું. એમના વિચાર મુજબ ઇસ્લામિક રાજ્યોમાં લઘુમતીઓ હોવી જ ન જોઈએ. રહેમત અલીએ મુસલમાનો અને હિન્દ્દુઓ વચ્ચેના અંતર પર ભાર મૂક્યો. એ દ્દેશભક્ત મુસલમાનોને પસંદ નહોતા કરતા. એમનું કહેવું હતું કે એ લોકો ‘હિન્દુ મૂડીવાદ અને ‘હિન્દુ રાષ્ટ્રવાદ’ના દાસ હતા.

પરંતુ, રહેમત અલીના આ પૅમ્ફલેટને મુખ્ય મુસ્લિમ સંગઠનોએ ‘વિદ્યાર્થીની યોજના’ તરીકે ગણકાર્યું નહીં. ૧૯૪૭માં પંજાબ અને બંગાળના ભાગલા કરીને પાકિસ્તાન બનાવાયું ત્યારે રહેમત અલી નારાજ હતા અને એમણે કહ્યું કે આ ‘જબ્બર વિશ્વાસઘાત’ હતો. પછી એ લંડનથી પાકિસ્તાન ગયા ત્યારે એમનું આવવું કોઈને પસંદ ન પડ્યું. એમની પાછળ પોલીસ ગોઠવવામાં આવી હતી અને અંતે એમને પાછા લંડન જવાની ફરજ પડી, જ્યાં ૧૯૫૧માં એમનું અવસાન થઈ ગયું. કૅમ્બ્રિજમાં ભણતી વખતે એ કયો કોર્સ કરતા હતા કે એનો ખર્ચ કેમ પૂરો કરતા હતા તે નક્કી નથી, પરંતુ મોટાં નામવાળાઓની આગતા સ્વાગતા અને પ્રચાર માટે એમની પાસે પૂરતા પૈસા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીનું ચર્ચિલ અને લૉઇડ એમને “હિન્દુસ્તાનના મુસલમાનોના અવાજ” તરીકે ઓળખાવતા.

જિન્નાનો દ્વિરાષ્ટ્રવાદ

૧૯૩૦નો દાયકો પૂરો થતાં સુધીમાં જિન્ના અને મુસ્લિમ લીગે “આપણો દેશ”, “સૌનું માદરેવતન” ની ભાષામાં બોલવાનું છોડી દીધું હતું. હવે મુસલમાન ‘લઘુમતી’ નહોતા, પણ ‘પરિપૂર્ણ રાષ્ટ્ર’ હતા. જિન્નાએ ૧૯૪૦ની ૨૨મી માર્ચે મુસ્લિમ લીગની લાહોર કૉન્ફરન્સમાં કહ્યું: “હિન્દુસ્તાનનો સવાલ બે કોમોનો નથી, પણ ‘આંતરરાષ્ટ્રીય’ છે. બ્રિટિશ હકુમત ખરા હૃદયથી આ ઉપખંડના લોકોનાં સુખ શાંતિ ઇચ્છતી હોય તો એક જ રસ્તો ભારતનું સ્વાયત્ત રાજ્યોમાં વિભાજન કરીને મુખ્ય રાષ્ટ્રોને પોતાનું અલગ વતન આપવાનો છે.”

જિન્નાનું કહેવું હતું કે હિન્દુ ધર્મ અને ઇસ્લામ માત્ર બે અલગ ધર્મો નહોતા, બે અલગ સામાજિક વ્યવસ્થાઓ હતી અને એમની સમાન રાષ્ટ્રીયતા બની જ ન શકે.

નોંધવા જેવું છે કે ૧૯૩૭ સુધી જિન્ના પોતે પણ મુસલમાનોને ‘કોમ’ માનતા હતા. લીગને લખન્ઉ બેઠકમાં એમણે મુસલમાનો અને બીજી લઘુમતીઓનાં હિતોનું રક્ષણ કરવાની વાત જ કરી. લાહોરમાં ૧૯૪૦માં લીગે ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) પસાર કર્યો તેમાં પણ જિન્નાએ ‘પાકિસ્તાન’ શબ્દ ન વાપર્યો. પરંતુ ૧૯૪૧માં લીગની મદ્રાસ કૉન્ફરન્સમાં જિન્નાએ ભારતના ભાગલાની ચોખ્ખા શબ્દોમાં માગણી કરી – “કેન્દ્રમાં એક સરકાર હોય એવું અખિલ ભારતીય બંધારણ આપણને જોઈતું નથી. લીગની વિચારધારાનો આધાર એ જ છે કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે અને એમની રાષ્ટ્રીય અને રાજકીય અસ્મિતા કે વિચારધારાને બીજામાં ભેળવી દેવાના પ્રયાસનો વિરોધ કરશું.”

દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત જિન્નાને કારણે વધારે ફેલાયો. મુસલમાનોની લાગણીઓને આધારે આ સિદ્ધાંત સફળ થયો. પરંતુ જિન્નાને લાગણીના આધારે વિકસેલા સિદ્ધાંતની નબળાઈઓ સમજાઈ ગઈ હતી. ભાગલાની ઘડીઓ ગણાતી હતી ત્યારે જિન્ના બંધારણસભાના લીગના સભ્યોને મળ્યા અને કહ્યું કે “એમણે લાગણીના આવેશમાં નહીં પણ વિવેકનો ઉપયોગ કરીને નિર્ણય લેવા જોઈએ.”

અફસોસ…આ ડહાપણ બહુ મોડેથી આવ્યું!

હિન્દુ દ્વિરાષ્ટ્રવાદ

પરંતુ અલગતાવાદી વિચારધારા હિન્દુઓમાં પણ હતી જ અને મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત પર પોતાનું ઝેરીલું રાજકારણ શરૂ કર્યું તે પહેલાં જ હિન્દુ રાષ્ટ્રવાદીઓ એનો પ્રચાર કરતા હતા. અરવિંદ ઘોષના નાના રાજ નારાયણ બસુ (૧૮૨૬-૧૮૯૯) અને એમના સાથી નભ ગોપાલ મિત્રા (૧૮૪૦-૧૮૯૪)ને દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અને હિદુ રાષ્ટ્રવાદના જનક ગણાવી શકાય. બસુ માનતા કે જ્ઞાતિવાદ હોવા છતાં હિન્દુ સમાજવ્યવસ્થા ઇસ્લામ કે ખ્રિસ્તી સમાજવ્યવસ્થા કરતાં ચડિયાતી હતી. એમણે ભારત ધર્મ મહામંડળની સ્થાપના કરી, જેમાંથી પછી હિન્દુ મહાસભા બની. રાજ નારાયણ બસુ માનતા કે આ જ રસ્તે દેશમાં આર્ય રાષ્ટ્રની સ્થાપના થઈ શકશે. નભ ગોપાલ મિત્રાએ બંગાળી નવા વર્ષે ‘હિન્દુ મેળા’ યોજવાનું શરૂ કર્યું. ઇતિહાસવિદ્‍ આર. સી. મજૂમદાર લખે છે કે એમણે ખરેખર તો જિન્નાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને અડધી સદી કરતાંય વધારે વહેલો જ સ્થાપી દીધો.”

આર્ય સમાજે પણ હિન્દુ-મુસ્લિમ અલગતામાં આગળપડતો ભાગ ભજવ્યો. એના નેતા ભાઈ પરમાનંદે આજે ‘હિન્દુ રાષ્ટ્ર’ના ધુરંધર તરીકે સ્થાપિત સાવરકર અને ગોલવલકરથી દાયકાઓ પહેલાં કહ્યું હતું કેમુસલમાનો બહારથી આવ્યા છે અને આ ભૂમિનાં ખરાં સંતાન માત્ર હિન્દુઓ છે. એમણે પોતાની આત્મકથામાં હિન્દુઓ અને મુસલમાનોને દેશના બે નિશ્ચિત એરિયામાં વસાવવાની હિમાયત કરતાં કહ્યું છેઃ “સિંધની પેલે પારનો ભાગ અફઘાનિસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંત સાથે જોડીને મહાન મુસલમાન રાજ્ય બનાવવું જોઈએ. ત્યાં વસતા હિન્દુઓએ આ બાજુ આવી જવું જોઈએ અને આ બાજુ વસતા મુસલમાનોએ પેલે પાર ચાલ્યા જવું જોઈએ.”

કોંગ્રેસ, હિન્દુ મહાસભા અને આર્ય સમાજના પ્રખર નેતા લાલા લાજપત રાયે ૧૮૯૯માં ‘હિન્દુસ્તાન રીવ્યુ’માં કોંગ્રેસ વિશે એક લેખ લખ્યો તેમાં કહ્યું કે હિન્દુઓ પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. ૧૯૨૪માં એમણે વધારે સ્પષ્તતાથી પોતાની યોજના રજૂ કરીઃ “મારી યોજનામાં મુસલમાનોનાં ચાર રાજ્યો હશેઃ વાયવ્ય સરહદ પ્રાંતનો પઠાણ પ્રદેશ, પશ્ચિમ પંજાબ, સિંધ અને પૂર્વ બંગાળ. હિન્દુસ્તાનના કોઈ ભાગમાં મુસ્લિમોની મુખ્ય વસ્તી હોય ત્યાં પણ એમનું અલગ રાજ્ય બનાવવું જોઈએ. પણ એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આ સંગઠિત હિન્દુસ્તાન નહીં હોય, એના ભાગલા હશે, એક હિન્દુ હિન્દુસ્તાન અને બીજું મુસ્લિમ હિન્દુસ્તાન.”

સાવરકર અને ગોલવલકર તો તે પછીની પેઢીના હિન્દુ રાષ્ટ્રવાદીઓ છે. (આપણે સાવરકરના વિચારો ગયા અંકમાં જોઈ લીધા છે).

૧૮૫૭ના વિદ્રોહમાં હિન્દુસ્તાની રાષ્ટ્રવાદ

પરંતુ એમનાથી થોડાં જ વર્ષો પહેલાં ૧૮૫૭માં હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળીને અંગ્રેજો સામે જંગ માંડ્યો હતો અને બલિદાનો આપ્યાં હતાં. સ્વયં સાવરકર પોતાના પુસ્તક (‘ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ’)માં આ વાત સ્વીકારે છે. નાનાસાહેબ અને અઝીમુલ્લાહના હિન્દુ-મુસ્લિમ એકતા માટેના પ્રયાસોની તેઓ ખાસ પ્રશંસા કરે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ, તાંતિયા ટોપે, મધ્ય પ્રાંતના રાવસાહેબ પાંડુરંગ સદાશિવ, ફિરોઝ શાહ, મૌલવી ફઝલુલ હક આ નામો ભુલાય તેમ નથી.

રાજસ્થાનના કોટાના મહારાવનું અંગ્રેજ તરફી વલણ જોઈને એક દરબારી લાલા જયદયાલ ભટનાગરે સેનાપતિ મહેરાબ ખાન સાથે મળીને વિદ્રોહ કર્યો. અંગ્રેજોએ કોટા જીતી લીધું ત્યારે બન્નેને ફાંસી આપી દીધી. અવધના બે જિગરજાન મિત્રો અચ્ચન ખાન અને શંભુ પ્રસાદ શુક્લે રાજા દેવી બખ્શની ક્રાન્તિકારી સેનાની આગેવાની લીધી.- બન્નેની અંગ્રેજોએ જાહેરમાં કતલ કરી નાખી.

ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરની વિદ્રોહી અસગરી બેગમને અંગ્રેજી ફોજે જીવતી સળગાવી દીધી. તો ૨૮ વર્ષની ગૂજર યુવતી આશાદેવી, ખેડૂતપુત્રી ભગવતી દેવી અને ૨૪ વર્ષની હબીબાએ અંગ્રેજો સામે લડતાં લડતાં પોતાના પ્રાણ માભોમને ચરણે ધરી દીધા.

આવાં તો અનેક નામી-અનામી હિન્દુ અને મુસ્લિમ, સ્ત્રીઓ અને પુરુષો, યુવાનો અને વૃદ્ધોનાં લોહીથી આપણી આઝાદીનાં મૂળનું સિંચન થયું છે.

૦-૦-૦

ઉપસંહાર

દેશના ભાગલાની કરુણ કહાનીનું વિશ્લેષણ કરતાં ત્રણ પુસ્તકોની આ પરિચય શ્રેણી સમાપ્ત થાય છે.

ત્રણ લેખકો, ત્રણ દૃષ્ટિકોણ અને વિષય એક. આયેશા જલાલે એમના પુસ્તક The Sole Spokesmanમાં મુસ્લિમોની બહુમતીવાળા પ્રાંતો –પંજાબ અને બંગાળ – પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં મુસ્લિમ લીગ નબળી હતી. વેંકટ ધૂલિપાલા એમના પુસ્તક Creating a New madinaમાં દેખાડે છે કે પાકિસ્તાનના તાણાવાણા તો આજના ઉત્તરપ્રદેશમાં વણાતા હતા, જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હતા. એમણે પણ લીગ વિરોધી મુસલમાનોની પ્રવૃત્તિઓ મર્યાદિત રૂપે પ્રકાશ ફેંક્યો, પરંતુ મુસ્લિમ લીગનું પલ્લું ભારે થતું જતું હતું. શમ્સુલ ઇસ્લામનું પુસ્તક Muslims Against Partition સંપૂર્ણ રીતે આ દેશભક્ત મુસ્લિમોને સમર્પિત છે, જેમાં અલ્લાહબખ્શનું વ્યક્તિત્વ કેન્દ્રસ્થાને છે.

ત્રણેય લેખકોએ ઘણા સંદર્ભો આપ્યા છે. કોઈ પણ સમ્શોધનાત્મક પુસ્તક એના વિના અધૂરું ગણાય, પણ આ લેખમાળામાં ખાસ જરૂરી હોય તે સિવાય મેં સંદર્ભો આપવાનું ટાળ્યું છે. કોઈ મિત્રને ઊંડા ઊતરવામાં રસ હોય તો આવા સંદર્ભો એમને આપી શકીશ. પરંતુ મિત્ર તરીકે મારો આગ્રહ છે કે આપ આ પુસ્તકો જરૂર વાંચશો. ત્રણેય લેખકોની શૈલી એવી છે કે નવલકથા વાંચતા હો એવો જ આનંદ આવશે.

આ પુસ્તકો વાંચતાં મને લાગ્યું કે આપણા ઇતિહાસની આવી દારુણ ઘટના શી રીતે આકાર લેતી હતી તેનો પૂરો ખ્યાલ પહેલાં કદી નથી મળ્યો. આપણી શાળાઓના ઇતિહાસમાં પણ માત્ર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આવે છે અને એમના આંતરપ્રવાહો, એમની શક્તિઓ અને નબળાઈઓ વિશે ખાસ જાણવા મળતું નથી. પરિણામે આપણે આખા ઘટના ચક્રને એક જ પરિમાણમાં જોઈએ છીએ. આ ત્રણ પુસ્તકોએ કંઈ નહીં તો મારી ક્ષિતિજોનો વિસ્તાર કર્યો – અને એની ખુશી આપ સૌ સાથે વહેંચ્યા વિના રહી ન શક્યો. આ ઉત્સાહમાં આટલી લાંબી લેખમાળા ચાલી છે. કોઈને અતિરેક લાગ્યો હોય કે કંટાળો આવ્યો હોય તો ક્ષમા કરશો. મને પણ ઘણી વાર શંકા પડી છે કે આપને આ ગમશે? બહુ વિસ્તાર તો નથી થતો ને? પણ મને હંમેશાં એમ પણ લાગ્યું છે કે મને પોતાને જ સંતોષ ન થાય તો આપને કઈ રીતે સંતુષ્ટ કરી શકીશ?

કુલ ૧૦૦૦-૧૨૦૦ પાનાંને ન્યાય આપવાનું સહેલું નહોતું. મેં જેટલું લખ્યું છે તે તો દોઢસો પાનાંથી વધારે નહીં હોય. એમાં વાચક અને લેખક બન્નેને અન્યાય થવાનો સંભવ રહે છે. એટલે કંઈ નહીં તો લેખકે જે લખ્યું તે શક્ય તેટલી પ્રામાણિકતાથી આપવાનો પ્રયત્ન કર્યો છે. આપમાંથી કોઈને આ લેખમાળા પસંદ આવી હોય તો હું માનીશ કે મારો પ્રયત્ન તદ્દન એળે નથી ગયો.

0-0-0

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _ ૪૩:

%d bloggers like this: