Apartheid in India

ભારતમાં રંગભેદ

‘વર્ણ’ શબ્દનો અર્થ રંગ થાય છે. આપણી ‘વર્ણ’ વ્યવસ્થામાં જુદા જુદા વર્ણના લોકોના ‘વર્ણ’  એટલે કે રંગ કેવા હોવા જોઈએ એનો સ્પષ્ટ ઉલ્લેખ તો નથી મળતો પરંતુ ‘વર્ણસંકર’ પ્રજાની ઉત્પત્તિ માટેનો આપણો હાઉ અને શ્વેત રંગ માટેનો આપણો પક્ષપાત જોતાં શ્વેત રંગને ઉચ્ચ વર્ણ સાથે જોડવામાં આવે છે એટલું તો ચોક્કસ. આ ‘રંગભેદ’નો ભોગ બને છે, આપણાં દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ જેવાં ‘કૉસ્મોપોલિટન’ શહેરોમાં ભણતા આફ્રિકન વિદ્યાર્થીઓ.

દિલ્હીમાં કોંગોના એક વિદ્યાર્થીને ઈંટથી મારી નાખવામાં આવ્યો. વાત માત્ર ઑટોરિક્ષા ભાડે કરવાની હતી. કોંગોના વિદ્યાર્થીએ ઑટોરિક્ષાને રોકી અને બેઠો ત્યાં ત્રણ જણ પહોંચી આવ્યા અને એને ઊતરી જવાનું કહ્યું. એ ઊતરવા તૈયાર નહોતો. બસ, એને ખેંચીને બહાર કાઢ્યો, એ ભાગવા લાગ્યો તો પાછળથી ઈંટ મારી. એ ભાન ગુમાવીને પડી ગયો. હૉસ્પિટલ લઈ ગયા તો ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો.

આફ્રિકી દેશોના રાજપુરુષોએ આવી હત્યાઓ સામે વાંધો લીધો અને ‘આફ્રિકા દિન’ની ઊજવણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો.વિદેશ મંત્રીએ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી પરંતુ એમના શબ્દો વિસ્મૃતિની ગર્તામાં જાય તે પહેલાં જ બેંગાળૂરુથી એવા જ સમાચાર આવ્યા અને ફરી દિલ્હીમાં મહેરૌલી પાસેના ગામમાં રહેતા આફ્રિકનો પર ત્યાંના લોકોનો કોપ વરસ્યો. સાત જણ ઘાયલ થયા.

આ તો છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવો છે. એનાથી પહેલાં પણ ઘણા બનાવો બની ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પહેલી સરકાર બની ત્યારે એના બીજા કે ત્રીજા દિવસે જ  નવા કાનૂન મંત્રી સોમનાથ ભારતીએ ખિડકી ગામમાં રહેતી આફ્રિકન છોકરીઓના ઘરમાં ઘૂસીને હુમલા કરાવ્યા. એમના પર વેશ્યાવ્રુત્તિ કરવાનો અને માદક દ્રવ્યો વેચવાનો, સિદ્ધ ન થયેલો આક્ષેપ કર્યો.

આની સામે કોઈ ગોરી ચામડીવાળો હોય તો શું થાય? હા, ગોરી ચામડીવાળી સ્ત્રી અહીં ‘મહાન ભારત’ના પ્રવાસે એકલી જ આવી હોય તો વિમાનઘરેથી જ એની હોટેલ સુધી સલામત પહોંચે એની ખાતરી ન આપી શકાય. આપણા સેક્સ-ભૂખ્યા દેશબાંધવોને ગોરા રંગનું આકર્ષણ એટલું છે કે ગોરી સ્ત્રીને એકલી જોતાં જ એને ‘ચાલુ માલ’ માનીને એમનાં અંગોમાં કામ નાચવા લાગે છે. પરંતુ અફ્રિકનો માટે તો, પુરુષ હોય કે સ્ત્રી, એમનો રંગ જ એમને માનવથી નીચલા દરજ્જાના માની લેવા પ્રેરે છે. એક તો આફ્રિકન વિદ્યાર્થીઓ ગરીબ દેશોમાંથી આવે છે. એટલે રહેવા માટે દિલ્હીના ‘પોશ એરિયા’ એમને પોસાય નહીં. દિલ્હીની પોતાની વિસ્તરવાની લાય એટલી છે કે મોટા ભાગનાં ગામોને તો એણે ગળી લીધાં છે, પરંતુ જે કોઈ હજી દિલ્હીની ચુંગાલમાં પૂરેપૂરાં નથી સપડાયાં એવાં અડધાંપડધાં ગામોમાં, અપૂરતી નાગરિક સુવિધાઓ અને રૂઢિચુસ્ત સમાજ વચ્ચે રહેવું પડે છે. ગોરી ચામડીવાળો, એક તો ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે ભાગ્યે જ આવશે, અને આવશે તો એ ‘પોશ એરિયા’માં જ રહેશે. આફ્રિકન વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવે છે એટલા કારણસર જ એ આપણાથી નીચા થઈ જાય?

ગરીબાઈ પોતે જ એક અપરાધ છે એમ આપણે માનીએ છીએ. ઘરમાં કોઈ વસ્તુ આડેઅવળે મુકાઈ ગઈ હોય તો પહેલી શંકા કામવાળી પર જાય. આપણે રંગ ઉપરાંત પૈસાથી પણ સામાજિક દરજ્જો નક્કી કરીએ છીએ! માણસ પૈસાવાળો હોય તો અપ્રામાણિક કેમ હોઈ શકે? જો કે આપણે જાણીએ છીએ કે મોટા ભ્રષ્ટાચારોમાં પૈસાવાળા, મોટા અધિકારીઓ અને રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. પણ મનમાં “ચોર” શબ્દ બોલતાં એ ચોરનું કેવું ચિત્ર ઉપસે છે તે જરા ચકાસી જોવા જેવું છે. આવું ચિત્ર દેખાડે છે કે આપણે અમુક વર્ગના લોકોને પહેલાં જ માફ કરી દીધા હોય છે. કોઈ આપણા જેવાં કપડાંવાળો, સૌમ્ય ચહેરાવાળો, અંગ્રેજી બોલતો માણસ આપણને ઠગી જાય તો આપણો પહેલો પ્રતિભાવ એ જ હોય છે કે “જોતાં તો લાગે જ નહીં, કે આવો માણસ ચોર હોઈ શકે…! એનો અર્થ જ એ છે કે જોતાંવેંત ચોર જેવો લાગે એવો કોણ હોય, તે આપણે ધારી લીધું છે. આફ્રિકનોને આપણે સહેલાઈથી ગુંડા, બદમાશ, લફંગા માની લેવા તૈયાર હોઈએ છીએ કારણ કે કાળા હોય છે.

આપણો ગોરી ચામડી માટેનો પ્રેમ એટલો છે કે ફેરનેસ ક્રીમનો આખો બિઝનેસ આખી દુનિયામાં નહીં થતો હોય એટલો આપણા દેશમાં થતો હશે. આ વ્યવસાય આપણા પૂર્વગ્રહોને દૃઢ કરે છે પણ આપણા ‘સામાજિક- રાજકીય’ નેતાઓને એની સાથે લાગતું વળગતું નથી.

આપણો જાતિવાદી ઘમંડ માત્ર કાળા રંગ વિરુદ્ધ નહીં, નેણે-નાકે આપણાથી અલગ હોય તેના વિરુદ્ધ પણ કામ કરે છે. આપણા જ દેશના ઉત્તર-પૂર્વના નાગરિકોને પણ મોટાં શહેરોમાં ભારે અપમાન અને અન્યાય સહન કરવાં પડે છે. કારણ એટલું જ કે એમનાં ફીચર્સ આપણાથી અલગ હોય છે. એમને આપણે ‘અલગ’ માનીએ તો એક દિવસ એ લોકો પણ ખરેખર પોતાને ‘અલગ’ માનવા લાગશે અને ત્યારે શું આપણે એમને લશ્કરી તાકાતથી આપણા તાબામાં રાખશું? એ રીતે અલગતાની લાગણી દૂર થઈ શકે?

મારો જ અનુભવ કહું – હું એ દિવસોમાં આકાશવાણીમાં અમારા યુનિયનનો સૅક્રેટરી હતો.  ઇમ્ફાલના મારા એક સાથીએ ‘હાઉસિંગ લોન’ માટે અરજી કરી હતી પણ એનો નિકાલ નહોતો થતો. એણે મારી મદદ માગી. હું સંબંધિત વિભાગમાં ગયો. સેક્શન ઑફિસરે અરજીમાં કેટલીક ખામીઓ  દેખાડી. મેં એ સુધરાવી દીધી. બીજી વાર ગયો ત્યારે બીજી ખામીઓ મળી. ત્રીજી વારે ત્રીજી…ચોથી વારે ચોથી… મેં ધીરજ ન છોડી. આવું થતું કેમ અટકાવી શકાય તે હું સમજતો હતો પણ એ રસ્તો લેવા નહોતો માગતો. લીધો હોત તો હું હંમેશ માટે દલાલની શ્રેણીમાં આવી ગયો હોત. અંતે, શું બહાનું આપવું તે સેક્શન ઑફિસરને સમજાયું નહીં. એણે હાર માની લીધી. મને કહ્યું – યહ તો આપ હર રોઝ આતે  હૈં ઇસ લિયે કર દિયા..લેકિન યહ બતાઇએ, ઇન ચીનાઓં કો આપ ક્યોં હેલ્પ કરતે હૈં? યે હમારે સગે નહીં હૈં…

સાચી વાત છે. મારો સાથી ચીનનો હોય તો મારે મદદ ન જ કરવી જોઇએ…પણ એ ભારતનો નાગરિક જ હતો! પરંતુ મેઇનલૅન્ડ ઇંડિયા નૉર્થ-ઈસ્ટના નાગરિકને આ દેશનો નાગરિક માનવા તૈયાર નથી. સેક્શન ઑફિસરને મારા સાથીની દેશ પ્રત્યેની નિષ્ઠા માટે શંકા રાખવાનું કારણ શું હતું? માત્ર એ જ ઘમંડ, કે આ દેશનો માલિક તો ઉત્તર ભારતનો જ હોય!

આપણે જાણતા નથી – અથવા કબૂલ કરવા તૈયાર નથી –  કે આપણામાં પણ અલગતાવાદી અને વર્ચસ્વવાદી તત્ત્વો છે. આપણે એને સમજીએ અને એમાંથી બહાર આવીએ એ ખરી રાષ્ટ્રભક્તિ હશે.  માત્ર ‘વસુધૈવ કુટુંબકમ’નો દાવો કરતા રહીએ એમાં કંઈ વળવાનું નથી. શાસ્ત્રોમાં જે વાતો હોય છે તે એટલા માટે કે આપણા જીવનમાં એ નથી હોતી. ઈસુ ખ્રિસ્તે “પાડોશીને પ્રેમ કરો” એમ કહ્યું તેનો જ અર્થ એ કે લોકો પાડોશી સાથે સારો વર્તાવ નહોતા કરતા. પ્રેમ નહોતા કરતા. એટલે જો આખી દુનિયાને એક કુટુંબ માનવાનો આદર્શ શાસ્ત્રોએ સ્થાપ્યો હોય તો એનો અર્થ એ કે એવું આપણે ત્યાં ખરેખર નહોતું. આપણો એવો વ્યવહાર હોત તો આવું ઉપદેશાત્મક લખવાની જરૂર જ ન પડી હોત.

૦-૦-૦

%d bloggers like this: