The Ghost of past

 Subodh ShahCuture Can Kill

આજના મારી બારીના મહેમાન લેખક છે, શ્રી સુબોધ શાહ. એમના તાર્કિક ચાબખા અખાની યાદ અપાવે એવા હોય છે. દરેક જણ પોતાના સમાજને પ્રેમ કરે છે પણ દરેકની નજર જુદી જુદી હોય છેઃ કોઈ પોતાના સમાજને બાળસુલભ મુગ્ધ ભાવે જૂએ, તો કોઈ વિવેચક ભાવે જૂએ. સુબોધભાઈ ભારતીય સમાજને, અથવા કહો કે, હિન્દુ સમાજને વિવેચક ભાવે જૂએ છે. એમનું પુસ્તક Culture Can Kill (અહીં જૂઓ) બે ઘડી અસ્વસ્થ કરી નાખે એવું છે. ગુસ્સો પણ આવશે કે બધું “આપણી વિરુદ્ધ” જ લખ્યું છે, પણ પુસ્તક મૂકશો ત્યારે થશે કે બધું “આપણા ભલા માટે” જ લખ્યું છે. લેખક કૅમિકલ એન્જીનિયર તરીકે અમેરિકા ગયા અને હવે ન્યૂ જર્સીમાં સ્થાયી થયા છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, અંગ્રેજી અને, લો સાંભળો… સંસ્કૃત પર પણ એમની બહુ સારી પકડ છે. અહીં એમના આ પુસ્તકનો એક અંશ રજૂ કર્યો છે, જે પહેલાં અમેરિકામાં ૨૮ વર્ષથી પ્રખ્યાત સાહિત્યિક ત્રિમાસિક ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના ઍપ્રિલ-૨૦૧૬ના અંકમાં પ્રગટ થયો છે. અહીં લેખક અને ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના આભાર સાથે ફરી રજૂ કરું છું…

ભૂતકાળનું ભૂત

સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભૂતકાળનું ભૂત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વિક્રમની કાંધ પર વેતાલ. આખી દુનિયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધિક સુસંસ્કૃત ને ખૂબ આગળ વધેલા હતા, એવો પ્રામાણિક પણ ખોટો ભ્રમ ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે આપણે મહાન છીએ, અનન્ય છીએ. હિટલરે આંચકો આપ્યો એ પહેલાં યહૂદી પ્રજા પણ પોતાના વિશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનિયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં. છતાં આ લોકપ્રિય માન્યતાની બીજી બાજુને નિરપેક્ષ ઐતિહાસિક ને વૈજ્ઞાનિક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભૂતકાળ કીર્તિવંત હતો એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યંત પુરાતન ભૂતકાળની વાત છે. વૈદિક સાહિત્ય અતિ પ્રાચીન છે. ઉપનિષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વિચારોનાં મ્યુઝિયમ છે, પેઢી દર પેઢી મૌખિક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ, ગણિત, ખગોળ, તર્ક અને ઔષધ, એ વિષયોમાં હિન્દુ સમાજની પ્રગતિ એ જમાનાના પ્રમાણમાં પ્રશંસનીય હતી. પરંતુ ઘણા હોંશિયાર ભારતીયો સુદ્ધાં નીચેની બાબતોમાં થાપ ખાઈ જતા જોવામાં આવે છે: આપણે ભૂલી જઈએ છીએ કે:

1. માત્ર પ્રાચીનતા એ જ પ્રગતિ કે મહાનતાનો માપદંડ નથી.

2. આપણા પ્રાચીન ઇતિહાસનો ઘણો મોટો ભાગ કોઈ જાણતું નથી, જાણી શકે એમ નથી અને જે કાંઇ જાણીતું છે તેમાં ઘણુંબધું સુધારેલું, પાછળથી ઉમેરેલું ને અનધિકૃત છે. પુરાણો એ ઇતિહાસ નથી. રસાત્મક કાવ્યમાં વિંટાળેલી એ લોકભોગ્ય વાર્તાઓ છે, સત્યના સૂક્ષ્મ બીજની આસપાસ ઉભારેલાં સ્વાદિષ્ટ ફળ છે.

3. આજકાલ કેટલાક સજ્જનો મનાવવા માગે છે કે આર્યો બહારથી આવ્યા જ નથી. પરન્તુ (ટોઈન્બી જેવા) બધા જ પરદેશી અને લોકમાન્ય તિલક જેવા ઘણામોટા ભાગના હિન્દુ ઇતિહાસકારો સુદ્ધાં આવા સહેતુક પ્રચારને ભારપૂર્વક નકારી કાઢે છે.

4. જેમને નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર કે પુરાતત્ત્વશાસ્ત્ર એ કઈ જાતની બલા છે એની કલ્પના સુદ્ધાં નથી, એ લોકો ભારતમાં કેટલાં લાખ વર્ષો પૂર્વે સત્ય, દ્વાપર ને ત્રેતા યુગો હતા; અને એ કેવા ભવ્ય હતા; એ શીખવે છે. આને કહેવાય આજની કરુણતાઓ ભૂલવા ગઈકાલ વિશેના ઝુરાપા (Nostalgia)નો ઉપયોગ.

આપણે બીજી પ્રજાઓના ઈતિહાસનું વાચન બહુ કરતા નથી; આપણા પૂર્વજોએ ઈતિહાસનું લેખન નહિવત્‌ કર્યું છે. આપણા પ્રાચીન સુપ્રસિદ્ધ મહાપુરુષોની અને બનાવોની તારીખો સો-બસો વરસ આમ કે તેમ – કોઈક વાર એથીય વધારે – ચર્ચાસ્પદ હોય છે. ભગવાન રામ અને કૃષ્ણના જન્મદિવસો આપણે જરૂર ઉજવીએ છીએ; પણ જન્મનાં વર્ષો તો ઠીક, કઈ સદીમાં એ જન્મ્યા હતા એ પણ કોઈને ખબર નથી. આપણી સાચી ને ખાતરીલાયક તવારીખ ગૌતમ બુદ્ધ, અશોકના શિલાલેખ અને ગ્રીક આક્રમણથી શરૂ થાય છે. દુનિયાના ઇતિહાસની પૂરી સાબિત થયેલી નીચેની ટૂંકી તવારીખ તપાસી જવા જેવી છે:

(ક) ભારતમાં (અનાર્ય સમયની) સિન્ધુ સંસ્કૃતિ મોહન-જો-ડેરો (ઈ.સ.પૂર્વે ૨૫૦૦) સૌથી પ્રાચીન છે. એનાથીય પહેલાં, ઈ.સ. પૂર્વે ૨૬૧૩ થી ૨૪૯૪ દરમિયાન ઈજિપ્તના પિરામિડો બંધાયા હતા. એનાથી અનેક સદીઓ પહેલાં સુમેરિયન (ઈ.સ.પૂર્વે ૪૩૦૦—૩૧૦૦) અને એસિરિયન સંસ્કૃતિઓ દરમિયાન ભાષા-લેખનની શરૂઆત થઈ હતી.

(ખ) ઈ.સ.પૂર્વે ૧૫૦૦ આસપાસ આર્યો મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા. આજે પ્રવર્તે છે તે પૌરાણિક હિન્દુ ધર્મનું સમગ્ર સાહિત્ય એ પછીનું છે. ભારતમાં રામાયણ અને મહાભારત (ઈ.સ.પૂર્વે ૧૪૦૦—૧૦૦૦) એ પછી રચાયાં. હોમર અને ગ્રીક મહાકાવ્યોનો યુગ એના નજીકના સમયગાળામાં આવે છે. આપણો ઇતિહાસ તો એ પછીની અનેક સદીઓ પછી રચાતો થયો. ચીનની સંસ્કૃતિના ઉદયનો સમય (ઈ.સ.પૂર્વે ૧૫૦૦-૧૦૨૭) પણ લગભગ એ જ છે. એ બધાંની ય પહેલાં ઈ.સ.પૂર્વે ૧૭૯૨ થી ૧૭૫૦માં બેબિલોનનો જાણીતો સેનાપતિ હમ્મુરાબી થયો હતો.

(ગ) ભારતમાં ઈ.સ. પૂર્વે ૫૫૦-૪૮૦ બુદ્ધ અને મહાવીરનો સમય છે. ઈરાનમાં થયેલા અષો જરથુષ્ટ્ર (ઈ.સ. પૂર્વે ૬૨૮–૫૨૧)નો અગ્નિપૂજક પારસી ધર્મ એ બન્ને કરતાં જૂનો છે. ચીનમાં કોન્ફ્યુશિયસ (ઈ.સ.પૂર્વે ૫૫૧–૪૭૯) અને લાઓ-ત્સે (ઈ.સ.પૂર્વે ૫૭૦–૫૧૭) સહિત આ બધા ધર્મસંસ્થાપકો લગભગ સમકાલીનો હતા.

(ઘ) ભારતનું પ્રથમ મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૩૨૩-૧૮૫) હતું. એ વિશ્વવિજેતા સિકંદરની ચડાઈ પછી સ્થપાયું. પણ એસિરિયન સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૭૪૪-૬૦૯) અને ઈરાનમાં સમ્રાટ દરાયસ ચન્દ્રગુપ્ત મૌર્યથી ઘણા વહેલા હતા. ઈ.સ.પૂર્વે ૮૦૦-૭૦૦નાં ગ્રીસનાં શહેરી ગણરાજ્યો, આપણા વૈશાલીથી ઘણા પહેલાં થયાં હતાં.

(ચ) ભારતના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ (“સુવર્ણયુગ”) તે ગુપ્ત વંશના રાજાઓનો સમય (ઈ.સ. ૩૨૦–૫૨૦) હતો. મહાન રોમન સામ્રાજ્ય એનાથી ત્રણસો-ચારસો વર્ષ પહેલાં થઈ ગયું. ચીનનું વિખ્યાત હાન સામ્રાજ્ય પણ ઈ.સ. પૂર્વે ૨૦૨ ની આસપાસ વિસ્તર્યું હતું. આપણા મહાન દિગ્ગજ વિદ્વાનો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય ગુપ્તકાલીન હતા. પાયથાગોરસ, સોક્રેટિસ (ઈ.સ.પૂર્વે ૫૭૦), પ્લેટો (ઈ.સ.પૂર્વે ૪૨૭-૩૪૭), એરિસ્ટોટલ (ઈ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) ને આર્કિમિડિસ (ઈ. સ. પૂર્વે ૨૮૭-૨૧૨ – એ બધા જ આપણા આ વિદ્વાનો કરતાં હજારેક વર્ષો પહેલાં થઈ ગયા.

વાત દીવા જેવી સ્પષ્ટ છે કે આપણે એક, અદ્વિતીય કે પ્રથમ ન હતા. ઘણીબધી પ્રજાઓએ આપણા જેવી જ અથવા તેથીય ઊચી સિદ્ધિઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં હાંસલ કરી હતી. પ્રાચીન યુગમાં જ્યાં જ્યાં સરિતા-સંસ્કૃતિઓનો ઉદય થયો હતો ત્યાં ત્યાં સમાન સમયે સમાંતર કક્ષામાં માનવજાતિએ પ્રગતિ કરી હતી.

ગ્રીસ, રોમ, ઈજિપ્ત, ચીન, ભારત, બધી જ પ્રજાઓ પ્રાચીન સમયમાં અનેક દેવોમાં માનતી હતી. એમની પુરાણકથાઓમાં આશ્ચર્ય પમાડે એટલું અપરંપાર સામ્ય છે. હિન્દુઓનો દેવ ઈન્દ્ર, રોમન દેવ જ્યુપિટર અને ગ્રીક દેવ ઝીયસ, ત્રણે સરખા લાગે. આપણા પ્રેમના દેવ કામદેવની જેમ જ રોમન દેવ ક્યુપિડ ધનુષ્યબાણ ધરાવે છે. જેમ આપણા રામ દસ માથાંવાળા રાક્ષસ રાવણને મારે છે, તેમ એમનો દૈવી વીરપુરુષ હરક્યુલિસ નવ માથાળા હાઈડ્રા નામના રાક્ષસને મારે છે. કુંતિએ પોતાના નવા જન્મેલા પુત્ર કર્ણને નદીમાં તરતો છોડી દીધો હતો; મોઝીઝને એની માતાએ એમ જ કર્યું હતું. એમનો સેતાન, આપણો કલિ; તેમના નોઆહની આર્ક બોટ, આપણા મનુની હોડી.

ફિલસૂફીઓમાં પણ એવું જ છે. આત્માના કલ્યાણ માટે દેહદમન કે તપશ્ચર્યાની વાત ફક્ત જૈન લોકોનો આગવો વિચાર નથી, Stoics નામના પંથને પશ્ચિમની ફિલસૂફીમાં (આપણા સિવાય !) બધા જાણે છે. સાહિત્યમાં એક બાજુ કાલિદાસ ને ભવભૂતિ, તો બીજી બાજુ ગ્રીક સોફોક્લિસ, યુરિપિડીસ, એશ્ચિલસ, વગેરે બધા એમનાથી વહેલા. ગણિતમાં એક બાજુ આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય, બીજી બાજુ યુક્લિડ ને પાયથાગોરસ, બન્ને એમનાથી પહેલાં. ઔષધમાં આપણા ચરક-સુશ્રુત, એમના હિપોક્રેટિસ. એમના ઇતિહાસકારો પ્લિની ને હિરોડોટસ, આપણામાં કોઇ નહિ. વિજ્ઞાનમાં એમનો આર્કિમિડિસ, આપણામાં નામ દેવા ખાતર પણ કોઈ નહિ.

મધ્યયુગમાં આપણને હરાવનાર મુસ્લિમ હુમલાખોરો કરતાં આપણે આગળ વધેલા હતા એવું માનવા માટે કોઈ કારણ નથી. એક બે ઉદાહરણો તપાસો: ચીની પ્રજા પાસેથી કાગળ અને દારુગોળો બનાવવાની કળાઓ શીખીને મુસ્લિમો આપણા દેશમાં લઈ આવ્યા હતા. બાબર પોતે કવિ ને લેખક હતો. મહમદ ગઝનવી ફિરદૌસી અને અલ-બેરુની જેવા અનેક વિદ્વાનોનો આશ્રયદાતા હતો. આપણે ફા-હિયાન અને હ્યુ-એન-ત્સંગ વિશે જેટલું જાણીએ છીએ એટલું અલ-બેરુની કે ઇબ્ન બતુતા વિશે જાણીએ છીએ? દુનિયાના ઇતિહાસની આવી બધી વિગતો આપણે સામાન્ય ભારતીયો જાણતા હોતા નથી; એટલે એનું સ્વાભાવિક પરિણામ શું આવે છે? આપણી મહાન પરંપરા વિશેની અનેક કપોળકલ્પિત વાતો ગળચટી લાગે છે એટલે તરત આપણને સૌને ગળે ઉતરી જાય છે.

“ભવ્ય ભૂતકાળ”? અલબત્ત, જો ૨૦૦૦ વર્ષ પહેલાંના જમાનાને જ યાદ રાખીએ અને છેલ્લાં ૧૦૦૦ વર્ષની ગુલામી ભૂલવા માગીએ, તો આપણો ભૂતકાળ જરૂર ભવ્ય હતો. આપણને જૂનું યાદ છે, તાજું ભુલાય છે. ભૂતકાળનું ભૂત સુરાપાન કરાવી આપણને ભરમાવે છે— દારૂ જેટલો જુનો તેટલો સારો. આપણા વિચિત્ર ચશ્મા બહુ દૂરનો ભવ્ય ભૂતકાળ સ્પષ્ટ રીતે જોઈ શકે છે પણ પગ નીચેની પૃથ્વી એને દેખાતી નથી. એક પ્રકારના સામૂહિક આલ્ઝ્હેઇમર (Alzheimer) રોગ જેવું કંઈક તો આ નહિ હોય? જૂની યાદદાસ્તને ચાળણીમાં ચાળી સહન થાય તેટલી જ યાદોને આપણે જુદી પાડીએ છીએ, એમને મનગમતો સોનેરી ઢોળ ચઢાવીએ છીએ; અને પછી એને “ઇતિહાસ” ગણીએ છીએ.

આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે ગ્રીસ ને રોમ નાશ પામ્યાં છે, જ્યારે આપણે હજી જીવંત છીએ. “નાશ પામ્યાં” એટલે શું? એ દેશો હયાત છે, એમનો વારસો જીવે છે. એરિસ્ટોટલ ને પ્લેટોની સર્વદેશીય વિચારધારાઓના પાયા ઉપર તો પશ્ચિમની સમસ્ત આધુનિક ઇમારતો રચાયેલી છે. આ બધા વિશેનું ભારોભાર અજ્ઞાન “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” જેવાં ગાંડાંઘેલાં કથનોના મૂળમાં ભર્યું છે. અને આપણા અતિડાહ્યા પંડિતો એ કથનોને દોહરાવ્યે જાય છે. ખરેખર તો આપણને એ વાત અભિપ્રેત છે કે હિન્દુ ધર્મ સંસ્કાર હજી જીવંત છે. પરંતુ જેમ હિન્દુ, તેમ યહૂદી ધર્મ સંસ્કાર પણ જીવે છે. ખ્રિસ્તી સમાજ અને સંસ્કૃતિ બે હજાર વર્ષથી જીવે છે ને આખી દુનિયામાં પ્રસરેલાં છે. ઈસ્લામ આજે પણ પ્રસરી રહ્યો છે. જે લોકો માત્ર આપણા જીવતા રહેવા માટે જ અભિમાન લે છે તેઓ ભૂલી જાય છે કે આપણે ૧૦૦૦ વર્ષ પરતંત્ર અને નિર્ધન થઈ મરવાને વાંકે જીવતા રહ્યા; પિઝા આરોગી, જિન્સ પહેરી, પશ્ચિમની કેળવણી પામી, એમનું અનુકરણ કરતા થયા; એ સ્વમાન, સદ્‌ગુણ કે ડહાપણની સાબિતી તો નથી જ. પુરાતન ભારતીયતાનો શ્વાસોચ્છ્વાસ જરૂર ચાલુ છે, પણ એ ક્યારનીય અર્ધમૃત દશામાં છે.

આજના હિન્દુ સમાજનાં બે વર્તનો તપાસો: ૧. કોઈ પરદેશી વ્યક્તિ હિન્દુઓ વિશે સાવ સાચી તોય અણગમતી વાત તરફ ધ્યાન ખેંચે ત્યારે આપણે કેવા ઊકળી ઊઠીએ છીએ? ૨. ભારતના ઈતિહાસને સાફસુથરો (white washed) બનાવી દેખાડવા આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આ બન્ને પ્રકારનાં વર્તનનાં મૂળ આપણી ઐતિહાસિક ગુલામીથી ઘડાયેલી ગુપ્ત માનસ ગ્રંથિઓમાં મળશે.

આપણે બીજા સમાજો સાથે મેરેથોન દોડવાની હરિફાઈમાં છીએ, પણ પગમાં ભૂતકાળની સાંકળ બાંધેલી છે. નજર સામે નથી, પાછળ છે; અને દિલ ચોંટેલું છે એવા જરીપુરાણા જગતમાં, જેને આખી દુનિયા ક્યારનીય વટાવીને આગળ નીકળી ચૂકી છે. મૂળિયાંમાંથી સાવ ઉખડી ગયેલ સમાજ સ્થિર ન હોય. પણ માત્ર મૂળને જ ચપોચપ વળગી રહે, એના સાંકડા વર્તુળને છોડી જ ન શકે, એવો સમાજ પુખ્ત કે પરિપક્વ બનીને પ્રગતિ કરી શકે નહિ. કોણ કયા મૂળનો માલિક છે એના વિતંડાવાદમાં કાયમ અટવાતો રહેતો સમાજ સૂર્યપ્રકાશને ચૂકી જશે. ભૂતને ભવિષ્ય તરીકે જોવાથી નહિ; કેવા હતા એ પરથી નહિ; પણ કેવા છીએ, એ પરથી આપણી ઓળખ બંધાવી જોઈએ. સત્ય તો એ છે કે દુનિયા શબ્દોથી, ભાવનાઓથી, ધારણાઓથી નહિ, આપણાં કાર્યોથી આપણને ઓળખે છે. પરંતુ, આપણે હવે એ નક્કી કરવાનું છે કે ભૂતના ભવ્ય વારસાનો ગર્વ જોઇએ છે, કે સ્વશક્તિ નિર્મિત ભાવિનું સન્માન? ભૂતકાળની મૂડી પર જીવ્યા કરવું એના કરતાં વધારે સારું ધ્યેય એ છે કે ઉજ્જ્વળ ભવિષ્યનું સ્વયં નિર્માણ કરવું. ભૂતકાળને અતિક્રમીને એને ઝાંખો પાડી બતાવવો એ જ એને અર્પેલી આપણી શ્રેષ્ઠ અંજલિ હોય.

ભારતીય માનસને પ્રાચીનતાનો પ્રેમ, લગાવ કે વળગાડ, જે કહો તે, ઘણોબધો છે. જેટલું વધુ પ્રાચીન એટલું વધુ સારું. આપણા વિદ્વાનો એક પુરાણા શબ્દને પકડીને, તરડીને, મચડીને, માંજીને, મઠારીને, ગમે તે રીતે એમ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે આપણે ધારવા કરતાં વધુ પુરાતન છીએ. અનિશ્ચિતતા, અડસટ્ટો અને અંદાજ સિવાયનો બીજો કોઈ પુરાવો જ્યાં હોય જ નહિ, ત્યાં થોડીક વધુ પ્રાચીનતાનો દાવો કરવો એ વિદ્વત્તા નથી, બીજું કંઈક છે. સ્વદેશપ્રેમના નામે સ્વપ્રશંસાના દાવાઓ બધા દેશો કરે છે. હારેલા હોય તે વધારે ને વધુ મોટા અવાજથી કરે છે. મહાનતા સાબિત કરવા આપણે શું શું નથી કરતા? જે હકીકત માટે આપણને શરમ આવવી જોઈએ એ હકીકત માટે પણ આપણે બડાઈઓ હાંકીએ છીએ. દાખલા તરીકે: લાંબી ગુલામીની શરમ પર ઢાંકપીછોડો કરવા આપણે કહીએ છીએ કે ‘અમે કદી કોઈના ઉપર આક્રમણ કર્યું નથી’. પોતાના દુષ્કૃત્યનો પસ્તાવો થાય છે ત્યારે શેક્સપિયરમાં લેડી મૅકબેથ બોલે છે: “આખાય અરબસ્તાનનાં અત્તરો મારા આ નાનકડા હાથની દુર્ગંધ હટાવી નહિ શકે”. પ્રાચીનતાનાં પુષ્પોની આપણી બધીય બડાઈઓ આજની દરિદ્રતાની દુર્ગંધને ઢાંકી નહિ શકે. એ પુષ્પોને ઇતિહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સિંચન કરીએ, તો ભારતના ભાવિમાં તે વિશેષ ફળદાયી ન બને?


%d bloggers like this: