“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (19)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

અંતની શરૂઆત ()

યૂ. પી.માંથી મુસ્લિમ હોમલૅન્ડ અલગ આપો!

યુક્ત પ્રાંતની મુસ્લિમ લીગે હવે નવી વાસ્તવિકતાનો સામનો કરવાનો હતો. આ પ્રાંતના મુસલમાનોએ હિન્દુસ્તાનમાં જ રહેવાનું હતું તે નક્કી થઈ ચૂક્યું હતું. યૂ. પી. લીગના પ્રમુખ નવાબ ઇસ્માઈલ ખાને એક સમિતિ નીમી અને માગણી કરી કે રોહિલખંડ (બરેલી, બિજનૌર, બદાયું અને મોરાદાબાદ જિલ્લાઓ) અને મેરઠ તેમ જ આસપાસના પ્રદેશોમાં અછૂતો અને મુસલમાનોની કુલ વસ્તી સવર્ણ હિન્દુઓ કરતાં વધારે હોવાથી આ પ્રદેશને ‘મુસ્લિમ હોમલૅન્ડ’ તરીકે સ્વાયત્તતા આપવી જોઈએ. લીગના એક નેતાએ દાવો કર્યો કે રાષ્ટ્રવાદી મુસ્લિમોએ એમને આવી બાંયધરી આપી હતી.

હિન્દુસ્તાનમાં એક મધ્ય પાકિસ્તાન બનાવો!

મુસ્લિમ લીગની અંદરના સમાજવાદીઓએ પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનને જોડવા માટે એક પટ્ટો – મધ્ય પાકિસ્તાન – બનાવવાની પણ માગણી કરી, તો એસ. એમ રિઝવાનુલ્લાહે માગણી કરી કે પંજાબ અને બંગાળના ભાગલા કરવાના હોય તો હિન્દુસ્તાનની અંદર રોહિલખંડ અને લખનઉને ભેળવીને અલગ સ્વાયત્ત મુસ્લિમ રાજ્ય બનાવવું જોઈએ. અવધના પદભ્રષ્ટ નવાબ વાજિદ અલી શાહના પૌત્ર પણ એમનું રાજ્ય પાછું આપવાની માંગ સાથે આગળ આવ્યા. પ્રિન્સ યૂસુફ મિર્ઝાએ આના માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવાની તૈયારી દેખાડી.

મોપલાસ્તાન અને દ્રવિડસ્તાન

આવી જ બીજી માગણીઓ દક્ષિણ ભારતમાંથી પણ ઊઠી. મદ્રાસ મુસ્લિમ લીગના પ્રમુખ મહમ્મદ ઇસ્માઈલે મોપલાસ્તાનની માગણી કરી. એમણે કહ્યું કે મોપલાસ્તાન કોચીન અથવા યુરોપના કોઈ પણ રાજ્ય કરતાં મોટું રાજ્ય બનશે. એની પંદર લાખની વસ્તીમાંથી નવ લાખ મોપલા છે. પરંતુ એમની આ માગણી દ્રવિડ ફેડરેશનના સ્થાપક પેરિયાર ઈ. વી. રામસ્વામી નાઇકરની માગણીને કાપતી હતી. પેરિયારે દ્રવિડસ્તાનની માગણી કરી હતી અને એમાં હૈદરાબાદ અને ત્રાવણકોરને સામેલ કરવાનું સૂચવ્યું હતું.

સેંટ્રલ પ્રોવિન્સની લીગ ભારત તરફપણ દિલ્હી?

પરંતુ સેન્ટ્રલ પ્રોવિન્સ અને બેરારના મુસ્લિમ લીગના નેતાએ નિઝામનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ ભારત સરકારને વફાદાર રહેશે અને સ્વતંત્રતા દિનની ઊજવણીમાં પણ ભાગ લેશે. બીજી બાજુ દિલ્હીના કેટલાક મુસ્લિમોએ દિલ્હીને પાકિસ્તાનમાં ભેળવવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો. એમનું કહેવું હતું કે દિલ્હીની દસ લાખની વસ્તીમાંથી સાડાચાર લાખ મુસલમાન હતા. શીખો અને અછૂતોને બાદ કરો તો સવર્ણ હિન્દુઓ માત્ર ચાર લાખ હતા. ઠરાવમાં કહ્યું કે દિલ્હી સાતસો વર્ષથી મુસ્લિમ રાજસત્તાનું કેન્દ્ર રહી છે અને અહીં ૨૨ મુસ્લિમ સંતોની મઝારો છે એટલે દિલ્હીને બિનમુસ્લિમ શાસકોના હાથમાં ન રહેવા દઈ શકાય.

સિંધી હિન્દુઓ

સિંધી હિન્દુઓ પણ પાછળ ન રહ્યા. એમણે સિંધના ભાગલા પાડવાની માગણી કરી. એમણે સિંધના હૈદરાબાદ, થરપારકર અને કરાચીના અમુક ભાગને જોધપુર રાજ્યમાં જોડવાનું અને બાકીના સિંધને બલુચિસ્તાનમાં ભેળવી દેવાની દરખાસ્ત રજૂ કરી.

યૂ. પી.ના લીગીઓ નીતિ બદલે છે

ભારતમાંથી અંગ્રેજોની વિદાયના દિવસો નજીક આવતા ગયા તેમ યુક્ત પ્રાંતની મુસ્લિમ લીગમાં ખેંચતાણ વધી ગઈ. પહેલાં પંત સરકારે ‘ગાંવ હકુમત’ બિલ રજૂ કર્યું હતું ત્યારે લીગે એનો જોરદાર વિરોધ કર્યો હતો કારણ કે એમાં હિન્દુઓ અને મુસલમાનો માટે અલગ પ્રતિનિધિત્વ નહોતું. પરંતુ હવે લીગના એક ધારાસભ્ય એહતેશામ મહંમદ અલીએ લીગની નીતિથી વેગળા થઈને સંયુક્ત મતદાર પદ્ધતિને ટેકો આપ્યો. લીગના નેતા ખલિકુઝ્ઝમાને એમને તરત જ બરતરફ કરી દીધા. તે પછી આ બાબતમાં ચર્ચા કરવા પચાસ આગેવનોની બેઠક મળી પણ ઉલટું, તેમાં લીગની નીતિઓને નવી દિશા આપવાની પ્રબળ માંગ થઈ.

તે પછી ખલિકુઝ્ઝમાન પોતે જ બંધારણસભાના સભ્ય બન્યા અને એમણે બધાને દેશના ભવિશ્ય માટે કામ કરવા અને છેલ્લા થોડા મહિના દરમિયાન પેદા થયેલી કડવાશને ભૂલી જવા અપીલ કરી. યૂ. પી. મુસ્લિમ લીગે પણ ૨-૩ ઑગસ્ટે ઠરાવ કરીને સ્વાતંત્ર્ય દિનની ઊજવણીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો!

મુસ્લિમ લીગ ગળાડૂબ સંકટમાં

યૂ. પી.મુસ્લિમ લીગના ડાબેરી નેતા અને ગોરખપુરના ધારાસભ્ય ઝેડ. એચ. લારીએ જાહેર કર્યું કે મુસ્લિમ લીગે હવે એક ‘રાજકીય પક્ષ’ મટી જઈને હિન્દુસ્તાની મુસલમાનોના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ. ‘વંદે માતરમ’ વિશેના વિવાદ પર લારીએ કહ્યું કે એમણે આ રાષ્ટ્રીય ગીતની પહેલી બે કડીઓ અનેક વાર વાંચી છે અને એમાં ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ કંઈ નથી. આ બાબતમાં ખોટો ઝઘડો ઊભો કરવામાં આવ્યો છે.

લારીએ કહ્યું કે યૂ. પી.ના મુસલમાનો એમના આત્મનિર્ણયના અધિકારની વાત કરતા હતા તે વખતે પણ હિન્દુસ્તાનને જ માદરેવતન માનતા હતા અને પાકિસ્તાનના નાગરિક બનવાની ઇચ્છા એમણે કદીયે રાખી નહોતી.

ગોબિંદ બલ્લભ પંતે મુસ્લિમોની સુરક્ષાની બધી ખાતરી આપી, પણ યૂ. પી. કોંગ્રેસે મુસલમાનો પાસેથી છડેચોક સંપૂર્ણ વફાદારીની બાંયધરી માગી અને કહ્યું કે પાકિસ્તાન સાથે લડાઈ થાય તો પણ એમણે હિન્દુસ્તાનને વફાદાર રહેવું પડશે. મુખ્ય પ્રધાન પંતે પણ ચેતવણી આપી કે હિન્દુસ્તાનમાં એક પણ પાંચમી કતારિયો હશે તેને અમે સાંખી નહીં લઈએ અને જેમને હિન્દુસ્તાનના રાજ્ય પ્રત્યે વફાદારી જાહેર કરવામાં વાંધો હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય તે સારું થશે.”

યૂ. પી. સરકારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો રોકવા માટે ત્યાં જઈને મુસલમાનોને સમજાવવાની જવાબદારી પણ યૂ. પી.ના મુસ્લિમ નેતાઓને શિરે નાખી. તે પછી સૈયદ રિઝવાનુલ્લાહની રાહબરી હેઠળ એક શાંતિ મિશન પાકિસ્તાન ગયું અને ત્યાં એમણે પાકિસ્તાનને લઘુમતીઓ માટે સલામત બનાવવા અપીલ કરી.

બીજી બાજુ પૂર્વ પંજાબમાંથી પાકિસ્તાન જનારાનો ધસારો એટલો બધો હતો કે લિયાકત અલી ખાને ચોખ્ખા શબ્દોમાં જાહેરાત કરી કે દિલ્હી, પશ્ચિમ યૂ. પી. અને પૂર્વ પંજાબની બહારના બીજા પ્રદેશોના મુસલમાનોના સ્થળાંતરનો પાકિસ્તાન સખત વિરોધ કરે છે. યૂ. પી.ના મુસલમાનો માટે આ મોટા ફટકા જેવું હતું.

આમ છતાં, યૂ. પી.ની પ્રાંતિક ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગના નેતા, હિન્દુસ્તાનની બંધારણ સભાના સભ્ય ખલિકુઝ્ઝમાન અને બીજા નેતાઓ યૂ. પી.ના સામાન્ય મુસલમાનોનો સાથ છોડીને પાકિસ્તાન પહોંચી ગયા! આ ઉચ્ચ વર્ગના મુસ્લિમ નેતાઓના દૃષ્ટિકોણનું સચોટ ઉદાહરણ બેગમ રાના લિયાકત અલી ખાનના એક નિવેદનમાંથી મળે છે. એમણે કહ્યું કે એમના પતિએ પાકિસ્તાન માટે નાણાકીય ત્યાગ પણ કર્યો છે અને તો પણ હિન્દુસ્તાનમાં એશઆરામથી રહેવા કરતાં પાકિસ્તાનમાં ભીખ પર જીવવા હું તૈયાર છું. (વિશેષઃ બેગમ રાનાનો જન્મ અલ્મોડામાં થયો હતો. એમના પિતા બ્રિટિશ આર્મીના એક સીનિયર ઑફિસર હતા અને મૂળ બ્રાહ્મણ પણ ખ્રિસ્તી થઈ ગયા હતા. રાનાનું મૂળ નામ શીલા આઇરીન પંત હતું).

આની સામે કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો. ઍસેમ્બલીમાં ઝાંસીના ધારાસભ્ય આર. વી. ધૂલેકરે મુસ્લિમ લીગના સભ્યોને હિન્દુસ્તાનની નાગરિકતા છોડીને પાકિસ્તાન ચાલ્યા જવા કહ્યું. ચૌધરી ચરણ સિંહે (એ વખતના યૂ.પી. સરકારના સંસદીય સચિવ, જે પછી વડા પ્રધાન બન્યા) કહ્યું, ધર્મના આધારે ભારતમાતાના ભાગલા પડ્યા તેનો અનિવાર્ય તર્ક છે કે સમસ્યાના બે શાંતિપૂર્ણ ઉકેલ છે, વસ્તીની અદલાબદલી અથવા મુસ્લિમ લીગીઓ ચોખ્ખા શબ્દોમાં વિના શરતે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને વખોડે અને બે ડૉમિનિયનોને ફરી જોડવા માટે સક્રિય અને જોશભેર આંદોલન ચલાવે. વચ્ચેનો કોઈ રસ્તો નથી. તે સિવાય આપણા નહેરુઓ અને પંતો ગમે તેટલી મથામણ કરે, કમનસીબ દેશમાં શાંતિ નહીં સ્થપાય.”

કોંગ્રેસ પ્રમુખ પુરુષોત્તમ દાસ ટંડને કહ્યું કે આજકાલ મુસ્લિમ લીગીઓ છૂટથી અને વારંવાર વફાદારીના સોગંદ લે છે પણ રીતે તેઓ કોંગ્રેસને મૂર્ખ નહીં બનાવી શકે. એમનો એકમાત્ર ઉદ્દેશ લાગે છે કે પાછલે બારણેથી કોંગ્રેસમાં ઘૂસવું અને વહીવટમાં ભાગીદાર બનવું. “હું લીગીઓને કહેવા માગું છું કે ઘૂસણખોરીની તમારી તરકીબો ચાલવાની નથી. અમને ખબર છે કે તમે હંમેશાં દેશને દગો આપ્યો છે, તમે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે, એટલે અમે તમને તમારે લાયક જગ્યા આપશું.”

આંબેડકરનો રોષ

મુસ્લિમ લીગ સામે ડૉ. આંબેડકરનો પણ રોષ વરસ્યો. પાકિસ્તાન સરકારે દલિતો હિન્દુસ્તાન આવવા માગતા હતા પણ એમને રોકી લીધા. પાકિસ્તાન સરકારે કહ્યું કે એ લોકો ચાલ્યા જશે તો પાકિસ્તાનમાં શહેરોની સફાઈસેવાઓ, સંડાસો સાફ કરવાની સેવાઓ ખોરવાઈ જશે. આંબેડકરે પાકિસ્તાન અને હૈદરાબાદના નિઝામની દલિતો સામે હિંસાચાર અને એમને ધર્મ પરિવર્તન માટે ફરજ પાડવાના પ્રયાસો માટે ઝાટકણી કાઢી. નોંધવા જેવું એ છે કે, એમણે હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવાનું કામ તરત કરવા આગ્રહ કર્યો. એમણે કહ્યું કે ભારતની ભૌગોલિક એકતા અનિર્બાધ છે અને એની સાથે ચેડાં કરવાની કોઈ પણ રજવાડાને છૂટ આપી શકાય.”

જિન્ના મુસ્લિમ લીગના બળતા ઘરમાં ઘી હોમે છે

મુસ્લિમ લીગનું ઘર ભડકે બળતું હતું, તેમાં જિન્નાએ ઘી હોમ્યું. યૂ. પી.માં થયેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો વિશે એમણે ગોબિંદ બલ્લભ પંતને તાર મોકલીને વિગતો માગી. પંત ભારે રોષે ભરાયા. એમણે જિન્નાને કહી દીધું કે આ બહારની દખલ છે. જિન્નાના તારને કારણે મુસ્લિમ લીગ માટે મુશ્કેલીઓ વધી. કોંગ્રેસમાં અનેક અવાજો ઊઠવા લાગ્યા કે હવે તો લીગને દફનાવી જ દો!

મુસ્લિમ લીગનો અંતકાળ નજીક આવતો હતો. છેલ્લા શ્વાસ ચાલતા હતા. આની વિગતો આવતી કાલે જોઈશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૧ :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિજણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: