“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (21)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

જિન્નાની નીતિઓ

મુસ્લિમ સમાજમાં તો મંથન શરૂ થઈ ગયું હતું અને ભાગલાનો અર્થ સામાન્ય મુસ્લિમને બરાબર સમજાવા લાગ્યો હતો. આપણે જિન્ના શું વિચારતા હતા તે જોઈએ. બિહાર અને ગઢમુક્તેશ્વરનાં રમખાણો પછી કાયદે આઝમને અત્યંત જોખમભરી કોમી સ્થિતિનો અંદાજ હતો. એમને યુક્ત પ્રાંતના મુસલમાનોની મનઃસ્થિતિ પણ સમજાતી હતી. એટલે એમણે મુસલમાનોના હૈયે ટાઢક વળે એવું વક્તવ્ય આપ્યુઃ હું હિન્દુસ્તાનના નાગરિક તરીકે જ પાકિસ્તાન જાઉં છું. હું એટલા માટે જાઉં છું કે પાકિસ્તાનના લોકોએ મને એમની સેવા કરવાની તક આપી છે. પરંતુ એનો અર્થ એ નથી કે હું હિન્દુસ્તાનનો નાગરિક મટી જાઉં છું. જેમ લૉર્ડ માઉંટબૅટન વિદેશી નાગરિક છે તેમ છતાં એમણે હિન્દુસ્તાનના ગવર્નર જનરલનું પદ સ્વીકાર્યું છે તેમ મેં પણ પાકિસ્તાનના ગવર્નર જનરલ બનવાનું સ્વીકાર્યું છે. પરંતુ હું હિન્દુસ્તાનના મુસલમાનોની સેવા માટે હંમેશાં તૈયાર રહીશ.”

તે પછી થોડા દિવસે ૧૧મી ઑગસ્ટે એમણે જે ભાષણ આપ્યું તે એમની ધર્મનિરપેક્ષતાના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવતું હોય છે, પણ એના કરતાં વધારે તો એ ભાષણનો હેતુ હિન્દુસ્તાનના મુસલમાનોને આશ્વાસન આપવાનો જ હતો. (આ ભાષણ પરથી જિન્નાની પ્રશંસા કરીને લાલકૄષ્ણ આડવાણીએ આર. એસ. એસ.ની ખફગી વહોરી લીધી હતી તે યાદ કરવા જેવું છે).

૧૧મી ઑગસ્ટનું ભાષણ મુસ્લિમોને આશ્વાસન આપવા પૂરતું હતું, એમ માનવાનું કારણ એ કે ૧ ઍપ્રિલ ૧૯૪૬ના પાયોનિયર અખબારના અહેવાલ મુજબ જિન્નાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે “હું મને પોતાને હિન્દુસ્તાનનો નાગરિક નથી માનતો.” કરાચી જતાં પહેલાં જિન્નાએ દિલ્હીમાં એમનું ઔરંગઝેબ રોડ પરનું મકાન એમના જૂના મિત્ર શેઠ રામકૃષ્ણ ડાલમિયાને વેચી નાખ્યું હતું. ડાલમિયાએ એનો કબજો સંભાળીને તરત જ એને ગૌરક્ષા મંડળ (Cow Protection League) ના મુખ્ય કાર્યાલયમાં ફેરવી નાખ્યું હતું અને ૧૦મી ઑગસ્ટે જ આખા દેશમાં ગૌરક્ષા દિન મનાવવાનું એલાન કર્યું હતું. જિન્નાએ મુંબઈનું મલબાર હિલનું મકાન તો ૧૯૪૪માં જ હૈદરાબાદના નિઝામને વેચવાની કોશિશ કરી હતી પણ સોદો ન થઈ શક્યો. મકાન ભાગલા સુધી વેચાયું નહીં અને ભારત સરકારે એ સીલ કરી દીધું. બીજી બાજુ, લિયાકત અલી ખાનની સ્થાવર સંપત્તિ બેગમ રાણા લિયાકતે સરકારને બે વર્ષ માટે પટ્ટેથી આપી હોવાથી એને સીલ નહોતી કરવામાં આવી.

કપાયેલા પાકિસ્તાન માટે જિન્નાનો ઉત્સાહ

હજી તો થોડાં જ વર્ષો પહેલાં જિન્નાએ Trunketed Pakistan (કપાયેલું પાકિસ્તાન) માટે ના પાડી હતી, પરંતુ એ ખરેખર મળ્યું ત્યારે એમને નિરાશા નહોતી. અમેરિકન પત્રકાર અને ફોટોગ્રાફર માર્ગરિટ બર્કવ્હાઇટ જિન્નાને મળ્યા પછી લખે છે કે, “જિન્નાની આંખોમાં પરમ આનંદનો જ્વર જોવા મળ્યો અને એમની બધી રીતભાત દેખાડતી હતી કે એમની નસોમાં અતિ ઉત્સાહ દોડતો હતો”. જિન્નાએ એમને કહ્યું કે પાકિસ્તાન માત્ર સૌથી મોટું ઇસ્લામિક રાષ્ટ્ર જ નહીં પણ દુનિયાનું પાંચમા નંબરનું મોટું રાજ્ય હતું. જિન્ના પાકિસ્તાનની આ બે ખાસિયતો પર ભાર મૂકતા હતા તે દેખાડે છે કે મુસ્લિમ દેશોના અગ્રણી તરીકે અને દુનિયાના આધુનિક ‘નવા મદીના’ વિશે એમને ભારે આશાઓ હતી.

જિન્ના પોતે પણ આ બે ખ્યાલો વચ્ચે સંતુલન સાધવાની મથામણ કરતા હતા. બર્કવ્હાઇટે એમને પાકિસ્તાનનું બંધારણ કેવું હશે તે વિશે પૂછ્યું તો ‘ઇસ્લામિક સિદ્ધાંતોને નવા રાષ્ટ્રના કાયદાઓ સાથે સાંકળવા માટેના સુયોગ્ય બંધારણીય વકીલે સર્વસામાન્ય વાત કરીઃ

અલબત્ત, એ લોકશાહી બંધારણ જ હશે; ઇસ્લામ લોકશાહીવાદી ધર્મ છેલોકશાહી નવી વસ્તુ નથી જે અમે (હવે) શીખતા હોઈએ.. એ અમારા લોહીમાં છે. હંમેશાં અમારે ત્યાં ઝકાતની વ્યવસ્થા રહી છેગરીબો પ્રત્યે અમારી એ જવાબદારી છેછેક તેરમી સદીથી અમારા ઇસ્લામિક આદર્શોનો આધાર લોકશાહી અને સામાજિક ન્યાય છે.”

આ ઇસ્લામિક લોકશાહીના આદર્શને તો રાજા મહેમૂદાબાદ અને ૧૯૪૦માં પૅમ્ફલેટ લખનાર અનીસુદ્દીન અહમદ રિઝવીએ પણ વ્યક્ત કર્યો હતો. ૧૧મી ઑગસ્ટનું જિન્નાનું ભાષણ કદાચ આધુનિક અને ઇસ્લામિક અવધારણાઓ વચ્ચે મેળ બેસાડવાના પ્રયત્ન જેવું હતું. યૂ. પી.માં તો ૧૧મા ઑગસ્ટના ભાષણનું તરત સ્વાગત થયું પણ ૧૩મી તારીખે પાયોનિયરે તંત્રીલેખમાં લખ્યું કે હવે પીધેલો ફિલિપ નરમ ઘેંસ જેવો ફિલિપ છે, પક્ષકાર જિન્ના હવે રાજપુરુષ જિન્ના છે.”

જિન્નાઃ અસ્પષ્ટ નિવેદનોના કલાકાર

પરંતુ, જિન્ના ફરી અસ્પષ્ટ અને કંઈ પણ અર્થ નીકળી શકે એવી કલાકારી તરફ વળી ગયા. ૨૫મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એમણે સિંધ બાર એસોસિએશનની મીટિંગમાં જે કહ્યું તેના પરથી એમ લાગે કે ધર્મને રાજકારણથી દૂર રાખવાના એમના પહેલાંના વલણને પણ છોડી દેવા માટે એ તૈયાર હતા. એમણે પાકિસ્તાનના બંધારણના આધાર તરીકે શરીઅતના કાનૂનોની અવગણના કરવાના પ્ર્રયાસોને અવળચંડાઈ જેવા ગણાવ્યા.

જ્યારે ‘પાકિસ્તાન મુસ્લિમ લીગ’ બધા ધર્મોના લોકો માટે ખુલ્લી મૂકવાની વાત આવી તો જિન્નાએ કહ્યું કે હજી એના માટે સમય પાક્યો નથી. પરંતુ એમના બીજા, ખાસ કરીને યૂ. પી.થી આવેલા સાથીઓ ગોળગોળ વાતો નહોતા કરતા. એ હંમેશાં એક જાતની ચોખ્ખી વાત કરતા હતા. પાકિસ્તાન માટેના ભારતના પહેલા હાઈ કમિશનર શ્રીપ્રકાશ લખે છે કે એમને એમના જૂના મિત્રો જુદી જુદી સભાઓમાં લઈ જતા. ત્યાં તેઓ લોકોને પૂછતા કે તમે કયા કાનૂન નીચે રહેવા માગો છો – ઇંડિયન પીનલ કોડ કે કુરાન? એમને તરત જ જવાબ મળતો કે કુરાન.

આર્થિક વિકાસનું ઇસ્લામિક મૉડેલ

જિન્નાએ ઇસ્લામિક લોકશાહીની સાથે જ આર્થિક વિકાસનું ઇસ્લામિક મૉડેલ તૈયાર કરવા માટે પણ હાકલ કરી. એમણે કહ્યું કે પાકિસ્તાને પોતાની રીતે જ પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું છે અને દુનિયા સમક્ષ માનવીય સમાનતા અને સામાજિક ન્યાયના ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે નવી આર્થિક વ્યવસ્થા પ્રસ્તુત કરવાની છે. ઘણી વાર આ મૉડેલને ‘ઇસ્લામિક સમાજવાદ’ તરીકે પણ રજૂ કરવામાં આવતું. જો કે, પાકિસ્તાનનું રાજ્ય પોતે આ મૉડેલથી બહુ દૂર હતું. એનું એક કારણ તો એ કે જિન્નાનો પોતાનો દૃષ્ટિકોણ રૂઢિચુસ્ત હતો અને બીજી વાત એ કે શાસન કરનારા ઉચ્ચ વર્ગના હતા. કરાચીમાં અમેરિકન શાઝ-દ’ફેર્સ ચાર્લ્સ ડી. લૂઇસને એ જાણીને નવાઈ લાગી કે પ્રાંતોના ગવર્નરોના પગારો તો અમેરિકાનાં ઘણાંખરાં રાજ્યોના ગવર્નરો કરતાં પણ વધારે હતા. પાકિસ્તાનમાં મૂડીની ભારે ખેંચ છે, જનતામાં વ્યાપક ગરીબાઈ છે અને નવી સરકાર નજીકના ભવિષ્યમાં નાણાકીય મદદ માટે કદાચ અમેરિકાને અરજી કરશે  એ સંજોગોમાં આટલા ઊંચા પગારો હોય તે એમને વિચિત્ર લાગ્યું. એ માત્ર વિચિત્ર જ નહીં ચોંકાવનારું પણ હતું કારણ કે બ્રિટિશ હકુમત સામેની એક મુખ્ય ટીકા જ એ હતી કે જનતાને ભોગે ગવર્નરો અને બીજા અધિકારીઓને બહુ ઊંચા પગારો આપવામાં આવે છે.

શરૂઆતનાં વર્ષોમાં પાકિસ્તાનની વિદેશ નીતિ

વેંકટ ધૂલિપાલા કહે છે કે સામાન્ય રીતે આપણે એમ માનતા રહ્યા છીએ કે પાકિસ્તાનની વિદેશ નીતિમાં ભારત વિશેનું એનું વળગણ દેખાય છે, પરંતુ આપણે જિન્ના પાકિસ્તાનના બેવડા સ્વરૂપ – આધુનિક દુનિયાનો દેશ અને મદીના – ની વાત કરે છે તેની ભૂમિકાને ભૂલી જઈએ છીએ. ખરેખર તો ભાગલા પહેલાં જે વચનો આપવામાં આવ્યાં હતાં તે પ્રમાણે પાકિસ્તાનના નેતાઓએ બૃહદ ઇસ્લામી બિરાદરીની નીતિઓ અમલમાં મૂકવાનું શરૂ કર્યું. પાકિસ્તાનની વિદેશનીતિના અગ્રગણ્ય વિવેચક સૅમ્યુઅલ માર્ટિન બર્ક લિયાકત અલી ખાનનું મંતવ્ય ટાંકે છે કે ઇસ્લામની વિચારધારા લાગુ કરી શકાય એવો પ્રદેશ મેળવવા માટેની તીવ્ર ભાવનામાંથી પાકિસ્તાનનો જન્મ થયો છે.”  ભાગલાથી પણ પહેલાં જિન્નાએ મધ્યપૂર્વ (અખાતના આરબ દેશો) અને દૂર પૂર્વ (ઇંડોનેશિયા, મલેશિયા વગેરે) ના મુસ્લિમ દેશોનો બ્લૉક બનાવવા માટેના પહેલા પગલા તરીકે વર્લ્ડ મુસ્લિમ કૉન્ફરન્સ બોલાવવાનું સુચવ્યું હતું. ઈરાક, સીરિયા અને લેબનોને તરત જ આ દરખાસ્ત વધાવી લીધી હતી. ૧૯૪૬માં જિન્નાએ મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી તેમાં અંગ્રેજી હકુમતના જવા પછી ઇસ્લામિક જગત માટે અખંડ ભારત ખતરનાક સાબીત થશે એવી દલીલો રજૂ કરી હતી. એમણે કહ્યું કેહિન્દુ સામ્રાજ્યવાદી રાજ્ય મધ્યપૂર્વમાં પણ પગપેસારો કરે એવો ભય છેહિન્દુ સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યવાદ જેટલું ખતરનાક ન હોય તો પણ એ બહુ જ ખતરનાક રહેશે, કારણ કે એનો અર્થ એ કે હિન્દુસ્તાનમાંથી, અને બીજા દેશોમાંથી પણ, ઇસ્લામનો અંત આવી જશે.”

છાપાંઓના સમાચાર પ્રમાણે જિન્ના ઈજિપ્તમાં પણ વિશ્વવ્યાપી ઇસ્લામિક લીગ બનાવવા માટે વિચાર વિનિમય કરતા હતા અને સાઉદી અરેબિયાના શાહ અબ્દુલ અઝીઝના સલાહકાર સેન્ટ જ્‍હોન ફિલ્બી ભારત આવ્યા હતા. જો કે ઈજિપ્તે આ સૂચનને વિનયપૂર્વક નકારી કાઢ્યું, પણ જૉર્ડનના શાહ અબ્દુલ્લાહે તુર્કી અને આરબ દેશોનો બ્લૉક બનાવવાનું સૂચવ્યું, જેમાં એમના હિસાબે તુર્કી, ઇરાન, ઉત્તર આફ્રિકા (ઈજિપ્ત, લિબિયા, મોરોક્કો વગેરે), અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આરબ દેશો જોડાઈ શકે. જિન્ના પૅલેસ્ટાઇન સમસ્યામાં પણ રસ લેતા હતા. એમણે કહ્યું કે પૅલેસ્ટાઇનને યહૂદીઓને ઠાલવવાનું સ્થાન શા માટે બનાવી દેવાયું છે? એમણે લૉર્ડ ઇસ્મે સાથેની વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાનીઓ વ્યક્તિગત રીતે પેલેસ્ટાઇનીઓ સાથે રહીને લડશે તેમાં એમને વાંધો નથી. મોટા ભાગે ‘પાકિસ્તાન દિન’ અને ‘પૅલેસ્ટાઇન દિન’ની ઊજવણી એક સાથે કરવામાં આવતી. કાશ્મીરના સંકટ વખતે પણ જિન્નાએ મુજાહિદો જેવો જુસ્સો કેળવવા અપીલ કરી.

ઇંડોનેશિયામાં એમણે ડચ આર્મીના હુમલા સામે સુલતાન શરયારને “પાકિસ્તાન અને હિન્દુસ્તાનના મુસલમાનો વતી” ટેકો જાહેર કર્યો. આની સામે ચૌધરી ચરણ સિંહે જોરદાર વાંધો લેતાં કહ્યું કે “(ભારત) સંઘમાં રહી ગયેલા મુસલમાનો ભારતના નાગરિકો છે અને જિન્ના એક વિદેશી રાજ્યના વડા છે એટલે એમને બહારની દુનિયામાં ભારતના મુસલમાનો વતી બોલવાનો કોઈ અધિકાર નથી.”

રશિયા દૂર નથી

૧૯૫૩-૫૫ સુધી પાકિસ્તાનની નીતિ એ જ રહી પણ મુસ્લિમ દેશો તરફથી નિરાશ થવું પડ્યું તે પછી પાકિસ્તાન પશ્ચિમ તરફ મદદ માટે વળ્યું. જિન્નાએ તો જો કે માર્ગરિટ બર્કવ્હાઇટ સાથેની વાતચીતમાં પણ સંકેત આપ્યો હતો. જિન્ના જીવનની શરૂઆતમાં રંગમંચના અદાકાર બનવા માગતા હતા એનો ઉલ્લેખ કરીને બર્કવ્હાઇટે લખ્યું છે કે જિન્ના નાટકીય અંદાજમાં એમના તરફ ઝુક્યા અને રહસ્ય ખોલતા હોય તેમ બોલ્યા “રશિયા બહુ દૂર નથી.” જિન્નાનો ખ્યાલ હતો કે પાકિસ્તાનનું ભૌગોલિક સ્થાન વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનું છે એટલે પાકિસ્તાનને અમેરિકાની જેટલી જરૂર છે તેના કરતાં અમેરિકાને પાકિસ્તાનની વધારે જરૂર છે.

આવતીકાલે આપણે પાકિસ્તાનના ધરખમ સમર્થક યૂ. પી.ના નેતાઓ અને સામાન્ય મુસ્લિમોની સ્થિતિ પર એક નજર નાખશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૩ :

%d bloggers like this: