“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (23)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

વેંકટ ધૂલિપાલાના પુસ્તકનું વાચન આપણે ગયા અઠવાડિયે પૂરું કરી લીધું; એમણે પોતાના દૄષ્ટિકોણનો ખુલાસો પુસ્તકના અંતિમ પ્રકરણ Conclusionમાં કર્યો છે, તે જોઈએ.

પાકિસ્તાનના વિચારમાં અસ્પષ્ટતાઓ તો હશે પરંતુ એને એક અસ્પષ્ટ, ભાવનાત્મક પ્રતીક તરીકે ગણી કાઢવાથી એ સમજી શકાતું નથી કે યુક્ત પ્રાંત જેવા ‘લઘુમતી પ્રાંત’માં (એટલે કે જ્યાં મુસલમાનો લઘુમતીમાં હોય તેવા પ્રાંતમાં) એને આટલો જબ્બર વ્યાપક ટેકો શી રીતે મળ્યો. પાકિસ્તાન એક નક્કર પ્રતીક હતું અને એને સમજવાનો પ્રયત્ન નહીં કરીએ તો પાકિસ્તાન કેમ બન્યું તે પણ સમજી નહીં શકાય. પુસ્તકમાં દેખાડ્યા પ્રમાણે લાહોર ઠરાવ પછી પાકિસ્તાન વિશે ભારે ચર્ચાઓ થઈ, એનું મૂલ્યાંકન કરાતું રહ્યું, સામસામી દલીલો થઈ અને અંતે આ ખ્યાલ જીત્યો. પાકિસ્તાનનું પોત યૂ. પી.માં અને આખા દેશમાં બંધાયું તેમાં રાજકીય વગ ધરાવતા નેતાઓ અને સામાન્ય જનતાની ચર્ચાઓએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

જે પાકિસ્તાન જનજીભે ચડેલું હતું તેમાં ધાર્મિક અને ધર્મનિરપેક્ષ, બન્ને દલીલોનો સંગમ હતો. મુસ્લિમ લીગ એના પ્રચારમાં પાકિસ્તાનના ભૌગોલિક પ્રદેશનાં ગુણગાન ગાતી હતી – એના કુદરતી સ્રોતો, વ્યૂહાત્મક સ્થાન, માળખાગત સંપદા અને બ્રિટિશ અને હિન્દુ વર્ચસ્વમાંથી મુક્ત થયેલી પ્રજા; કદ યુરોપના કોઈ પણ દેશ કરતાં મોટું, વસ્તીની રીતે પણ યુરોપના દેશ કરતાં આગળ. એક ઇસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન તુર્કીની જગ્યા સંભાળીને આખા ઇસ્લામિક જગતનું નેતૃત્વ હાથમાં લેવા જેટલું સક્ષમ હશે એવી ધારણા હતી. જે લોકોને ભૌગોલિક સીમાડા વિનાના ઇસ્લામમાં વધારે શ્રદ્ધા હતી એમને તો લાગતું હતું કે પાકિસ્તાન માત્ર મુસ્લિમ દેશોને સંગઠિત નહીં કરે પણ એમનું એક શક્તિશાળી રાજકીય એકમ બનાવવામાં પણ પ્રેરકબળ તરીકે કામ કરશે. એમ ધારવામાં આવતું હતું કે હિન્દુ ભારત કરતાં પાકિસ્તાન વધારે શક્તિશાળી રાજ્ય બનશે જે ‘બહુમતી પ્રાંત’ના મુસલમાનોને મુક્તિ અપાવશે એટલું જ નહીં પણ હિન્દુ ભારતમાં રહી ગયેલી મુસ્લિમ લઘુમતીને પણ રક્ષણાત્મક છત્ર પૂરું પાડશે.

ધારણા એ હતી કે પાકિસ્તાન પાસે કુદરતી સ્રોતો અને વસ્તીની તાકાત હશે અને ઇસ્લામ એનો આત્મા બની રહેશે. સૂટબૂટધારી મહંમદ અલી જિન્નાના રાજકારણ પર જ નજર કેન્દ્રિત કરનારા ઇતિહાસકારોએ પાકિસ્તાની રાષ્ટ્રવાદને માત્ર ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદના જ એક પ્રકાર તરીકે જોયો છે અને પાકિસ્તાનના નિર્માણ માટેના સંઘર્ષની પાછળ રહેલી ધાર્મિક ભાવનાને ધ્યાનમાં જ નથી લીધી. આ પુસ્તકમાં દેખાડ્યું છે તેમ મુસ્લિમ લીગના સ્થાનિક કાર્યકર્તાઓ, યૂ. પી.ની મુસ્લિમ લીગના નેતાઓ, અને અલીગઢના આધુનિકતાવાદી મુસલમાનોએ – અને સ્વયં જિન્નાએ પણ – પાકિસ્તાન વિશેની પોતાની કલ્પના એક ઇસ્લામિક રાજ્ય તરીકે જ વ્યક્ત કરી.

૧૯૪૦થી ૧૯૪૬ દરમિયાન ઇતિહાસકાર અને પાકિસ્તાન વિશેના સર્વમાન્ય નિષ્ણાત વિલ્ફ્રેડ કૅન્ટવેલ સ્મિથ લાહોરમાં પ્રોફેસર હતા. પાકિસ્તાની રાષ્ટ્રવાદ આધુનિક દુનિયામાં ઇસ્લામિક રાજ્ય બનાવવા માટેનો જ સંઘર્ષ હતો અને ઇસ્લામના ઇતિહાસમાં એ એક સીમાચિહ્ન હતું, એમ સૌથી પહેલાં સ્વીકારનારા વિદ્વાનોમાં સ્મિથનો સમાવેશ થાય છે. સ્મિથ લખે છે કે “આ અલગતાવાદી આંદોલનનાં આર્થિક, સમાજશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક અને બીજાં પાસાં હતાં પણ એ બધાં મળીને પણ ૧૯૪૭ની વિનાશકારી આફતનો ખુલાસો આપવા માટે પૂરતાં નહોતાં.” સ્મિથ વધુમાં કહે છે કે પાકિસ્તાન ઇસ્લામિક રાજ્ય બની જ ગયું હતું: પણ એના માળખાને કારણે નહીં; એના ક્રિયાકલાપને કારણે. જેમ કોઈને આપણે બૌદ્ધ્ કહીએ છીએ તે એટલા માટે નહીં કે એ બુદ્ધના ઉપદેશોનો અમલ કરવા લાગ્યો છે, પણ એ કારણે છે કે એણે બુદ્ધના ઉપદેશો પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાન એ જ અર્થમાં ઇસ્લામિક રાજ્ય છે. ઇસ્લામિક રાજ્ય એક અમૂર્ત વિચાર છે અને એ સ્પષ્ટ ન હોય, એની સામે વાંધા રજૂ થતા હોય, તો પણ એ અમૂર્ત વિચારને મૂર્ત બનાવવાનું પાકિસ્તાનનું લક્ષ્ય છે. પાકિસ્તાનીઓ આ આદર્શને એ રીતે જૂએ છે કે એક ઇસ્લામિક કોમ હોય જેના હાથમાં ઇસ્લામિક રાજ્યસત્તા સ્થાપવાની શક્તિ મૂકવામાં આવે.

આ બહુ મોટો પડકાર હતો અને રાતોરાત ઇસ્લામિક રાજ્ય બની ન શકે. સ્મિથને કેટલાક ઇસ્લામવાદીઓએ સમજાવ્યું કે ખુદ પયગંબર પણ શરૂઆતમાં મક્કામાં જ રહીને માત્ર નૈતિક ઉપદેશો આપતા રહ્યા હતા. એમણે તે પછી મદીનામાં ઇસ્લામિક રાજ્ય અને મુસ્લિમ કોમનું નિર્માણ કર્યું.

ઇસ્લામિક રાજ્યની બાબતમાં સૌ સંમત હતા પણ એ રાજ્ય કેવું હોય તે બાબતમાં એકમતી નહોતી. ઇસ્લામિક રાજ્યના માર્ગમાં આ મુશ્કેલી પણ નાની નહોતી. પાકિસ્તાનના કાયદા શરીઅત પ્રમાણે બનવા જોઈએ એમાં તો સંમતિ હતી, પણ શરીઅત વિશે સંમતિ નહોતી. ઇસ્લામના ભૂતકાળમાં ઘણા વિદ્વાનોએ ઇસ્લામિક કાયદાઓ વિશે લખ્યું જેનું સાહિત્ય અપાર છે પણ એનો આધાર લેવો કે સીધા જ કુરાન અથવા તો એના સુવર્ણ કાળમાં બનેલા કાયદાઓને શરણે જઈને નવું અર્થઘટન કરવું એ વિવાદનો વિષય હતો. ખ્યાલ સ્પષ્ટ ન હોય કે એના વિશે સર્વસંમતિ ન હોય તો પણ ઇસ્લામિક રાજ્યના ખ્યાલને મૂર્તિમાન કરવો એ પાકિસ્તાનીઓ માટે જરૂરી હતું કારણ કે, સ્મિથના શબ્દોમાં એ મુસલમાનોની “કહેવાની રીત હતી કે એ સારું હશે.”

રાજના છેલ્લા દાયકામાં પાકિસ્તાન આંદોલને જે વાટ પકડી તેને કારણે ઇસ્લામ પાકિસ્તાનના ­­­રાજકારણની ભાષા બન્યો. જો કે એવી દલીલ કરાય છે કે એ ભાષા પોતે બહુલતાવાદી છે અને એનો ઉપયોગ જુદાં જુદાં જૂથો પોતાના પરસ્પર તદ્દન અલગ એજન્ડા માટે કરી શકે છે, અને એ જ કારણે ઇસ્લામમાં અનેક વિચારો એકસાથે ટકે છે. પરંતુ એ બધાની સીમા ઇસ્લામ પોતે જ છે. પાકિસ્તાનમાં આ સીમાની અંદર જ ચર્ચા થઈ શકે. આથી બધાં રાજકીય જૂથોને ઇસ્લામની ભાષામાં પોતાને ઓળખાવવાનું જરૂરી બની ગયું અને જે જૂથો પોતાને પૂરતા પ્રમાણમાં ‘ઇસ્લામિક’ સાબીત ન કરી શક્યાં તે કોરાણે હડસેલાઈ ગયાં, પરિણામે પાકિસ્તાનના શરૂઆતના દિવસોમાં જ અહમદિયાઓ હુમલાનું નિશાન બન્યા. એટલું જ નહીં, પાકિસ્તાનના સર્જનમાં અગત્યનો ભાગ ભજવનાર આધુનિક મુસ્લિમોને પણ એમણે પાકિસ્તાનનું અર્થઘટન ધર્મનિરપેક્ષ ભાષામાં કર્યું હોવાથી પાછળ ધકેલી દેવાનું શક્ય બન્યું. કારણ માત્ર એટલું જ કે Secularism શબ્દનો અનુવાદ જ નિરીશ્વરવાદ (લા-દીનિયત) તરીકે કરવામાં આવે છે.

પુસ્તક્માં દેખાડ્યું છે કે ભાગલાની હિમાયતમાં પાકિસ્તાનની લોકપ્રિયતા રહી તેનું કારણ ઇસ્લામિક રાજ્યની કલ્પના છે. આમ ભાગલા પછીની પાકિસ્તાનની સ્થિતિ અને પુસ્તકની કેન્દ્રવર્તી દલીલ વચ્ચે તાલમેળ બેસે છે. પાકિસ્તાનમાં મુદ્દા પર જુદા જુદા મતના લોકો વચ્ચે ચર્ચાઓ ચાલે છે. પાકિસ્તાની રાષ્ટ્રવાદ વિશેનાં જુદા જુદા અભ્યાસોમાં એવું દેખાડાય છે કે એમાં ધર્મનિરપેક્ષ ઉચ્ચ વર્ગનું અથવા Sole Spokesmanનું વર્ચસ્વ રહ્યું અને એવું સાબીત કરાતું હોય છે કે ધર્મગુરુઓ મુસ્લિમ લીગ અને પાકિસ્તાનના કટ્ટર વિરોધી હતા. તેની સામે પુસ્તક મુસ્લિમ લીગ અને ઉલેમાઓ વચ્ચેના લાંબા વખતના સંબંધોને ધ્યાનમાં લઈને લખાયું છે. એમણે સાથે મળીને આધુનિક રાજકારણના ખ્યાલો અને ઇસ્લામિક ધર્મરાજ્યના ખ્યાલોને એકબીજા સાથે સાંકળીને પાકિસ્તાનની તરફેણમાં અકાટ્ય દલીલો રજૂ કરી. એમના સહકારનો અભ્યાસ વધારે ગંભીરતાથી કરવાની જરૂર છે. તે સિવાય આપણે સંસ્થાનવાદની વિદાય પછીના પાકિસ્તાનની જટિલતાને બરાબર સમજી નહીં શકીએ.

પાકિસ્તાનના ખ્યાલના વિકાસમાં યૂ. પી.ના મુસલમાનો અને ખરેખર તોલઘુમતી પ્રાંતોના મુસલમાનોએ આગળપડતો ભાગ ભજવ્યો. એનો અભ્યાસ મહત્ત્વનો છે, પણ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં, એટલે કે જ્યાં પાકિસ્તાન ખરેખર બન્યું, ત્યાં એના સાર્વભૌમત્વ, પ્રાદેશિક સ્થિતિ, અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇસ્લામિક આધાર વગેરે બાબતોમાં શી ચર્ચાઓ થઈ અને પાકિસ્તાનની કલ્પનાનો વિકાસ કેમ થયો તેનો અભ્યાસ કરવાનું કામ ભાગલાના ઇતિહાસકારો સમક્ષ હજી બાકી પડેલું છે.

આમાં યૂ. પી.નાં અખબારો અને ખાસ કરીને ઉર્દુ અખબારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને ચર્ચાઓને છેક લોકોની વચ્ચે લઈ ગયાં. એમાં બિજનૌરનામદીનાજેવા અખબારના વાચકો તો દૂર સુધી ફેલાયેલા હતા અને અખબારે પાકિસ્તાન વિશે વ્યવસ્થિત ચર્ચા શરૂ કરી તેમાં ભાગ પણ લેતા. સી. . બેઇલી કહે છે કે ભારતમાંમાહિતીની વ્યવસ્થાહંમેશાં મોજૂદ રહી છે. લોકોમાં ભણતર ભલે ઓછું હોય પણ તેઓ એક સુમાહિતગાર અને ચર્ચાપ્રેમી પ્રજા છે. જોતાં આપણે માનવું જોઈશે કે પાકિસ્તાન વિશેની ચર્ચાઓ માત્ર છાપાં વાંચનારા ભણેલા લોકો પૂરતી મર્યાદિત રહેતાં સામાન્ય લોકોમાં પણ બહુ ફેલાઈ હશે.

બહુ ઘણા વખતથી પાકિસ્તાનનાં મૂળ માત્ર નહીં પણ અંગ્રેજોના જવા પછીના પાકિસ્તાન વિશેની ચર્ચાઓમાં એના વિશેની કાચીપાકી કલ્પના, ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદ અને એક નવા રાજ્યનો અકસ્માત્જન્મ વગેરે મુખ્ય મુદ્દા રહ્યા છે. આમ પાકિસ્ત્તાનની માગણી માત્ર સોદાબાજી માટે હતી એવી છાપ ઊભી કરાઈ છે. એવું પણ સમજાવાય છે કે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદ હતો, જેના નેતાઓ ધર્મનિરપેક્ષ હતા અને ઇસ્લામનું નામ તો તેઓ માત્ર વ્યૂહાત્મક રીતે વાપરતા હતા, અને તેઓ પોતે તો એમાં કદીયે માનતા નહોતા. પાકિસ્તાન શા માટે નબળું રહ્યું તેના ખુલાસા તરીકે કેટલાંક કારણો અપાય છે તે પ્રમાણે છેઃ પાકિસ્તાન પર જન્મ સમયે ત્રાટકેલી ભાગલાની આફત, જિન્ના અને લિયાકત અલી ખાનનાં તરત મૃત્યુ, પાકિસ્તાન બન્યું તે પ્રાંતોમાં મુસ્લિમ લીગની નબળી હાજરી, બીજી હરોળના નેતાઓની જૂથબંધી અને આડંબરભરી વર્તણૂક, એના દ્વેષીલા પાડોશી ભારત તરફથી થયેલા અનુભવો વગેરે. એવું કહેવામાં આવે છે કે બધું ભેગું થવાથી પાકિસ્તાનનું માળખું નબળું રહ્યું અને અંતે એમાંવૈચારિકરાજ્યનો વિકાસ થયો, જેનું નેતૃત્વ મોટા ભાગે ફોજના હાથમાં રહ્યું. વળી બધાં પરિબળોને જિન્નાના ધર્મનિરપેક્ષ દૃષ્ટિકોણના દ્રોહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પરિબળોની અસર પાકિસ્તાનના માળખા પર પડી છે તેનો ઇનકાર તો કરી શકાય પણ મારી દલીલ છે કે પાકિસ્તાને અલગ થયા પછી જે રસ્તો લીધો તે વૈચારિકરાજ્યના મૂળમાં નથી, પરંતુ ૧૯૪૭માં ઊભી થયેલી સ્થિતિ સુધી પહોંચાડનાર એની રાષ્ટ્રવાદી વિચારધારા એના મૂળમાં છે. જુદાં જુદાં અધ્યયનોકાચીપાકી કલ્પનાપર વધારે ભાર મૂકીને એનો અતિરેક કરે છે. પાકિસ્તાન વિશેની કલ્પનાનો બરાબર વિકાસ નહોતો થયો, એવું નથી, બલ્કે એનો વિકાસ એક જાતની મહત્ત્વાકાંક્ષા સાથે થયો હતો. આની સાથે નવું મદીના બનાવવામાં એને નિષ્ફળતા (અથવા સફળતા) મળી, તેને જોડી લઈએ તો સમજાશે કે આજે પાકિસ્તાન સામેના સંકટનાં કારણો પણ છે.”

આવતી કાલથી શરૂ કરશું, શમ્સુલ ઇસ્લામનું Muslims Against Partition.

આશા છે કે વાચકોએ હમણાં સુધી જે ધૈર્ય દેખાડ્યું છે તેનો લાભ મને હજી પણ ત્રીજા પુસ્તક સુધી પણ આપતા રહેશે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૫ :

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: