“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (20)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

અંતની શરૂઆત ()

જિન્નાના તારને કારણે કોંગ્રેસમાં ગુસ્સો ફેલાયો પણ મુસ્લિમ લીગમાં તો ખળભળાટ મચી ગયો. રાજા મહેમૂદાબાદના ભાઈ મહારાજકુમારે લીગમાંથી રાજીનામું આપી દીધું. એમણે લીગનું વિસર્જન કરવાની પણ માગણી કરી. મહારાજકુમારે કડવાશથી ટીકા કરી કે લીગના નેતાઓ સામાન્ય મુસ્લિમોને છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા. શાહજહાંપુરના લીગી ધારાસભ્ય કરીમ-ઉર-રઝા ખાને આ માંગને ટેકો આપતાં કહ્યું કે લીગના સભ્યોને એમને પસંદ હોય તેવા આર્થિક કાર્યક્રમને આધારે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાની છૂટ આપવી જોઈએ.

બીજી બાજુ રાષ્ટ્રવાદી મુસ્લિમો હાફિઝ મુહંમદ ઇબ્રાહિમને ઘરે મળ્યા અને મૌલાના અબુલ કલામ આઝાદની નેતાગીરીમાં વિશ્વાસ જાહેર કર્યો. એમણે રાષ્ટ્રવાદી મુસલમાનોના વિચારો અપનાવવા માટે અપીલ કરતાં મુસ્લિમ લીગની ભાગલાવાદ, ગુંડાગીરી અને Two-nation theoryની નીતિને મુસ્લિમોની આજની સ્થિતિ માટે જવાબદાર ગણાવી. એમણે એ વર્ષના ડિસેમ્બરમાં લખનઉમાં કૉન્ફરન્સ રાખવાનો નિર્ણય લીધો.

કરાચીમાં લીગની છેલ્લી કૉન્ફરન્સ

એ જ ટાંકણે ડિસેમ્બરની મધ્યમાં કરાચીમાં મુસ્લિમ લીગની કૉન્ફરન્સ મળી. મુસ્લિમ લીગની એ છેલ્લી કૉન્ફરન્સ હતી. એમાં ભારે જીભાજોડી થઈ. એક યુવાન સભ્ય જમાલ મિયાંએ મુસ્લિમ લીગના નેતાઓને ભારે ઠમઠોર્યા.

અલ્લાહને ખાતર, તમે પોતાને મુસ્લિમ રાજ્ય કહીને ઇસ્લામનું નામ બોળવાનું બંધ કરો. તમારી સરકાર, તમારા ગવર્નરો અને પ્રધાનોની વર્તણૂક ઇસ્લામને અનુરૂપ નથી. તમે પોતાને મુસ્લિમ રાજ્ય કહેશો તો તમે ખલિફાઓની જેમ રહો એવી અમે આશા રાખશું, પણ તમને ખબર છે કે તમે પવિત્ર લોકો જેમ જીવી નહીં શકો.”

એમણે જિન્નાને પણ છોડ્યા નહીં –

અમે તમને ઊંચા આસને બેસાડ્યા. તમારા સિવાય કોઈની નેતાગીરી માની. તમે ઓચિંતા અમને છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે અમારી નાવ સુકાન વિના ડગમગી ગઈ. આજે વિનાશ અમારી સામે તાકીને જુએ છે. અમે ભુંસાઈ જશું એની અમને ચિંતા નથી પણ તમે જે પાકિસ્તાન બનાવ્યું છે તેમાં રહેતા લોકો માટે રહેવાલાયક બને તોય ઘણું. અફસોસની વાત છે કે આજે જે દેખાય છે તેનાથી એવી આશા પણ નથી બંધાતી.”

કરાચી કૉન્ફરન્સે મુસ્લિમ લીગના બે ભાગ પાડવાનો પણ નિર્ણય લીધોઃ પાકિસ્તાન મુસ્લિમ લીગ અને ઇંડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML). મદ્રાસ મુસ્લિમ લીગના પ્રમુખ મહંમદ ઇસ્માઈલને IUMLના પ્રમુખ બનાવાયા પરંતુ UPMLનાં બેગમ ઐજાઝ રસૂલ અને ઝેડ. એચ. લારીએ એની સામે વાંધો લીધો કે યૂ. પી.માં ૧૪ ટકા મુસ્લિમો છે અને મદ્રાસમાં માત્ર ૪ ટકા; એટલે નેતૃત્વ યૂ.પી.ને મળવું જોઈએ. પરંતુ યૂ. પી.ના જ બીજા જૂથે જિન્નાની દરખાસ્તને ટેકો આપ્યો. એ જૂથના નેતા સૈયદ રિઝવાનુલ્લાહે લખનઉ કૉન્ફરન્સ માટે મૌલાના આઝાદે સૂચવેલા એજન્ડાની પણ ટીકા કરી. આઝાદે કહ્યું હતું કે બધાં મુસ્લિમ રાજકીય સંગઠનો બંધ કરી દેવાં જોઈએ અને લખનઉ કૉન્ફરન્સમાં જે નિર્ણય લેવાય તે સૌને બંધનકર્તા રહેશે.

લખન્‍ઉ કૉન્ફરન્સમાં મૌલાના આઝાદે જાહેર કર્યું કે મુસ્લિમ લીગને વીંટી લેવી જોઈએ અને બધા મુસલમાનોએ કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. મુસ્લિમોનું નેતૃત્વ રાષ્ટ્રવાદી મુસ્લિમોના હાથમાં સોંપી દેવું જોઈએ. એમણે નિર્ભેળ ધર્મનિરપેક્ષ વલણ દેખાડતાં જમિયતુલ હિન્દ (JUH)ને પણ રાજકારણમાંથી ખસી જઈને માત્ર સામાજિક અને ધાર્મિક બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

JUHના કેટલાયે નેતાઓએ રમખાણો દરમિયાન બહુ સહન કર્યું હતું. મુસ્લિમ લીગના કટ્ટર વિરોધી અને એના કાર્યક્રમ વિરુદ્ધ લેખો લખનારા મૌલાના સઈદ મહંમદ સજ્જાદના આખા કુટુંબને ૧૯૪૬માં બિહારમાં થયેલા રમખાણમાં મોતને ઘાટે ઉતારી દેવાયું હતું. મૌલાના મદની અને મૌલાના હિફ્ઝુર રહેમાન સ્યોહારવી દિલ્હી, યૂ, પી. અને આખા ભારતમાં મુસલમાનોના પુનર્વાસ અને રાહતમાં લાગી ગયા. સ્યોહારવીને એ કપરા કાળમાં એમની સેવાઓ માટે ‘મુજાહિદે મિલ્લત’ (કોમના સૈનિક)નું બિરુદ મળ્યું.

રાષ્ટ્રવાદી મુસ્લિમોએ જાન્યુઆરી ૧૯૪૮માં ઝેડ. એચ. લારીને બંધારણસભામાં ચુંટાવ્યા. ત્યાં એમણે દાવો કર્યો કે તેઓ અપક્ષ તરીકે બેસશે. તે પછીના થોડા મહિનામાં યૂ. પી. મુસ્લિમ લીગના ઘણાખરા નેતા પાકિસ્તાન ચાલ્યા ગયા. નવાબ ઇસ્માઈલ ખાન જેવા નિવૃત્ત થઈ ગયા. બેગમ ઐજાઝ રસૂલ અને પીરપુરના રાજા કોંગ્રેસમાં જોડાઈ ગયાં અને લારી પોતે પણ બધું છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા.

બીજી બાજુ, લખનઉની બેઠકની પેટા ચૂટણીમાં હાફિઝ મુહંમદ ઇબ્રાહિમે મુસલમાનોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી. એમણે કહ્યું કે મુસલમાનો લોકશાહીને મજબૂત બનાવવા માગતા હોય તો એમણે કોંગ્રેસને મત આપવો જોઈએ, નહીંતર કેટલાક લોકો ભારતમાં હિન્દુ રાજ સ્થાપવા આતુર છે. આ ચૂંટણી વખતે ગાંધીજી ઉપવાસ પર હતા. મુસ્લિમ લીગે પોતાનો ઉમેદવાર ગાંધીજીનું જીવન બચાવવાના બહાને પાછો ખેંચી લીધો.

મુસ્લિમોની દેશભક્તિ કસોટીની એરણે

મુસલમાનો માટે આ દિવસો કેવા હતા તેનો સરસ ચિતાર સી. એમ.નઈમના પુસ્તકમાંથી મળે છે. નઈમ બારાબંકીના હતા એટલે બારાબંકીથી જ શરૂ કરીએ. બારાબંકીના મ્યુનિસિપલ બોર્ડના એક સભ્ય દિલદાર હુસેને ‘પાયોનિયર’ અખબારમાં મુસ્લિમોની નાજુક સ્થિતિ અને નવા ભારતમાં ગોઠવાવાના એમના પ્રયાસો વિશે લખ્યું – પાકિસ્તાનની માગણીને ટેકો આપવાની મેં ભૂલ કરી હતી તે હવે મને બરાબર સમજાય છે. અલ્લાહ અને ભારતીય રાષ્ટ્ર મને માફ કરે. હું અત્યંત ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લઉં છું કે હું આપણા રાજ્યભારત સંઘની સેવામાં કદી પણ કચાશ નહીં રહેવા દઉં. હું મારા ધર્મભાઈઓના શાણપણને અપીલ કરું છું અને એમને વિનંતિ કરું છું કે તેઓ કોંગ્રેસને સંપૂર્ણ સાથ આપે અને બે ઉદાત માણસો, મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુના હાથ મજબૂત બનાવે. તેઓ આજે આપણે પ્રચારેલી ટૂનૅશન થિયરીએ પહોંચાડેલા જખમો રુઝાવવાના કામમાં લાગેલા છે. હું મારા મુસલમાન ભાઈઓને આવતી ઈદ વખતે, ભારત સંઘના બીજા નાગરિકોની ભાવનાઓને ધ્યાનમાં લઈને અને આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોના પ્રાયશ્ચિત્ત તરીકે ગાયની કુરબાની દેવાની પણ વિનંતિ કરું છું.”

સ્થિતિ એવી ઊભી થઈ હતી કે મોટા ભાગે મુસલમાનોને પાંચમી કતારિયા માનવામાં આવતા હતા અને નવા રાષ્ટ્રનાં પ્રતીકો પ્રત્યે જાહેરમાં આદર દેખાડીને પોતાની નિષ્ઠા સાબીત કરવા એમને છડેચોક કહેવામાં આવતું હતું. ગોરખપુરની સરકારી જ્યૂબિલી હાઇસ્કૂલના ત્રણ મદદનીશ શિક્ષકોએ ૧૫મી ઑગસ્ટે રાષ્ટ્રધ્વજને સલામી ન આપતાં એમને નોટિસ આપવામાં આવી અને એમને સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં સલામી આપવાની બીજી તક આપવામાં આવી. ઈસ્ટર્ન ઇંડિયા રેલવેઝના ૨૦૦ મુસ્લિમ કર્મચારીઓ પાકિસ્તાન ગયા હતા પણ હવે પાછા આવવા માગતા હતા. એમણે જાહેરમાં પ્રતિજ્ઞા લીધી કે તેઓ દેશની સેવાને સમર્પિત થશે અને એમાં કોમવાદનો અંશ પણ નહીં હોય. જો કે એમની વિનંતિ સરકારે માની કે નહીં તે જાણી શકાયું નથી. પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખો પર થતા અત્યાચારો વિરુદ્ધ કેટલાયે પ્રાંતોના મુસલમાનોએ ઠરાવો પસાર કર્યા. બનારસમાં એક જાહેર સભામાં હિન્દુઓ અને શીખો માટે પાકિસ્તાનને ‘ગુલિસ્તાં’ બનાવી દેવાની માગણી કરવામાં આવી.

મુસલમાનો પર શંકાઓ રાખવાના આ વલણની ટીકા કરતાં મુસ્લિમ લીગના નેતા બાગપતના નવાબ જમશેદ અલી ખાને કહ્યું કે લોકમત લેવાય તો ખબર પડી જશે કે યૂ. પી.ના મુસલમાનોને પાકિસ્તાન જવાની ઇચ્છા જ નથી. મુસ્લિમ લીગના પ્રથમ પંક્તિના નેતા નવાબ ઇસ્માઈલ ખાન હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બની ગયા હતા. એમણે “ભારતીય રાજ્ય અને એના બંધારણ પ્રત્યે વફાદારી”ના સોગંદ લીધા, પણ તે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે “ આ વફાદારી સ્વાભિમાની અને મુક્ત નાગરિક તરીકે હશે, ખરીદેલા ગુલામ તરીકે નહીં.” એમણે વાઇસ ચાન્સેલર તરીકે યુનિવર્સિટી અને એના વિદ્યાર્થીઓએ નવા ભારત માટે શું કરવાનું છે તેનો પણ ખ્યાલ આપ્યોઃ આપણે સદ્ભાવના અને બિરાદરીનું વાતાવરણ તૈયાર કરવું પડશે કે જેથી આપણા ઉદ્દેશો અને લક્ષ્યો વિશે એમની શંકાઓ દૂર થાય. મારો દૃઢ મત છે કે યુનિવર્સિટીમાંથી રાજકારણને સંપૂર્ણપણે કાઢવું પડશે…(મુસલમાનો માટે) છૂટછાટો હતી તે નાબૂદ થઈ છે પણ શુદ્ધ નુકસાન હોય અને કદાચ છૂપા આશીર્વાદ પણ હોય; એનાથી આપણે આત્મનિર્ભર બની શકીએ છીએહવે આપણે આપણા નસીબ(પગ?) પર ઊભા રહેતાં શીખવું પડશે.”

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર મહંમદ હબીબે (ઇતિહાસકાર ઇરફાન હબીબના પિતા) પણ એમાં સૂર મિલાવ્યો. એમણે કહ્યું કે યૂ. પી.ના મુસલમાનોને ૧૯૪૫માં લીગને મત આપવાનો ભારે પસ્તાવો છે અને એનાં પરિણામ જોઈને હેબતાઈ ગયા છે. હિન્દુસ્તાની ઇસ્લામ એક હતો, પણ એક પેઢી કરતાં ઓછા સમયમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાનના મુસલમાનો ફારસીઓ અને તુર્કોની જેમ એકબીજાથી તદ્દન જુદા થઈ જશે. એમણે ઉમેર્યું કે આપણે મધ્યયુગની મુસ્લિમ સભ્યતાના વારસ છીએ અને આપણે સભ્યતા વિનાના દેશમાં જવા તૈયાર નથી જ્યાં ઇસ્લામમાંની નિષ્ઠાનો આરંભ અને અંત હિન્દુ ધર્મના તિરસ્કારથી થાય છે.

આજનું પાકિસ્તાન અને જિન્નાની ભૂમિકા

યુક્ત પ્રાંતના મુસલમાનોમાં આમ ફફડાટ હતો ત્યારે ઉત્તર ભારતમાંથી પાકિસ્તાન ગયેલામુહાજિરો ત્યાં સત્તા અને પ્રભાવનાં સૂત્રો સંભાળી લીધાં હતા. પાકિસ્તાનની કથા મુહાજિરોની ભૂમિકાની ચર્ચા વિના અધૂરી રહેશે. પરંતુ કાયદેઆઝમ મહંમદ અલી જિન્ના પોતે ભલે ઉત્તર ભારતના હોવાથી મુહાજિર નહોતા પરંતુ સત્ય છે કે તેઓ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાંથી નહોતા ગયા, મુંબઈથી ગયા હતા. એટલે પશ્ચિમ પંજાબ કે પૂર્વ બંગાળના કોઈ નેતા કરતાં બહારથે ગયેલા કોઈ નેતાની ભૂમિકા વિશે ચર્ચા કરવાનું વધારે રસપ્રદ છે. તો શરૂ કરીએ પાકિસ્તાનની આજની નીતિઓમાં જિન્નાની ભૂમિકાની ચર્ચા.

પણ આજે નહીં, આવતા સોમવારે

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૨ :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: