મલાલા યૂસુફઝઈના દેશમાંથી બીજી એક સાહસિક છોકરીની કથા જાણવા મળી છે. ન્યૂયૉર્ક ટાઇમ્સના કટારલેખક નિકૉલસ ક્રિસ્ટોફ (Nicholas Kristof) ને જ્યારે એમની એક વાચક અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા હેઠળના પ્રદેશમાં રહે છે, એમ ઓચીંતું જ જાણવા મળ્યું ત્યારે એમને પણ નવાઈ લાગી (meet-sultana-the-talibans-worst-fear). એમણે એની સાથે વાત કરી ત્યારે છોકરીની શિક્ષણ માટેની ધગશ, કોઈ પણ અડચણનો સામનો કરવાની હિંમત જોઈને એ છક થઈ ગયા.
એકલવ્યા
આ છોકરીને ગુરુ વિના જ ધનુર્વિદ્યામાં પારંગત થનાર એકલવ્ય સાથે સરખાવી શકાય એમ છે. એને શાળા કે શિક્ષકોનો લાભ ન મળ્યો, પણ એ હિંમત ન હારી અને ઇંટરનેટની સુવિધા મળતાં જ ઘરબેઠે એણે જાતે જ ભણવાનું શરૂ કરી દીધું. હાલમાં પરીક્ષા આપનારાં બધાં છોકરા-છોકરીઓમાં આ છોકરી જુદી પડી આવે છે. એનું નામ છે સુલતાના. ક્રિસ્ટોફે સુલતાનાનું પૂરું નામ અને ગામ વગેરે વિગતો એની સલામતી માટે ગુપ્ત રાખી છે.
એ પાંચમા ધોરણમાં હતી ત્યારે તાલિબાનના ચાર-પાંચ માણસો એના ઘરે આવ્યા અને સુલતાનાના પિતાને ધમકી આપી કે જો એમની દીકરી નિશાળ જશે તો એનું આવી બન્યું સમજવું. વેપારીપિતા સામે મોટી મુંઝવણ ઊભી થઈ. છોકરીને નિશાળે મોકલવાનું બંધ કરી દીધું. મકાનની ફરતે ઊંચી ઊંચી દીવાલ ચણાઈ ગઈ.સુલતાના માટે બહાર નીકળવાનો સવાલ જ નહોતો. વર્ષમાં માત્ર પાંચ દિવસ એ ઘરની કિલ્લેબંધીમાંથી બહાર નીકળી શકે છે અને બહાર જવું હોય ત્યારે આખું શરીર ઢંકાય એવો બુરખો પહેરવાનો અને કુટુંબનો કોઈ પુરુષ સાથે હોય તો જ બહાર નીકળી શકાય.
સુલતાના માટે કંઈ કરવાનું નહોતું. આખો દિવસ ઘરમાં જ રહેવાનું. ભાઈઓ પશ્તોનાં કે અંગ્રેજીનાં છાપાં ઘરમાં લાવે તેમાં એ નજર નાખતી અને એમાંથી એને અંગ્રેજીમાં રસ જાગ્યો. સુલતાના કહે છે કે એણે અંગ્રેજીને પોતાની ચારે બાજુ ફેલાવી દીધી. પરંતુ પિતાએ ઘરમાં ઇંટરનેટ લગાડતાં તો સુલતાનાની શક્તિ અનેકગણી વધી ગઈ અને શિક્ષણ માટેની એની તમન્ના ઘરની ઊંચી દીવાલોને લાંઘી ગઈ. હવે આખી દુનિયા એના ઘરમાં આવી ગઈ હતી.
એણે સૌથી પહેલાં તો અંગ્રેજી પર ધ્યાન કેન્ન્દ્રિત કર્યુ. અંગ્રેજી-પશ્તો ડિક્શનરીની મદદ લઈને એણે ઇંટરનેટના જગતમાં પા પા પગલી ભરવાનું શરૂ કર્યું. છેવટે એણે અંગ્રેજીમાં એટલી કુશળતા મેળવી લીધી કે એ મોટાં મોટાં પુસ્તકો વાંચતી થઈ ગઈ અને સડેડાટ બોલતી થઈ ગઈ.

“મને કોઈ રોકી ન શકે!”
અંગ્રેજી પછી એણે બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ પર ધ્યાન આપ્યું. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને એ કમ્પૂટર પર બેસી જાય છે અને ખાન ઍકેડેમી (ખાન ઍકેડેમી)ની ફ્રી વેબસાઇટ પર કૅલ્ક્યૂલસ (કલનગણિત) શીખવા બેસી જાય છે. એને ખગોળવિજ્ઞાનમાં પણ રસ પડતાં ‘સ્ટ્રિંગ થિયરી’ (અહીં) વિશે પણ વાંચી નાખ્યું. સુલતાના કહે છે કે “મને કોઈ રોકી ન શકે!”
નિકોલસ ક્રિસ્ટોફ લખે છે કે આ છોકરી સાથે વાત કરી તો એનું અંગ્રેજી મેં પશ્તો દુભાષિયાઓની મદદ લીધી છે એમના જેવું જ હતું. પરંતુ એ છોકરી પોતાના વિશે જે કંઈ કહેતી હોય તે માની તો ન શકાય એટલે એની ખાતરી પણ કરવી જોઈએ. સુલતાનાએ એમને કહ્યું હતું કે એણે ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના ખગોળભૌતિક વિજ્ઞાની લૉરેન્સ એમ. ક્રોસનું એક પુસ્તક વાંચીને એમની સાથે સ્કાઇપ દ્વારા વાત કરી. ક્રિસ્ટોફે આની ખાતરી કરવા પ્રોફેસર ક્રોસને જ સીધું પૂછ્યું. ક્રોસનો જવાબ ચોંકાવનારો હતો..એમણે કહ્યું કે અફઘાન પ્રાથમિક શાળાનુંય ભણતર પૂરું ન કરી શકી હોય એવી એક છોકરીએ એમને ખગોળભૌતિક શાસ્ત્ર વિશે વેધક સવાલો પૂછ્યા. ક્રોસ કહે છે કે “વાતચીત કોઈ બીજી જ દુનિયાની હોય એમ લાગતું હતું એણે મને ‘ડાર્ક મૅટર’ વિશે બહુ જ સમજદારીભર્યા સવાલો પૂછ્યા. ક્રોસ હવે અમેરિકામાં સુલતાનાને અભ્યાસ કરવા મળે તેના અભિયાનમાં આગળપડતો ભાગ લે છે.
ઍમિલીઃ સ્કાઇપ સખીની મદદ
આયોવા યુનિવર્સિટીની એક અંડરગ્રેજ્યૂએટ છોકરી ‘કન્વર્સેશન એક્સચેન્જ’ (વાતચીત વિનિમય) કાર્યક્રમમાં જોડાઈ હતી. એ સુલતાના ના સંપર્કમાં આવી. બન્ને વચ્ચે એવાં બહેનપણાં જામ્યાં કે ભૌતિકશાસ્ત્રની પ્રોફેસર બનવાનું સુલતાનાનું કદી પૂરું ન થાય એવું સપનું ફળીભૂત થાય તે માટે ઍમિલીએ સુલતાનાને અમેરિકા બોલાવવાનું અભિયાન છેડી દીધું છે. હવે આયોવાની એક કમ્યૂનિટી કૉલેજે સુલતાનાને વિદ્યાર્થિની તરીકે પ્રવેશ આપવાનું સ્વીકાર્યું છે. ઍમિલીએ સુલતાનાના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે એક વેબસાઇટ પણ શરૂ કરી છે.
પરંતુ હજી વીસા વગેરે સમસ્યાઓનો નિકાલ નથી આવ્યો. ગયા સોમવારે, ૧૩મી તારીખે એને વીસા આપવાનો નિર્ણય લેવાશે એમ જાણવા મળ્યું છે. પરંતુ આ બાબતમાં શું થયું તે જાણી શકાયું નથી. કોઈ વાચક મિત્ર પાસે ૧૩મી તારીખ પછીની માહિતી હોય અને પ્રતિભાવ તરીકે લખશે તો આ અદ્ભુત સાહસકથામાં સુખદ વળાંક આવવાનો આનંદ થશે.
નિકોલસ ક્રિસ્ટોફ લખે છે કે છોકરીઓને શિક્ષણ મળે તો એમનામાં દુનિયાને બદલવાની તાકાત આવી જાય છે. તાલિબાન આ સમજે છે એટલે જ એમણે મલાલાના માથામાં ગોળી મારી હતી. પણ આપણેય એ સમજીએ તો સારું.
સુલતાનાએ ઘરમાં રહીને જ જાતે શિક્ષણ ચાલુ રાખ્યું.હતું. એ શાળામાં જાય તો એના પર ઍસિડ ફેંકવાની તાલિબાને ધમકી આપી હતી એટલે એને મળવામાં એના માટે અને ફોટોગ્રાફર માટે જોખમ હતું. આ તસવીર સ્કાઇપ મારફતે ફોટોગ્રાફર ઍન્ડ્રૂ કિલ્ટીએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ માટે લીધો છે.
૦-૦-૦