Muslims Against Partition – Shamsul Islam (1)

(લેખક શમ્સુલ ઇસ્લામ દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા હતા અને કોમવાદ વિરોધી આંદોલનો અને પ્રગતિશીલ સંગઠનો સાથે જોડાયેલા છે. એમનું પુસ્તક આપણાથી અજાણી એવી દિશામાં પ્રકાશ ફેંકે છે).

Muslims Against Partition - Shamsul Islam

Muslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

આપણે આ પહેલાં આયેશા જલાલના પુસ્તક The Sole Spokesman અને વેંકટ ધૂલિપાલાના પુસ્તક Creating a New Medinaનો પરિચય મેળવ્યો. બન્નેના દૃષ્ટિકોણ અલગ હતા. આયેશા જલાલનું પુસ્તક એમ દેખાડે છે કે પાકિસ્તાન વિશે કોઈ યોજના હતી જ નહીં, જિન્નાએ માત્ર કોંગ્રેસ સાથે સત્તાનો સોદો કરવા માટે આ ગતકડું છોડ્યું હતું. પરંતુ અંતે એવી સ્થિતિ ઊભી થઈ કે જિન્નાએ પાકિસ્તાનનો સ્વીકાર કરવો પડ્યો. એમના કહેવા મુજબ જિન્ના પોતે કોમવાદી રાજકારણમાં માનતા નહોતા. જિન્ના પણ કોંગ્રેસની જેમ મજબૂત કેન્દ્રમાં માનતા હતા પરંતુ એમને ટેકો જોઈતો હતો કે જેથી તેઓ પોતાને મુસ્લિમ કોમના એકમાત્ર પ્રતિનિધિ કે પ્રવક્તા The Sole Spokesman તરીકે સ્થાપિત કરી શકે. બીજી બાજુ, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો, પંજાબ અને બંગાળ, પ્રાંતીય સ્વાયત્તતા જાળવી રાખવા માગતા હતા. આથી જિન્ના પાકિસ્તાનનો હાઉ દેખાડીને કોંગ્રેસ સાથે સોદો કરવા માગતા હતા, પણ અંતે કોંગ્રેસ એના માટે તૈયાર ન થઈ. બીજી બાજુ અંગ્રેજોને પણ બધું છોડી દેવાની ઉતાવળ હતી. આ બધાને અંતે અણધારી રીતે જ પાકિસ્તાન બની ગયું.

વેંકટ ધૂલિપાલા આ દલીલ સ્વીકારવા તૈયાર નથી. આયેશા જલાલ પંજાબ અને બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ વેંકટ ધૂલિપાલા કહે છે કે પાકિસ્તાનનો વિચાર ખરેખર તો યુક્ત પ્રાંત (આજના ઉત્તર પ્રદેશ)માં વિકસ્યો અને એની અવગણના ન કરી શકાય. યુ. પી.ના મુસલમાનો જાણતા હતા કે એમના પ્રદેશને પાકિસ્તાનમાં સામેલ નહીં કરાય તેમ છતાં, માત્ર ધર્મને કારણે, અથવા કોમને નામે પાકિસ્તાનની હિમાયત કરતા હતા. આમાં ધર્મનિરપેક્ષ તત્ત્વો હતાં પણ કેન્દ્રીય સ્થાન ‘નવા મદીના’ની રચનાને મળ્યું હતું અને એમાંય માત્ર પાકિસ્તાનનું સર્જન નહીં, વૈશ્વિક સ્તરે મુસ્લિમ એકતાનું સપનું પણ એનું ચાલકબળ હતું. વેંકટ ધૂલિપાલા કહે છે કે મુસલમાનોમાં પણ પાકિસ્તાનનો વિરોધ કરનારા હતા પણ ઉર્દુ છાપાંઓએ પાકિસ્તાન વિશેની ચર્ચાઓ સામાન્ય મુસલમાન સુધી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, પરિણામે ‘પાકિસ્તાન’ એક સપનામાંથી રૂપાંતર પામીને નક્કર આકાર લેતું ગયું. એમણે આયેશા જલાલથી વિરુદ્ધ દિશામાં જઈને એમ દેખાડ્યું છે કે એમાં ધર્મનું જોર પણ બહુ ઘણું હતું કારણ કે જિન્ના પોતે અને લીગના બીજા નેતાઓ મૌલવીઓની મદદ લેતાં અચકાતા નહોતા અને ‘ઇસ્લામિક રાજ્ય’ બનાવવા ઇચ્છતા હતા.

આપણા ત્રીજા પુસ્તકના લેખક એ વાત પર ભાર મૂકે છે કે મુસ્લિમ લીગની ચાલ ફાવી હોવા છતાં મુસલમાનોનો બહુ મોટો ભાગ ભાગલાની વિરુદ્ધ હતો. એ કેમ સફળ ન રહ્યા તેની પણ એમણે ચર્ચા કરી છે. તે ઉપરાંત એમણે પણ પંજાબ કે બંગાળને બદલે યુક્ત પ્રાંત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાસ કરીને આ પુસ્તક સિંધના નેતા અલ્લાહબખ્શ સુમરોના રાજકીય જીવન પર અને એમના જેવા જ બીજા નિઃસ્વાર્થ મુસ્લિમ નેતાઓ પર કેન્દ્રિત છે.

રાષ્ટ્રવાદીમુસ્લિમ કે દેશભક્તમુસ્લિમ?*

ભારતને એક રાષ્ટ્ર માનનારા કોંગ્રેસના સમર્થક અને પાકિસ્તાનનો વિરોધ કરનારા મુસલમાનોની ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ (Nationalist Muslims) એવી ઓળખ અપાય છે, તે શમ્સુલ ઇસ્લામને પસંદ નથી એટલે એમણે ‘રાષ્ટ્રવાદી’ને બદલે ‘દેશભક્ત’ અને મુસલમાનો માટેના અલગ રાજ્યના હિમાયતી મુસલમાનો માટે ‘દેશવિરોધી’ શબ્દો વાપર્યા છે.

લેખકે શરૂઆતમાં દ્વિરાષ્ટ્રવાદ કેમ ફેલાયો તે દેખાડ્યું છે. આ પહેલાંનાં બે પુસ્તકોનો પરિચય આપવામાં લેખકનાં પ્રકરણોનો ક્રમ જાળવ્યો હતો, પરંતુ આ પુસ્તક એ પ્રકારનું છે કે ક્રમ વિના સીધા જ અલ્લાહબખ્શ અને એવા જ બીજા ‘દેશભક્ત’ મુસલમાનો વિશેની વાતથી શરૂઆત કરશું અને તે પછી દ્વિરાષ્ટ્રવાદી તત્ત્વોના વિવરણ પર પાછા આવશું.

હમ કો બતલાઓ તો ક્યા મતલબ હૈ પાકિસ્તાન કા…?”

પુસ્તકની ભૂમિકામાં લેખક કહે છે કે એ સાચું છે કે ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા તેના માટે મુસ્લિમ લીગની મુસલમાનો માટે અલગ વતનની માગણી જવાબદાર હતી. આ માગણીના ટેકામાં મુસ્લિમ લીગ મુસલમાનોનો મોટા પાયે ટેકો મેળવી શકી, તેનો પણ ઇનકાર કરી શકાય તેમ નથી. આમ છતાં, એ પણ સાચું છે કે બહુ મોટો મુસ્લિમ જનસમુદાય અને એમનાં સંગઠનોએ પાકિસ્તાનની માગણીનો વિરોધ કર્યો હતો. ભાગલાના વિરોધી, આ મુસલમાનોએ મુસ્લિમ લીગની આ માંગને સૈદ્ધાંતિક રીતે પડકારી અને સડકો પર મુસ્લિમ લીગના ટેકેદારો સામે હાથોહાથની લડાઈઓ કરતાં પણ ન અચકાયા. એમણે બહુ બહાદુરીથી સામનો કર્યો અને કેટલાકે તો પોતાના જાન પણ ગુમાવ્યા. અલ્લાહબખ્શ આવા જ એક અધિનાયક હતા.

આજે ભાગલાના વિરોધી મુસલમાનોનો વારસો વિસરાવા લાગ્યો છે, તેને ફરી પ્રકાશમાં લાવવાનો આ પુસ્તકનો હેતુ છે. લેખક કહે છે કે પ્રોફેસર મુશીર-ઉલ-હક જેવા લેખકને બાદ કરતાં આ મુસલમાનો વિશે કોઈએ લખ્યું નથી એટલે એમણે એ સમયનાં ઉર્દુ છાપાં, સામયિકો અને સ્મરણનોંધોમાંથી આ પુસ્તક માટેની સામગ્રી ખોળી છે.પુસ્તકના ‘પ્રવેશક’ (Introduction)ની શરૂઆતમાં એમણે જાં-નિસાર અખ્તર દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ(૧૯૭૩)માંથી શમીમ કરહાનીએ ૧૯૪૨માં લખેલી નઝ્મ “પાકિસ્તાન ચાહને વાલોં સે”ની પંક્તિઓ મૂકી છે જે મુસલમાનો માટે ‘પાક’ સ્થાનની જરૂર હોવાના દાવાને પડકારે છે. શાયર કહે છેઃ

હમ કો બતલાઓ તો ક્યા મતલબ હૈ પાકિસ્તાન કા
જિસ જગહ ઇસ વક્ત મુસ્લિમ હૈં, નાજિસ હૈ ક્યા વોહ જા?
નેસતોહમત સે તેરે ચિશ્તી કા સીના ચાક હૈ
જલ્દ બતલા ક્યા ઝમીન અજમેર નાપાક હૈ?

(અમને એ તો કહો કે પાકિસ્તાનનો અર્થ શું છે? આજે જે જગ્યાએ મુસલમાનો છે તે પવિત્ર નથી? તારા આ આરોપથી ચિશ્તીની છાતી ચિરાઈ ગઈ છે. જલદી કહે કે શું અજમેરની જમીન અપવિત્ર છે?)

લેખક કહે છે કે ભારતની આઝાદીમાં મુસલમાનોની ભૂમિકાનું એક ઢાંચાઢાળ વર્ણન મળતું હોય છે કે મહંમદ અલી જિન્ના અને મુસ્લિમ લીગની આગેવાની હેઠળ ભારતીય મુસ્લિમોએ દગાબાજી કરી. એમણે પાકિસ્તાન માટે માગણી કરી, એના માટે લડ્યા અને અંતે બ્રિટિશરો પાસેથી પોતાનું મનધાર્યું કરાવી લીધું, પરિણામે ભારતના બે ટુકડા થયા. આના પરથી તારણ કાઢી લેવામાં આવે છે કે મુસલમાનોએ એક સંગઠિત અને ધર્મનિરપેક્ષ ભારત માટેના રાષ્ટ્રવાદી આંદોલનને તોડવાનું કામ કર્યું.

આ જાતનું નિરૂપણ હકીકતોથી વેગળું છે. બહુ બહુ તો એમ કહી શકાય કે એમાં અતિ સરલીકરણ છે જે આ પુસ્તકમાં રજૂ કરેલા દસ્તાવેજો દ્વારા છતું થઈ જશે. આ પુસ્તક, બધા મુસલમાનો પાકિસ્તાન બનાવવાની તરફેણ કરતા હતા અથવા બધા હિન્દુઓ સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને પ્રજાતાંત્રિક ભારતના હિમાયતી હતા, એવા દાવાને પડકારે છે. ઐતિહાસિક દસ્તાવેજો દેખાડે છે કે વિશાળ હિન્દુ બહુમતીની જેમ મુસલમાનોની પણ વિશાળ વસ્તી પાકિસ્તાનની અવધારણાનો વિરોધ કરતી હતી.

આવા દેશભક્ત મુસલમાનોમાં અલ્લાહબખ્શનું નામ સૌથી આગળ છે. એમના વિચારો અને મુસ્લિમ લીગના ગુંડાઓ દ્વારા એમની હત્યા વિશે આપણે આવતા અંકમાં જોઈશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

વિશેષ નોંધઃ

રાષ્ટ્રની અવધારણા

રાષ્ટ્ર (The nation) એટલે લોકોનો વિશાળ સમૂહ. આ સમૂહની ભાષા, પરંપરાઓ અને ટેવો સમાન હોય છે. એમાં જાતિ કે વંશનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરંતુ, આ બધા માપદંડો કદી સ્થાયી નથી બન્યા. આ રાષ્ટ્રમાં જ્યારે રાજકીય ઇચ્છા ઉમેરાય ત્યારે એ રાષ્ટ્રીય રાજ્ય (Nation state) બને છે. (‘રાષ્ટ્ર’ વિશે વધારે માહિતી માટે વેબગુર્જરી પ્રકાશિત થયેલો આ લેખ વાંચશો).

પરંતુ ભારત જેવાં પણ રાષ્ટ્રો છે કે જ્યાં જુદી જુદી ભાષા બોલનારા, જુદી જુદી પરંપરાઓને માનનારા લોકો સદીઓથી એક સાથે રહેતા હોય અને એકબીજા સાથે સંપર્કમાં હોય. યુરોપમાં ઘડાયેલી વ્યાખ્યા ભારતને લાગુ પડતી નથી.

૧૮૫૭ના વિદ્રોહ વખતે જ ભારતીય જનોએ આ સંકુચિત અવધારણાને ખોટી ઠરાવી દીધી હતી અને સૌ એક થઈને અંગ્રેજો સામે લડ્યા હતા. આઝાદીના સંગ્રામમાં, કોંગ્રેસની નીતિઓના પાયામાં ‘ભારત રાષ્ટ્ર’ની અવધારણા હતી. પરંતુ. કેટલાક હિન્દુ અને મુસ્લિમ નેતાઓ ભારતની અંદરની હિન્દુ અને મુસ્લિમ કોમોને યુરોપીય વ્યાખ્યા પ્રમાણે અલગ ‘રાષ્ટ્ર’ માનતા હતા. એમ જોવા જઈએ તો વર્ણ વ્યવસ્થા અને એમાંથી વિકસેલી જ્ઞાતિ પ્રથામાં પણ ‘રાષ્ટ્ર’ની યુરોપીય વ્યાખ્યાને સંતોષે એવાં ઘણાં તત્ત્વો છે. તો શું ભારતની અંદર બે (હિન્દુ અને મુસ્લિમ) રાષ્ટ્રો છે કે અનેક (જાતિગત) રાષ્ટ્ર્રો છે? કે ભારતને “એક રાષ્ટ્ર” માનશું? યુરોપમાં બનેલી વ્યાખ્યા ભારતને લાગુ કરીએ તેનો એ થાય કે ભારતના ટુકડા થાય તેને આપણે વાજબી માનીએ છીએ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ મુખ્યત્વે આ યુરોપીય વ્યાખ્યા અને એના ભારતીય વિકલ્પ વચ્ચેનો સંઘર્ષ જ હતો.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૬:

%d bloggers like this: