“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (22)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

યૂ. પી.વાળાઓનું વર્ચસ્વ

. મૌલાના શબ્બીર અહમદ ઉસ્માનીઃ

જિન્નાના અવસાન વખતે ભારતના ગવર્નર જનરલ અને ચાણાક્ય રાજપુરુષ રાજાજીએ એમનો સરકારી શોક સંદેશ વડા પ્રધાન લિયાકત અલી ખાનને મોકલવાને બદલે મૌલાના શબ્બીર અહમદ ઉસ્માનીને મોકલ્યો. મૌલાના ઉસ્માનીના વિચારોથી આપણે આ લેખમાળાના ભાગ ૧૪માં વાકેફ થયા છીએ. ‘પયગંબરનું મદીનાનું રાજ્ય એ પહેલું પાકિસ્તાન, અથવા પાકિસ્તાન એટલે નવું મદીના’ એવો વિચાર મૌલાના ઉસ્માનીએ જ પ્રચારમાં મૂક્યો હતો. આપણે જોયું છે કે મુસ્લિમ લીગમાં એમનો પ્રભાવ વધતો જતો હતો અને કાયદે આઝમના અવસાન વખતે તેઓ શૈખઉલપાકિસ્તાન બની ચૂક્યા હતા. ઉસ્માનીએ જિન્નાના જનાઝા વખતે એમને ઔરંગઝેબ પછીના સૌથી મહાન મુસલમાન ગણાવ્યા એટલું જ નહીં પયગંબરના અવસાન સાથે જિન્નાના અવસાનની તુલના કરીને પહેલા ખલિફા અબૂ બક્રે કહ્યું હતું તેમ લોકોને એકતા, આસ્થા અને શિસ્તનો જિન્નાનો સંદેશ હંમેશાં યાદ રાખવા અપીલ કરી.

પાકિસ્તાનને આધુનિક રાજ્ય બનાવવું કે વિચારસરણી આધારિત રાજ્ય, એ બે બિંદુઓ પાકિસ્તાનના વિશ્લેષણમાં મહત્ત્વનાં છે. ધર્મનિરપેક્ષ લોકો માને છે કે જિન્ના પાકિસ્તાનને આધુનિક રાષ્ટ્ર બનાવવા માગતા હતા, તો સામે પક્ષે, એવું માનનારા પણ છે કે જિન્ના પાકિસ્તાનની વિચારધારા (ઇસ્લામિક સિદ્ધાંતો)ના જનક છે. આ ચર્ચા જે હોય તે, ઉસ્માનીના વધેલા પ્રભાવ પરથી એટલું તો છતું થાય જ છે કે જિન્નાએ ઉલેમાઓ સાથે બહુ ગાઢ સંબંધ કેળવી લીધા હતા. આમ કંઈ નહીં તો એક દિશામાં તો પાકિસ્તાન જિન્નાના સક્રિય પ્રોત્સાહનથી આગળ વધતું જ હતું.

ઉસ્માનીએ જિન્નાના સપનાની વર્લ્ડ મુસ્લિમ કૉન્ફરન્સ પણ ગોઠવી. જો કે જિન્નાના જવા પછી એ લાંબું ન જીવ્યા પરંતુ ઇસ્લામિક વિશ્વ બંધુત્વ(અખ્વાત-એ-ઇસ્લામિયા) નામના સંગઠનનીયે રચના કરી. આમાં એમને એમના યૂ. પી.ના સાથીઓ ખલિકુઝ્ઝમાન અને એ. બી. એ. હલીમનો પૂરો ટેકો મળ્યો. હલીમ પહેલાં અલીગઢમાં હતા અને પાકિસ્તાન ગયા પછી એમને સિંધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવાયા હતા.

. ખલિકુઝ્ઝમાન:

આપણે અગાઉ વાંચ્યું છે કે યૂ. પી. મુસ્લિમ લીગના આ નેતા ભાગલા વખતે તરત પાકિસ્તાન નહોતા ગયા. હિન્દુસ્તાનની બંધારણ સભામાં પણ ચુંટાયા હતા અને પછી પાકિસ્તાન ગયા તેમાં એમની રાજકીય મહત્ત્વાકાંક્ષાની મુખ્ય ભૂમિકા હતી. ખલિકુઝ્ઝમાનને મધ્ય પૂર્વમાં પાકિસ્તાનના ઍમ્બેસેડર તરીકે જવાબદારી સોંપાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગના એ પ્રમુખ બન્યા. એમને પૂર્વ પાકિસ્તાનના ગવર્નર પણ બનાવવામાં આવ્યા.

પાકિસ્તાનના બંધારણના ઉદ્દેશોનો ઠરાવ ઘડાયો તેમાં પણ એમનો ફાળો મહત્ત્વનો રહ્યો. ખલિકુઝ્ઝમાને ઇસ્લામી રાજ્ય અને મુસ્લિમ રાજ્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. પાકિસ્તાન હજી તો માત્ર મુસ્લિમ રાજ્ય છે, અને કોઈ મુસ્લિમ રાજ્ય આપમેળે ઇસ્લામી રાજ્ય ન બની જાય, એને બનાવવું પડે અને પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય બનશે. પાકિસ્તાનના બંધારણના ઉદ્દેશોનો ઠરાવ બંધારણ સભાએ મંજૂર કર્યો તેને ખલિકે ઇસ્લામી રાજ્ય બનવાની દિશામાં મહત્ત્વનું કદમ માન્યું. લોકો કુરાન અને સુન્ના પ્રમાણે જીવન જીવી શકે એવું રાજ્ય બનાવવાનું લક્ષ્ય આ ઠરાવમાં અંકિત કરવામાં આવ્યું હતું.

. રાજા મહેમૂદાબાદ:

પાકિસ્તાન બન્યા પછી રાજા મહેમૂદાબાદની જિંદગીનો માર્ગ બદલાઈ ગયો. ભાગલા સાથે રમખાણો ફાટી નીકળતાં એમનું હૈયું હચમચી ઊઠ્યું. બન્ને નવા દેશો આઝાદીનો ઉત્સવ ઊજવતા હતા ત્યારે રાજા મહેમૂદાબાદ સરહદ ઓળંગીને કુટુંબ સાથે ઝાહેદાનની સરહદેથી ઇરાન ગયા. ત્યાંથી મશ્શાદ અને તહેરાન થઈને શિયાઓના પવિત્રતમ ધામ ઇરાકમાં કર્બલા પહોંચ્યા. એ વખતે એમની પાસે ઇંડિયન પાસપોર્ટ જ હતો. ત્યાં દસ વર્ષ રહ્યા પછી ૧૯૫૭માં એમણે બેગમ અને પુત્રને લખનઉ મોકલ્યાં જ્યાં પુત્રે એક એંગ્લો-ઇંડિયન સ્કૂલમાં પોતાનું ભણતર પૂરું કર્યું.

તે પછી રાજા પાકિસ્તાન ગયા અને પાકિસ્તાની પાસપોર્ટ મેળવ્યો. એમને પાકિસ્તાનમાં રાજકારણમાં પડવાની ઇચ્છા હતી પણ પાકિસ્તાન તદ્દન બદલી ગયું હતું. મહેમૂદાબાદ હવે પાકિસ્તાનમાં એક મુહાજિર, સુન્ની બહુમતી વચ્ચે શિયા હતા. ફરીથી એમણે પાકિસ્તાન છોડ્યું અને લંડનમાં વસી ગયા. ત્યાં એમણે ઇસ્લામિક સેન્ટરના ડાયરેક્ટર તરીકે કામ કર્યું. લંડનની સેંટ્રલ મસ્જિદ બનાવવામાં એમની ભૂમિકા બહુ મહત્ત્વની રહી.

એક ઇંટરવ્યૂમાં રાજાએ કહ્યું કે એમની પાકિસ્તાનમાં કોઈ જરૂર નહોતી એટલે ત્યાં ઠરીઠામ ન થયા. તે સાથે એ સંકુચિત રાષ્ટ્રવાદના સીમાડા વટાવી ચૂક્યા હતા. એમણે કહ્યું કે મને હવે રાષ્ટ્રો કરતાં લોકોમાં વધારે રસ છે અને લોકો માટે તો ક્યાંય પણ કામ કરી શકાય છે.”

વર્ષો પછી એમના પુત્રે વી. એસ. નયપોલને કહ્યું કે રાજા મહેમૂદાબાદનું એક દેશથી બીજા દેશમાં ભટકવું, એક રીતે લાખો લોકોને હિન્દુસ્તાન છોડીને પાકિસ્તાન હિજરત કરવી પડી તેના પ્રાયશ્ચિત્ત જેવું હતું. લાખો લોકોની જેમ એમણે પણ ઘરબાર વિના ભટકવાનું હતું.

૧૯૬૫ના ભારત-પાક યુદ્ધ પછી સરકારના ‘કસ્ટોડિયન ઑફ ઍનિમી પ્રોપર્ટી’ વિભાગે ઉત્તર પ્રદેશમાં એમની જે કંઈ સંપત્તિ હતી તે જપ્ત કરી લીધી. ૧૯૭૧ના યુદ્ધ પછી બાંગ્લાદેશ બનતાં રાજા મહેમૂદાબાદ માટે Two-nation Theoryનો મૃત્યુઘંટ વાગી ગયો. એ ભાંગી પડ્યા હતા.

બે વર્ષ પછી ૫૮ વર્ષની ઉંમરે એમનું અવસાન થઈ ગયું. ઇરાનના મશ્શાદમાં મુખ્ય દરગાહમાં એમને દફનાવવામાં આવ્યા. એમને અંતિમ રીતે તો કર્બલામાં દફનાવવાના હતા પણ ૧૯૭૬માં ઇરાનના શાહે આ જમીન પર બાગ બનાવવાનો હુકમ આપતાં ફરી એમની કબર ખોદવાનો સવાલ આવ્યો. એ વખતે પાકિસ્તાનના વડા પ્રધાન ભુટ્ટોની દરમિયાનગીરીથી એમને દરગાહની અંદરના ભાગમાં ફરી દફન કરવામાં આવ્યા.

સામાન્ય યૂ. પી.વાળાઓની દુર્દશા અને શક્તિ

બીજી બાજુ યૂ.પી.થી ગયેલા સામાન્ય મુસલમાનોને ભારે જીવનસંઘર્ષ કરવો પડ્યો. નવા પરાયા મુલકમાં અનેક હાડમારીઓ હતી, જીવન નવેસરથી શરૂ કરવાનું હતું પરંતુ આ જ કારણે શરૂઆતનાં વર્ષોમાં જ મુહાજિરો ગણનાપાત્ર રાજકીય તાકાત પણ બની ગયા. પાકિસ્તાનના ભારત માટેના દૃષ્ટિકોણ માટે પણ એમને જવાબદાર ગણાવી શકાય છે. કરાચીસ્થિત એક અમેરિકન ડિપ્લોમૅટ એ વર્ષો દરમિયાન નોંધે છે કે “…દોઢેક વર્ષના ગાળામાં નિર્વાસિતોમાં ભારતીય સંઘ વિરુદ્ધની લાગણીઓ ઠંડી પડી છે પણ હજી એક ગંભીર અને બંધાયેલી વિચારસરણી ટકી રહી છે કેપાકિસ્તાન માટે જે સારું હશે તે ભારત માટે ખરાબ હશે અને જે ભારત માટે સારું હશે તે પાકિસ્તાન માટે ખરાબ હશે. કોઈ ત્રીજો દેશ જે દેશમાં રસ દેખાડે તો આપોઆપ બીજા દેશની વિરુદ્ધ હોવાનું મનાય છેમાફ કરવાની વૃત્તિ નિર્વાસિતોમાં હોય એવું નથી લાગતું.”

બન્ને દેશોના મગજમાં આ ખ્યાલો આજે પણ છે જ. પરંતુ આપણે પહેલા પ્રકરણમાં જિન્નાના આત્માની સાથે સંવાદની વાત વાંચી છે તેનાં પચાસ વર્ષ પછી મુહાજિરોના વિચારોમાં પરિવર્તન આવ્યું અને મુહાજિર કૌમી મૂવમેન્ટના નેતા અલ્તાફ હુસૈને દિલ્હીમાં જાહેરમાં કહ્યું કે પાકિસ્તાન બનાવ્યું તે માનવ ઇતિહાસની સૌથી મોટી ભૂલ હતી. એમણે બે રાષ્ટ્રોના સિદ્ધાંતને ફગાવી દીધો અને ભારત સરકારને મુહાજિરોને માફ કરવા અને પાછા લઈ લેવા વિનંતિ કરી.

જોવાનું એ છે કે એમની વિરુદ્ધ તહેરીકે ઇન્સાફ પાર્ટીના પઠાણ નેતા ઇમરાન ખાને દેશદ્રોહનો કેસ નોંધાવ્યો! એમ લાગે છે કે ચક્રનો એક આંટો પૂરો થઈ ગયો છે. (સ્પષ્ટતાઃ પાકિસ્તાનની વિચારધારામાં નોંધપાત્ર ફાળો આપનારા આજના ‘મુહાજિરો’ બે રાષ્ટ્રોના સિદ્ધાંતને ખોટો ગણાવતા થઈ ગયા અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના નેતૃત્વ નીચે બ્રિટીશ હકુમત અને મુસ્લિમ લીગ વિરુદ્ધ અડીખમ રહીને પાકિસ્તાનન વિરોધ કરનારામાંથી એક નેતા નીકળે છે અને બે રાષ્ટ્રોના સિદ્ધાંત માટે પસ્તાવો કરનારને ‘દેશદ્રોહી’ ગણાવે છે. લેખક આ જ અર્થમાં કહે છે કે ચક્રનો પહેલો આંટો પૂરો થયો).

આમ તો આ સાથે પુસ્તક સમાપ્ત થાય છે પરંતુ લેખક વેંકટ ધૂલિપાલા પોતે શું નિષ્કર્ષ કાઢે છે તે જાણ્યા વિના ન ચાલે. એટલે આવતા અઠવાડિયે આપણે પુસ્તકોનો ઉપસંહાર કરશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૪ :

%d bloggers like this: